તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યંગરંગ:ઓસ્ટ્રેલિયન ઉંદર

ડો. પ્રકાશ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ઉંદરને એવાં શું દુઃખ પડ્યાં?’ ‘અરે ભાઈ, દુઃખ ઉંદરને નથી પડ્યાં. ઉંદરને લીધે અમને પડ્યાં છે.’

હમણાં એક અખબારમાં સમાચાર વાંચ્યા કે ઓસ્ટ્રેલિયામાં ઉંદરોનો ત્રાસ વધી જતા ત્યાંની સરકારે ભારત પાસે પાંચ હજાર લીટર ઝેર મંગાવ્યું. આ સમાચાર વાંચીને એક વિચાર આવ્યો કે બંને દેશના અધિકારીઓ વચ્ચે ઝેરના વેપાર બાબતે ટેલિફોન પર શું વાત થઈ હશે? કલ્પના કરતા એવું લાગે છે કે બંને અધિકારીઓ વચ્ચે આવી કંઈક વાત થઈ હશે:‘હેલ્લો, હું ઓસ્ટ્રેલિયાથી બોલું છું.’ ‘નમસ્તે, બોલો, હું ભારતથી બોલું છું.’ ‘સાહેબ, શું વાત કરું? અમે તો મુંઝાઈ ગયા છીએ.’ ‘કેમ? એવાં તે વળી શું દુઃખ પડ્યાં?’ ‘દુઃખની તો શું વાત કરું બ્રધર, તમારા પર આશા રાખીને બેઠા છીએ.’ ‘ઓહ, તમારાં દુઃખમાં અમે કઈ રીતે મદદ કરી શકીએ?’ ‘તમે ધારો તો મદદ કરી શકો એમ છો, મિસ્ટર!’ ‘બોલો ને, શેની જરૂર છે?’ ‘ઝેરની.’ ‘અરે, અરે, ભાઈ સવાર-સવારમાં એવું ન બોલો.’ ‘પણ બ્રધર, અમારી સમસ્યાનો ઉકેલ ઝેરમાં જ છે.’ ‘જો ભાઈ, દુઃખ તો આવે ને જાય. એમાં નાસીપાસ ન થઈ જવાય.’ ‘મતલબ કે તમે અમને મદદ નહીં કરો એમ ને?’ ‘મદદની ક્યાં ના પાડી ભાઈ, પણ આવા કામમાં મદદ કેમ કરવી? છતાં કહો છો તો એક શીશી ઝેરની મોકલી આપીશ.’ ‘અરે બ્રધર, એક શીશી ઝેર નથી જોઈતું.’ ‘તો કેટલું જોઈએ છે?’ ‘પાંચ હજાર લીટર.’ ‘પાંચ હજાર લીટર ઝેર? તમારે પીવું છે કે નહાવું છે કે હોજ બનાવી તરવું છે?’ ‘અરે બ્રધર, મારા માટે નથી જોઈતું, ઉંદર માટે જોઈએ છે.’ ‘લે, ઉંદર માટે? ઉંદરને એવાં શું દુઃખ પડ્યાં?’ ‘અરે ભાઈ, દુઃખ ઉંદરને નથી પડ્યાં. ઉંદરને લીધે અમને પડ્યાં છે.’ ‘તમે શું કહો છો એ કંઈ સમજાતું નથી ભાઈ! ચોખ્ખું કહો કે ઝેરનું શું કરવું છે?’ ‘બ્રધર, ગુસ્સો ન કરો. અમારે ત્યાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. ખેતીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉંદરો અમારી સ્કૂલોમાં અને દવાખાનાઓમાં ઘૂસી ગયા છે.’ ‘ઓહોહો… અમારા જેવું જ..?’ ‘એ તમને ખબર, પણ આ ત્રાસમાંથી છૂટવા અમારે ઉંદરોને ઝેર આપવું પડે એમ છે.’ ‘ઓકે, ઓકે… એમ કહો ને ત્યારે, ડાયરેક્ટ મોકલી આપું કે પહેલાં નમૂનાનું ચાખવા પૂરતું જ મોકલું?’ ‘બધું એકસાથે જ મોકલી આપો.’ ‘સરસ ભાઈ, અમારે ત્યાં કહેવત છે કે ઝેરનાં પારખાં ન હોય.’ ‘ભલે… તો ક્યારે મોકલશો?’ ‘એક-બે દિવસમાં જ રવાના કરું છું, પણ એક ખાસ વિનંતી કરવાની છે.’ ‘શું?’ ‘અમે તમને ઝેર મોકલવાનાં છીએ એ વાતની આપણા બે સિવાય કોઈને ખબર પડવી ન જોઈએ. અખબાર કે ટીવીમાં આ સમાચાર ન આવવા જોઈએ.’ ‘લે, કેમ વળી? આપણે ક્યાં કશુંય ગેરકાયદે કરવું છે? આ તો વેપાર છે.’ ‘એ બધું બરાબર ભાઈ, પણ અમારે અહીંના ઉંદરડાઓને આ વાતની ખબર પડશે તો તમારા ઉંદરડાઓને ફોન કરી કહી દેશે. તમારા ઉંદરડાઓ સાવચેત થઈ જશે તો તમારી યોજના નિષ્ફળ જશે.’ ‘ઓકે, ઓકે બ્રધર… સમજી ગયો. થેન્ક યુ. બાય.’⬛

અન્ય સમાચારો પણ છે...