સમયના હસ્તાક્ષર:પાંચ પડકારોની વચ્ચે આવે છે પંદરમી ઓગસ્ટ!

2 વર્ષ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • ભાષા, સમુદાય, પ્રદેશ, સંપ્રદાયના નામે એકબીજાની સામે પડવાની બીમારી આપણી મૂળભૂત નબળાઈ છે. વ્યવસ્થાની સાથે વ્યક્તિને બદલવાનો મોટો પડકાર છે!

બે દિવસ પછી પાકિસ્તાન 14મી ઓગસ્ટે અને ભારત 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. 1947માં લોર્ડ માઉન્ટબેટનની ઈચ્છા તો એવી હતી કે બંને દેશોના ગવર્નર જનરલ તરીકે રહેવું અને દેશની સોંપણી કરવી. ‘ટ્રાન્સફર ઓફ પાવર્સ’ના દળદાર થોથાંમાં એ દિવસોની કહાણી પડી છે. બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાએ ઘસીને ના પાડી દીધી કે અત્યારે લોર્ડ-ફોર્ડની જરૂરત નથી. ભારતે માઉન્ટબેટનને હા પાડી અને ‘ડોમિનિયન સ્ટેટ’ સોંપાયું તે રાત્રે જવાહરલાલ નેહરુ પ્રથમ વડાપ્રધાન થયા પહેલાં સી. રાજગોપાલાચારી અને પછી રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્રપ્રસાદ આવ્યા. વિભાજનથી બે દેશ તો અસ્તિત્વમાં આવ્યા, પણ તેમની વચ્ચે છત્રીસનો આંક કાયમ રહ્યો. અધૂરામાં પૂરું કાશ્મીર પર હુમલો કરીને ‘પાક અધિકૃત કાશ્મીર’નો ટુકડો પચાવી પાડ્યો અને બાકીના કાશ્મીર પર યુનો સુધી દાવો ચાલુ રાખ્યો છે. ‘વિભાજનની ગુનેગારી’થી ભારત-પાકિસ્તાનની રાજનીતિનો પ્રારંભ થાય છે. જિન્નાહ મૂળભૂત કટ્ટરવાદી નહોતા, પણ આ ખેલ જ તેના ‘કાઈદે આઝમ’ પદની સાર્થકતા આપશે એવું લાગતાં કોંગ્રેસને છોડી. એક જમાનામાં મંચ પર ‘વંદે માતરમ્’ ગાનારા, ગાંધી-સમર્થિત ખિલાફતને ‘આફત’ કહેનારા, લોકમાન્ય ટિળકનો મુકદમો લડનારા, કોંગ્રેસ માત્ર ‘હિન્દુ પોલિટિકલ પાર્ટી’ છે એવું કહેનારા, અલામા ઈકબાલની ‘પાકિસ્તાન’ પરિકલ્પનાને બેવકૂફી ગણનારા જિન્નાહ પોતે જ ભારત વિભાજનનું કારણ બન્યા. છેલ્લા દિવસોમાં તેમને પોતાના પ્રિય મુંબઈ સ્થિત ‘જિન્નાહ હાઉસ’માં રહેવું હતું, એમ તે સમયના ઈતિહાસકારોએ નોંધ્યું છે. પણ એવું ના બન્યું. ડો. રામમનોહર લોહિયા અને મૌલાના અબુલ કલામ આઝાદનાં બે પુસ્તકો વિભાજનનાં રાજકારણ સંદર્ભે વાંચવા જેવાં છે. આઝાદે ‘ઈન્ડિયા વીન્સ ધ ફ્રીડમ’ લખ્યું અને પોતાના મૃત્યુ પછી જ પ્રકાશિત કરવાનું જણાવ્યું હતું. જ્યારે લોહિયાએ ‘ગિલ્ટીમેન ઓફ 47’ લખીને મૌલાનાના અભિપ્રાયોનો છેદ ઊડાવ્યો! 1947થી 2021. ત્રણ દિવસ પછી ભારત આઝાદી દિવસ મનાવશે. લાલ કિલ્લા પરથી ફરીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગું પ્રવચન થશે. સામે બેઠેલાઓમાં કોરોના સામે લડનારા ‘યોદ્ધાઓ’ અને ઓલિમ્પિકમાં વિજેતા રમતવીરો પણ હશે. ‘આઝાદી કા અમૃત ઉત્સવ’નો પ્રારંભ દેશ આખામાં થઈ ચૂક્યો તેમાં દેશની સ્વતંત્રતા માટે આહુતિ આપનારાઓની સ્મૃતિ તાજી કરાઈ રહી છે. 1857થી 1947 સુધીમાં સશસ્ત્ર સ્વતંત્રતા જંગમાં બલિદાન આપનારાઓની સંખ્યા 6 લાખની છે. અશોક મહેતા-અચ્યુત પટવર્ધનના પુસ્તક ‘હિન્દનો કોમી િત્રકોણ’માં દર્શાવાયું છે કે એકલા 1857માં અઢીથી ત્રણ લાખ મર્યાં હતાં! આઝાદ હિન્દ ફોજના બર્મા મોરચે 17,000 સૈનિકો માર્યા ગયા. ‘ગદર’ ચળવળથી રંગાયેલા પંજાબનું એકેય ગામ એવું નથી કે જ્યાં એકાદને ફાંસી આપવામાં આવી ન હોય. અરે, ગુજરાતમાં પણ 10,000 સામાન્ય લોકો મોતને ભેટ્યાં, 100 ગામડાં બળીને ખાક થયાં, 9 સમરવીરોને આંદામાનની કાળકોટડીમાં પગમાં દંડા બેડી સાથે સજા થઈ. છગન ખેરાજ વર્મા છેક સિંગાપુરમાં ફાંસીના તખ્તે ચડેલો ગુજરાતી પત્રકાર અને સુરતમાં જેને ફાંસી મળી તેવા બે મુસ્લિમો, એક 1857નો સઆદત અલી અને બીજો 1914ની ‘ગદર’ ચળવળનો ઈસ્માઈલ મનસૂર. 2021માં આ બધું યાદ કરવાનું નિમિત્ત આપણી સમક્ષના પડકારો ઝીલવા માટેના નિશ્ચય માટે હોવું જોઈએ. કયા પડકારો છે આ? એક તો આપણી દેશ તરીકેની અખંડતા અને સાર્વભૌમત્વ. ઈઝરાયેલની જેમ આપણે પણ પડોશમાં બે મોટા દુશ્મનોને સહન કર્યા છે. બીજો, સુરક્ષા માટેનો પડકાર આંતરિક છે. વિદેશી શક્તિઓના આધારે દેશમાં અલગાવ અને હિંસાનો ખેલ ચાલી રહ્યો છે. નક્સલ, મજહબી સંગઠનો, આતંકવાદીઓ અને અમુક અંશે કેટલાક કહેવાતાં ‘લિબરલ્સ’ તેમાં એક યા બીજી રીતે સામેલ છે. ત્રીજો પડકાર આંતરિક એકતાનો. ભાષા, સમુદાય, પ્રદેશ, સંપ્રદાયના નામે એકબીજાની સામે પડવાની બીમારી આપણી મૂળભૂત નબળાઈ છે. અને ચોથો, જો સંસદીય લોકતંત્ર બચાવવું હોય તો હાલની ચૂંટણીપ્રથા બિલકુલ ચાલે તેમ નથી. જુઓને, સંસદની શી હાલત છે? વિધાનસભાઓમાં પણ તેવાં વરવાં દૃશ્યો! આનું કારણ આ ચૂંટણીપ્રથા છે, જેણે ‘જીતી શકે તેવા’ ઉમેદવારની લાલચમાં નાત, જાત, નાણાં, ગુંડાગર્દીને કેન્દ્રમાં રાખ્યાં. ‘ભારતીય નાગરિક’ તો સોગંદવિધિ પૂરતાં! અને આપણી પોતાની જાગૃતિ, જેને વેદકાલીનો પણ પારખી ગયા હતા તે ‘રાષ્ટ્રે જાગૃયામ વયમ’ એ પાંચમો પડકાર. અને છેલ્લું પણ સૌથી વધુ મહત્ત્વનું : એકલી વ્યવસ્થાથી નહીં ચાલે, વ્યવસ્થાની સાથે વ્યક્તિને પણ બદલવાનો મોટો પડકાર છે! { vpandya149@gmail.com