તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:આથમતા સૂર્યનું અજવાળું માણીએ

ડૉ. પ્રશાંત ભીમાણી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘ડોક્ટર, કોઇને કહીએ તો નવાઇ લાગે, પણ એક જમાનાના લોકોના લીડર એવા મારા નવનીતકાકાની હાલત અત્યારે સાવ બદલાઇ ગઇ છે. પોતે એમના જમાનાના મજબૂત બિઝનેસમેન હતા. એમણે વર્ષો સુધી લોકસેવા કરી, પણ આ કોવિડમાં એમના મિત્રો એક પછી એક ગુજરી ગયા. એમણે આખી જિંદગી અમારાં બધાંનું ધ્યાન રાખ્યું છે. મારા પપ્પા વીસ વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. એમણે અમને સારી રીતે મોટા કરવા અપરિણીત રહેવાનું નક્કી કર્યું. એમણે બધાંની જિંદગી બનાવી, પણ અત્યારે એમની જિંદગીનું ઠેકાણું નથી.’ સુદેશભાઇએ વાત આગળ ચલાવી. ‘નવનીતકાકા અત્યારે સતત ઉદાસ દેખાય. આખો દિવસ તમને થાકેલા જ લાગે. કોઇને મળવાનું મન ન થાય. એકલા જ બેસી રહે. ટી.વી., મોબાઇલ છાપાં કશું જ નહીં. હીંચકા ઉપર બેસી રહે. પહેલાં તો હીંચકો ઝૂલાવતા, પણ હવે તો માત્ર બેસી જ રહે. બરાબર જમતા નથી. ભૂખ તો જાણે સાવ મરી જ ગઇ છે. એટલે એમનું વજન દસ-બાર કિલો ઉતરી ગયું છે. હંમેશાં એવું જ કહ્યા કરે છે, ‘હવે મારા દિવસો પૂરા થઇ ગયા છે.’ અમે કહીએ કે એવું કંઇ નથી તો ભયંકર ચીડાઇ જાય છે. ભૂલકણા પણ થઇ ગયા છે. જાણે કે એમના જીવનમાં એક પ્રકારનું અંધારું થઇ ગયું છે.’ સુદેશભાઇએ વાત પૂરી કરી. આમ જોવા જઇએ તો ભારત યુવાનોનો દેશ છે. તેમ છતાં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ અને હેલ્પએજ ઇન્ડિયાના અનુમાન અનુસાર આવનારાં પાંચ વર્ષમાં ભારતમાં 60 વર્ષ ઉપરનાં લોકોની સંખ્યા 17 કરોડ 30 લાખ જેટલી હશે. સંયુક્ત કુટુંબોનો ભવ્ય ઇતિહાસ ધરાવતા ભારતમાં હજુ પણ વડીલોને માન તો મળે છે તેમ છતાં ઘરડાં થવું એ પીડાદાયક પ્રક્રિયા છે. વધતી ઉંમર અને નજીક આવી રહેલું મૃત્યુ એ મોટાભાગનાં લોકો માટે શારીરિક અને માનસિક એમ બંને રીતે પડકારજનક બની રહે છે. શારીરિક નબળાઇ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો, હાડકાં, દૃષ્ટિ, શ્રવણ વગેરે નબળાં પડવા સામાન્ય સમસ્યાઓ છે, પણ સૌથી વિકટ પ્રશ્નો માનસિક હોય છે. અત્યારની ફાસ્ટ લાઇફમાં પરિવારના બધા સભ્યો સાથે રહેતા હોય કે અલગ, પોતપોતાની લાઇફમાં ખૂબ બિઝી થઇ ગયા છે. ઘણાં વડીલો ક્યાંક ને ક્યાંક પોતાની અવગણના થતી હોય એમ અનુભવે છે. નવનીતભાઇના કિસ્સામાં એકલતા એમની મુખ્ય સમસ્યા હતી. જ્યાં સુધી જવાબદારીમાં વ્યસ્ત રહ્યા ત્યાં સુધી કોઇ ખાસ વાંધો ન આવ્યો, પણ જેમ-જેમ એ જવાબદારીનો શૂન્યાવકાશ ઊભો થવા માંડ્યો એમ-એમ હતાશાને અવકાશ મળતો ગયો. પહેલાં બધાં નવનીતકાકાને પૂછીને પાણી પીતાં, હવે એમને કોઇ પૂછતું નથી એવું લાગતું. મોટી ઉંમરે થતું ડિપ્રેશન એમને ઘેરી વળ્યું હતું. આવા સંજોગોમાં પ્રથમ જનરલ મેડિકલ ચેકઅપ પછી સાઈકોથેરેપી અને કાઉન્સેલિંગ ખૂબ ઉપયોગી થાય છે. જીવન વિશેનો અભિગમ બદલવાથી અને બિનજરૂરી લાગણીઓને મેનેજ કરવાનું શીખવાથી ખૂબ ફાયદો થાય છે. શક્ય હોય તો પરિવારના સભ્યોએ આવા દર્દીઓ સાથે બેસીને અલક-મલકની ચર્ચા કરવી જોઇએ. સાંપ્રત ઘટનાઓ વિશે એમને અભિપ્રાય પૂછવાથી આત્મવિશ્વાસ અને રોજબરોજનાં જીવન સાથેની એમની પ્રસ્તુતી વધે છે. પોલિટિક્સ, ધર્મ કે ફિલ્મો વિશે ચર્ચા કરવાથી એમની એક પ્રકારની સામાજિક સારવાર જ થાય છે. કોઇ નાનાં બાળકોને વાર્તા કહેવાનું કે કંઇક નવું શીખવવાનું એમને ગમે છે. આવા કિસ્સામાં જૂના મિત્રોને શોધવા સોશિયલ મીડિયા ખરેખર લાભદાયી નીવડે છે. રોજિંદી નાની-નાની વાતોમાં પણ એમનાં સલાહ-સૂચન ચોક્કસ પ્રમાણભાન રાખીને પૂછવામાં આવે તો એ ખૂબ મદદરૂપ નીવડે છે. ટૂંકમાં, સારવાર સાથે આત્મગૌરવ અને સ્વીકૃતિનું પુનઃસ્થાપન થાય તો આવી સમસ્યા ઝડપથી ઉકેલાય. વિનિંગ સ્ટ્રોક ઃ આથમતો સૂર્ય પણ શાતા આપી શકે, એનું અજવાળું માણવા અલગ અભિગમ કેળવવો જરૂરી છે. ⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...