અંદાજે બયાં:અથ શ્રી સાંતાક્લોઝ કથા નાતાલનું નજરાણું

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ દરેક ગિફ્ટ પાછળ એક સરપ્રાઇઝ હોય છે (છેલવાણી) દર વરસે નાતાલ ને ન્યૂ યર આવે છે. એવામાં સાંતાક્લોઝ પણ બિચારો શું કરે? કેટલાં બાળકોના ખ્વાબ પૂરા કરે? કદાચ સાંતાક્લોઝ એટલે જ પરણ્યો નથી અને એને સંતાનો નથી, કારણ કે એને ખબર છે કે વરસમાં એકવાર બચ્ચાંઓનાં સપનાં પૂરાં કરવાં આસાન છે, પણ જો એને ખરેખર પોતાનાં બાળકો હોત તો એ પણ મધ્યમ વર્ગના માણસની જેમ રોજ રોજ ક્યાંથી સપનાં પૂરાં કરતાં? ખરું ને? એક ક્રિસમસની સાંજે ગરીબ ઘરમાં બાળકો ખૂબ ખુશ હતાં કે રાત્રે સાંતાક્લોઝ આવશે, ગિફ્ટ આપશે! એક ચમત્કાર, એક સરપ્રાઈઝ માટે એક ગરીબનાં બાળકો બે-ત્રણ દિવસથી ઉત્સાહમાં છે, પણ ઘરમાં બાપ બેકાર છે, મા પરેશાન છે ને જાણે છે કે આકાશમાંથી કોઈ સાંતાક્લોઝ અવતરીને બાળકોને ગિફ્ટ આપવા નહીં આવે! બાળકો માટે રમકડાંઓ તો બાપે જ બજારમાંથી લઈ આવવાનાં છે. ક્રિસમસની રાત નજીક આવતાં બાપનું ટેન્શન વધ્યું. ઘરમાં ખાવા માટે પૈસા નથી એવામાં ગિફ્ટઝ ક્યાંથી લાવશે? ક્રિસમસની સાંજે બાપને સમજાતું નથી કે શું કરે? બજાર બંધ થવાને હવે બે જ કલાક બચ્યા હતા, ગિફ્ટ ક્યાંથી લાવે? કંટાળેલા બાપે, કબાટમાંથી એક બંદૂક કાઢી અને ઘરની બહાર દોડી ગયો. બહારથી બંદૂકના ધડાકાનો અવાજ આવે છે. નક્કી પતિએ ગરીબીથી કંટાળીને આત્મહત્યા કરી હશે એમ ધારીને બાળકોની મા ચીસ પાડીને બહાર દોડે છે. બાળકો પણ હેબતાઇને બહાર દોડી આવે છે, પણ બાપ ઘરની બહાર જડ મૂર્તિની જેમ ઊભો છે, પણ એના હાથમાં બંદૂક નથી! અને પછી એ બાપ, બાળકોને ને પત્નીને કહે છે, ‘હમણાં જ આપણા ઘરની પાછળની ઝાડીઓમાં સાંતાક્લોઝે આત્મહત્યા કરી લીધી છે! હવે એ ગિફ્ટ આપવા ક્યારેય નહીં આવે! સોરી… બાળકો!’ બાળકો ચૂપચાપ ઘરમાં જઇને સૂઈ જાય છે. પેલા ગરીબ બાપે, બાળકોને શાંત કરવા સાંતાક્લોઝને મારી નાખ્યો! કદાચ એણે પોતાની જ અંદર રહેલા બાપ નામના નિષ્ફળ સાંતાક્લોઝની હત્યા કરી નાખી! આપણે સૌ નાનાં હોઈએ છીએ ત્યારે સાંતાક્લોઝનાં સપનાં જોઈએ છીએ. જેમ જેમ મોટાં કે બૂઢાં થઈએ છીએ એમ એમ આપણી અંદરનો સાંતાક્લોઝ થોડો થોડો મરતો જાય છે. ઇન્ટરવલ તો ફિર ચલ, બૈઠૈ ચર્ચ કે પીછે! (ગુલઝાર) એક બાળક એકવાર ગંદી ગાળ બોલ્યો એટલે મા એના પર ભડકીને પૂછે છે કે આ બધું તને કોણ શીખવે છે? ત્યારે બાળકે કહ્યું, ‘સાંતાક્લોઝે મને શીખવ્યું.' માને નવાઇ લાગી, ‘સાંતાક્લોઝે તને ગાળો શીખવી? એ કઇ રીતે?' તો છોકરાએ કહ્યું, ‘ક્રિસમસની રાત્રે હું અડધી ઊંઘમાં હતો. રાત્રે સાંતાક્લોઝ ચૂપચાપ મારા રૂમમાં ત્યાં ક્રિસમસ ટ્રી પાસે ગિફ્ટ મૂકવા આવ્યો. ખુરશીથી અથડાયો અને આવી ગાળો બોલ્યો! અને મને એ યાદ રહી ગઇ!' માને સમજાઇ ગયું કે ત્યાં અથડાઇને ગાળો બોલનાર બીજું કોઇ નહીં પણ છોકરાનો બાપ જ હતો! આપણે સૌએ પણ આજે નક્કી કરવાનું છે કે આપણે જીવનથી તંગ આવીને ગાળો આપનાર પેલા ગુસ્સૈલ બાપ જેવાં બનવું છે કે હસતો-રમતો સાંતાક્લોઝ થવું છે? આપણે આપણી લાઇફને આ સવાલ પૂછવો જોઇએ અને જો જવાબ ના મળે તો પેલા સાંતાક્લોઝને કહેવું જોઇએ કે કમ સે કમ દરેક હાલમાં હું સ્માઇલ કરી શકું એટલી ‘બેલ્સ' તો બસ મારા મનમાં સતત વગાડતો જા. હવે 2-3 દિવસમાં નાતાલ આવી રહી છે તો ફરી એક બાળક બનીને સાંતાક્લોઝ પાસે આ વખતે ઘણું બધું કહેવું છે : ‘સાંતા, જો તું ખરેખર હોય તો આ ક્રિસમસમાં મને મારાં સપનાંનો પેલો સમાજ પાછો આપજે, જ્યાં એરકન્ડિશન્ડ ગાડીઓમાં બેસીને ફરતાં આપણે સૌ સડક પર રખડતાં બાળકને જોઇને મોં નહોતાં ફેરવી લેતાં… એ ગરીબ બાળકો માટે કાંઇ કરી ના શકીએ તો ભલે પણ કમ સે કમ કંઇક કરવું તો જોઇએ એવી ભાવનાનાં ભુક્કા આપણી અંદર ના થઇ જાય એટલી સંવેદનાની ગિફ્ટ તું આપતો જજે.’ ‘હે સાંતાક્લોઝ, આ વખતે તું અમને ભલે કોઇ ગિફ્ટ ના આપતો, પણ જે નેતાઓ મંચ પરથી બોલે છે કે દેશમાં બધું બરોબર છે, એમનાં ઘરે રાત્રે ઊંઘમાંથી ઊઠાડીને આયનાની ગિફ્ટ આપજે, જેથી એ નેતા જોઇ શકે કે પોતાનો જૂઠ્ઠું બોલતો ચહેરો કેવો લાગે છે! અને હા સાંતા, આ બધાંની વચ્ચે, હું પણ જ્યારે ફાઇવસ્ટાર પાર્ટીઓમાં કે મોંઘી ગાડીઓમાં કે ડિઝાઇનર કપડાંઓમાં મ્હાલતો હોઉં ત્યારે તું આવીને એક ચીમટો ખણતો જાજે કે મારી અંદરનો પેલો બાળક મરી ના જાય! જ્યારે જ્યારે જીવનમાં મારાં સપનાંની મીણબત્તી ઝાંખી પડે ત્યારે સાંતાક્લોઝ તું અવશ્ય આવતો રહેજે! સાંતા, તું મારાં માસૂમ સપનાંઓને બુઝાવા ના દેતો.’ પણ કાશ કોઇ સાંતા હોય ને આ બધું સાંભળે. એન્ડ ટાઇટલ્સ ઇવ: તને નાતાલ ગમે? આદમ: તાલ વધારે ગમે! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...