આપણી વાત:કઈ ઉંમરે કામ અને પૈસાની વેલ્યૂ સમજાય?

21 દિવસ પહેલાલેખક: વર્ષા પાઠક
  • કૉપી લિંક
  • નાનપણમાં જ એવી જાણ થઇ જાય કે કામ કરવાથી પૈસા મળે તો બધાં કામગરાં થઇ જાય કે નહીં?

વિદેશમાં રહેતા મારા મિત્ર પાસેથી સાંભળેલી વાત, થોડી ટૂંકાવીને અહીં કહું છું. ‘મને સવારે વહેલા ઊઠી જવાની આદત છે. મારી વાઈફ થોડી મોડી ઊઠે. એને ડિસ્ટર્બ કરવાને બદલે હું જાતે મારી બ્લેક કોફી બનાવી લઉં. મારો દીકરો જેકબ લગભગ સાડા ચાર વર્ષનો હતો ત્યારે એ પણ ઘણીવાર વહેલો ઊઠીને મારી સાથે કિચનમાં આંટા મારતો. એને આ કોફી મેકિંગ એક્ટિવિટીમાં રસ પડ્યો. મેં એને ઇલેક્ટ્રિક કેટલમાં પાણી ગરમ કરવાનું, કપમાં કાઢવાનું, એમાં કોફી પાઉડર નાખવાનું શીખવી દીધું. એની હાઈટ ઓછી એટલે કિચન પ્લેટફોર્મ પાસે નાનું પ્લાસ્ટિક સ્ટૂલ મૂક્યું. એના પર ઊભા રહીને બે-ત્રણ વાર એણે મારા માટે કોફી બનાવી. મારા મોઢે થેન્ક યૂ સાંભળીને ખુશ થાય. એક દિવસ મેં એની પાસેથી કોફી લઈને એક દિરહામ આપ્યો, અને કહ્યું કે હવેથી જેટલીવાર કોફી બનાવશે એટલીવાર એને એક દિરહામ મળશે. જેકબને તો ચાનક ચઢી ગઈ. રોજ સવારે ઊઠીને કોફી બનાવવા દોડે. વળી મેં એને કહેલું કે એ તારા પૈસા છે, એનું શું કરવું એ મમ્મી-પપ્પા નહીં કહે. જેકબ મારી પાસેથી સિક્કો લઈને એની પિગી બેંકમાં નાખે. આજે તો એ સાત વરસનો થઇ ગયો. સવારની સ્કૂલ એટલે મારા માટે હવે રોજ કોફી નથી બનાવી શકતો પણ બનાવે ત્યારે એક દિરહામ લેવાનું ચાલુ છે. પિગી બેન્કની જગ્યાએ મોટું બોક્સ આવી ગયું છે. થોડા દિવસ પહેલાં એણે દિરહામને બદલે ઇન્ડિયન કરન્સીની ડિમાન્ડ કરી. વેકેશનમાં દાદીને મળવા ઇન્ડિયા આવે ત્યારે કંઈ કરવાનો હશે. ખબર નથી, એના શું પ્લાન છે. મેં જ કહેલું કે પૈસાનું એ શું કરે છે એ નહીં પૂછું.’

બાળકોને અપાતા પૈસા ક્યાં વપરાય છે, એ આમ તો માબાપે જોવું જોઈએ, પણ સાત વરસનો દીકરો એ પૈસાથી વ્યસનના રવાડે ચઢી જશે, એવી બીક અત્યારે તો નથી. જોઝ કહે છે કે ‘કોઈવાર એ પૈસામાંથી નાનીમોટી ચીજ ખરીદી લે, જે કદાચ આપણી નજરે નકામી લાગે પણ હું ટોકતો નથી. બાળકની પણ પોતાની પસંદગી હોય ને.’

જોઝ અહીં પોતાના બાળપણને યાદ કરે છે. એ કહે છે કે ‘મને ઘરમાં કામ કરવા માટે પૈસા નહોતા મળતા, પણ વારતહેવારે વડીલો પાસેથી ગિફ્ટના રૂપમાં થોડા પૈસા આવે કે એ આપણને શોપિંગ પર લઇ જાય ત્યારે પણ શું ખરીદવું એનો નિર્ણય તો મોટેભાગે અમ્મા જ કરે. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે બાળકોમાં પ્લાસ્ટિકનો ગ્રીન પોપટ બહુ પોપ્યુલર થઇ ગયેલો. ગામના ચર્ચના ગ્રાઉન્ડમાં યોજાયેલા ફનફેરમાં અમ્મા સાથે ગયો ત્યારે મેં પણ એ રમકડું લેવાની જીદ કરી, પણ એને એમાં પૈસાનો બગાડ લાગતો હતો. મને ભાવતી ખાવાપીવાની ચીજ માટે વધુ પૈસા ખર્ચવામાં એને વાંધો નહોતો. હું બહુ નારાજ થઇ ગયેલો. અફકોર્સ હું નાનપણથી એવો ચાલાક હતો કે ગમતી વસ્તુ મેળવીને જ રહું, પણ બધાં બાળકો એવાં નથી હોતાં. મનેકમને વડીલોનું કહ્યું માની લે. મેં મારાં બાળકોને આ ફ્રીડમ આપી છે. મારે એ લોકોને કંઈ અપાવવું હોય ત્યારે પણ એમની ચોઈસને માન આપું છું. કોઈવાર રમકડાં અને ગેમ્સની દુકાનમાં લઇ જાઉં ત્યારે કહી દઉં કે જે ગમે એ ખરીદવાની છૂટ છે, પણ એક જ વસ્તુ મળશે. એ લોકો પોતાને ગમતી પાંચ-સાત વસ્તુઓ ભેગી કરે, પછી છેલ્લે પોતાની મેળે નક્કી કરે કે શું લેવું. એમાં ઘણીવાર એવું થાય કે પાંચ હજારની ગેમ પડતી મૂકીને પાંચસો રૂપિયાની વસ્તુ પસંદ કરે. એમની મરજી. હું શું કામ પ્રેક્ટિકલ કે પછી ઉદાર થવાના નામે મારી પસંદગી એમના માથે થોપવાનો આગ્રહ રાખું? ધીમે ધીમે શીખી જશે, પણ ત્યાં સુધીમાં પૈસાની વેલ્યૂ પણ સમજતા થઇ જશે.’

આવું સાંભળીને કોઈને કદાચ વિચિત્ર લાગે. નાના બાળક પાસે કામ કરાવાય નહીં. ઘરકામના બદલામાં પૈસા લેવાની આદત ન પડાય, બાળકો નાનપણથી મની માઇન્ડેડ થઇ જાય...કે આવી કોઈપણ દલીલ થઇ શકે, પરંતુ જોઝ આ બાબતમાં બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે, ‘પૈસા કમાવા હોય તો કામ કરવું જોઈએ, એ વાત નાનપણથી સમજવી-સમજાવવી જરૂરી છે. બાકી માબાપ પાસે પુષ્કળ પૈસા છે અને કોઈ મહેનત વિના એના પર અમારો અધિકાર છે, એવું બાળકોનાં દિમાગમાં ઘૂસી ગયા બાદ એ આળસુ કે ઉડાઉ થઇ જાય તો વાંક એમનો નહીં, આપણો છે. પિગી બેંકમાં કોઇન્સ નાખવાના શરૂ કર્યા ત્યારથી જેકબ કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરતા પણ શીખી ગયો.

થોડા દિવસ પહેલાં મને બહુ સિરિયસલી કહ્યું કે કેમેરાવાળું ડ્રોન લેવા માટે એની પાસે પૈસા ભેગા થઇ ગયેલા. એમાંથી વધ્યા તો મને આપી દેશે. મને ત્યારે બહુ હસવું આવેલું. એ છોકરો આવા ડ્રોનની કિંમત નથી જાણતો પણ પોતાની કમાણી અને બચત પર એને ભરોસો છે. મને એનો કોન્ફિડન્સ ગમ્યો. ડ્રોન તો હું એને અપાવીશ, અને ત્યારે એ વગર કહ્યે સમજી જશે કે આવી એક વસ્તુ માટે કેટલું કામ કરવું પડે.’ જોઝ કહે છે કે, ‘જેકબને જોયા પછી એનાથી બે વર્ષ મોટી મારી દીકરી અનિકાને પણ આ સ્કિમમાં રસ પડ્યો. એ પણ મારી પાસે કામ માંગતી થઇ ગઈ. છોકરી જોકે વધુ સ્માર્ટ છે. એ પોતાના કામની વેલ્યૂ વધારીને ડિમાન્ડ કરે છે, પણ વાંધો નહીં. પોતાના કામની કિંમત ક્યારેય ઓછી આંકવી નહીં. અને ઘરનાં દરેક કામ માટે પૈસા આપવા જરૂરી નથી. હું એમને ગાર્ડનિંગ જેવાં નાનાં-મોટાં કામમાં ઇન્વોલ્વ કરતો રહું છું. ત્યાં એમને પોતાનું ઇમ્પોર્ટન્સ વધતું લાગે છે.’ આ જોઝની પેરેન્ટિંગ સ્ટાઇલ છે. એ કહે છે, ‘હું મારા પોતાના અનુભવ પરથી શીખ્યો છું. બીજાંએ શું કરવું, એ એમણે નક્કી કરવાનું.’ તમે શું કહેશો? viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...