બુધવારની બપોરે:ડેન્ટિસ્ટના અડ્ડે

અશોક દવે14 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોકરીનું માંડ માંડ ગોઠવાયું હોય ને એને છોકરો બતાવવા લઈ જવાની હોય તો દાંતના ડોક્ટરને ત્યાં વેઈટિંગ રૂમમાં બેઠેલો છોકરો ક્યારેય ન બતાવાય! ફૂલેલી દાઢ સાથે પડી ગયેલા મોંઢાવાળો મુરતિયો સ્માઈલ પણ ન આપી શકે. એમાં તો છોકરાવાળાની બાય ખીજાય! દુનિયાભરનાં ડેન્ટલ ક્લિનિકોમાં આજ સુધી સેલ્ફી લેનારી એક પણ છોકરી જોવા મળી નથી. હું હકી સાથે ડેન્ટિસ્ટના ક્લિનિકમાં વારાની રાહ જોતો બેઠો હતો. મને કાંઈ નહોતું થયું પણ, અસલના જમાનામાં સ્કૂટરમાં એક સ્પેર-વ્હીલ આવતું, એમ કહીને એક વધારાની સ્પેર-દાઢ જનમથી છે. વાપરવાના કોઈ કામમાં ન આવે, પણ એક દાઢ સ્પેરમાં પડી હોય, એ જાહોજલાલી તો કહેવાય કે નહીં? પણ આટલાં વર્ષો પછી એ જ દાઢે ઉપાડો લીધો હતો અને સહન ન થાય એટલા સણકા મારતા હતા. એક આદર્શ ગોરધન તરીકે મેક્સિમમ તો હું એના ખભે હાથ મૂકીને, ‘મટી જશે… મટી જશે’ એવા દિલાસાઓ આપી શકું, પણ એની દાઢ કે એનો દુખાવો લઈ તો ન શકું! ફિલ્મ ‘બૈજુ બાવરા’માં મીના કુમારી આપણા ભારત ભૂષણ (ભા.ભૂ.)ના ખભે માથું પાથરીને દર્દ અને પીડાથી બેઠી કણસતી હોય છે, એમ હકી ક્લિનિકમાં મારા ખભે માથું ઢાળીને કણસતી-કણસતી બેઠી હતી. લાઈફમાં અનેક વર્ષો પછી આ પહેલો તબક્કો આવ્યો હતો, જ્યાં એ બોલી શકતી નહોતી અને હું (મનમાં) હસ્યા વિના રહી શકતો નહોતો. પણ એક સ્ત્રી! સહી સહીને કેટલું સહન કરે, ઠાકોરજી? અસલના જમાનામાં પ્રાયમસ (સ્ટવ) ચાલુ કરતાં પહેલાં પમ્પ મારવો પડતો, ત્યારે એમાંથી ‘પૂહ… પૂહ… પૂહ…’ જેવા અવાજો નીકળે, એવા અવાજો એ કાઢતી હતી. એણે મારી છાતી ઉપર માથું ઢાળી દીધું હતું, પણ અસહ્ય દુખાવાનું તો કાંઈ કહેવાય નહીં અને ભૂલમાં એ બાજુવાળાના ખભે માથું ઢાળી ન દે, એનું ધ્યાન મારે રાખવાનું હતું. અમારી સામેની લાઈનમાં એકએકથી ચઢે ‌એવા દર્દીઓ બેઠા હતા. સીધી વાત છે કે, એમાંના એકેયના મોંઢા ઉપર નૂર-તેજ તો હોય નહીં! બધામાં એક વાત કોમન હતી. દરેકનો એક હાથ ગાલ ઉપર દબાવી રાખેલો હતો. થાકે એટલે હાથ બદલે. આ બધામાં દાઢ કે જીભના દુખાવા વગરનો એક માત્ર હું… કારણ કે, મારા દાંતમાં દુખાવો નહોતો. (… ગયા જન્મનાં પુણ્ય, બીજું શું?) મોટાભાગના ડોક્ટરોનાં ક્લિનિકોના વેઈટિંગ-લાઉન્જમાં બબ્બે તત્તણ વર્ષ જૂના ‘જનકલ્યાણો’, ‘અખંડ આનંદો’ના અંકો પડેલા હોય છે અને લાચાર બિચારાઓ હાથમાં લઈને એને વાંચેય ખરા! સામે બેઠેલા એક વડીલે મેગેઝિન બતાવીને એની વાઈફને કીધુંય ખરું, ‘ઓહ… જો, જો… ઈન્દિરાગાંધીનું કોઈએ ખૂન કરી નાખ્યું!’ આ કારમી મોંઘવારીમાં એકેય ડોક્ટર કાંઈ એટલું કમાતો ન હોય કે, તાજાં છાપાં-મેગેઝિનો મૂકે. કહે છે કે, આ જ ડોક્ટરો પાસેથી ચણાજોર ગરમવાળા ભૈયાઓ જૂની પસ્તી લઈ જાય અને નવી મૂકતા જાય! અસહ્ય દુખાવાવાળા દર્દીને શું લેવાદેવા કે ‘ફિલ્મફેર’ આ વખતનું છે કે 1956-નું! મને ઘણી વાર પ્રશ્ન થાય કે, ડોક્ટરો વેઈટિંગ રૂમમાં જૂનાં મેગેઝિનોને બદલે પત્તાંની કેટ કે થોડા કોઈન્સ કેમ નહીં મૂકતા હોય? એ મૂકવાથી ભલભલા દર્દીને એનો દુખાવોય યાદ ન આવે અને અઠ્ઠો-નવ્વો અને દસ્સો રમાડતા થઈ જાય! એની વે, હું કંટાળ્યો હતો. એક તો દસે દિશાઓમાં તરડાયેલા મોંઢા જ જોવાનાં અને થોડા મૂડમાં આવવા સિસોટી તો વગાડી શકાય નહીં! આમેય હું હતપતીયો છું. મારાથી મૂંગા મરાય નહીં. દસ-બાર સેકન્ડ બરોબર છે, પણ એ પછી મારે કોઈ ને કોઈની સાથે વાતો કરવા જોઈએ. મેં બાજુમાં દાઢ દબાવીને તરડાયેલા મોંઢે બેઠેલા, હશે કોઈ પંચાવન-છપ્પનની ઉંમરના પટેલ જેવા લાગતા ભ’ઈ સામે જોયું. એના માથાના વાળ ઊભા અને આસમાન તરફ જતા હતા. ભ્રમરમાંથી નાન્નાની બે ચોટલીઓ વાળી શકાય એવી તગડી હતી. બારીમાં ગાભો સુકાતો હોય એમ કાનમાંથી વાળ લટકતા હતા. એક ગાલ ખેંચી રાખેલો હોવાને કારણે બીજો એ જ સાઈઝનો હશે કે કેમ, તેની ખબર ન પડી. તોતિંગ દુખાવાને કારણે એ દર છઠ્ઠી સેકંડે ઊંચા થઈ જતા હતા. મેં એમની સામે મમતાભરી દૃષ્ટિથી જોયું તો જવાબમાં મારા ગાલે બચકું ભરી લેશે, એવા ખૌફથી એમણે જોયું. એ ખીજાયેલા હતા. ‘શું દોસ્ત! દાઢ પડાવવા આવ્યા છો?’ મેં વાત્સલ્યથી પૂછ્યું, એ સાથે જ એમનો પિત્તો ગયો. આખો અવાજ તો કાઢી શકે એમ નહોતા એટલે ગૂંગળાયેલા અવાજે ખીજાઈને જવાબ આપતા બોલ્યા, ‘ના… અમારા મકાનનું ભોંયરું પડાવવા આયો છું. એય હલહલ કરે છે ને પડતું નથી. તમે કડિયા છો?’ એમની વાઈફ દેખાવમાં કિશોર કુમાર જેવી લાગતી હતી, છતાંય છણકો કરીને એના ગોરધનને ધમકાવ્યો, ‘જવા દો ને? ક્યાં આવા ફાલતુઓના મોંઢે લાગો છો?’ હકીએ વેળાસર મને ખેંચી લીધો નહીં તો એ પટેલ વિના મૂલ્યે મારી દાઢ પાડી આપવાનો હતો! ધીમે ધીમે એક પછી એક દર્દીઓને ડોક્ટરે બોલાવ્યા, પણ અમારો વારો જ આવતો નહોતો. ડોક્ટરનો પિયૂન ક્લિનિક બંધ કરવા આવ્યો ત્યાં સુધી અમારો વારો આવ્યો નહોતો. હવે દાઢનો દુખાવો મને ઉપડે એવો ફફડાટ થવા માંડ્યો. અમારાથી પછી આવેલા દર્દીઓય ઉકેલાઈ ગયા હતા, તો અમે કેમ નહીં? એવામાં ડોક્ટર ઘેર જવા માટે એમની કેબિનમાંથી બહાર નીકળ્યા. તરત ઊભા થઈને એમની પાસે જઈને મેં હકીને આપવામાં આવેલું કાર્ડ બતાવ્યું. ‘વેલ યંગ મેન… તમારી એપોઈન્ટમેન્ટ તો આવતા મહિનાની છવ્વીસ તારીખની છે. તમે આજની છવ્વીસે આવ્યા છો!’{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...