તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણી વાત:આમ કે તેમ, હમ તો વાંકા પાડેગા

10 દિવસ પહેલાલેખક: વર્ષા પાઠક
 • કૉપી લિંક
 • પરમેશ્વર અને પ્રાઈમ મિનિસ્ટર વતી બોલવાનો, ઝઘડવાનો અધિકાર કોને અપાતો હશે? અને એમાં ભગવાનને વચ્ચે ઘસડી લાવવાની ક્યાં જરૂર હતી?

સાવ નિર્દોષ કહેવાય એવો પ્રશ્ન એક જણે પૂછ્યો કે, 108 મણકાની માળા ફેરવતી વખતે મન ભટકે છે, પણ 500ની નોટનું બંડલ ગણતી વખતે મન સ્થિર રહે છે, તો વિચાર કરો કે ભગવાન ક્યાં છે? બસ પતી ગયું, કીડી પર કટક ચઢી આવ્યું. શરૂઆત વિદેશમાં રહેતા હાઇલી એજ્યુકેટેડ એનઆરઆઇએ કરી- બસ, આવું પૂછીને તમે અમારા ધર્મનું, અમારા ભગવાનનું અપમાન કર્યું છે. મુસ્લિમોની તસ્બી કે ખ્રિસ્તીઓની રોઝરી વિષે લખી જુઓ. સર્વધર્મસમભાવમાં માનતા ભાઈએ કહ્યું, ‘ઠીક છે, જપમાળાની જગ્યાએ તસ્બી કે રોઝરી મૂકો’, પણ મુદ્દો એ જ છે કે આપણે વધુ એકાગ્રતા કે ધ્યાન ક્યારે રાખીએ છીએ?’ વાત સો ટકા સાચી હતી તોયે મજાકમાં લેવાની હતી. પણ જેને વાંકુ પાડવું જ હોય એને કેમ કરીને પહોંચાય? અને વાંકદેખાઓની વસ્તી હવે પરીકથાની રાજકુમારીની ઉંમરની જેમ દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે. ગાળાગાળી હજી ચાલી રહી છે. થોડાં વર્ષ પહેલાં આપણે જ ત્યાં ‘પૈસો મારો પરમેશ્વર’ નામની ફિલ્મ આવી ગઈ. ‘પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ’, આ ગીત તો એનાથીયે પહેલાના સમયથી ગવાતું આવ્યું છે, પરંતુ સદ્દનસીબે ત્યારે આ ધર્મરક્ષક મંડળી ઊંઘતી હશે કે ખરેખર જરૂરી કહેવાય એવા કામમાં વ્યસ્ત હશે એટલે એમને વિરોધ કરવાનું સૂઝ્યું નહીં હોય, બાકી પૈસાને પરમેશ્વર કહેનારની જીભ કાપી નાખવાની માંગણી કરત.

હવે આ કાંડ વિષે સાંભળીને મને એક બીજો પ્રશ્ન થયો કે આપણી રમૂજવૃત્તિ, સેન્સ ઓફ હ્યુમર સાવ જ મરી પરવારી છે? અપમાન અને નિર્દોષ મજાક વચ્ચે કોઈ ફરક જ નથી લાગતો? વળી અહીં જે વાત થઇ એમાં ભગવાનને વચ્ચે ઘસડી લાવવાની ક્યાં જરૂર હતી? વાત માણસજાત વિષે થઇ છે અને એ હકીકત કોણ નકારી શકે કે માળા ફેરવવા કરતાં નોટો ગણવામાં આપણે વધુ ધ્યાન આપીએ છીએ અને આપવું પણ પડે. માળા ફેરવતી વખતે રસોડામાં દૂધ દાઝી રહ્યાની વાસ આવવાથી આપણું ધ્યાનભંગ થાય અને બૂમ પાડીને આપણે બીજાંનું ધ્યાન ખેંચીએ તો બરાબર જ છે, પરંતુ રોકડની લેતીદેતી વખતે જરા સરખીયે ચૂક થાય તો મુસીબત થઇ જાય, એટલે એકાગ્રતા અત્યંત જરૂરી છે. અને રહી વાત, ભગવાનને શોધવાની ને જોવાની. તો જરૂરતમંદને ખરેખર રોટીમાં ચાંદ અને કરન્સી નોટમાં ભગવાન દેખાય પણ ખરા. શું ખોટું છે? ભગવાન પણ આ સમજતા જ હશે ને.

હવે આમાંથી એક ત્રીજો પ્રશ્ન ઉદ્દભવે કે વાતે-વાતે ભગવાન વતી વાંકુ પાડનારાં લોકોએ એવું માની લીધું છે કે એમની જેમ જ ભગવાનમાં પણ રમૂજવૃત્તિનો અભાવ છે અને બસ હાલતાં ને ચાલતાં ખોટું લગાડવા સિવાય ઉપરવાળાને બીજું કોઈ કામ જ નથી? અરે ભૈ, આપણી આસપાસ જે અમુક નમુના છે, એ જોઈને જ આપણને સર્જનહારની સેન્સ ઓફ હ્યુમર અંગે ખાતરી થઇ જવી જોઈએ. બાકી દુનિયા આખીને સિરિયસ માણસોથી જ ભરી દેવી હોય તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણે ત્યાં જાહેર જીવનમાં જે રોજ મફતનું મનોરંજન પૂરું પડે છે, એવા મહાનુભાવોનું સર્જન કરત જ નહીં. અને પેલી 500 રૂપિયાના બંડલવાળી વાત પર પાછા આવીએ તો એના પર ગાંધીજીનો ફોટો હોવાની બાબતે કેટકેટલા જોક્સ બને છે, એમાં આપણને ક્યાંય ગાંધીજીનું અપમાન થતું હોવાનું લાગ્યું? લાંચથી માંડીને સુપારી આપવામાં જેમના ફોટાવાળી નોટોનો ઉપયોગ થતો હોય એનું તો ખરેખર ઘોર અપમાન થયું કહેવાય, પણ એ ચાલે. કોની મજાક કરાય એ વિષે પણ લોકો સિલેક્ટિવ હોય છે. રાહુલ ગાંધીને બિંદાસ પપ્પુ કહી શકાય, પરંતુ માનવજાતને મળેલી મહાન ભેટ સમાન આપણા પીએમ મોદી વિષે ગયા અઠવાડિયાની કોલમમાં ‘દાઢીવાલે બાબાજી’ લખ્યું તો અનેક વાચકો નારાજ થઇ ગયા. અને એ તો મજાક નહીં, પણ સચ્ચાઈ હતી. મોદીજીને મસમોટી દાઢી નથી? અને વડીલને બાબાજી નહીં તો શું બાબુડો કહેવું? એક પત્રકાર મિત્રે હમણા મોદી માટે ‘ચાયવાલા’ શબ્દ વાપર્યો તો એને ગાળો પડી. કેમ ભાઈ, વડાપ્રધાને પોતે પોતાના માટે લાખોવાર ‘ચાયવાલા’ શબ્દ બહુ ગર્વભેર નથી ઉચ્ચાર્યો? એવી જ રીતે કથાકાર મોરારિબાપુ ઓફિશિયલી બાવા ગણાતી જ્ઞાતિમાં જન્મ્યા છે, પોતે જાહેરમાં ‘હું તો ભૈ બાવો’ એમ હળવાશભેર કહી દે છે, પણ મારા એક વાચકે મને તતડાવી, અલબત્ત સારી ભાષામાં, કે મેં કોલમમાં મોરારિબાપુને બાવા કહીને એ મહાત્માનું અપમાન કર્યું.

તો કરવું શું? સુરેશ દલાલે એમની એક કવિતામાં કહેલું કે ‘વાતે-વાતે તને વાંકુ પડ્યું ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી, ‘પણ ‘શબ્દે-શબ્દે તમને વાંકુ પડ્યું ને મેં તો કોલમ લખવાનું છોડી દીધું’ એવું બોલવાનું મને તો પરવડે નહીં. viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો