તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમવૉચ:લાહોરની શેરીઓમાં રખડતા 100 જેટલા બાળકોને કુકર્મોનો શિકાર બનાવી રહેંસી નાખ્યા

3 મહિનો પહેલાલેખક: જયદેવ પટેલ
  • કૉપી લિંક
  • પાકિસ્તાનમાં જબરજસ્ત આતંક મચાવનાર હત્યાકાંડ
  • હવસ પૂરી થયા બાદ બાળકોના શરીરના ટુકડે-ટુકડા કરીને એસિડથી સળગાવી નદીમાં પધરાવી દેતો હતો

વાસના ભૂખ્યા વરુની જેમ સમાજમાં રખડતા-ભટકતા હવસખોર હેવાનોના કાળા કારનામાંનો પરિચય કરાવતી અગણિત ઘટનાઓ પૈકીની એક કથા પ્રસ્તુત કરી છે. હેયું હચમચાવી મૂકે તેવી આ કથાના ખલનાયકે તેની હવસની ભૂખ પૂરી કરવા 100 જેટલા માસુમ બાળકોને કુકર્મોનો શિકાર બનાવીને તેમને મોતની ખીણમાં ધકેલી દીધાની કબૂલાત કરી હતી. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનનો વતની એવો આ શખ્સ ‘લાહોર સિરિયલ કિલર’ની ઓળખથી કુખ્યાત બની ગયો હતો. પાકિસ્તાનના લાહોરની અદાલતે આ અધમ અપરાધનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના પરિવારજનોની નજર સમક્ષ ફાંસીના માંચડે લટકાવી દેવાનો ચુકાદો આપ્યો હતો. પાકિસ્તાનના દૈનિક અખબારો ઉપરાંત સામયિકોમાં પણ આ મહાદુષ્ટના ખતરનાક કરતૂતોની કથા હપ્તાવાર પ્રસિદ્ધ થઇ ત્યારે પાકિસ્તાનના નાગરિકોમાં પણ હડકંપ મચી ગયો હતો. પાકિસ્તાનના મહાનગર લાહોરના શાદબાગ વિસ્તારની આલિશાન હવેલીમાં માસુમ બાળકો સાથે દુષ્કર્મ આચરવાના આ ખૂની ખેલના અનુસંધાનમાં લાહોર શહેર પોલીસે હાથ ધરેલી તલસ્પર્શી તપાસમાં જાણવા મળ્યું હતું કે, સિલસિલાબંધ હત્યાકાંડના ખલનાયક જાવેદ ઇકબાલ અમયારે તેના પૈતૃક મકાનને પાપલીલા માટે પસંદ કર્યું હતું. વેપારી અબ્બાજાનના આઠ સંતાનોમાં છઠ્ઠા નંબરનો દીકરો જાવેદ હતો. લાહોરની ઇસ્લામિયા સરકારી કોલેજમાં તેણે અભ્યાસ કર્યો હતો. નવાઇની વાત તો એ છે કે, શાદબાગ વિસ્તારના રહીશો તેને એક સીધાસાદા ઇન્સાન તરીકે ઓળખતા હતા અને કેટલાક તેને ‘મુકરી’ નામથી બોલાવતા હતા. તા. 8 ઓક્ટોબર 1956થી તા. 8 ઓક્ટોબર 2001ના 45 વર્ષોના સમયગાળા દરમિયાન આ શાનદાર-આલિશાન હવેલીમાં હવસલીલાનો શિકાર બનેલા સંખ્યાબંધ બાળકો પૈકીના 74 બાળકોની હસ્તી મિટાવી દેવાનો ગુનો કોર્ટમાં પુરવાર થયો હતો. આખરે લાહોરની સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી. લાહોરના જાહેર માર્ગો તથા શેરીઓમાં ભિખારીની જેમ રખડતા-ભટકતા 6થી 16 વર્ષની વયના માસુમ બાળકોને લલચાવી-ફોસલાવીને જાવેદ તેની હવેલીમાં લઇ આવતો હતો. જ્યાં તે તેમ જ તેના જેવા જ ચારેક બદમાશ સાગરિતો બાળકો સાથે કુકર્મોનો ખેલ ખેલતા હતા. આ પછી બાળકોને કેફી પીણું પીવડાવીને બેહોશ બનાવી દેવામાં આવતા હતા. ત્યાર બાદ બાળકોને ગળે ટૂંપો દઇને તેમની હત્યા કરીને શરીરના ટુકડા કરી નાખતા હતા. પુરાવાનો નાશ કરવા માટે શરીરના ટુકડે-ટુકડા હાઇડ્રોલિક એસિડથી જલાવી દઇને તેના અવશેષો નદીમાં પધરાવી દેતા હતા. વર્ષ 1998ના ડિસેમ્બર મહિનામાં જાવેદ ઇકબાલે લાહોર શહેર પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારી તથા અખબારના ચીફ એડિટર ખ્વાહા નઇમ હાશ્મીને પત્ર લખ્યો, જેમાં 100 બાળકોની હત્યા કર્યાની વાત હતી. ત્યાર બાદ લાહોર પોલીસે પત્રકારોની ટીમને સાથે રાખીને શાદબાગ ખાતેની આલિશાન હવેલી ઉપર દરોડો પાડ્યો ત્યારે દીવાલો અને ભોંયતળિયા ઉપર થીજી ગયેલા લોહીના અસંખ્ય ડાઘા-ધબ્બા જોવા મળ્યા હતા. દુષ્કર્મોનો ભોગ બનેલા બાળકોને બેભાન બનાવી દીધા પછી લોખંડની કડીઓ જડેલી સાંકળોથી તેમના ગળા રહેંસી નાખ્યાનો ખ્યાલ કરાવતી સાંકળો પણ પોલીસે કબજે કરી હતી. પોલીસ તથા અખબારના ચીફ એડિટરને લખેલા પત્રમાં જાવેદે એવી પણ રજૂઆત કરી હતી કે તેની આ લંપટ લીલાથી કંટાળીને તે પશ્ચાતાપ અનુભવી રહ્યો હતો. પોતાના પાપકર્મો બદલ રાવી નદીમાં ઝંપલાવીને તેણે જીવતર ટુંકાવી નાખવાનો પણ નિર્ધાર કર્યો હતો. આથી તેણે રાવી નદીમાં પડતું પણ મૂક્યું હતું. છતાં આપઘાતનો નિર્ધાર નિષ્ફળ ગયો હતો. જાવેદ ઇકબાલની પોલીસે ધરપકડ કરીને સઘન પૂછપરછ કરી, ત્યારે તેણે તેના ત્રણ સાગરિતોની સાથે હવેલીના જુદા જુદા ત્રણ શયનખંડમાં દુષ્કર્મો આચર્યાની કબૂલાત કરી હતી. આથી પોલીસે બીજા દિવસે જાવેદના સાગરિતો શોનુ સહિત ત્રણની ધરપકડ અને તેમને હવાલાતમાં હડસેલી દીધા હતા. જોકે એક સાગરિતનું પોલીસ કસ્ટડીમાં જ શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું. જ્યારે એક સાગરિતે મોકો મળતાં પોલીસ મથકની બારીમાંથી છલાંગ લગાવી હતી. જોકે આ શખ્સના નાસી છૂટવાના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવીને ગોળીબારમાં ત્યાં જ ઠંડો પાડી દીધો હતો. લાહોર શહેરમાં સનસનાટી મચાવી રહેલા આ શર્મનાક ગુના બદલ હવે પોલીસ ગમે તે ઘડીએ ધરપકડ કર્યા વિના નહીં રહે તે ખ્યાલથી કંઇક અંશે ગભરાઇ ગયેલ જાવેદ ઇકબાલ પાકિસ્તાનના દૈનિક અખબાર ‘ડેઇલી જંગ’ના તંત્રીને મળવા માટે તા. 30 ડિસેમ્બર 1999ના રોજ ગયો હતો, ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. આખરે લાહોરની સેશન્સ કોર્ટમાં સમગ્ર પાકિસ્તાનમાં હડકંપ મચાવનાર આ કેસની કાર્યવાહી ચાલી ગઇ હતી. જેમાં પોલીસે સંખ્યાબંધ સાક્ષીઓની સાથે સાંયોગિત પુરાવા ઉપરાંત ખુદ ખલનાયક જાવેદ ઇકબાલની કબૂલાતને સમર્થન આપતા અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચારના કટિંગ પણ રજૂ કર્યાં હતા. સેશન્સ અદાલતો આ અધમ અપરાધીને ફાંસીના માંચડે ચડાવી દેવાનો ચૂકાદો આપ્યો હતો. ન્યાયાધીશે તેમના ચૂકાદામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જિન માસૂમ બચ્ચોં કી તૂને કત્લ કી હૈ…. ઉન સબ બચ્ચોં કે માં-બાપ કે સામને તુઝે ફાંસી કે ફંદેમેં લટકા દિયા જા….!! તૂને ઇતની બેરહેમીસે ઇન બચ્ચોં કી કત્લ કી હૈ ઔર ઉનકે શરીર કે ટુકડે-ટુકડે કર દિએ થે…!!! ઉસી તરહ તેરે જિસ્મ કે 100-100 ટુકડે કર કે ઉસે એસિડ સે જલા દિયા જાય…!!’ છેવટે લાહોર શહેરની સેન્ટ્રલ જેલની ફાંસી ખોલીમાં સજાની રાહ જોતા જાવેદ ઇકબાલને એક દિવસ પરોઢના ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો ત્યારે માસુમ બાળકો સાથે કુકર્મોની કથા પણ સમાપ્ત થઇ હતી. {

અન્ય સમાચારો પણ છે...