મનદુરસ્તી:શું તમને ખુશ થવાની પણ બીક લાગે છે?

3 મહિનો પહેલાલેખક: ડૉ. પ્રશાંત ભીમાણી
  • કૉપી લિંક

ડોક્ટર, કોઇને વાત કરું તો મારી મજાક ઉડાવે અને એમ કહે કે તું ગપ્પા મારે છે, તારે ક્યાં કોઇ વાતની કમી છે, પણ એ વાત સાચી છે કે, હું સુખથી ગભરાઉં છું. મને છેલ્લા કેટલાક સમયથી આનંદ કરવાની બીક લાગે છે. હમણાં જ મારો દીકરો આકાશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં એના કોર્સમાં પહેલા નંબરે આવ્યો. આ ખૂબ રેર ઘટના છે. લોકો તો કેટકેટલી મોટી વાતો કરે. મારા હસબન્ડે તો કહ્યું કે હવે આકાશ જ્યારે ઇન્ડિયા આવે ત્યારે મોટી પાર્ટી કરીશું, પણ મેં ચોખ્ખી ના પાડી. ઉલટું મને અચાનક ગભરામણ થવા લાગી. મારે કોઇને કશું કહેવું નથી અને સેલિબ્રેટ પણ કરવું નથી. મેં તો મારા હસબન્ડ કેયૂરને કહી દીધું, મારે કોઇને કશું જ જણાવવું નથી. કોઇની નજર લાગી જાય તો એ બીકને કારણે હું સોશિયલ મીડિયા પર પણ કોઇ આવાં અચીવમેન્ટ કે સેલિબ્રેશનની પોસ્ટ નથી મૂકતી.’ ‘તમે માનશો ડોક્ટર, મારી મોટી દીકરીને ત્યાં દીકરો આવ્યો તો પણ મેં કોઇને કશું જ નહોતું કહ્યું. મને તો હંમેશાં ખુશ થવાની બીક જ લાગ્યા કરે. મારી પાસે બધું જ છે. મારાં સાસુ-સસરા મારાં મા-બાપથીય વિશેષ છે. એ લોકો મને એટલું બધું સાચવે છે કે વાત ન પૂછો. આજના જમાનામાં આવાં સંતાનો પણ ભાગ્યે જ કોઇને હશે. કદાચ કોઇને પણ ઇર્ષ્યા આવે એવું મારું જીવન છે, પણ મને સતત ખુશ થવાનો ભય લાગ્યા કરે છે. જાણે કે હું ખુશીને પચાવી જ નથી શકતી. એવું લાગે કે હું સહેજ ખુશ થઇશ પછી તરત મોટું દુઃખ ચોક્કસ આવશે જ! એના કરતાં તો પહેલેથી જ સુખથી દૂર રહેવું સારું નહીં?!’ શ્રદ્ધાનો પ્રશ્ન સામાન્ય નહોતો. ઘણાં લોકોને એવી સમસ્યા હોય છે કે સુખને જીરવી શકતા નથી. મતલબ, આનંદ કરતાં એવી બીક લાગે છે કે આ આનંદ છીનવાઇ જશે તો? હું આ હેપ્પીનેસને લાયક નથી. મનોવિજ્ઞાનમાં આવી હેપ્પીનેસ એંગ્ઝાયટીને ‘કેરોફોબિયા’ કહેવાય છે. ખુશ થવા પ્રત્યે અણગમો કે નકારાત્મક અભિગમ ઊભો થઇ જાય છે. સતત ચિંતા અને અજાણ્યો ભય માથા પર ઘૂમ્યા કરતો હોય તો આવાં લોકો એને જ રૂટિન સમજે છે. કંઇક સારું થાય તો પછી એમ જ લાગે કે ‘આટલાથી શું થશે? અંતે તો દુઃખ-દર્દ જ આપણો સાચો સાથી છે.’ એટલે ઘણીવાર આને ડિપ્રેશન અને એંગ્ઝાયટીનું જ બીજું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રદ્ધાની સારવાર કરતા જાણવા મળ્યું કે એના અચેતન માનસમાં આનંદ અને ભય બંને એક સાથે જોડાઇ ગયા હતા. જ્યારે એનું દસમા ધોરણનું સવારે રીઝલ્ટ આવ્યું એ જ દિવસે સાંજે એનાં મમ્મીનું અચાનક એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. એ પરિણામમાં એનો બોર્ડમાં નંબર આવ્યો હતો. લોકો એને અભિનંદન આપવા સવારે ફોન કરતા અને સાંજે સાંત્વના મેળવવાનો વખત આવ્યો. બરાબર આવું જ કંઇક એનાં લગ્ન નક્કી થયાં ત્યારે થયું. એના પ્રેમલગ્નનાં ગોળધાણાં ખવાયાં ત્યારે જ કેયૂર કોર્ટમાં એક મોટો જમીનનો કેસ હારી ગયો તેવા સમાચાર મળ્યા. એટલે પોતાને કમનસીબ માનવાનું વળી પાછું દૃઢ થયું. પછી તો ‘કાગનું બેસવું અને ડાળનું તૂટવું’ એ ન્યાયે દરેક જુદી-જુદી ઘટનાઓ સાથે પોતાની નકારાત્મક લાગણીઓ જોડાતી ગઇ. અલબત્ત, જીવનમાં આવી નેગેટિવ ઘટનાઓનું પ્રમાણ આમ તો બે-પાંચ ટકા જ હતું, પણ બાકીના પંચાણુ ટકા માત્ર અને માત્ર ભય ફરી વળ્યો. શ્રદ્ધાના અચેતન માનસમાંથી સાયકોથેરેપી દ્વારા આ અતાર્કિક ભય દૂર કરવામાં આવ્યો. કોઇ પણ ઘટના બને ત્યારે એની સાથે સંકળાયેલું આપણું પ્રત્યક્ષીકરણ કે અર્થઘટન પછીના જીવનમાં મોટો ભાગ ભજવે છે. લાગણીઓનું વિશ્વ અનુભવ વિશ્વમાં પરિવર્તિત થઇ જાય છે. જો આમાં ભેળસેળ થઇ તો શ્રદ્ધા જેવી સમસ્યા થવાની સંભાવના રહે છે. દરેક ઘટના સાથે જોડાયેલી લાગણીને સ્વતંત્રપણે અનુભવવાની ‘બીહેવિયરલ ટ્રેઇનિંગ’ કાઉન્સેલિંગથી શક્ય બને છે. ‘જીવન દુઃખનો દરિયો છે.’ એવી અતાર્કિક વિચારધારાથી તર્કયુક્ત રીતે મુક્ત રહીને યોગ્ય લાગણીના પ્રયોગથી બચી શકાય છે. શ્રદ્ધા સારવાર પછી સારા પ્રસંગો કે આનંદદાયક સમાચારને તો માણે જ છે, પરંતુ રોજેરોજને પણ ભાર વગર માણતા શીખી ગઇ છે.⬛ વિનિંગ સ્ટ્રોકઃ ભય અને અસલામતી બહુ વિકરાળ હોય છે. એને ક્યાંય પણ જોડતાં પહેલાં વિચારવું જરૂરી છે. આવું શક્ય છે. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...