ગયા અઠવાડિયે એક મિત્રનો ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો, ‘એક વિડીયો ક્લિપ મોકલું છું. તું ખાસ જોજે.’ એટલું લખીને તેણે મને એક વિડીયો મોકલી આપ્યો. આ વિડીયો ક્લિપ ફિલ્મફેરના એક એવોર્ડ ફંક્શનની હતી, જેમાં માત્ર ઓટીટી પ્લેટફોર્મની ફિલ્મ્સ અને કલાકારોને એવોર્ડ આપવામાં આવી રહ્યા હતા. જે ક્લિપ મને મોકલવામાં આવેલી, એમાં અભિનેત્રી નીના ગુપ્તાને કોઈ એવોર્ડ મળી રહ્યો હતો. એવોર્ડ મળ્યા બાદ તેમણે થેન્ક્સ ગિવિંગ સ્પીચ આપવાની પણ શરૂઆત કરી દીધી. તેમણે કહ્યું કે ‘મસાબા મસાબા’ માટે મારી દીકરી પણ નોમિનેટ થયેલી. હું ઈચ્છતી હતી કે આ એવોર્ડ એને મળે. એટલું કહીને તેમણે ‘મસાબા મસાબા’ વિશેની વાતો શરૂ કરી દીધી.’ એ સમયે તેમની સ્પીચ અધવચ્ચેથી અટકાવીને શોના એન્કરે કહ્યું, ‘એક્સક્યુઝ મી, તમને આ એવોર્ડ ‘મસાબા મસાબા-2’ માટે નહીં પણ ‘પંચાયત-2’ માટે આપવામાં આવ્યો છે.’ આ સાંભળીને નીના ગુપ્તા કન્ફ્યુઝ થઈ ગયાં. ‘ઓહ, તો મેં લોચો મારી દીધો’ એવું કહીને તેઓ હસવા લાગ્યાં. તેમણે કહ્યું, ‘સોરી. એક્ચ્યુઅલી, મલ્ટિપલ નોમિનેશન્સ હોવાને કારણે આ કન્ફ્યુઝન થયું.’ એના જવાબમાં એન્કર મનીશ પૌલે કહ્યું, ‘આવું કન્ફ્યુઝન દરેક કલાકારને મળે!.’ એક કલાકાર માટે આનાથી વધારે સુખદ અને સફળ ક્ષણ બીજી કઈ હોઈ શકે કે એમને પોતાને જ ખબર નથી કે એમને પોતાના કયા પાત્ર માટે એવોર્ડ મળી રહ્યો છે? ફ્લેશબેક : જુલાઈ 2017માં એક એવી ઘટના બની જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી. અભિનયનું કામ મળતું ન હોવાથી 62 વર્ષીય નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી નીના ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કરીને લખ્યું, ‘હું મુંબઈમાં રહું છું. સારો અભિનય કરી જાણું છું. પડકારરૂપ પાત્રો અને કામની શોધમાં છું.’ એમની આ પોસ્ટ સમાચાર બની ગઈ. આ પોસ્ટ પર અનેક કલાકારોએ પ્રતિક્રિયા આપી. નવી પેઢીની હિરોઈન્સે લખ્યું, ‘આ પોસ્ટ અમને કાયમ પ્રેરણા આપશે.’ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ માંગવા માટે એક અનુભવી, પીઢ અને પુરસ્કૃત કલાકારની પ્રામાણિક માંગણી લોકોને સ્પર્શી ગઈ. પછી શું બન્યું ખબર છે? એમને ફિલ્મ ‘બધાઈ હો’ મળી. એક લાંબા દુષ્કાળ પછી ફાઈનલી તેમને કોઈ સારો રોલ મળ્યો અને 2018માં રિલીઝ થયેલી ‘બધાઈ હો’ લોકોનાં હ્રદય પર છવાઈ ગઈ. પછી તો કામ મળતું ગયું, વધતું ગયું અને એટલું વધ્યું કે ઓટીટી એવોર્ડની કોઈ એક જ કેટેગરીમાં એમનાં મલ્ટિપલ નોમિનેશન્સ આવવા લાગ્યાં. ઇગોને સાઈડ પર રાખીને કરેલી એક પ્રામાણિક માંગણીએ તેમનું કરિઅર પુનર્જીવિત કરી નાખ્યું. એટલું જ નહીં, પહેલાં કરતાં વધારે સારું કામ મળવા લાગ્યું. આટલું બધું કામ તો તેમને યુવાનીના દિવસોમાં પણ નહોતું મળ્યું! કરિઅર સમાપ્ત થઈ ગઈ છે એવું માની લેવાને બદલે તદ્દન ફ્રેશ એટિટ્યૂડથી કામ માંગનારી અને એકડેએકથી શરૂઆત કરનારી એક અભિનેત્રી સિનેજગત પર છવાઈ ગઈ. સોશિયલ મીડિયાની એક પોસ્ટ... એન્ડ ધ રેસ્ટ ઈઝ હિસ્ટરી. જૂન 2021માં તેમની આત્મકથાનું પુસ્તક ‘સચ કહૂં તો’ પ્રકાશિત થયું. એ પુસ્તકમાં 2017ની આ પોસ્ટ સંદર્ભે તેમણે એક આખું પ્રકરણ લખ્યું છે. તેમણે લખ્યું છે કે ‘પોસ્ટ મૂક્યાની બીજી જ ક્ષણે મને ભયંકર પસ્તાવો થયો. મને મીડિયાનો ડર નહોતો. મારા માનસિક સ્વાસ્થ્યની ચિંતામાં કેટલાક મિત્રોના ફોન આવવા લાગ્યા. મને એમનો ડર પણ નહોતો. મને મારી દીકરીનો ડર હતો. મસાબા એક ફેમસ ફેશન ડિઝાઈનર અને પબ્લિક ફિગર છે. લોકો એને ઓળખે છે. મારી આ પોસ્ટને કારણે મારી દીકરીને તો શરમ નહીં અનુભવાય ને? એ વિચારથી હું ડરી ગયેલી.’ અને શું તમે જાણો છો કે 62 વર્ષે કામ માંગવા નીકળેલી પોતાની મમ્મી પ્રત્યે દીકરીની શું પ્રતિક્રિયા હતી? મસાબા ગુપ્તાએ મમ્મીની આ પોસ્ટ પોતાનાં 2 મિલીયન ફોલોઅર્સ સાથે વટથી શેર કરી અને લખ્યું, ‘હવે તમને સમજાયું કે હું કેમ ક્યારેય કામ માંગતા શરમાતી નથી? આ બધું વારસાગત છે. એક નેશનલ એવોર્ડ વિજેતા કામ માંગી શકે, તો આપણે કેમ નહીં? માણસે કામ કરતા રહેવું જોઈએ. કામ તેને વૃદ્ધ થતા અટકાવે છે.’ પછી તો શું? દીકરીનો ટેકો મળતાં જ મમ્મીની ગાડી ઉપડી. અને એવી ઉપડી કે હવે અટકવાનું નામ નથી લેતી. લેખિકા બ્રાયાના વેસ્ટના એક પુસ્તકનું નામ છે ‘ધ માઉન્ટેન ઈઝ યૂ.’ એટલે કે આપણી સફળતાના રસ્તા પર સૌથી મોટો પહાડ આપણે પોતે જ હોઈએ છીએ. આપણો અહંકાર, શરમ, ડર અને કેટલીક એવી માન્યતાઓ જે આપણને આગળ વધતા અટકાવે છે. કામ માંગવામાં શેની શરમ? શરમ તો ભીખ માંગવામાં આવવી જોઈએ, કામ માંગવામાં નહીં. કામ માંગવા માટે કોઈ ઉંમર, યોગ્યતા કે લાયકાતનો બાધ નથી હોતો. બસ, શીખવા અને કામ કરવાની ધગશ હોવી જોઈએ. હોંશ અને તૈયારી હોવી જોઈએ. બાકીનું બધું આપમેળે થઈ રહેશે. આપણી સફળતાનો સૌથી મોટો દુશ્મન આપણો અહંકાર હોય છે. એને બાજુ પર મૂકી દઈએ તો આ જગતમાં કોઈ કામની અછત નથી. ગમતા ક્ષેત્રમાં બ્રેક ન મળવાથી નિરાશ થઈ જનારી દરેક વ્યક્તિએ આ પ્રસંગ યાદ રાખવા જેવો છે.⬛ vrushtiurologyclinic@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.