સો ટચની વાત:શું તમે પણ ‘એકલતા’ નામનું ‘ઝેર’ પી રહ્યાં છો?

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક ફિલ્મી ગીત છે, ‘અકેલે હૈ તો ક્યા ગામ હૈ...’ એકલા છીએ તો શું થઈ ગયું? એમ જ ને? હા આ ગીત તો એવું જ કહેવા માગે છે, પણ ના, એકલા હોઈએ તો ખુશ હોઈએ એ જરૂરી પણ નથી. આ તો ફક્ત એક ગીત છે, પણ વાસ્તવિક જીવનમાં આ એકલતા સૌ માટે ધીમું ઝેર બની ગયું છે. હા, સામાન્ય બાબતે એ કોઈ સમસ્યા નથી, પણ જો હદથી વધારે એકલતાનો સામનો કરવામાં આવે ત્યારે એ ઘણી બધી સમસ્યાઓને અને બીમારીઓને પણ આમંત્રે છે. ખાસ કરીને માનસિક સમસ્યાઓ એકલતામાંથી જ ઉદ્્ભવે છે, જે ઘણી વાર આત્મહત્યા કરવા માટે પ્રેરે છે. દુનિયાભરમાં લોકડાઉન દરમિયાન કરવામાં આવેલો એક સર્વે પણ એ તરફ ઈશારો કરે છે કે એકલવાયું જીવન જીવતાં લોકોએ માનસિક રીતે વધારે પડતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એકલતા પહેલાં એટલી નહોતી કારણ કે એ વખતે સંયુક્ત પરિવારોમાં શીખવાડવામાં આવતું હતું કે લડી-ઝઘડીને પણ સાથે કેવી રીતે રહી શકાય છે! પણ હવે સંયુક્ત પરિવાર સમાપ્ત થઈ રહ્યો છે તેથી ‘એડજસ્ટ’ કરવાનું પણ ભૂલાઈ રહ્યું છે. આ કારણે લોકોને એકલતા વધારે ઘેરી વળી છે. પહેલાં આપણે ત્યાં શેરી-મહોલ્લા સંસ્કૃતિ જોવા મળતી હતી, પણ હવે આવી સંસ્કૃતિ એકદમ નાનાં શહેરોમાં જ થોડે ઘણે અંશે જોવા મળે છે. આ સંસ્કૃતિ વ્યક્તિને એકલા નહોતી રહેવા દેતી, ભલે ને તે વ્યક્તિ ઘરમાં એકલી કેમ ન હોય? શેરી-મહોલ્લાના દરેક માણસ આપણને ઓળખતા હતા અને આપણે પણ શેરી-મહોલ્લાના દરેક માણસને જાણતા હતા. એ વખતે કોઈ પણ માણસ બીજાને જોઈને મોઢું નહોતો ફેરવી લેતો, પણ એની પાસે પહોંચીને એને ખબરઅંતર પૂછી લેતો હતો. આજે માણસ ફક્ત પોતાના પરિવાર સુધી જ સીમિત રહી ગયો છે. વિચાર કરો કે પરિવાર પણ તેની લાગણી નથી સમજી શકતો એ કારણે તે વધારે એકલો પડવા લાગ્યો છે. શું સફળતાનો અર્થ એકલતા છે? સફળતા માણસને પોતાનાં એ આત્મીયજનોથી દૂર લઈ જાય છે, જે તેના પોતાનાં હતાં. જેમકે, બાળપણ કે શેરીના મિત્રો, સંબંધીઓ કે તેમના ટીચર વગેરે. આમાં એનો કોઈ દોષ નથી. આ તો બહુ સ્વાભાવિક છે અને એ જરૂરી નથી કે આવું ફક્ત સફળ લોકો કે સેલિબ્રિટી સાથે જ થાય. આજે કામધંધાની શોધમાં કે સારી નોકરી બાબતે વ્યક્તિ પોતાનું વતન છોડીને નવી જગ્યાએ જાય છે. આવામાં જો તે વ્યક્તિ સ્વભાવે અંતર્મુખી હોય તો એકલતાનો શિકાર બની જાય છે. શું એકલતા એટલે ડિપ્રેશન? ના. દરેક એકલી વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર નથી હોતી. એકલતા ડિપ્રેશનનું એક ટ્રિગર હોઈ શકે એટલે કે એક કારણ જરૂરી બની શકે છે, પણ એ જરૂરી નથી કે એકલતાને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બનશે જ. ડિપ્રેશન જિનેટિક, સોશિયલ, બાયોલોજિકલ, પર્સનલ વગેરે કારણે પણ આવી શકે છે. જોકે, સાયકોલોજિકલ બીમારીઓમાં આપણે કારણોમાં પડવાને બદલે સૌથી મહત્ત્વનું એ છે કે આપણે તેના ઉકેલ ઉપર ફોકસ કરીએ. સમસ્યા ડિપ્રેશનમાં ન બદલાય વ્યક્તિ એકલી હોય અને તે કોઈ સમસ્યાથી ઘેરાયેલી હોય ત્યારે આગળ જતા તે ડિપ્રેશનમાં પરિવર્તન પામે છે. તેથી સમસ્યા ડિપ્રેશનમાં ન બદલાય એ ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે- આ માટે તમને જ્યારે પણ એકલતા લાગે એ વખતે કોઈ પણ સાથે તમે વાત કરો, ખાસ કરીને એવાં લોકો સાથે જેઓ તમને જજ કર્યા વગર સાંભળવાની ક્ષમતા રાખતા હોય. તમારા શોખને કલ્પનાઓની પાંખો આપો. તમે ક્રિએટિવ કામ કરતા હો જેમકે, પેઈન્ટિંગ, ડ્રોઈંગ, ડાન્સિંગ, મ્યુઝિક, કમ્પોઝિંગ તો એને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો પ્રયત્ન કરો. નિયમિત કસરત કે યોગ કરતા રહો. સવારમાં સહેલ કરવા જાઓ. આ સૌથી સુંદર ઉપાય છે. તમારી સરખામણી અન્ય સાથે ન કરશો, કારણ કે સરખામણી કરશો તો કેટલાંક લોકો એવાં મળશે જેનાથી તમને પોતાને લઘુતાગ્રંથિ થશે. દરેક વ્યક્તિમાં સારાં-નરસાં પાસાં હોય છે.{

અન્ય સમાચારો પણ છે...