અગોચર પડછાયા:શું આ જંગલનાં પ્રાણીઓ અને વૃક્ષો ભૂત છે?

જગદીશ મેકવાન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમરગઢનું એ ગાઢ જંગલ મૃતકોનું જંગલ કહેવાતું હતું. કોઈ એ જંગલમાં પગ મૂકવાની હિંમત સુદ્ધાં કરતું નહીં. ભૂલથી પણ જો કોઈ મનુષ્ય એ જંગલમાં જતો, તો જીવતો પાછો આવતો નહીં, કારણ કે એ જંગલ પર આસરાનું રાજ ચાલતું હતું. લોકવાયકા અનુસાર આસરા એક પાણીમાં રહેનારું ભૂત હતું. જે હંમેશાં સ્વરૂપવાન સ્ત્રીના સ્વરૂપે જ દેખાતું અને સમરગઢના જંગલમાં પ્રવેશનાર મનુષ્યને કાચો ને કાચો ખાઈ જતું. વળી એવી પણ માન્યતા હતી કે એ જંગલનાં તમામ પ્રાણીઓ અને વૃક્ષો સુદ્ધાં ભૂત જ છે. માટે કોઈ પણ વ્યક્તિ એ તરફ ભૂલથી પણ ફરકતુ નહીં. પણ એકવાર ચિત્રસેન બેભાનાવસ્થામાં એ જંગલમાં પહોંચી ગયો. એનો ઘોડો એને એ જંગલમાં લઈ આવ્યો હતો. ચિત્રસેન રાયગઢનો સેનાપતિ હતો. ચિત્રસેન ખૂબ જ સોહામણો હતો. રાયગઢની રાજકુંવરી એના પર મોહી પડી હતી. રાજાને જાણ થતાં જ એણે ચિત્રસેનને મારી નાખવાની આજ્ઞા કરી હતી. ચિત્રસેનને એ વાતની જાણ થતાં જ એ જીવ બચાવીને નાઠો. રાજાના સૈનિકો એની પાછળ પડ્યા. ઘાયલ હોવાના કારણે વધુ લોહી વહી જવાથી એ બેહોશ થઈ ગયો. અને એનો ઘોડો દિશાહીન બનીને સમરગઢના જંગલમાં ઘૂસી ગયો. સિપાઈઓએ એને એ જંગલમાં ઘૂસતા જોયો, એટલે એ ખુશ થઈ ગયા. કેમ કે, ચિત્રસેન સામેથી જ મોતના મુખમાં પ્રવેશ્યો હતો. સિપાઈઓ પાછા ફરી ગયા. દસ દિવસ પછી જ્યારે ચિત્રસેનની આંખો ખૂલી ત્યારે એ એક ઝૂંપડીમાં હતો. એને યાદ આવ્યું કે એ છેલ્લે એના ઘોડા પર હતો. એણે બેઠા થવાની કોશિશ કરી, પણ શરીરમાં કળતરને કારણે એ બેઠો ના થઈ શક્યો. એટલામાં એક ખૂબસૂરત યુવતી એ ઝૂંપડીમાં પ્રવેશી. ચિત્રસેનને ભાનમાં આવેલો જોઈને ખુશ થઈને બોલી, ‘અરે! આપ ભાનમાં આવી ગયા?’ ‘તમે કોણ છો?’ ‘ઋતવા.’ એ બેહદ ખૂબસૂરત યુવતીએ જવાબ આપ્યો. ‘આ કયું ગામ છે?’ ‘આ ગામ નથી. જંગલ છે. સમરગઢનું જંગલ.’ ‘સમરગઢનું જંગલ ’ નામ સાંભળતાં જ ચિત્રસેનના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. એ ફાટી આંખે એ યુવતીને જોઈ રહ્યો. એણે સમરગઢના જંગલ વિશે અને એમાં વસતા આસરા પ્રકારના ભૂત વિશે ઘણી દંતકથાઓ સાંભળી હતી. એ દંતકથાઓ અનુસાર તો ચિત્રસેન અત્યાર સુધીમાં યમસદન પહોંચી જવો જોઈતો હતો, પણ એ તો જીવતો હતો. ઋતવા ચિત્રસેન પાસે આવી અને બીકથી ધ્રૂજતા ચિત્રસેનને પોતાના હાથે પાણી પીવડાવ્યું. ચિત્રસેન હજી નબળો હતો. ઋતવા એક પત્નીની જેમ એની સેવા કરતી હતી. ધીમે-ધીમે એ સાજો થતો ગયો અને ઋતવાની નજીક પણ આવતો ગયો. એને થયું કે આસરાવાળી વાત એક અફવા છે. ઋતવા એ જંગલમાં વસતી આદિવાસી કન્યા હશે. હવે એ ઋતવાની મદદથી ચાલવા લાગ્યો અને ધીમે-ધીમે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. એ દરમિયાન એ અને ઋતવા એકબીજાની ખૂબ જ નજીક આવી ગયાં. એક દિવસ એ બંને તળાવના કિનારે આવેલા એક મોટા પથ્થર ઉપર બેઠાં હતાં. ચિત્રસેન બોલ્યો, ‘શરૂઆતમાં તો હું તને આસરા માનતો હતો.’ ‘હું આસરા જ છું.’ ઋતવા ખચકાટ સાથે બોલી. એ સાંભળીને ચિત્રસેન ફફડી ગયો. એને પરસેવો છૂટી ગયો. ગભરામણને લીધે એ સાવ જ ફિક્કો પડી ગયો. એની એવી હાલત જોઈને આસરા રડી પડી અને રડતાં-રડતાં બોલી, ‘મને ખબર જ હતી કે તમને જ્યારે હકીકતની જાણ થશે ત્યારે તમે મારાંથી દૂર થઈ જશો, પણ તમે જો મને છોડીને જતા રહેશો તો હું તમારા વગર મરી જઈશ. તે દિવસે મેં તમને તમારા ઘોડા પર પહેલી વાર જોયા ત્યારે તમને જોતાની સાથે જ હું તમારા પ્રેમમાં પડી ગયેલી. હું જ તમને બચાવીને અહીં લઈ આવી. હું તમને મારા જીવથી પણ વધારે ચાહું છું.’ ‘મેં સાંભળ્યું છે કે આસરા માણસને કાચા ને કાચા ખાઈ જાય છે.’ ફફડતાં હૈયે ચિત્રસેન બોલ્યો. ‘ખોટી વાત છે. અમે ક્યારેય કોઈને ખાતાં નથી. હકીકત તો એ છે કે અમે કશું જ ખાતાં નથી.’ ઋતવાએ જવાબ આપ્યો. ‘તો જીવો છો કઈ રીતે?’ હજીએ ચિત્રસેનની હાલત ખરાબ જ હતી. ‘આ મોતીને લીધે. એ અમને ઊર્જા પૂરી પાડે છે.’ ઋતવાએ પોતાની નાભિમાં રહેલું મોતી ચિત્રસેનને બતાવ્યું. ઋતવાની સુંદર નાભિ, ગોરુ-સુંવાળું પેટ જોઈને ચિત્રસેનને રોમાંચનો અનુભવ થયો. એની બીક ઓછી થઈ. એ બોલ્યો, ‘જો તમે લોકો માણસોને ખાતાં નથી તો જે પણ આ જંગલમાં પ્રવેશે છે, એ પાછો બહાર કેમ આવતો નથી?’ ‘કેમ કે, આ જંગલનાં તમામ પ્રાણીઓ અને વૃક્ષો ભૂત છે. એ આ જંગલમાં પ્રવેશનાર માણસોને મારી નાખે છે.’ ‘તો એમણે મને કેમ ના માર્યો?’ ‘કેમ કે, એ બધાં જાણે છે કે હું તમને ચાહું છું અને હું તમારી સાથે છું.’ ‘મેં એવું સાંભળ્યું છે કે તારી નાભિમાં જે મોતી છે એ જો કોઈને મળી જાય તો એ અતિશય શક્તિશાળી બની જાય.’ ‘હા. સાચી વાત છે. એ એટલો શક્તિશાળી બની જાય કે એકલે હાથે આખા સૈન્યને હરાવી દે. કેમ, તમારે આ મોતી જોઈએ છે?’ ‘હા.’ ચિત્રસેને જવાબ આપ્યો. ‘પણ જે ઘડીએ આ મોતી મારા શરીરથી દૂર થશે, એ જ ઘડીએ હું મરણ પામીશ.’ ઋતવાએ મોતી ના આપી શકવાનો અફસોસ વ્યક્ત કરતા કહ્યું. ‘હું રાયગઢનો સેનાપતિ છું.’ ચિત્રસેને કહ્યું, ‘રાયગઢના રાજાને સંતાનમાં માત્ર ને માત્ર એક પુત્રી છે. મેં રાયગઢની રાજકુમારીને મારી પ્રેમજાળમાં ફસાવી હતી, જેથી એનાં લગ્ન મારી સાથે થાય અને જમાઈ હોવાના નાતે હું જ રાયગઢની ગાદીનો હકદાર બનું, પણ રાજાને એ વાતની ખબર પડી ગઈ. જો આ મોતી મને મળી જાય તો હું મારું સ્વપ્ન પૂરું કરી શકું.’ બોલીને ચિત્રસેને એકદમ જ વીજળીવેગે પોતાનું ખંજર ઋતવાના પેટમાં હુલાવી દીધું, પણ ઋતવાએ ખંજર પકડી લીધું. એ બોલી, ‘મારાં મા-બાપે મને શીખવાડેલું કે ક્યારેય કોઈ મનુષ્યનો ભરોસો ના કરીશ. જે એનું સર્જન કરનાર કુદરતનો નથી થયો, એ બીજાનો શું થવાનો? હું ધારું તો તને અબઘડી ખતમ કરી શકું એમ છું, પણ હું તો તારા પ્રેમમાં પડી ગઈ છું અને પ્રેમ વિવશ કરી દે છે. અને એ વિવશતામાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય છે, મૃત્યુ.’ કહીને ઋતવાએ ખંજર પોતાની નાભિમાં ખોસીને મોતી છૂટું પાડી દીધું. ઋતવા મરણ પામી. ચિત્રસેને ચહેરા ઉપર વિજયી સ્મિત સાથે મોતી હાથમાં લીધું અને જંગલની બહાર જવા પગ ઊપાડ્યો, પણ એ મૂર્ખ એક સાવ સાદી વાત ભૂલી ગયો કે અત્યાર સુધી એ આસરાને લીધે જ જીવતો હતો. આસરાનો આસરો હટ્યો કે તરત જ પ્રાણીઓ અને વૃક્ષોનાં પ્રેત પ્રગટ થયાં અને ચિત્રસેનને કાચો ને કાચો ખાઈ ગયાં.⬛makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...