તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઈટ હાઉસ:અદેખાઈ : પતન નોતરતી સૌથી ઊંડી ખાઈ

રાજુ અંધારિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈર્ષ્યા કરવી એ સામે ચાલીને દુ:ખનો બોજ માથે લઈને ફરવા જેવી બિનઉત્પાદક પ્રવૃત્તિ છે

એક રાજાના દરબારમાં એક સવાલનો જવાબ મેળવવાની ચર્ચા શરૂ કરવામાં આવી. સવાલ હતો, ‘આ દુનિયામાં સૌથી દુઃખી માણસ કોને ગણવો?’ જવાબમાં કોઈ કહે ગરીબ સૌથી દુઃખી હોય, કોઈ કહે રોગગ્રસ્ત દર્દી. અમુક કહે ખૂબ ધનવાન હોય, પણ સતત ચિંતિત હોય ને નિરાંતે નીંદર ન લઇ શકે એ દુઃખી ગણાય. રાજા આ જવાબોથી સંતુષ્ટ ન થતા એણે પોતાના વિશ્વાસુ દરબારી ચતુરનાથ તરફ દૃષ્ટિ કરી. ચતુરનાથ કહે, ‘મહારાજ, મારા અભિપ્રાય અનુસાર જે વ્યક્તિ ઈર્ષ્યાળુ છે, અદેખાઈ રાખે છે એ સૌથી દુઃખી છે.’ સાચે જ, પતન નોતરનારી અદેખાઈ જેવી બીજી એકેય ઊંડી ખાઈ નથી. અન્યના જીવનમાં કંઇક સારું બને ત્યારે ઈર્ષ્યાળુ પરેશાન થઇ જાય છે. એના મનમાં ક્યારેય શાંતિ હોતી જ નથી. એ હંમેશાં શંકાશીલ હોય છે અને એ અન્ય લોકોનાં જીવનમાં ખુશી જુએ છે, કંઇક શુભ થતું જુએ છે ત્યારે એના મનમાં શંકાનો કીડો સળવળવા લાગે છે અને સામેવાળા પ્રત્યેની ઘૃણાથી એના મનમાં કડવાશ વ્યાપી જાય છે. આવો માણસ જ આખા જગતમાં સૌથી દુઃખી માણસ ગણાય ને! સવાલ એ છે કે માણસમાં અદેખાઈનો જન્મ કેવી રીતે થાય છે? એક કારણ છે અસલામતી. જેનામાં આત્મસન્માનનો અભાવ હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય એનામાં ઈર્ષ્યાનો ભાવ આસાનીથી પ્રવેશી જાય છે. પોતે કંઇક સાર્થક હોય એવું કરી શકતા નથી એના અફસોસમાંથી અસલામતી પેદા થાય છે ને બીજાની સાર્થકતા પર એ ઈર્ષ્યા કરવા લાગે છે. ઈર્ષ્યાનો ભાવ પેદા થવાનું એક વધુ કારણ છે કોઈની સાથેનું વળગણ. આવી હાલત હોય ત્યારે જગતની અનિશ્ચિતતાનો સામનો થઇ શકતો નથી. સમજો કોઈ એક વ્યક્તિને કોઈ સ્વજન પ્રત્યે એટલું વળગણ હોય છે કે એને ઘરે આવતા મોડું થાય તો એના મનમાં આવી અનિશ્ચિત પરિસ્થિતિમાં નેગેટિવ પ્રશ્નોની હારમાળા સર્જાઇ જાય છે, જે એના મનમાં બેચેની ઊભી કરે છે જે આગળ જતા ઈર્ષ્યાનું રૂપ ધારણ કરે છે. અદેખાઈ શા માટે સૌથી ઊંડી ખાઈ છે એનો જવાબ મેળવીએ તો આપણે કોઈની ઈર્ષા કરીએ ત્યારે જેની ઈર્ષા કરીએ છીએ એને તો આ વાતની ખબર પણ હોતી નથી! એટલે ઈર્ષા કરવી એ નર્યો સમયનો વેડફાટ છે, સામે ચાલીને દુ:ખનો બોજ માથે લઈને ફરવા જેવી બિનઉત્પાદક પ્રવૃત્તિ છે. બીજું, અદેખાઈ કરવાથી કશુંક પરિવર્તન આવતું હોય તો ઠીક છે, ઊલટાનો કશો જ ફેરફાર થતો નથી ને મનમાં વ્યાપેલું ઈર્ષ્યાનું ઝેર ઈર્ષ્યાળુ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે વ્યગ્ર રાખીને એની તબિયત પર વિપરીત અસર કરે છે. અદેખાઈ કરવાનું એક મોટું નુકસાન છે સ્પષ્ટ રીતે વિચારવામાં ઊભો થતો મોટો અવરોધ. ઈર્ષ્યાના ગાઢ ધુમ્મસ વચ્ચે તાર્કિક રીતે વિચારવાનું આપણને સૂઝતું નથી. મનમાં ચાલતો ઈર્ષ્યાનો ઘોંઘાટ આસપાસ બનતી ઘટનાઓથી આપણને બધિર બનાવી દે છે. સૌથી વિશેષ તો લોકોને ખબર પડે છે કે જે-તે વ્યક્તિ ઈર્ષ્યાળુ છે ત્યારે એ વ્યક્તિ બીજાની નજરમાંથી નીચે ઊતરી જાય છે. આથી ઘણી વાર એ વ્યક્તિ એકલી પણ પડી જાય છે. આમ, અદેખાઈ જયારે એક તાકાતવાન લાગણી તરીકે મનમાં ઘર કરી જાય છે ત્યારે આપણે આપણી જાત પરનું નિયંત્રણ ગુમાવી દઈએ છીએ ને એવી સ્થિતિમાં લેવાયેલા નિર્ણય માટે જીવનભરનો અફસોસ રહી જાય છે.⬛rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...