ઓફબીટ:ગમે, તો ગમે છે તું...

અંકિત ત્રિવેદી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રેમને પરમિશનની ક્યાં જરૂર પડે છે. પ્રેમ સંબંધોનો ઈન્ટરવલ નથી! પ્રેમ તો સંબંધોમાં ગૂંગળાઈને નામ આપવાની જ ના પાડે છે! જેને જોઈને તમને કૃષ્ણની વાંસળી સંભળાય છે, જેને જોઈને સમુદ્રના કિનારાના પવનનો અવાજ તમને સંભળાય છે, જેને જોઈને કુદરતની લીલાઓનું ભાન થવા માંડે છે, જેના સાંનિધ્યમાં તમને તમારાપણું લાગે છે એ તમારો પ્રેમ છે. એ તમારી નજીક જ છે. એને પાસે બોલાવતાં આવડવું જોઈએ. મરીઝ કહે છે... ‘મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, ન્હોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.’ પ્રેમના દીવાને કોડિયાની જરૂર નથી પડતી! એ તો સ્વયંભૂ પ્રગટ કોહિનૂર જેવો છે. પ્રેમમાં પડવાનો મહિમા નહીં, ઊગવાનો મહિમા છે. કાવાફી કહે છે... ‘ચાર વાગે ઢળતી બપોરે અમે છૂટાં પડ્યાં, ફક્ત એક એઠવાડિયા માટે... અને પછી- એ અઠવાડિયું સદાયનું થઈ ગયું.’ પરિસ્થિતિ બદલાય એની સાથે જ નિયતિ પણ બદલાઈ જાય. વાસના એ તો શરીરની ભાષાને પહેરાવેલાં કપડાં છે. એને ત્વચા સાથે લેવા દેવા નથી. પગથિયાં ઉપરની તરફ જ ચઢવાનાં નથી હોતાં! કેટલીક વાર ઊતરાયણ પણ શિખરોની ઉત્તુંગતા પ્રાપ્ત કરે છે. પ્રેમમાં હોઈએ એવા પ્રગટી જવા માટે ભવોભવ ટૂંકા પડે! અને જીવી જવા માટે એક પળ પણ વધારે પડે! આદિલ મન્સૂરી એમ કહે છે... ‘સામા મળ્યા તો એમની નજરો ઢળી ગઈ, રસ્તા મહીં જ આજ તો મંઝિલ મળી ગઈ.’ પ્રવાસ પહેલાં જ મુકામ સામેથી મળવા આવે એ પ્રેમ! સલાહ આપવી અને સાંભળવી બંને પ્રેમને માફક નથી આવતી! એને તો ગમે છે મોબાઈલમાં DPને જોવું, સ્ટેટસને જોવું, ઈન્સ્ટાના લવ પર લાઈક કરવું! વળી, આવું બધું જ આપણી જેમ આપણી ગમતી વ્યક્તિ પણ કરે એની રાહ જોવી! દુનિયા આગળ અડીખમ રહેલો માણસ પોતાના પ્રેમ આગળ મીણબત્તીની જેમ ઓગળી જાય છે. આપણી ‘હા’માં ગમતી વ્યક્તિની ‘હા’ ભળે એની રાહ જોઈએ છીએ આપણે! અવ્યક્ત રહીને વ્યક્ત થાય અને વ્યક્ત રહીને પણ બોલવાનું બાકી રહી જાય છે આવી અવસ્થામાં! જીવનને રોજ દિવાળીના નવા દિવસો જેવું લાગે! એ અવસ્થાનું એક ગીત મૂકું છું... ‘કેમ એમાં પૂછવાનું શું? ગમે, તો ગમે છે તું! સ્ટેટસને જોવું ને ડીપીને જોવું, ને ઈસ્ટા પર લાઈક કરું દિલથી. આવું બધુંય તને કરવાનું થાય મન, એમાં હું વિચરું દિલથી. દુનિયાની આગળ જે હોય છે અડીખમ એ ઓગળતો જાય હવે હું... ગમે, તો ગમે છે તું... એકવાર આવીને ‘હા’ કહી જાય, તો જીવવાનું ગમશે વધારે; દુનિયામાં આપણીયે દુનિયા વસાવીને, રાખીશું મોજને પગારે... જેટલો કરું છું પ્રેમ એટલો એ સાચવે છે, સ્મરણોને કેમ કહું છૂં! ગમે, તો ગમે છે તું... ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...