ફોબિયા:એક બિનજરૂરી ડર : ફોબિયા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોબિયામાં કોઇ વસ્તુ કે પરિસ્થિતિનો ખૂબ જ વધુ પ્રમાણમાં અને લાંબા ગાળા સુધીનો ભય લાગતો હોય છે

ફોબિયા એક બિનજરૂરી ડર છે. ફોબિયા બાબતે લોકોની પ્રતિક્રિયા એટલી તીવ્ર હોય છે કે તેના કારણે તેઓ ક્યારેય સાહસ કરી શકતા નથી. જેમ કે, કોઈ વ્યક્તિ બાઇક ચલાવતા ડરતી હોય તો તે વ્યક્તિને એટલો ડર લાગે કે તે જીવનભર બાઈક ચલાવી શકતી નથી. દર્દી ક્યારેક અગાઉથી એવું ધારી લે છે કે તેમને ઇજા થશે અથવા તો તેમને એમ લાગે છે કે તેઓ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેસશે અને તેમનામાં પેનિક એટેકનાં ચિહ્નો જોવા મળે છે. આ ઉપરાંત ફોબિયામાં કોઇ વસ્તુ કે પરિસ્થિતિનો ખૂબ જ વધુ પ્રમાણમાં અને લાંબા ગાળા સુધીનો ભય લાગતો હોય છે. ફોબિયામાં દર્દીમાં એંગ્ઝાયટીનાં ચિહ્નો જોવા મળે છે. દા.ત. તેઓ લિફ્ટમાં હોય તો લિફ્ટ બંધ થયા પછી ચક્કર આવી પડી જવાનો ભય લાગે.

માનસિક બીમારી : ફોબિયા નામની આ બીમારી સામાન્ય રીતે 5થી 10 ટકા લોકોમાં અને ક્યારેક 25 ટકા લોકોમાં પણ ફોબિયા જોવા મળે છે. જો આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો અન્ય માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન, એંગ્ઝાયટી ડિસઓર્ડર તેમજ દારૂનું વ્યસન પણ જોવા મળી શકે છે. આ બીમારીનો લાઇફ ટાઇમ પ્રિવેલન્સ રેટ 11 ટકા જેટલો છે. આ પ્રકારના ફોબિયા સોશિયલ ફોબિયા કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ફોબિયા યુવાન વ્યક્તિઓમાં તથા પ્રૌઢ વ્યક્તિઓમાં બંનેમાં જોવા મળે છે. આ બીમારીમાં વ્યક્તિને અલગ-અલગ પ્રકારના ભય લાગે છે. જેમકે પ્રાણીઓ, બીમારી, વાવાઝોડું, ઊંચાઇ અને મૃત્યુ.

લક્ષણો : આ ભયને લીધે દર્દીમાં એંગ્ઝાયટીનાં ચિહ્નો જોવા મળે છે. જેમકે,ચક્કર આવવા, માથું દુ:ખવું, પેટમાં ફફડાટ થવો, નાડીના ધબકારા વધવા, વારંવાર પાતળા ઝાડા થવા, ધબકારા વધી જવા, હાથ ધ્રૂજવા, પેશાબ વધુ માત્રામાં લાગવો, બ્લડપ્રેશર વધવું, ક્યારેક પેનિક એટેક પણ આવી શકે છે.

વિવિધ પ્રકારના ફોબિયા : એનિમલ ટાઇપ, નેચરલ એન્વાયરન્મેન્ટ ટાઇપ, બ્લડ-ઇન્જેકશન-ઇન્જરી ટાઇપ, સિચ્યુએશન ટાઇપ અને અન્ય ફોબિયામાં ઊલટીનો ભય, બીમારી લાગવાનો ભય, શ્વાસ રૂંધાવાનો ભય, મોટા અવાજનો ભય રહે છે. ફોબિયાના અનેક પ્રકાર છે. જેમકે, એક્રોફોબિયા એટલે કે ઊંચાઇનો ભય, અગોરા ફોબિયા જેમાં ખુલ્લી જગ્યાનો ભય હોય. એઇલયુરો ફોબિયા એટલે બિલાડીનો ભય લાગે. હાઇડ્રો ફોબિયા જેમાં પાણીનો ડર રહે. એવી જ રીતે સાયનો ફોબિયા એટલે કૂતરાઓનો ભય લાગ્યા કરે. માયસો ફોબિયા જેમાં ધૂળ કે જીવાતનો ભય રહે. ઝૂ ફોબિયા કે જેમાં પ્રાણીઓનો ભય લાગે.

સારવાર : ફોબિયાની સારવારમાં સાયકોથેરાપી, બિહેવિયર થેરાપી, ઇનસાઇટ-ઓરિએન્ટેડ સાયકોથેરાપી, હિપ્નોસીસ, સપોર્ટિવ થેરાપી, ફેમિલી થેરાપી આપવામાં આવે છે. આ ઉપરાંત દવા દ્વારા પણ ફોબિયાની સારવાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...