તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારની બપોરે:જૂનો દોરડાવાળો ટેલિફોન

અશોક દવે3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે સેલફોન લઈને પાર્ટી ઘટનાસ્થળ પર જ ગોળ-ગોળ ચકરડા મારે રાખે છે, એમાં એના મોબાઈલફોનને જૂના, કાળા અને દોરડાવાળા ફોનની જેમ દોરડાં હોત તો? કાને ફોન ચોંટાડ્યા પછી પાર્ટીનું કંઈ નક્કી નહીં કે, કઈ બાજુ જવાનું છે, પણ દોરડાં હોત તો એની પત્નીને ચિંતા ન રહેત કે, લાલો દસ-વીસ ફૂટથી આઘો નહીં જાય! અમારા જમાનામાં અમેય નહોતા જઈ શકતા. ટૂંકા દોરડાને કારણે કોઈ 3-4 ફૂટની ત્રિજ્યામાં જ રમી લેવું પડતું. આ જ કારણે, ગ્રેહામ બેલે ટેલિફોન શોધ્યા પછી એક પણ દુખિયારીએ ગળે ટેલિફોનનું દોરડું વીંટાળીને આત્મહત્યા નહોતી કરી. ઘણી સ્ત્રીઓનાં ગળાનાં માપ દોરડાની લંબાઈથી તગડાં હતાં. ગળાની સાઈઝ પ્રમાણે ફિટ બેસતાં નહોતાં. એટલા દોરડામાં ગળું આવેય નહીં! પેટ ઉપર બાંધી શકાય, પણ આપઘાત કરતા ફાવે નહીં. પૂરા અમદાવાદમાં માંડ 20-25 ફેમિલીઓ પાસે કાર હતી, પણ એમાંના બધાં પાસે ટેલિફોનની સગવડ હોય, એ જરૂરી નહોતું. ઘણાંની દયાઓ પણ આવતી કે, ‘બિચારા પાસે કાર છે, પણ ફોન નથી... ભગવાન આવા દિવસો કોઈને ન દેખાડે!’ અમારા જેવાઓ પાસે નહીં કાર, નહીં ટેલિફોન, એટલે એ લોકો ઘેર બેઠાં અમારી કેવી દયા ખાતાં હશે, એ તો સાંભળ‌વાય જતા નહીં! પણ મોટો લોચો વાગતો અમદાવાદની બહાર કોઈને ટ્રંક કોલ કરવો હોય તો! લાંબી લાઈનમાં ઊભા રહેવાનું! કોલ કરનારાઓ રહી ગયા હોય એમ આપણે કોલ કરવાનો હોય ત્યારે જ ત્યાં અંબાજીનાં દર્શને આવ્યાં હોય, એવી લાઈનમાં ઊભાં હોય. એમ નહીં કે, કોલ કરવા અશોક દવે આવવાના છે, તો બે દહાડા પછી આવીએ કે જરા આઘા ખસીને ઊભા રહીએ! એમાંય ભદ્રની તાર-ઓફિસ એટલી ટચૂકડી કે લાઈનમાં આગળ-પાછળ ઊભેલાંઓ પરસેવાથી ગંધાતાં હોય તોય આપણે ચલાવી લેવું પડતું.ત્યાં પ્રાઈવસીની કોઈ શક્યતા નહોતી. ઘાંટાઘાંટ કરીને ફોનમાં બોલવું પડતું. મનમાં છાપ એવી પડી ગઈ હતી કે, કોલ હોય એટલે મોટેમોટેથી બૂમો પાડીને જ વાત થાય! હજી યાદ છે, પોળમાં કોઈનો ફોરેનથી ફોન આવ્યો એટલે આટલે દૂર દેશાવર દરિયાપાર અવાજ પહોંચતા ધીમો પડી જશે, એ બીકે ઘાંટાઘાંટ કરીને બોલવાનું! એક કારણ એ પણ હતું કે, ‘અમારે તો અમેરિકા-ઈંગ્લેન્ડથી ફોનો આવે છે!’ એવી જાહેરાત કરવી ગૌરવપૂર્ણ હતી. એ વાત જુદી છે કે, જેટલા વિરાટ ઘાંટે એ લોકો બોલતાં, એમાં હાથમાં ફોન ન હોય તો પણ અમેરિકા અવાજ પહોંચે! અમે અમદાવાદના ગાંધી રોડ પરની ખત્રી પોળમાં રહેતા, ત્યારે 25-26 મકાનોમાંથી કોઈને ત્યાં ટેલિફોન નહીં, ફક્ત અમારી બાજુમાં કોર્ટમાં ગયા પહેલાં નિવૃત્ત થઈ ગયેલા એક વયોવૃદ્ધ વકીલ ‘પંચ’ હતા. બસ, એક એમને ત્યાં ટેલિફોન. મને નંબર હજી યાદ છે, 53516. આજુબાજુવાળાં અમે કોઈ 10-12 પડોશીઓએ વકીલના ફોનને પોતાનો સમજીને અમારાં સગાંસંબંધી કે મિત્રોમાં વહેંચ્યો હતો. પછી તો પંચ પોતેય એવું માનતા થઈ ગયેલા કે, મૂળ તો ફોન પોળવાળાઓનો છે, પણ એ લોકોનાં ઘરોમાં પૂરતી જગ્યા નહીં એટલે એમને સાચવવા આપ્યો છે. પાંચ માળના મકાનમાં વકીલ અને જયાકાકી એકલાં રહે, પણ ફોનની ઘંટડી વાગે, એટલે આટલી ઉંમરે પણ જયાકાકી ગ્રાઉન્ડફ્લોરથી હાંફળાં-ફાંફળાં દાદર ચઢીને ઉપર ફોન લેવા જાય. ઉપડ્યા પછી રોજની જેમ ખબર પડે કે, ફોન કોઈ પડોશી માટે છે, તો સહેજેય મોઢું બગાડ્યા વિના બૂમ પાડે, ‘હકીબહેન... તમારો ફોન છે...!’ હકી તો ફોન વગરેય કલાક સુધી વાતો ખેંચી શકે છે, પણ ફોનમાં તો બાજુની ખુરશી પર ઢીંચણ ઉપર ઢીંચણ ચઢાવીને નિરાંતે વાતો કરવાની! એમાં શરમાવા જેવું કંઈ નહોતું, કારણ કે દરેક પડોશી આવું જ કરતા. ઘણી વાર તો અમારી હાજરીમાં વકીલ માટે ફોન આવે તો અમે મોટું મન રાખીને એમને બોલાવતાય ખરા. એમ પાછો અમારા મનમાં એવો કોઈ ભેદભાવ કે માલિકીભાવ નહીં! અમે પડોશીઓ કેટલા સારા હતા, એનો એક દાખલો આપું. આ તો એ વખતે દોરડાવાળા ટેલિફોનો હતા, પણ ઉંમગ તો આજેય એટલો કે, આજે કાને-કાને સેલફોનો આવી જવા છતાં મનમાં ક્યારેક થતું કે, આખી પોળ વચ્ચે બસ, વકીલને ઘેર જ એક મોબાઈલ રાખ્યો હોય તોય એ તો બધાંને બોલાવે એવા હતા! ખરી તકલીફ બજારમાં નીકળ્યા પછી થતી. દુકાનવાળાઓ એમના ગલ્લાની પાસે આવો એક પબ્લિક-ફોન રાખતા. એય પંદર પૈસામાં કરવા દેતા. (પંદર પૈસા અમારે આપવાના... એ લોકો ના આપે!) પણ હવે પછી સામેથી પંદર પૈસા નહીં, પંદર રૂપિયા પણ આપવા તૈયાર થઈ જાય, એવા કેટલાક ચોંટડુઓ આવતા. આમાં મોટેભાગે પ્રેમીઓ અથવા ધંધાવાળા હોય. ધંધાવાળો લાંબી વાતો પછી ફોન પર થૂંક ઊડાડીને ગયો હોય ને એના પછી આવનારો ફોન કર્યા વગર સામેથી પંદર પૈસા માંગીને જતો રહે. પ્રેમિકાઓ પબ્લિક-ફોનને એવી રીતે મચડતી હોય, જાણે એના પ્રિયતમનું ગળું પકડ્યું હોય. પાર્ટી જોઈને આંખ ઠરે એવું હોય તો દુકાનવાળો ક્યારેક ધંધામાંય ધ્યાન આપે, નહીં તો પેલીને સીધી બહેન બનાવી દે, ‘ચલો બહેન... હજી બીજાને ફોન કરવાના છે.’{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...