શબ્દના મલકમાં:હાસ્ય સાહિત્યના હળવા સ્વરૂપને ગંભીરતાપૂર્વક આલેખન કરનારા ઉત્તમ હાસ્ય લેખક

મણિલાલ હ. પટેલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં, હાસ્ય સાહિત્યના સર્જકો પ્રમાણમાં ઘણા ઓછા છે. જ્યોતીન્દ્ર દવે પછી ઊંચી કોટિનું હાસ્ય સાહિત્ય આપનારા લેખકોમાં બકુલ ત્રિપાઠી વિશેષ ધ્યાનપાત્ર જ નહીં, અભ્યાસપાત્ર પણ છે. વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર પણ આપણા મહત્ત્વના હાસ્ય લેખકો છે. ચીનુભાઇ પટવા, રા. વિ. પાઠક, ચુનીલાલ મડિયા, નિરંજન ત્રિવેદી, અશોક દવે, પ્રિયદર્શી-મધુસૂદન પારેખ અને રમેશ પટેલ ‘ક્ષ’– આ સૌએ હાસ્ય લેખન ક્ષેત્રે પણ નિષ્ઠાથી લેખન કર્યું છે, પરંતુ હાસ્ય લેખનને સંપૂર્ણપણે અને પૂરી નિષ્ઠા-નિસબતથી, અનેક પ્રકારના પ્રયોગો દ્વારા વધુ ને વધુ સમૃદ્ધ કરનારા તો બકુલ ત્રિપાઠી જ રહ્યા છે. હાસ્ય નિબંધમાં જ અનેક રૂપગત પ્રયોગો કરનાર બ. ત્રિ.એ કથા-સંવાદ-પત્ર-નાટક-કાવ્યનાં સ્વરૂપોને હાસ્ય માટે સફળતાથી પ્રયોજ્યાં છે! આ સર્જકનું વ્યક્તિત્વ, લેખન અને પ્રવચન : ત્રણે ઘણાં વિલક્ષણ રહ્યાં છે. સાક્ષર નગરી નડિયાદમાં તા. 27-11-1928ના રોજ બકુલ ત્રિપાઠીનો જન્મ. માતા સૂર્યબાળા અને પિતા પદ્મમણિશંકર. કુટુંબ-પરિવારમાં લેખકો જ હતા બધા! બ. ત્રિ.ના ઘડતરમાં – ખાસ તો એમના સર્જનલેખન સંદર્ભે – કાકા હરિ મણિશંકરનો પ્રભાવ રહ્યો! તેઓએ 186 જેટલી રહસ્યકથાઓ લખીને અનેકોને સાહિત્યમાં રસ લેતા કરેલા! નિબંધો-લેખો-સંવાદોનું લેખન તો માતા-પિતા-કાકા-બાપા અને ભાઇ-ભત્રીજાઓ પણ કરતા હતા. બ. ત્રિ.નું મેટ્રિક પૂર્વેનું શિક્ષણ નડિયાદમાં. પછી તેઓ અમદાવાદમાં આવે છે. 1948માં બી. કોમ. અને 1952માં એમ. કોમ. થયા. 1953માં એલ. એલ. બી.ની પદવી મેળવી ને એ જ વર્ષથી એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ (અમદાવાદ)માં વાણિજ્યના અધ્યાપક થયા. નિવૃત્તિ સુધી ત્યાં જ અધ્યયન કરાવવા સાથે હાસ્ય નિબંધો અને દૈનિકો/સામયિકોમાં કોલમ લેખન કરતા રહ્યા. એમનાં પત્ની વીણાબહેન શિક્ષિકા હતાં. દીકરી તન્વી હવે વિદેશમાં વસે છે. બ. ત્રિ.નું હાસ્ય નિબંધ લેખન 1953થી ‘કુમાર’માં શરૂ થયેલું. દૈનિકો, સામયિકો, આકાશવાણી અને દૂરદર્શન જેવાં તમામ માધ્યમોમાં એ લખતા-બોલતા રહ્યા. એમની ‘ઠોઠ નિશાળીયો’ અને ‘કક્કો અને બારાખડી’ કોલમ સળંગ પચાસ કરતાં વધુ વર્ષ ચાલી. આ માટે એમને ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન મળ્યું. અન્ય દૈનિકોમાં અને સામયિકોના વિશેષાંકોમાં પણ એ લખતા રહેતા. હાસ્ય સાહિત્ય સંદર્ભે એમણે વિશ્વ સાહિત્યનો અભ્યાસ ચાલુ રાખવા સાથે ‘હાસ્યરસ’ની તાત્ત્વિક વાતો પણ લખી છે. એમના હજારો હાસ્ય લેખોમાંથી ચૂંટીને એ પોતે વખતોવખત વિવિધ ગ્રંથો પ્રકાશિત કરતા રહેતા, જેની સંખ્યા પણ પંદરથી વધુ છે. 1955માં એમનો પ્રથમ નિબંધ સંચય ‘સચરાચર’ પ્રગટ થયો હતો. એમના ગ્રંથોમાંથી થોડાક નોંધીશું : ‘સોમવારની સવારે’, ‘વૈકુંઠ નથી જાવું’ ‘દ્રોણાચાર્યનું સિંહાસન’ – (જેમાં શિક્ષણ જગત પર માર્મિક કટાક્ષો છે.) ‘ગોવિંદે માંડી ગોઠડી’, ‘મન સાથે મૈત્રી’, ‘હિંડોળો ઝાકમઝોળ’, ‘અષાઢની સાંજે-’ ‘શેક્સપિયરનું શ્રાદ્ધ’, પરણું તો એને જ પરણું’ અને ‘હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી’ વગેરે. એમનું ‘લીલા’ નાટક અનેકવાર ભજવાયું-લોકપ્રિય થયું- એમાં બ. ત્રિ.એ પણ અભિનય કરેલો! એ સારા નટ અને દિગ્દર્શક પણ હતા. ‘ગણપત ગુર્જરી’ અને ‘રાણીને ગમ્યો તે રાજા’ જેવાં એમના લખેલાં નાટકો પણ હાસ્ય નાટકોની રંકતાને ભૂંસવાનું કામ કરે છે. બ. ત્રિ.ના હાસ્ય સર્જન વિશે ડો. ચંદ્રકાન્ત ટોપીવાળાનો પ્રતિભાવ મૂલ્યવાન છે : ‘મનુષ્યની અને મનુષ્યના સમાજની આંતર-બાહ્ય વિસંગતિઓને અને એની નિર્બળતાઓને આછા કટાક્ષ અને ઝાઝા વિનોદથી ઝડપતી આ લેખકની મર્મદૃષ્ટિ હાસ્ય નિબંધના હળવા સ્વરૂપને ગંભીરપણે પ્રયોજે છે, અને ક્યારેક લલિત નિબંધનો એને સંસ્કાર પણ આપે છે.’ કવિ રાવજીએ જેમ ‘હુંશીલાલ’નું કલ્પિત પાત્ર રચીને સમાજમાં પ્રવર્તતા દંભ પર વ્યંગ કરેલો, બ. ત્રિ.એ પણ એવું ‘બબલદાસ’ – નામે કલ્પિત પાત્ર ઘડી કાઢીને એના દ્વારા દુનિયાદારીમાં પ્રવર્તતા દંભ અને ડોળને ખુલ્લા પાડ્યા છે. રાજકીય કટાક્ષોમાં બબલદાસની ભારે જમાવટ રંગ લાવે છે. ‘હાસ્યનું માધ્યમ’ કેવું ઉત્તમ હથિયાર છે એમ પ્રમાણનાર બ. ત્રિ.એ પ્રયોગશીલતાથી હાસ્ય સાહિત્યને નવતા અને તાજપથી લોકપ્રિય બનાવ્યું હતું! પાર વગરનાં વિષય-વૈવિધ્ય અને એને ઝીલવા વિવિધ રૂપપ્રપંચો રચનાર બ. ત્રિ. ઉચ્ચ દરજ્જાના હાસ્ય સર્જક તરીકે યાદ રહેવાના છે. ‘મારે પછાત થવું છે’, ‘નવા વર્ષના સંકલ્પો’, ‘બેગ અને બિસ્તરા’ – જેવા કેટલાય નિબંધો આપણને એકલા એકલાએ હસાવતા રહે છે. આવા લેખોમાં જીવાતા જીવનમાં રહેલો કરુણ રસ પણ સૂચક બની રહે છે. ‘વૈકુંઠ નથી જાવું’ ને ‘ગોવિંદે માંડી ગોઠડી’ નિબંધ સંચયો હાસ્ય સાહિત્યના શીર્ષસ્થ ગ્રંથો છે. ઇ. સ. 2006-07 માટે એ ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા પ્રમુખ હતા. એ જ અરસામાં 2006માં બકુલ ત્રિપાઠીનું હૃદયરોગના હુમલાથી અમદાવાદ ખાતે અવસાન થયું હતું!⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...