તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દના મલકમાં:પ્રખર વિદ્વાન, ચિંતક, યુગપ્રવર્તક સર્જક : ગોવર્ધનરામ ત્રિપાઠી

મણિલાલ હ. પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક જમાનામાં (1885થી 1920) નડિયાદ ‘સાક્ષરભૂમિ’ કહેવાતું. ઉચ્ચ શિક્ષણ પામેલા વિદ્વાનો, લેખકો, ચિંતકોનું એ વતન અને કર્મભૂમિ પણ રહ્યું હતું. મણિલાલ નભુભાઈ, બાળાશંકર, મન:સુખરામ અને યુગપ્રવર્તક સર્જક ગોવર્ધનરામ- આ બધામાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ગોમાત્રિ)નું નામ અને કામ બંને મોટાં તથા યાદગાર! મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’-1થી 4 ભાગ ગોમાત્રિની પ્રતિભાનો તથા એમની વિચારશીલતાનો સુપેરે પરિચય કરાવે છે. વાચકોને રસ પડે એવો એક પ્રસંગ છે. ભણીને મુંબઈમાં વકીલાતનો પ્રારંભ કર્યો. ઘરમાં કશો કંકાસ ચાલતો હશે એટલે યુવાન ગોમાત્રિ ગૃહત્યાગ કરવાના નિર્ધારથી ચર્ચગેટ સ્ટેશને જાય છે. ટ્રેન બહુ મોડી પડે છે. દરમિયાન એમનું મન બદલાય છે. નિર્ણય બદલવા સાથે એ ઘરે પાછા ‌વળે છે ત્યારે એમના મનમાં ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વિશે વિચારોનાં વમળ ઊમટે છે. આપણી કેટલીક રૂઢિજડ માન્યતાઓ અને સંકુચિતતાઓ એમને છોડવા જેવાં લાગે છે. બંને સંસ્કૃતિમાંથી ઉત્તમ લઈને એક અનોખો સમાજ રચવાના વિચારોમાંથી મહા-નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નાં બીજ અંકુરિત થાય છે. ગોમાત્રિ આપણને નૂતન મનોરાજ્ય, પ્રજાની નીતિનિષ્ઠા અને કલ્યાણગ્રામની એક નવી જ દુનિયામાં લઈ જાય છે. આખો યુગ એનાથી પ્રભાવિત થાય છે, પંડિત યુગને આપણે ‘ગોવર્ધનયુગ’ એટલા માટે કહીએ છીએ. ‘સરસ્વતીચંદ્ર’ ભદ્ર સમાજમાં પ્રતિષ્ઠાનો પર્યાય બની ગયેલી. વાંચે કે ન વાંચે ઘરમાં એના ચારેય ભાગ દેખાય એમ રાખતા! પાત્રોનાં ગુણ પ્રમાણે નામથી અચરજ થતું. લોકો સંતાનોનાં નામ કુમુદ, કુસુમ, સરસ્વતીચંદ્ર, ચંદ્રકાન્ત- એવાં રાખતાં થયેલાં. ગોમાત્રિનો જન્મ 20-10-1855માં. માતાનું નામ શિવકાશીબહેન. પિતા માધવરામની શરાફી પેઢી હતી. કાકા મન:સુખરામ મુંબઈ હતા. ગોમાત્રિના ભાઈ હરિરામ, બહેન સમર્થલક્ષ્મી, પત્ની 1. હરિલક્ષ્મીનું અવસાન થતાં 2. લલિતાગૌરીને પરણેલા. પત્નીના શોકનું સુદીર્ઘ કાવ્ય રચેલું. એમના દીકરા રમણીયરાય ને દીકરીઓ લીલાવતી તથા જશવંતી. લીલાવતીને યુવાન વયે ટીબી થતાં નડિયાદ પિયરમાં હતાં. ત્યારે ગોમાત્રિ પણ વકીલાત છોડીને નડિયાદમાં રહેતા ને સર્જન-લેખન કરતા. આવક બંધ થયેલી. તે દવાનો ખર્ચ બહુ હતો. લીલાવતીનાં મૃત્યુ પછી ગોમાત્રિએ એનું જીવન- ‘લીલાવતી જીવનકલા’ લખેલું. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધું. બાપુજીની પેઢી કાચી પડતાં કાકાએ મુંબઈ બોલાવીને જોડે રાખ્યા. ગોમાત્રિ સ્નાતક થયા અને કાયદાનું ભણીને વકીલાત શરૂ કરી. એ પહેલાં એ એક-બે વર્ષ માટે ભાવનગરના રાજાના દીવાન શામળદાસના અંગત સચિવ તરીકે રહેલા. ભાવનગરનો આ અનુભવ એમને ‘સરસ્વતીચંદ્ર’ના લેખનમાં કામ લાગે છે. ‘સરસ્વતીચંદ્ર’ (ભાગ-1ના પ્રકરણ-1માં) ગૃહત્યાગ કરે છે- મુંબઈથી વેપારીના વહાણમાં સુર્વણપુર આવે છે. આ સુવર્ણપુર એ ત્યારનું ભાવનગર. એ રજવાડું, એનો કારભાર કરતા શામળદાસ દીવાન! ગોમાત્રિને અહીંથી બુદ્ધિધન મળે છે! નવલકથા વ્યાપક સમાજજીવનને બાથ ભરે છે, અનેક સંઘર્ષો ને પ્રેમવિરહની સંવેદનાઓને આલેખે છે. કાયદાનું ભણી રહ્યા બાદ ગોમાત્રિએ ત્રણ સંકલ્પ કરેલા. 1. કોઈની નોકરી (ગુલામી) નહીં કરું. 2. નિષ્ઠાપૂર્વક વકીલાત કરીશ, એને ‘ધંધો’ નહીં બનાવું. 3. 40મા વર્ષે વકીલાત છોડીશ. સાહિત્ય અને સમાજકલ્યાણમાં જીવન સમર્પિત કરી દઈશ. જોકે, વકીલાત 42મા વર્ષે છોડી. બાકી સંકલ્પો પ્રમાણે જીવ્યા. મુંબઈ છોડી નડિયાદ આવી ગયેલા. લેખન-સર્જન-કુટુંબની સંભાળ સાથે સામાજિક કાર્યો કરતા ગોમાત્રિનો આ સમય બહુ કપરો રહેલો. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાને નવાજતાં વિવેચકોએ એને સકલકથા, સંસારકથા, સંસ્કૃતિકથા, જગત કાદંબરી- જેવાં વિશેષ નામ પણ આપ્યાં છે. ઈ.સ. 1887માં પ્રથમ ભાગ અને 1901માં ચોથો ભાગ પ્રગટ થયા હતા. ગોમાત્રિએ રોજનીશી જેવી- વિચારસમૃદ્ધ-સ્ક્રેપબુક લખી છે. ‘સ્નેહમુદ્રા’ કાવ્યસંચય, દયારામનો અક્ષરદેહ, વિવેચનલેખો તથા ક્ષેમરાજ અને સાધ્વી-નાટક વગેરે ગ્રંથો લખ્યા છે. ઈ.સ. 2016માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલટિકિટ બહાર પાડેલી. ઈ.સ. 1905માં ગોમાત્રિ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ વરાયા હતા. નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરીના પણ એ પ્રથમ પ્રમુખ (1905)નિમાયા હતા. 1907માં મુંબઈ ખાતે એમનું નિધન થયું હતું.⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...