તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીલે ગગન કે તલે:અમિત ગુપ્તાનું સૂડોરાઈટ

મધુ રાય3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે ક્ષેત્રમાં ‘લખાણ’નો ઉપયોગ થતો હશે તેનો હુલિયો સૂડોરાઇટ સાંગોપાંગ બદલી નાખશે!

ફોટામાં છે શ્રીયુત અમિત ગુપ્તા, ‘સૂડોરાઇટ’ના નિર્માતા! સૂડોરાઇટ મતલબ? રીડ મોર – આજથી 30 વર્ષ પહેલાં ગગનવાલાએ આર. સી. ફેલાન નામે સાયન્સ ફિક્શન વાર્તાકારની વાર્તા વાંચેલી, ‘Something Invented Me’. એક કમ્પ્યુટરને સેકન્ડના લાખોના હિસાબે સતત શબ્દો લખ્યા કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે એવું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે ને એવા લાખો, કરોડો, અબજો મન્કી–રાઇટિંગમાંથી આડેધડ શબ્દો ગોઠવાતાં ગોઠવાતાં લખાઈ આવે છે ઉત્તમ સાહિત્યકૃતિઓ! અને ગગનવાલાનું માથું ફટકેલું, ‘ઓહ માય ગોડ! એવો જમાનો આવશે કે લેખકો ને કવિઓ આઉટડેટેડ થઈ જવાના? હૃદય ને લાગણી ને પ્રેરણા ને સર્જન ને પ્યાર ને ઇકરાર ને ઇંતજાર ને તલ્ખિયાં ને દિલ કા કરારનું શું?’ બંધુગણ, એવો જમાનો આવી પહોંચ્યો છે અને તે જમાનાની પાલખી ઉપાડીને લાવી રહ્યા છે આપણા એક ઇન્ડિયન જેન્ટલમેન, અમિત ગુપ્તા! આ સમાચાર અને વિશદ માહિતી લેખ કોઈ રેંજીપેંજી છાપાંમાં નથી છપાયો, અમેરિકાના પ્રથમ પંક્તિના મેગેઝિનમાં સ્ટીવન માર્શ નામે લેખકનો માહિતીલેખ પ્રગટ થયો છે, અમિત ગુપ્તા નિર્મિત ‘સૂડોરાઇટ (Sudowrite)’ નામે પ્રોગ્રામ વિશે. સૂડોરાઇટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડીપ–લર્નિંગ ન્યુરલ નેટવર્કના લેટેસ્ટ GPT-3 સોફ્ટવેર વડે અનવરત, સતત સ્વયંભૂ લખાણ પેદા કરી શકે છે. જુલાઈ 2019માં માઇક્રોસોફ્ટ સંસ્થાએ એક બિલિયન ડોલરના રોકાણથી 400 ગિગાબાઇટ પ્રતિ સેકન્ડ કન્ટેક્ટિવિટીવાળા સુપર કમ્પ્યુટરનું નિર્માણ કર્યું. તેને GPT-2 સોફ્ટવેર વડે ‘ન્યૂ યોર્કર’ મેગેઝિનમાં શોભે એવો એક લેખ લખવાનું કહેવાયું અને તે માટે તેને 1.5 બિલિયન સૂચનાઓ આપવામાં આવી. આજે તે પછીના વર્ઝન GPT-3 સાથેના સૂડોરાઇટ પ્રોગ્રામ હેઠળ 175 બિલિયન સૂચનાઓ યાદ રાખીને સુપર કમ્પ્યુટર ફ્રાન્ઝ કાફ્કા કે રવીન્દ્રનાથ ઠાકુર કે સુરેશ જોષી જેવા કોઈ પણ લેખકને છાજે એવું લખાણ લખી શકે છે. આ GPT-3 કાલે સવારે શું કરી શકશે તેનો હેવાલ આપતાં ન્યૂ યોર્કર કહે છે કે જે ક્ષેત્રમાં ‘લખાણ’નો ઉપયોગ થતો હશે તેનો હુલિયો સૂડોરાઇટ સાંગોપાંગ બદલી નાખશે! મતલબ કે આજે આપણે જે લખવા ને બોલવા કેળવાયેલા છીએ તે સઘળું જાણે ઊંધા માથે લટકશે અને તે સૂડોસાઇટના નિર્માતામાંના એક છે, મેરા ભારતીય મહાન અમિત ગુપ્તા! ગુપ્તાજી કહે છે કે, ‘શિલ્પીઓ, ચિત્રકારો ને ફોટોગ્રાફરો માટે કમ્પ્યુટરના ફક્કડ આધુનિક પ્રોગ્રામો છે. જેમ કે, ફોટોશોપ કે થ્રી–ડી ટૂલ્સ! શિલ્પીઓ પોતાનાં શિલ્પ બનાવવા હવે માટી વાપરતાં નથી, કમ્પ્યુટર પ્રોગ્રામ વડે પોતાની કલાકૃતિ નિપજાવે છે. આજના ગ્રાફિક આર્ટિસ્ટો તેવાં આધુનિક ઉપકરણો વાપરે છે, પણ લેખકો હજી સદીઓથી ચાલતી રુઢિમાં લખે છે, પણ હવે લેખકો મહિને માનો કે 15 કે 20 ડોલરમાં સૂડોરાઇટ વસાવી શકશે.’ ન્યૂ યોર્કરના લેખક વિસ્મયથી કહે છે કે, એમણે પોતે સૂડોરાઇટનો ઉપયોગ કરીને અમુક અધૂરી વાર્તા આગળ વધારવાનો અખતરો કર્યો ને જાતે ચકિત થઈ ગયા. સૂડોરાઇટે તે વાર્તાકારની શૈલી જ નહીં, તેની ભાષાભૂલોને પણ અપનાવી, લાહૌલવિલાકૂવ્વત! અદ્દલ અસલ જેવું લખાણ લખી બતાવ્યું. આમ, માનો કે ઉમાશંકરની કવિતા ‘ભોમિયા વિના’ની હજી બીજી પાંચ કડીઓ બનાવવી છે, દયારામની ગરબી જેવી બીજી પચીસ ગરબી લખવી છે, તો આંખના પલકારે સૂડોરાઇટ તે રચી નાખશે! અથવા સરસ્વતીચન્દ્રનો પાંચમો ભાગ કે દક્ષિણ ગુજરાતની જનજાતિ વિશે શોધનિબંધ અથવા દિવ્ય ભાસ્કરમાં સૂડોરાઇટ વિશે કોલમ લખવી છે, તો તાધિન્ન ધિન્નના તિર્કટ ધા! ને તમારા ઓર્ડર મુજબ, લખાણ હાજર! આમ GPT-3 એક માયાવી, અગોચર પ્રેતાત્મા બનીને જાણે જગતની સમસ્ત ભાષાઓ, બોલીઓ, સાહિત્યોને પોતાના તાબામાં લઈ લેશે! ફક્ત મહિને વીસ ડોલરના લવાજમે! ગગનવાલાને થાય છે કે ઓત્તારી, મારી લાયખા! પ્રિન્ટિંગ પ્રેસ શોધાતાં લહિયાઓ બેકાર થઈ ગયા, તેમ હવે GPT-3 મશીનો નોવેલો લખીને લેખકોને બેકાર કરશે? કે ટાઇપરાઇટર ને વર્ડ પ્રોસેસરની માફક સૂડોરાઇટ લેખકો માટે એક વધારાની સગવડ ઊભી કરશે અને લેખો–લખાણો, વાર્તાઓ, નવલકથાઓ, કવિતાઓ ને ગઝલો પણ વધુ ને વધુ ચિત્તાકર્ષક બનશે? વાચકોને જણાવવાનું કે GPT-3નું લવાજમ ભરવાની સ્થિતિ હજી ગગનવાલાની નથી, આ કોલમ ગગનવાલાએ જાતે જ લખેલ છે. જય GPT-3! ⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...