સમયના હસ્તાક્ષર:પ્રવાસનની સંગાથે…સમ્મેદ શિખર, ગુજરાત અને જી-20

વિષ્ણુ પંડ્યા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇતિહાસ-પ્રવાસન વિકસિત થવું જોઈએ. જી-20ના પ્રતિનિધિઓ જાણે તો તેમને પણ રસ પડે. માત્ર પસંદગીની બે-પાંચ સ્થાનોની ડોક્યુમેન્ટરી બતાવી દેવાથી સાર્થક પ્રવાસનનો અંદાજ ન મળે

ગુજરાત નસીબદાર છે. જેની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે અને અધ્યક્ષપદ તેમજ યજમાનગતિ માટે ભારતને પસંદ કરાયું છે તે જી-20ની દસ બેઠકો ગુજરાતમાં યોજાશે. આ પરિષદોમાં આર્થિક, મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જેવા વિષયો પસંદ કરાયા છે. દસ જેટલા સમારંભો ગાંધીનગરમાં, બે અમદાવાદમાં, એક કચ્છ, એક સુરત અને એક કેવડિયામાં થશે. ગાંધીનગરમાં 22-24 જાન્યુઆરી ઉદ્યોગ, વ્યાપાર, નગર વિકાસ વિષે જી-20ના દેશો પરસ્પર વિમર્શ કરશે. ગાંધીનગર અને સુરતમાં ‘બિઝનેસ મીટિંગ’ થવાની છે. કેવડિયામાં સરદાર પટેલની નિશ્રામાં આ દેશો વ્યાપાર-મૂડી રોકાણનો મુદ્દો હાથ પર લેશે. ગાંધીનગરમાં માર્ચમાં પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, ઊર્જા, અર્થકારણ, બાંધકામ જેવા પ્રશ્નોની સમીક્ષા થશે. એક રસપ્રદ પરિષદ પ્રવાસનની છે. આધુનિક આયોજનોમાં પ્રવાસન આંતરરાષ્ટ્રીય આર્થિક સાધન પણ છે. કેટલાક દેશો તો માત્ર પ્રવાસનમાં જ આર્થિક સમૃદ્ધિ મેળવે છે. ભારતમાં તો સેંકડો સ્થાનો એવાં છે જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઊમટે છે. તેને લીધે અનેકોને રોજગારી પ્રાપ્ત થાય છે. કચ્છ રણ ઉત્સવની શરૂઆત થઈ ત્યારે તેને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. આજે આ રણ ઉત્સવ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર બન્યો છે. કચ્છના ખ્યાત ઉત્સવ-સ્થાન ધોરડોમાં 9-10 ફેબ્રુઆરીએ પ્રવાસનની આ જી-20 પરિષદ યોજાશે. પ્રશ્ન એ છે કે તેમાં પ્રવાસનને સમગ્રપણે ચર્ચવામાં આવશે? થવું તો એવું જોઈએ પણ પ્રવાસન વિભાગના તંત્રની એવી તૈયારી નથી હોતી અથવા તેવું વિઝન નથી હોતું એટલે અમુક-તમુક સ્થાનોના પ્રવાસન વિષે જ વિચારે છે. ખરેખર તો પ્રવાસનનાં અનેક સ્વરૂપો છે. જેમકે, ગિરનાર માત્ર રોપ-વે કે ભવનાથના મેળા પૂરતો મર્યાદિત નથી, 22 કરોડ વર્ષની ભૌગોલિક રચનાની સાથે ઇતિહાસ સાચવીને બેઠો છે, તેમાં રાજ્યોનાં પરિવર્તનો, અધ્યાત્મનાં વહેણો, સામાજિક બદલાવ અને સાહિત્ય-સંસ્કૃતિનો લોકજીવન પરનો પ્રભાવ, વિકસતી ભાષા અને બોલીઓ તેમજ સુરક્ષાનો વિસ્તાર: આટલું બધું ઉજાગર કરી શકાય તેવું પ્રવાસન થઈ શકે. એક પ્રવાસન ઇતિહાસ ગૌરવનું પણ છે, એકલું સોમનાથ કે દ્વારિકા જ નહીં, ઠેર ઠેર એવાં સ્થાનો છે જે પ્રવાસીઓને આકર્ષિત કરે તેવી મોટી સંભાવનાઓ છે. ઘૂમલી એક જમાનામાં ગુજરાતની સરહદો પાર કરીને વિસ્તરેલી રાજધાની હતું, ઘેલા સોમનાથ એ સોમનાથના આક્રમણ સાથે સંબંધ ધરાવતું એવું દેવાલય છે, જેને એક વણિક અને એક મુસ્લિમ નવાબની દીકરીએ બચાવી લીધું હતું. ઝવેરચંદ મેઘાણી કહેતા કે સૌરાષ્ટ્ર કચ્છમાં અમર થઈ ગયેલાં પ્રેમી યુગલોની કથાઓ અને જગ્યાઓ છે, તેને પ્રેમતીર્થ તરીકે વિકસિત કરી શકાય તો નવી યુવા પેઢીને પ્રેમના અદ્દભુત સ્વરૂપનો સાચો અંદાજ મળે. એવાં 20 જેટલાં સ્થાનો છે. આધુનિક ઈતિહાસમાં માત્ર દાંડી કે બારડોલીથી સ્વતંત્રતા જંગ પૂરો થઈ જતો નથી. 1857માં 250 ગ્રામજનોને વડલાની વડવાઈ પર ફાંસીએ લટકાવ્યા તે ફાંસિયો વડની જગ્યા મહીસાગરના કિનારે છે. બ્રિટિશ સેનાની સામે બાથ ભીડનારા વીર મૂળુ માણેક અને તેના ચાર સાથીઓની ખાંભી પોરબંદર નજીક વછોડા ગામના પાદરે ઊભી છે. કનડા ડુંગર પર 82 મૈયા સત્યાગ્રહીઓના પાળિયા છે. આણંદની ઊંડી શેરી અને લોટિયા ભાગોળ તો સત્તાવનના સંગ્રામની કીર્તિકથાઓની ભૂમિ. નવ વિપ્લવીઓને તેમાં આંદામાનની કાળ કોટડીમાં જન્મટીપની સજામાં ધકેલી દેવાયા અને ક્યારેય પાછા ફર્યા નહીં તેમાં આણંદનો યુવાન મુખી ગરબડદાસ પટેલ પણ હતો. એટલું તો સારું થયું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે છેક માંડવી-કચ્છ જઈને પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જીનીવામાં 1930થી પ્રતિક્ષા કરતા અસ્થિ પાછા લાવીને ક્રાંતિ તીર્થ જેવું સ્મારક બનાવ્યું. અમિતાભ બચ્ચનને મળવાનું થયું ત્યારે મેં ધ્યાન દોર્યું કે તમે માંડવીના સમુદ્ર કિનારે જઈને જાહેરાતની ડોક્યુમેન્ટરી ભલે બનાવી, ત્યાંથી એક કિલોમીટર દૂર આ ભવ્ય સ્મારકની મુલાકાત લઈને એકાદ વાક્ય તો બોલવું હતું! શ્યામજી વિષેનું પુસ્તક મેં આપ્યું તે જોઈને તેણે કહ્યું કે મને કોઈએ જણાવ્યું જ નહોતું કે આવી મહાન સ્મારક-ભૂમિ અહીં છે! ખરી વાત એ છે કે ઇતિહાસ-પ્રવાસન પણ વિકસિત થવું જોઈએ. ગુજરાતમાં એવી 101 જગ્યાઓ છે, એવી દલીલ જરૂર થાય કે આ સ્થાનો જો અંતરિયાળ દૂર હોય તો ત્યાં વાહન વ્યવહાર, અન્ય સગવડો નથી હોતાં. વાત સાચી પણ પ્રવાસન વધુ ખર્ચ કરીને તેવાં સ્થાનોએ પણ વિકસિત કરવામાં આવે તો જ મોટુંમસ બજેટ જેની પાસે છે તેની સાર્થકતા કહેવાય. મહત્ત્વ ખર્ચનું નહીં, સાચુકલા ઇતિહાસ બોધનું છે. જી-20ના પ્રતિનિધિઓ આ બધું જાણે તો તેમને પણ રસ પડે. માત્ર પસંદગીની બે-પાંચ સ્થાનોની ડોક્યુમેન્ટરી બતાવી દેવાથી સાર્થક પ્રવાસનનો અંદાજ મળી શકે નહીં. આને માટે પ્રવાસન વિભાગના મંત્રી, સચિવો અને મુખ્યમંત્રીએ ગંભીરતાથી પહેલ કરવી જોઈએ. હમણાં વળી સમ્મેદ શિખર (પ્રચલિત ભાષામાં સમેત શિખર)ને પ્રવાસન સ્થાન બનાવવું ના જોઈએ એવા આગ્રહ સાથે જૈન સમાજે દેખાવો કર્યા અને તેનો પડઘો પડ્યો. આ સમગ્ર વિસ્તારને ઇકો સેન્સેટિવ ઝોન તરીકે જાહેર કરાયું અને રાજ્ય સરકારે પ્રવાસનની સાથે જોડી દીધું. પ્રવાસીઓ વધે તો માંસ-મદિરા વેચવા લાગે અને પવિત્ર ધામ જેવું ના રહે એવી તેમની લાગણી સાચી હતી. આપણે ત્યાં પ્રવાસની વ્યાખ્યા માત્ર ખાવું, પીવું, લહેર કરવી અને ગંદકી કરીને પાછાં ફરવું એવી માનસિકતા પ્રવર્તે છે. આની સાથે પાલિતાણાના પર્વતનો પ્રશ્ન જોડી દેવામાં આવ્યો. અહીં વિવાદ જુદો જ છે. પર્વત પર એક શૈવ મંદિર છે, તેને પણ જૈનો પોતાનો હિસ્સો ગણે છે એવું મંદિર તરફથી કહેવામાં આવ્યું. ગિરનાર પર પણ આવો એક વિવાદ છે. વિવાદને કોઈ સીમાડા નથી હોતા તેનું ઉદાહરણ એ છે કે સમ્મેદ શિખરની આસપાસ રહેતા સંથાલ જનજાતિ સમાજે એવો દાવો કર્યો છે કે આ પહાડ તો અમારા શતાબ્દીઓથી સ્થાપિત દેવતા ‘મરાંગ બુરૂ’નો છે, અમારું આસ્થા સ્થાન છે. તેને ખાલી કરો!{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...