સો ટચની વાત:તમામ મુશ્કેલીઓનો ઉપાય હોય જ છે!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વાભાવિક છે કે અપેક્ષાથી વિપરીત કોઈપણ ઘટના ઘટે તો મન ડામાડોળ થઈ જાય છે. એ સમયે હિંમત કેવી રીતે મેળવવી એ સૌથી મોટો સવાલ બની જાય છે, પણ એમાં આટલું વિચારવાની જરૂર નથી. બસ, એક નાનકડો ઉપાય અજમાવી જુઓ. બહુ દૂર સુધી વિચારવાને બદલે સમયના નાના નાના ભાગ પાડવા લાગો. એક સમયે એક જ ક્ષણ જીવો. એ ક્ષણે મન ત્યાં જ રહેશે અને તમારો કાલ્પનિક ભય દૂર થઈ જશે. ભયને ભૂલો એ વાત સાવ સાચી છે કે જીવનમાં અપાર મુશ્કેલીઓ આવે ત્યારે આપણે માણસો ખૂબ જ ગભરાઈ જઈએ છીએ. ખરેખર તો એ ભયને કારણે જ આપણું મગજ ચાલતું બંધ પડી જાય છે. અરે, આપણી વિચારશક્તિ પણ મંદ થઈ જાય છે. હકીકતમાં એ મુશ્કેલીઓ કરતાં એની કલ્પના જ માણસને વધારે ડરાવે છે. મુશ્કેલીઓ કે સંઘર્ષ કોના જીવનમાં નથી? આપણાં સૌનું જીવન જ મુશ્કેલીઓથી ભરેલું છે, કારણ કે જીવન છે એટલે જ તો મુશ્કેલીઓ છે અને મુશ્કેલીઓ છે એટલે જ તો આ જીવન છે. મહાપુરુષો અને મુશ્કેલી ફક્ત આપણી જ વાત નથી, મોટા મોટા મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરશો તો સમજાશે કે એમણે જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ વેઠી હતી, કેટલા સંઘર્ષનો સામનો કર્યો હતો! એ પછી જ તેઓ સફળ બની શક્યા. ઇતિહાસમાં આવાં એક નહીં, ઘણાં બધાં ઉદાહરણો છે. સામનો અને સફળતા એ હકીકત છે કે મુશ્કેલીઓ આવે ત્યારે મુખ્યત્વે બે બાબત બનતી હોય છે, એક તો માણસને કંઈ સૂઝતું નથી હોતું અને તે હિંમત હારી બેસે છે જ્યારે બીજી બાબત એ છે કે આ જ મુશ્કેલીઓનો સામનો કરીને એમાંથી ઊભા થવાનું બળ મળે છે અને એટલે જ સફળતા મળે છે. તેથી જ તો કહેવાય છે ને કે ગમે તેવી મુશ્કેલીઓ હોય એને એક વાર પાર કરી નાખશો તો સફળતા સામે ચાલીને તમારી પાસે આવશે. તો પછી હારી શું કામ જવું જોઈએ!

જીવનનો જંગ ગમે તેવી પરિસ્થિતિ સર્જાય ગભરાવાની કોઈ જરૂર નથી. મુશ્કેલીઓ વેઠનાર જ સાચા અર્થમાં જીવન જીવે છે. ઉતાર-ચડાવ તો જીવનમાં સામાન્ય બની ગયા છે. એ તો ચાલતાં જ રહેવાનું છે. બસ, આપણે બેસવાનું નથી. દોડતાં રહેવાનું છે. અટકી જઈશું તો હાથમાં કંઈ જ આવવાનું નથી. જીવનમાં બધું સરળતાથી મળવા માંડે તો એ શું કામનું? એમાં તો જીવન નીરસ બની જાત. સંઘર્ષ સામે લડવામાં જે મજા છે એ સરળતાથી મળવામાં નથી. આપણા જીવનનો આ એક પ્રકારનો જંગ છે અને આ જંગ જીતવો જ રહ્યો. બહુ ઓછા લોકો એવાં હોય છે, જેઓ બસ સમયની રાહ જોઈને બેસી રહે છે. આવાં લોકોને નિરાશા મળે છે. સમય તમારી રાહ જોવાનો નથી. એના કરતાં ઊઠો અને નિષ્ફળતાને ખંખેરીને હાથ-પગ હલાવવા માંડો, ઝઝૂમવા માંડો કે જેથી તમને એમાંથી માર્ગ મળી રહે. અને તો જ તમારી સમસ્યાઓ પણ દૂર થવા માંડશે. શરત અને શ્રદ્ધા એક ઉદાહરણથી સમજીએ તો ‘એક માણસ પહાડ ચડવાનું લક્ષ્ય રાખીને પોતાના ઘેરથી નીકળ્યો. તેની પાસે અંધારી રાતે એકમાત્ર હતો ફાનસનો સહારો. ફાનસનું અજવાળું બે-ત્રણ ડગલાંથી વધારે નહોતું આવતું. એટલે તે ગભરાઈને બેસી ગયો. એ જ વખતે બીજો કોઈ માણસ પણ ત્યાંથી પસાર થયો. એણે કહ્યું, તું કેમ બેસી ગયો? તો એ માણસનો જવાબ હતો, મારે એક હજાર માઈલ દૂર જવું છે પણ ફાનસનું અજવાળું બે ડગલાં સુધી જ આવે છે. તેથી હું બેસી ગયો છું. એની વાત સાંભળ્યા પછી એ બીજા માણસે કહ્યું, શું તું બેસી જઈશ તો આ સમસ્યાનો ઉકેલ આવશે ખરા? અરે, જેટલું અજવાળું છે એટલાં બે ડગલાં તો તું ચાલ અને ભરોસો રાખજે કે આ ફાનસનું અજવાળું બે ડગલાં મળે છે, તો આગળ બે ડગલાં ચાલવાથી બીજાં બે ડગલાં સુધી અજવાળું આવવાનું જ છે.’ કહેવાનો મતલબ એ છે કે મુશ્કેલીઓ ભલે ને ઘણી હોય, પણ એમાંથી બહાર આવવાની સૌપ્રથમ શરત છે શ્રદ્ધા રાખવી. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે પણ કહ્યું હતું કે નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલી જુએ છે, જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં પણ તક જુએ છે.{

અન્ય સમાચારો પણ છે...