નીલે ગગન કે તલે:સીએનએનનો સિકંદર

મધુ રાયએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સદા સતત કૌતુહૂલ અને બાળસહજ ઉત્સુકતાથી છલછલતા ગગનવાલાના ઇનબોક્સમાં રકમ રકમના ઇમેઇલ વાયાવાયા થઈને ઠલવાય છે, જેમાં આજે છે ફ્રી ડિક્શનેરીડોટકોમ તરફથી રસથી તરબરતો કલામ, યાને ‘આજનો ઐતિહાસિક બનાવ’ નામે સ્તંભમાં આજનો (પહેલી જૂન)નો ઐતિહાસિક બનાવ છે, CNN. સન ૧૯૮૦માં જૂન મહિનાની પહેલી તારીખે સાંજના પાંચ વાગ્યે અમેરિકાના ‘મીડિયા મોગલ’ અબજોપતિ રોબર્ટ એડવર્ડ ટર્નર ધ થર્ડ યાને ટેડ ટર્નરે ચોવીસે કલાક સમાચાર આપતું ટીવી નેટવર્ક સીએનએન (CNN) શરૂ કર્યું અને તે સાથે સતત સમાચારો આપતાં નેટવર્કની નવી જ્ઞાતિને જન્મ આપ્યો. એક અખતરા તરીકે અખતરાબાજ ટેડ ટર્નરે શરૂ કરેલું આ નવીન સાહસ આજે 36 બ્યુરો અને 900 સંલગ્ન ચેનલો થકી અનેક વેબસાઇટો, ક્લોઝ્ડ સર્કિટ ચેનલો જેમકે CNN Airport Network 200 દેશોમાં અને એકાધિક ભાષાઓમાં સતત, ચક્રાકારે તાજામાં તાજા સમાચાર સર્વપ્રથમ પ્રસારિત કરે છે. જેમકે 1986માં અમેરિકાએ છોડેલા સ્પેસ શટલ ચલેન્જરના પ્રક્ષેપણ ને જોતજોતામાં તેના વિસ્ફોટના આંખેદેખ્યા હાલ સર્વપ્રથમ CNN ઉપર પ્રસારિત થયેલા; 1990ના દાયકામાં ગલ્ફ વોર અને કરપીણ મોગાડિશુ યુદ્ધના સમાચાર તત્ક્ષણ પ્રસારિત થતાં તેની લાગલી અસર અમેરિકાના લશ્કરી મથક પેન્ટગોનની નિર્ણય પ્રક્રિયા ઉપર થઈ, અને હવે થતી રહે છે, જે પ્રક્રિયાને પેન્ટગોને નામ આપ્યું છે, ‘CNN Effect’. સપ્ટેમ્બર ઇલેવનના રોજ રાતના 8.49ની ઘડીએ ટીવી ઉપર ચાલતી એક જાહેર ખબરને અટકાવીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ધ્વંસના તત્કાલ સચિત્ર સમાચાર સર્વપ્રથમ CNN ઉપર રજૂ થયેલા. સન 1985માં CNN.com નામે વેબસાઇટનો આરંભ થયો જે હવે વિશ્વભરમાં લોકપ્રિય સમાચાર સાઇટ ગણાય છે. તે થકી જેને બ્લોગ કહેવાય છે તેવી સ્વતંત્ર સમચારપત્રીઓની દૈનંદિની, સોશ્યલ મીડિયા તેમ જ ગ્રાહકો દ્વારા પ્રસ્તુત સામગ્રી ઇન્ટરનેટ ઉપર દેખાવા લાગી. તે પછી CNN Pipeline નો જન્મ 2005માં થયો જે દ્વારા ગ્રાહકોના વિન્ડોઝ કમ્પ્યુટર ઉપર સમાચારની ધારા સતત ચાલુ રહે છે. સન 2008માં તિબેટમાં આઝાદી આંદોલનના સમાચાર પ્રસારિત કરવા બદલ ચીનના હેકર લોકોએ CNN તરફ નિશાન તાકેલું, પરંતુ અગાઉથી જાણ થતાં CNN એ સાવચેતીનાં પગલાં લીધેલાં. ઇમેઇલના ઇનબોક્સમાં તો હજી અનેક વિસ્મયકારક વિગતો છે પણ પ્રચંડ વિસ્મય ગગનવાલાને થાય છે CNNના તપ્તરક્ત સ્થાપક ટેડ ટર્નર વિશે, જેણે બિલબોર્ડ્ઝ, રેડિયો, ટીવી, સિનેમા, અને પત્રકારત્વમાં સાહસિક ધુબાકા મારેલા, જેણે જેન ફોન્ડા જેવી આગબબૂલા ક્રાન્તિકારી ઔરતની શૈયા સેવેલી, જે ટાઇમ વોર્નર મહાસંકુલનો અધિપતિ હતો, જેણે રુપર્ટ મરડોક નામે બીજા અબજોપતિ સાથે મુઠ્ઠી લડાવેલી, જેણે યુએનને એક બિલિયન ડોલરનું દાન કરેલું, જેણે ક્યૂબાના સરમુખત્યાર કાસ્ટ્રો સાથે હાથમાં બંદૂક લઈ શિકાર ખેલેલા, જે વીસ લાખ એકર જમીનનો માલિક યાને અમેરિકાનો સૌથી મોટો જમીનદાર હતો, અને જે આટલાન્ટા બ્રેવ્ઝ નામે સ્પોર્ટ્સ ટીમનો તેમ જ બીજી તેવી ફ્રેન્ચાઇઝનો માલિક હતો. વીસ બિલિયન ડોલરથી શરૂ કરેલું CNNને આરંભે મહિને મિલિયન્સ ઓફ ડોલર્સની ખોટ જતી હતી પરંતુ સિરફિરા ટેડ ટર્નરે પોકાર કરેલો કે હમ તો મુહબ્બત કરેગા, ને સતત ન્યૂઝ બ્રોડકાસ્ટ કરેગા, અને દુનિયા સે નહીં ડરેગા, ને દુનિયાનો અંત થાય ત્યાં સુધી મારું નેટવર્ક ચાલુ રાખેગા અને પ્રલયની છેલ્લી મિનિટે રાષ્ટ્રગીત ગાતાં ગાતાં CNN જનતાની રજા લેગા. ટેડ ટર્નર કટ્ટર પર્યાવરણને સુધારવાનો સમર્થક હતો. જાતે ધનપતિ હોવા છતાં તેના વિચાર ક્રાંતિવાદી ડાબેરી હતા, જે કારણે તેણે ક્રાંતિકારી વિચારોવાળી અભિનેત્રી અને કર્મશીલ જેન ફોન્ડાના પ્રેમમાં પડીને પ્રભુતામાં પાપા પગલી કરેલી. સામા પક્ષે તેના જેવા બહુલક્ષી સમાચાર માધ્યમોના સ્વામી અને ફોક્સ ન્યૂઝના માલિક રુપર્ટ મરડોકના રૂઢિવાદી વિચારો સાથે તેને સ્પર્ધા રહેતી, અને જે કહેતો કે રુપર્ટને હું માંકડની જેમ કચરી નાખીશ. જોર્જ બુશે લાદેલા ઇરાકના યુદ્ધને રુપર્ટનો ટેકો હતો પણ ટર્નરે તે હરકતને વખોડી હતી. રુપર્ટે CNNની સામે FOXની ચોવીસ કલાક સમાચાર આપતી ચેનલ શરૂ કરી જે હજી હયાત છે પણ જેની પહોંચ CNN જેટલા મહાબાહો નથી. હાલના સમયમાં CNN પોતાની સુધારાવાદી ડાબેરી દૃષ્ટિકોણથી સમાચાર આપે છે અને FOX પૂર્વ–રાષ્ટ્રપતિ ટ્રમ્પની જમણેરી રૂઢિવાદી વિચારધારાવાળા કાર્યક્રમો આપે છે. ટેડ ટર્નરને ચકચાર ભરેલાં વિધાન કરવાની ભારે સનક હતી. તે અમેરિકાના દક્ષિણ હિસ્સામાં આવેલા જોર્જિયા સ્ટેટમાં રહેતો હોવાથી લોકો તેને ‘The Mouth of the South’ કહેતા અને કોઈ વળી લાડથી તેને ‘Captain Outrageous’ કહેતા. કેટલાંક લોકો સમાચાર પ્રસારિત કરે છે; કેટલાંક લોકો જાતે સમાચાર બની તમારા ટીવી સ્ક્રીનના પરદા પાછળ રહીને જાતે ચોંકાવનારા સમાચાર બની રહે છે. અંતે 2021ની સાલમાં 83 વર્ષની વયે લીવિસ બોડી ડિમેન્શિયા (ચિત્તભ્રંશ) નામક માનસિક રોગથી ટેડ ટર્નરે દેહ છોડ્યો. તેને આજે દુનિયા કેબલ ઇન્ડસ્ટ્રીનો સીનો બદલવા નાખનાર ‘Alexander the Great of broadcasting’ તરીકે ઓળખે છે. જય જૂન, પહેલી જૂન!

અન્ય સમાચારો પણ છે...