દેશી ઓઠાં:આળહનું ઘર

12 દિવસ પહેલાલેખક: અરવિંદ બારોટ
  • કૉપી લિંક

રાજા ને પરધાન ફરવા નીકળ્યા છે. નગર મેલ્યું, નગરનો ઝાંપો મેલ્યો. સીમાડો આવ્યો. પોરો ખાવા એક ઝાડ હેઠે બેઠા. એવામાં પરધાનનું ધ્યાન ઉપર ગ્યું. ‘મહારાજ! ઝાડ ઉપર કો’ક સૂતું હોય એવું લાગે છે!’ રાજાએ જોયું તો ઝાડની ડાળી પર લાંબો થઈને એક માણસ સૂતેલો. ‘એલા, ભાઈ! તું ઝાડવે ચડીને કેમ સૂતો છે? હેઠે આવીને સૂઈ જા ને!

‘ના રે ના! હેઠે વળી ક્યાં ઊતરવું? આળસ થાય!’

‘તો તને ઝાડ માથે ચડવામાં આળસ નો થઈ?’

‘અરે, હું ઝાડ માથે ચડ્યો જ નથી! હું તો આંયાં જમીન માથે સૂતો ‘તો. તઈં આંયા ઝાડ હતું જ નહીં! ઈ તો એની મેળે ઊગ્યું. ઝાડ ઊગતું ગ્યું ને હું ડાળીની હારોહાર ચડતો ગ્યો! બસ, તે દીથી ઝાડ માથે જ છું.’

‘આહાહાહા! આટલી બધી આળસ!’ રાજાનું ચિત્ત તો ચક્કર ભમ્મર થઈ ગ્યું.

પરધાનજી! આપણા રાજમાં બીજો કોઈ આવો આળસુ હશે?

‘મહારાજ! આનું માથું ભાંગે એવા આળસુ પડ્યા છે.’ રાજાને વિચાર આવ્યો કે મારા રાજમાં જેટલા આળસુ હોય ઈ બધાને ભેગા કરીને એક ઠેકાણે રાખવા. પરધાનજીને હુકમ કરીને લાકડાં અને ઘાસનું એક મોટું ‘આળસ ઘર’ બનાવ્યું. ઢંઢેરો પીટાવીને બધાં જ આળસુને રાજના ખરચે ‘આળહ ઘર’માં રાખવાની જાહેરાત કરી. આખા નગરના આળસુઓના ટોળેટોળાં ઊમટી પડ્યાં. ‘આળહ ઘર’માં કાંઈ કરવાનું નહીં. બસ પડ્યા રહેવાનું! આળસુઓને તો મજામજા થઈ ગઈ!

‘પરધાનજી! આખા નગરના આળસુ ભેગા તો કર્યા, પણ આમાં સૌથી વધારે આળસુ કોણ ઈ કેમ ખબર પડે?’

‘હમણાં જ ખબર પડી જાશે. તમે જોયા કરો મહારાજ!’

પરધાનજીએ ‘આળસ ઘર’ને આગ લગાડી. ભડ ભડ ભડ ‘આળસ ઘર’ને અગ્નિએ આંટો લઈ લીધો. બધા આળસુઓ જીવ બચાવવા મંડ્યા ભાગવા. એક ઝૂંપડામાં લઘરો અને ઠીકરો નામના બે આળસુ આરામથી પડેલા. ‘એલા, લઘરા! જો તો, બધું સળગ્યું લાગે છે.’

‘એક કામ કર, ચલમ પેટાવી લે. ટાણાસર મોકો મળી ગ્યો..!’

‘ના રે ના, હમણાં અગ્નિ ઓરો આવશે, તઈં ચલમ પેટાવશું.’

પરધાનજી બોલ્યા: ‘મહારાજ! આ ઠીકરો આળસુનો સરદાર છે.’

અન્ય સમાચારો પણ છે...