ટાઇટલ્સ દરેક સ્પર્શની એક ખાનગી ભાષા હોય છે!(છેલવાણી) એક 7 વરસનો છોકરો આધુનિક ભણતર અને મા-બાપના ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી નીકળે છે. દૂર જતી કોઇ ટ્રેનમાં ચઢી બેસે છે. રાત્રે એને ઠંડી લાગે છે એટલે સામેની બર્થ પર સૂતલા એક માણસને વળગીને એના ધાબળામાં સૂઈ જાય છે. સવારે ટ્રેનમાં પોલીસ પ્રવેશે છે. છોકરો ડરીને ખૂણામાં સંતાઈ જાય છે. પોલીસ પેલા ધાબળાવાળા માણસને ઉઠાડવા જાય છે પણ એ માણસ તો મરી ગયો છે! મતલબ, એ છોકરાએ આખી રાત, એક લાશને આલિંગન આપેલું! એના શરીરમાં લખલખું પસાર થઈ જાય છે કે આખી રાત એ લાશને ભેટીને કે વળગીને સૂતેલો?! વેલ, ‘ભેટવું’ કે ‘આલિંગન આપવું’ એ બહુ રોમાંચક, બહુ રોમેન્ટિક, બહુ નિર્દોષાત્મક, બહુ પ્રતિકાત્મક ક્રિયા છે. હમણાં જાણ્યું કે લંડનમાં ટ્રેવર હૂટૂન નામનો માણસ 75 પાઉન્ડ એટલે રૂ.7000 લઇને એક કલાક માટે ભેટવાની સેવા આપે છે. આ ટ્રેવરભાઇ, ગ્રાહકને ઉષ્મા કે હૂંફની આપ-લે કરે છે. હાથપગ પર આંગળીઓ ફેલાવીને શાંત કરે છે, પણ જો કોઇ અડપલાં કરે કે આગળ વધવા જાય તો સમજાવીને અટકાવે છે. આ આલિંગન-સેવામાં ક્યાંય સેક્સને સ્થાન નથી. ટ્રેવર હૂટૂનનું કહેવું છે કે આમ કરીને એ થાકેલા, એકાકી લોકોને શાંતિ આપે છે અને આ એક આગવી સેવા છે. આજથી 10 વરસ પહેલાં એને આનો વિચાર આવેલો અને આજે એ ડિમાન્ડમાં છે! કદાચ એટલે જ ટ્રેવરનું બીજું લાડકું નામ ટ્રેઝર ઉર્ફે ખજાનો છે! આવી ભેટવાની, આલિંગનની કે હૂંફ આપવાની સેવા વિશે આપણો સમાજ શું કહેશે એ એક કલ્પનાનો વિષય છે, પણ જે હોય તે આ એક યુનિક વિચાર છે. માનસશાસ્ત્રીઓ અને શરીરશાસ્ત્રીઓ માને છે કે માણસને હૂંફાળા સ્પર્શની પણ જરૂર હોય છે! ભગવાન ઇશુ માત્ર સ્પર્શથી રોગીઓને બચાવી લેતાં કે જીવિત પણ કરતા અને આજેય ઘણા હીલરો સ્પર્શથી રોગ સાજા કરે છે. વેલ. હું જે ફિલ્મલાઈનમાંથી આવું છું ત્યાં દરરોજ શૂટિંગમાં કે પાર્ટીઓમાં મળતી વેળાએ કે વિદાય વેળાએ એકબીજાને ભેટવું બહુ સામાન્ય છે. મોટા મોટા સ્ટાર્સ પણ પોતાના નાના નાના સહકલાકારોને, નિર્દેશકને, કેમેરામેનને કે ઇવન સામાન્ય સ્પોટબોય, લાઇટમેન જેવા કર્મચારીઓને ભેટીને રોજ વિદાય લે છે. ડિરેક્ટર, કેમેરામેન ને આસિસ્ટ્ન્સ એકમેક ભેટીને છૂટા પડે છે. હીરો-હિરોઈન મળે છે ત્યારે એકમેકને ભેટીને હળવી કિસ આપે છે અને એમાં કોઈને અસંસ્કાર કે વલ્ગારિટી નથી લાગતી. આ ખૂબ સ્વાભાવિક છે, જેમાં નાત-જાતભેદ કે લિંગભેદ જોવાતો નથી, પણ આજકાલ આવાં દૃશ્યોને કે ફોટાઓને સોશિયલ મીડિયામાં હલ્કી ગોસિપ રૂપે મૂકવામાં આવે છે! નફરત અને ઝેર કરતાં કોઇને ભેટવું કે કપાળે ચૂમવું ખૂબ બહેતર છે એ આજે કોણ કોને સમજાવે? ઇન્ટરવલ તેં પૂછ્યો પ્રેમનો મર્મ, ને હું દઇ બેઠો આલિંગન! (હરીન્દ્ર દવે) આપણો સમાજ જાહેરમાં ભેટવા-સ્પર્શવા માટે થોડો શરમાય છે. થોડાં વરસો અગાઉ સંસદમાં રાહુલ ગાંધીએ અચાનક પી.એમ.ને ભેટવાની વિચિત્ર હરકત કરેલી અને આખો દેશ ચોંકી ઊઠેલો! ઘણાં બધાંને એમાં સૌજન્ય કે ઉષ્મા દેખાયાં, પણ ઘણાં બધાંને એમાં પોલિટિકલ સ્ટંટ દેખાયો. ત્યારે મોદીજી પણ બે સેકન્ડ માટે ચોંકી ગયેલા, પણ પછી જોકે એમણેય અદ્્ભુત શાલીનતા દેખાડીને રાહુલને પાસે બોલાવીને પીઠ થાબડીને એક વડીલની અદાએ અભિવાદન કરેલું, ત્યારે સુબ્રમણ્યમ સ્વામી નામના ખુરાફાતી નેતાએ કહેલું કે જો જો રા.ગા.એ ભેટવાને બહાને પી.એમ.ને ઝેરનું ઈન્જેક્શન ના મારી દીધું હોય! આપણાં પુરાણોમાં પણ ભેટવાની વાતો આવે છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવો, ધૃતરાષ્ટ્રના આશીર્વાદ લેવા ગયા ત્યારે અંધ ધૃતરાષ્ટ્ર, ભીમને ભેટવા પાસે બોલાવે છે. શ્રીકૃષ્ણને ખબર હતી કે સો-સો કૌરવોનાં મૃત્યુને કારણે પિતા ધૃતરાષ્ટ્રની અંદર હજારો હાથીઓની તાકાત જેવો ગુસ્સો ભરેલો છે એટલે ભીમને બદલે ભીમની લોખંડી મૂર્તિ અંધ ધૃતરાષ્ટ્રની સામે મૂકી દે છે. ધૃતરાષ્ટ્ર એ લોહ-શિલ્પને બાથમાં લઈને, ભીંસીને ટુકડા ટુકડા કરી મૂકે છે! વેલ, ભેટવામાં આવો ક્રોધ પણ હોઈ શકે છે, તો બીજી બાજુ ભરતમિલાપમાં રામ અને ભરત બે ભાઇઓનું ભેટવું કેટલું ઇમોશનલ છે! કૃષ્ણ-સુદામાના ભેટવામાં ગરીબ-તવંગરની રેખા ભૂંસી નાખતી અદ્્ભુત મૈત્રી છે. તો શિવાજી, દુશ્મન અફઝલખાનને ભેટીને એના પેટમાં વાઘનખ ભરાવીને મારી નાખે છે-એ પણ એક ભેટવું છે! જૂના જમાનાની 50, 60 કે 70ના દાયકાની અમુક હિરોઈનો એટલી શરમાળ હતી કે ભેટવાના દૃશ્યમાં હીરો જેવો એમને બાથમાં લે કે એ પહેલાં એ પોતાના બે હાથ છાતી પર મૂકી દેતી! વાત્સ્યાયન મુનિના ‘કામશાસ્ત્ર’માં આલિંગન પર વિસ્તારથી લખ્યું છે. રાજવી કવિ ભર્તૃહરિના ‘શૃંગારશતક’માં ચુંબન-આલિંગનનો અનેક શ્લોકોમાં રસમય ઉલ્લેખ આવે છે. સંસ્કૃત શબ્દ ‘આલિંગન’નો મૂળ અર્થ થાય છે કે ભેટતી વખતે લિંગથી લિંગ મળે! (એવું અમે સ્વ. ચંદ્રકાંત બક્ષીના લેખમાં વાંચેલું, એટલે મારી જવાબદારી પૂરી) આમ તો દર વરસે વિશ્વભરમાં ‘હગ-ડે’ (આલિંગન દિવસ) પણ ઊજવાય છે, ભારતની ખબર નહીં…ખેર, પણ જે સેવા ટ્રેવર હૂટૂન, ઈંગ્લેન્ડમાં આપે છે એના વિશે આપણને અહો આશ્ચર્યમ્ તો થાય જ ને? એન્ડ ટાઈટલ્સ ઈવ: તારા ભેટવામાં ઉષ્મા નથી. આદમ: હા, ઉષ્મા બહારગામ ગઈ છે ને! { sanjaychhel@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.