બુધવારની બપોરે:મુહમ્મદ રફીની પુણ્યતિથિ પહેલાં...

23 દિવસ પહેલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક
  • સિક્સર- Never explain. Your friends don't need it. Your enimies won't believe it. : Elbert Hubbard. (ખુલાસાઓ કદી ન કરો. તમારા દોસ્તોને એની જરૂર નથી ને દુશ્મનો માનવાના નથી- એલ્બર્ટ હ્યુબર્ડ.)

રોશન : ગામ આખું જાણે છે કે, અપવાદોને બાદ કરતા શમ્મી કપૂર બીજા કોઈ ગાયકને પોતાનાં ગીતો માટે પસંદ કરતો નહોતો. રફી સિવાય કોઈ ન જોઈએ. એમાંય, સંગીતકાર રોશનની ફિલ્મ ‘વલ્લાહ, ક્યા બાત હૈ!’માં શમ્મી માટે રફીએ માખણના ચસકા જેવું ગીત ગાયું હતું, ‘ગમ-એ-હસ્તિ સે બસ બેગાના હોતા, ખુદાયા, કાશ મૈં દીવાના હોતા!’ શ્રીનાથજી બાવાનો ખૂબ ખૂબ આભાર કે, આવું માખણીયું ગીત કોઈ પ્રદીપ કુમાર, ભા.ભૂ. કે વિશ્વજીત જેવાઓ પાસે ન ગયું. સરદાર મલિક : ‘મુઝે તુમસે મુહબ્બત હૈ, મગર મૈં કહે નહીં સકતા...’ અનુ મલિકના પપ્પા સરદાર મલિકે બનાવ્યું હતું અને પરદા ઉપર ગાયું હતું સલમાન ખાનના પપ્પા સલિમ ખાને, હિરોઈન ડેઝી અને હની ઈરાનીની મોટી બહેન મેનકા ઈરાની માટે. આ લોકો પારસી છે અને એમનામાં ‘મેનકા’ ન હોય, એટલે વાસ્તવમાં એ પોતાને ‘માણેકા ઈરાની’ ઓળખાવતી. અનુ મલિક કરતાં એના પપ્પા વધુ ટેલેન્ટેડ હતા, પણ લતા મંગેશકર અને સાહિર લુધિયાનવીના ઝઘડામાં ‘સારંગા તેરી યાદ મેં...’ના આ સંગીતકાર સરદાર મલિકનો કાયમી ભોગ લેવાયો. સપન-જગમોહન : સપન-જગમોહનના સંગીતમાં રફીનું અશ્રુભર્યું ગીત ‘ફિર વો ભૂલી સી યાદ આઈ હૈ...’ ફિલ્મ ‘બેગાના’માં આવ્યું, પણ એ ફિલ્મનો હીરો ધૂમધામ વરસાદ પડી ગયા પછી ખપાટીયાવાળી દુકાન પલળી હોય એવા ચહેરાવાળો શૈલેષ કુમાર હતો. હાઈટ-બોડીને કારણે ઉપરવાળાએ બે પુરુષો તોડીને એક બનાવ્યો હોય એવો એ તોતિંગ હતો. આ ગીતમાં રફી ઘણા ઊંચા સ્વરમાં એના અંતરા ગવાયા છતાં તદ્દન સાહજીકતાથી ગાય છે. પંડિત રવિશંકર : વિશ્વના આજ સુધીના સૌથી વધુ લોકપ્રિય સિતારવાદક પંડિત રવિશંકરે જે કોઈ બે-ચાર ફિલ્મોમાં સંગીત આપ્યું છે, એમાં ઉત્તર પ્રદેશની અવધી ભાષામાં મેહમુદ પાસે ગવડાવેલું ફિલ્મ ‘ગોદાન’નું ‘પિપરા કે પતવા સરીખે ડોલે મનવા કે જીયરા મેં ઉઠત હિલ્લોર...’ હું જ્યારે મૂડમાં આવવા માંગતો હોઉં ત્યારે સાંભળું જ છું, કારણ એના પછીનું ગીત ‘હોલી ખેલત નંદલાલ બીરજ મેં...’ તનબદનમાં સ્ફૂર્તિ ભરી દે એવું છે. નાશાદ : પોતાનું નામ ચાલે એવું નહોતું એટલે ગઠીયાગીરી કરીને આ સંગીતકારે પોતાનું નામ ‘નૌશાદ’ને મળતું આવે એવું ‘નાશાદ’ કરી નાંખ્યું, પણ થોડું કામ તો એણેય મધુરૂં કર્યું, ખાસ તો સુમન કલ્યાણપુર સાથે રફીનું ‘ચાંદ હૈ તારે ભી હૈ, ઔર યે તન્હાઈ હૈ, તુમને ક્યા દિલ કે જલાને કી કસમ ખાઈ હૈ?’ ફિલ્મ ‘રૂપલેખા’માં મહિપાલ અને વિજયા ચૌધરી પાસે ગવડાવ્યું છે. વર્ષો સુધી ભારતનું ખાઈને પાકિસ્તાન સેટલ થયેલો આ નાશાદ ભારતને ભરપૂર ગાળો દેતો હતો, પણ દેવા કરતાં ગાળો લેવામાં ત્યાં વધુ ભરાયો એટલે પાછો ભારત આવી ગયો. જમાલ સેન : રફીએ ગાયેલાં તમામ ગીતોમાં મારી પસંદગી સંગીતકાર જમાલ સેને મુબારક બેગમ સાથે ગવડાવેલું એક અનોખું ભજન ‘દેવતા તુમ હો મેરા સહારા, મૈંને થામા હૈ દામન તુમ્હારા...’ મારા ઉપર વિશ્વાસ રાખીને ડેફિનેટલી સાંભળજો. કમાલ અમરોહીએ એની વાઈફ મીના કુમારી માટે ખાસ બનાવેલી તદ્દન હોપલેસ ફિલ્મ ‘દાયરા’નું આ ભજન તમને રફીની વધુ નજીક લઈ જશે. અલબત્ત, ફૂલ માર્ક્સ ટુ મુબારક ઓલસો... એણે રફી કરતાં સહેજેય ઓછું મીઠડું નથી ગાયું. સી. અર્જુન : કોઈ નહીં ને કોમેડિયન જગદીપ (‘શોલે’નો સુરમા ભોપાલી) ઉપર વેડફાયેલું ખૂબ મીઠડું ગીત, ‘પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઈ હો તો ટલ જાયેગી’ સંગીતકાર સી. અર્જુનના નવરત્નો પૈકીનું એક ઘરેણું છે. એ પાછો, બીજી કોઈ નહીં ને અમિતા માટે આવું ગીત વેડફી નાંખે છે. હોસ્પિટલમાં દાખલ થયા હોઈએ ને નર્સ કાળી ભઠ્ઠ હોય ને બીજી સારી હોય તો એને માટે આ ગીત ગવાય! ચિત્રગુપ્ત : હિન્દી ફિલ્મોના મનગમતાં ગીતોને વ્હિસ્કીની જેમ રોજ સાંજે અંધારું કરીને બાલ્કનીમાં આછા વરસાદ સાથે સાંભળતાં કોઈ ગીત આપણને ગાંડા કરી મૂકે એવું હોય તો ફિલ્મ ‘ઊંચે લોગ’માં ચિત્રગુપ્ત સાહેબ પાસે ગવડાવેલું ‘જાગ દિલ-એ-દીવાના, ઋત જાગી, વસલ-એ-યાર કી...’ સહુ જાણે છે કે, રફી પાસે સંગીતકારો રવિ અને ચિત્રગુપ્તે બેનમૂન કામો લીધાં છે. એ ત્રણે એકબીજાના જીગરી દોસ્તો પણ હતા. ફિરોઝ ખાન ડેશિંગ્લી હેન્ડસમ લાગે છે. ઉષા ખન્ના : ધુમ્મસવાળા હિલ સ્ટેશનના બંગલાની લોન પર અંધારી રાત્રે પૂરા સફેદ કપડામાં સજ્જ શમ્મી કપૂરને જ શોભે એવા કંઠમાં સંગીતકાર ઉષા ખન્નાએ ઘનઘોર જંગલની પાતળી કેડી ઉપર એક બળદનું ગાડું હળવે હળવે જતું હોય, ત્યારે કેવું ગીત બનાવવું જોઈએ, એવું આ ગીત... યસ. તમે સાચા છો. ફિલ્મ ‘દિલ દેકે દેખો’માં રફીએ શમ્મી માટે ગાયેલું ‘હમ ઔર તુમ ઔર યે સમા, ક્યા નશા નશા સા હૈ...’ દુલાલ સેન : મારે એવા બદનસીબ ચાહકનું કામ નથી, જેણે સંગીતકાર દુલાલ સેને સ્વરબદ્ધ કરેલું રફીનું ‘નિગાહેં ન ફેરો, ચલે જાયેંગે હમ, મગર યાદ રખના કે યાદ આયેંગે હમ...’ ન સાંભળ્યુ હોય. ફિલ્મ ‘બ્લેન્ક પ્રિન્સ’નું છે. આ ગીત સોલોમાં સુમન કલ્યાણપુરેય ગાયું છે. ઓપી નય્યર : કોઈ ગીતનું મુખડું પૂરું થાય પછી સંગીતના વાદ્યનો એક ટુકડો વાગે, જે ગાયકને સ્વર આપવામાં વપરાય. એને સ્વરાંકનો અથવા નોટેશન્સ કહેવાય. ફિલ્મ ‘મુસાફિરખાના’માં રફીની કમાલ જુઓ. શમશાદ સાથેના ‘થોડા સા દિલ લગા કે દેખ’, પછી સંગીતના સ્વરાંકનો રફી મોઢેથી ગાઈ બતાવે છે, ‘પમ પમ તરારમપમપમપમપમ...’ આવો પ્રયોગ ઓપી નય્યર સિવાય બીજા કોઈએ કર્યો હોવાનું ધ્યાનમાં નથી. એવું જ ‘હાવરા બ્રીજ’ના ‘મૈં જાન ગઈ તુઝે સૈંયા, અબ છોડ દે મોરી બૈંયા...’માં રફી સીધા તારસપ્તકમાં ગાય છે. બાકી બધા : આ લેખમાં ખૂબ જાણીતા સંગીતકારોને બદલે ઓપી સિવાયના ‘બી’ ગ્રેડના સંગીતકારોએ રફી પાસેથી કેવું કામ લીધું છે, એ જણાવ્યું છે. જગ્યાને અભાવે અહીં કેવળ ટુકડા જ લીધા છે. હેમંત કુમાર (જાગી જાગી અખીયોં કે સપનોં મેં, જાને કહાં દેખા હૈ (‘બીવી ઔર મકાન’) હંસરાજ બહેલ : દેખો બીના સાવન બરસ રહી બદલી (ફિલ્મ ‘સાવન’), ખય્યામ : હૈ કલી કલી કે લબ પર, તેરે હુસ્ન કા ફસાના (‘લાલા રૂખ’) કે દત્તારામ : છુન કરતી આઈ ચીડિયા, દાલ કા દાના લાઈ ચીડિયા’ (‘અબ દિલ્હી દૂર નહીં’). મુહમ્મદ રફી ત્રણેય લોકમાંથી જ્યાં હોય ત્યાં આપણા બધાની શુભેચ્છા.{ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...