ક્રાઈમ ઝોન:આગ્રાની નેહા શર્મા હત્યાકાંડની અરેરાટી આમ આદમીથી સુપ્રીમ કોર્ટના જજનેય હચમચાવી ગઈ

પ્રફુલ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યાવાળા દિવસે નેહાની કાર લેબ ટેક્નિશિયન યશવીર ચલાવતો હતો. શું નેહાની મમ્મીને ઘટનાના દિવસે ફોન પર એ જવાબ આપતો હતો?

આગ્રા સહિત આખા ઉત્તર પ્રદેશમાં સનસનાટી મચાવનારા નેહા શર્મા મર્ડર કેસમાં વિશાલ શર્મા નિર્દોષ સાબિત થયા બાદ પોલીસે ફરી એકડેએકથી ઘૂંટવાનો વારો આવ્યો. સમ ખાવા પૂરતાય સગડ કે સાક્ષી વગર પોલીસે અંધારામાં નિશાન તાકવાનાં હતાં. દિનદયાળ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ તરફથી સહકાર મળતો નહોતો. એટલું જ નહીં, સંસ્થાએ પોલીસ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી. એક દિવસ વાત વાતમાં નેહાના ઘરમાંથી માહિતી મળી કે કોઈ ઉદય સ્વરૂપ નામનો છોકરો નેહાને કનડતો હતો. પોલીસે માહિતી કઢાવી કે ઉદય તો સંસ્થાના અધ્યક્ષ અને ભૂતપૂર્વ આઈ.એ.એસ. ઓફિસરનો ભાણિયો છે. પૂછપરછમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હું નેહાને નથી ઓળખતો કે નથી ક્યારેય મળ્યો. પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ દબાયેલા અવાજમાં ઉદયનું નામ લીધું. પોલીસે ફરી ઘરે જઈને ઉદયની પૂછતાછ કરી તો એના ઘરવાળાએ પોલીસ સામે કનડગતની કોર્ટમાં રાવ નોંધાવી. આવા પ્રત્યાઘાતથી ડઘાવાને બદલે પોલીસની શંકા દૃઢ થઈ. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આવ્યું કે ખૂન અગાઉ નેહાને ક્લોરોફોમ સુંઘાડાયું હતું. પરંતુ એમાં બળાત્કાર અંગે કોઈ ઉલ્લેખ નહોતો. પોલીસની પૂછપરછનો આંકડો 250 વ્યક્તિએ પહોંચ્યો. વર્દીધારીઓ ફરી લેબોરેટરીમાં પહોંચ્યા અને આકરી જહેમત બાદ લાશની આસપાસની જગ્યામાંથી થોડા વાળ મળ્યા. હવે પોલીસે લાશની નજીકના વિસ્તારમાંથી જેટલી મળી એટલી ફિંગરપ્રિન્ટ લીધી. આ બધી સામગ્રી ફોરેન્સિક લેબમાં મોકલી. તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી વચ્ચે પોલીસે 250માંથી 22 જણા આસપાસ તપાસને ફોકસ કરી. એક પ્રોફેસરે માહિતી આપી કે હત્યાવાળા દિવસે નેહાની કાર લેબ ટેક્નિશિયન યશવીર સંધુ ચલાવતો હતો. શું નેહાની મમ્મીને ઘટનાના દિવસે ફોન પર એ જવાબ આપતો હતો? પોલીસે રાત્રે જ યશવીરને દબોચીને મહત્ત્વની જાણકારી મેળવી, પરંતુ એ મોઢું ખોલતા ગભરાતો હતો. હવે પોલીસ પાસે નેહા અને ઉદયના મોબાઈલફોનની કોલ ડિટેઈલ્સ પણ આવી ચૂકી હતી. એક દોસ્તે સહજભાવે કહી દીધું કે ઉદયની લેબોરેટરીમાં ખૂબ અવરજવર રહેતી હતી. હવે પોલીસે લેબમાં અવરજવર કરનારા અને ત્યાં નેહાને મળનારાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નવા અણસાર ફરી ઉદય સ્વરૂપ ભણી આંગળી ચીંધતા હતા. એને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ શરૂ કરતાં પહેલાં એક માનસચિકિત્સકનેય હાજર રખાયો. પોલીસ એકના એક સવાલ અલગ અલગ શબ્દોમાં પૂછતી ગઈ. આમાં ઉદય અટવાઈ ગયો. જવાબોમાં વિસંગતિ સ્પષ્ટ થઈ અને ઉદયની હિંમત-ચાલાકી સાથ છોડી ગઈ. પોલીસે ઉપલબ્ધ માહિતી અને સાંયોગિક પુરાવાને આધારે ઉદય સ્વરૂપ અને યશવીર સંધુની ધરપકડ કરી. પોલીસના દાવા મુજબ નેહાની હાજરીની ખબર સંધુએ આપતા ઉદય લેબોરેટરી પહોંચ્યો હતો. નેહાને બેહોશ કર્યા બાદ કારની ચાવી તેણે સંધુને આપી, જેણે કાર દૂર લઈ જઈને છોડી દીધી. તેણે હત્યાના પુરાવા ભૂંસવા પ્રયાસ કર્યા. જતી વખતે નેહાનું લેપટોપ ફેંકી દીધું અને ફોન પોતાની પાસે રાખી લીધો. હત્યાના 39મે દિવસે બંનેની ધરપકડ થઈ. 2015માં બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ. એક રીતે પોલીસનું કામ પૂરું થયું અને કાનૂની દાવપેચની શરૂઆત થઈ. આ કેસમાં એક અનોખી શક્યતા વ્યક્ત થઈ હતી કે એક પેનડ્રાઈવ માટે નેહાની હત્યા થઈ હતી. નેહા નેનોટેક્નોલોજીમાં પીએચડી કરી રહી હતી. તે કેન્સરના દર્દીઓની ઈમ્યુન સિસ્ટમ વધારવા પર સંશોધન કરી રહી હતી. એની સફળતાથી કરોડોનો ફાયદો થયો હોત, પણ આ સંશોધન પૂરું કરવાને આરે પહોંચેલી નેહા પોતાનાં સંશોધન પરિણામ અને આંકડાને પેટન્ટ કરાવે એ અગાઉ એનું કાસળ કાઢી નંખાયું. એનું પૂરેપૂરું સંશોધનકાર્ય પેનડ્રાઈવમાં હતું જે ક્યારેય હાથ ન લાગ્યું. નેહાના પરિવારજન ખૂબ ગભરાયેલા દેખાતા હતા. તેમણે આગ્રાની કોર્ટને બદલે દિલ્હીમાં મર્ડર કેસ ચલાવવાની માગણી પણ કરી હતી અને સીબીઆઈએ તપાસ હાથ ધર્યા બાદ યશવીર સંધુને ક્લીનચીટ આપી દેવાઈ અને ઉદયે બળાત્કાર અને હત્યા કર્યાના તારતમ્ય પર આવ્યા. બળાત્કારનો કેસ ડીએનએ ટેસ્ટથી સાબિત કરાયો હતો. અલબત્ત, ઉદય-યશવીર પર આગ્રાના રહેવાસીઓમાં એટલો રોષ હતો કે બંનેને સાંજે કે છાનામાના રસ્તેથી લઈ જવા પડતા હતા. સમયાંતરે ઉદયને હત્યાના કેસમાં જામીન મળ્યા, પણ બળાત્કાર માટે જેલમાં જ રખાયો. તેણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી ત્યારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને એસ.કે. કૌલની ખંડપીઠે ટિપ્પણી કરી, ‘આ કેસની હકીકત અમને હજી ડરાવી રહી છે અને આવો માણસ જામીન માગી રહ્યો છે. આ એ જ વ્યક્તિ છે ને કે જેણે લેબોરેટરીમાં મેધાવી સ્ટુડન્ટની હત્યા કરી. એનું નામ ઉદય સ્વરૂપ છે ને? એ છોકરીને મારી રહ્યો હતો ને એની મમ્મીને ફોન પર કહેતો હતો કે નેહા બહાર ગઈ છે... છોકરીના શરીરને 17 જગ્યાએ કાપવામાં આવ્યું... અમે એની ફાઈલ ન ખોલી, કારણ કે અમને બધી હકીકત યાદ છે... જે ભયંકરપણે આ માણસે ખૂન કર્યું એ તથ્યો મગજમાં અમારો પીછો કરે છે અને અમે વ્યથિત થઈ જઈએ છીએ.’{ praful shah1@ gmail.com

અન્ય સમાચારો પણ છે...