સાંઈ-ફાઈ:વૃદ્ધત્વની વેક્સિન

13 દિવસ પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક
  • બુઢાપા વખતે શરીર અને મન વચ્ચેની રેસમાં શરીર થાકી જાય છે. જોકે, વિશ્વભરના વડીલોનો સર્વે કરવામાં આવે તો ભારતના વૃદ્ધો જેટલો સમૃદ્ધ વૃદ્ધ ભાગ્યે જ કોઈ દેશમાં નીકળે

વૃદ્ધાવસ્થા એટલે શું? માથાના વાળની સફેદી? બી.પી. અને બ્લડ રિપોર્ટની સંતાકૂકડી? પ્રવૃત્તિમાંથી એક ઝાટકે નિવૃત્તિયોગના શ્રીગણેશ? ઘરની મુખ્ય વ્યક્તિમાંથી અચાનક સામાન્ય વ્યક્તિ બની જવું એ? જેને પૂછ્યા વગર જે ઘરમાં ટાંચણી પણ ના લેવાતી હોય; તેને ટાંચણી લેવા માટે પણ કોઈ પૂછે નહીં એ ઘડપણ? માંહ્યલાની અંદર ધસમસતા ધોધ ઝીણી સરવાણી બની જાય એ બુઢાપો? ડિક્શનરીમાં વાંચેલા ‘એવોઈડ’ અને ‘નેગ્લીજન્સ’ જેવા શબ્દોના સાક્ષાત્કાર? આંખો નબળી પડે ત્યારે જ ન ગમતાં દૃશ્યો નિહાળવાની મજબૂરી એટલે વૃદ્ધાવસ્થા? કે દીકરા અને વહુનો સંવાદ સાંભળતાં પહેલાં કાન ખરી કેમ ન પડ્યા એ વસવસો એટલે બુઢાપો? ફેમિલી ડોક્ટર સિવાય જેના હાથને ઘરના કોઈ વ્યક્તિનો સ્પર્શ ન મળ્યો હોય એ સિનિયર સિટીઝન? કે સ્વજનોને બદલે લાકડીના ટેકે લેવાતાં ધીમાં પગલાં એટલે ગઢપણ? આ અવસ્થા આમ જુઓ તો પ્રકૃતિની વ્યવસ્થા છે. આપણે બાળ અવસ્થામાં હોઈએ ત્યારે યુવાન થવાની સૌને જબરી ઉતાવળ હોય છે, પણ જુવાની જ્યારે રાજીનામું આપે છે ત્યારે કોઈનું મન એ સ્વીકારવા તૈયાર નથી હોતું. બુદ્ધ ઘણાંને થવું છે પણ વૃદ્ધ થવું કોઈને પસંદ નથી. શ્વેત રંગ સૌને પસંદ છે. બસ એ સફેદી વાળમાં આવે ત્યારે મનડું પહેલાં ‘કાળી ડાય’ કરવા ડોકાય છે. જુવાનીના રેઝિગ્નેશન સાથે જીવનમાં સાહસ, ઉત્સાહ અને રોમાંચના દરવાજા ધીમે ધીમે બંધ થતા જાય છે અને હતાશા, ઉદાસી અને યાતનાઓની બારીઓ ઉઘડતી જતી હોય છે. જે લોકોને પ્રીતપૂર્વક આ બારીઓ બંધ કરતા આવડ્યું છે તેના દરવાજા ફરી ખુલ્યા છે. તરવરાટવાળા વૃદ્ધો અને થાકેલા યુવાનોની સંખ્યા સમાજમાં વધી રહી છે. એવા સમયે ગઢપણને ગાળ દેવા કરતાં તેને ફૂલમાળથી વધાવીએ એ જ શાલીનતા છે. લોકસાહિત્યના કેટલાક દુહા વૃદ્ધાવસ્થાને વાચા આપે છે કે, ‘પગે બનાવ્યો પાંગળો, અને આંખે કર્યા અંધેર; આવીને ઉતારો કર્યો, ઘડપણ મારે ઘેર.’ અહીં સમસ્યા ગોઠણથી નહીં, પરંતુ ગોઠણ સાથે માનસિકતા બદલાય છે ત્યારે સર્જાય છે. બાળપણ અને યુવાની આવે ને જાય પરંતુ ઘડપણ આપણને સાથે લઈને જાય છે. ઘડપણ મહેમાન થઈને પ્રવેશ મેળવે અને ધીમે ધીમે યજમાનનું ઘર પચાવી પાડે છે. કેટલાક વડીલોથી એ સહન નથી થતું એટલે તે ડિપ્રેશનને નોતરે છે. કોઈ સતત આ અસંતોષ અને ફરિયાદોની માળા ફેરવે છે. કોઈ વૃદ્ધાશ્રમના દરવાજે પહોંચ્યા છે. તો કેટલાક વૃદ્ધો મહેમાનો સાથે સૌથી સારા ટ્યુનિંગથી જીવન વ્યતિત કરે છે. લોકસાહિત્યનો બીજો એક દુહો છે: ‘ત્રિયા જોબન ત્રીસ વરસ, ધોરી નવ ધરા; પુરુષ જોબન ત્યાં લગી, કે ઘી એ પેટ ભરા.’ આ પ્રમાણે તો સ્ત્રી ત્રીસ વર્ષ સુધી અને ધોરી (બળદ) નવ વર્ષ સુધી યૌવન ભોગવે છે. તો પુરુષ જ્યાં સુધી ઘી પીને પચાવી શકે ત્યાં સુધી જુવાન કહેવાય. આ દુહાને વળગી રહીએ તો અત્યારે 30 વર્ષ સુધી તો કેટલીક કન્યાઓ પરણતી પણ નથી. બળદ નવ વર્ષ વાવણી કરે એ પહેલાં તો માલિક ખેતર જ વેચી નાખે છે કાં તો બળદ! ઘી તો એલોપેથીનો અજગર ભરખી ના ગયો? ‘ઘડપણ તે એવી કરી, જેવી કરી નહીં કોઈ; વણ સાબુ વણ પાણીએ, મારા કેશ નાખ્યા ધોઈ.’ વાળની સાથે કેટલાંક લોકોની જિંદગી પણ સફેદ થઈ જતી હોય છે. જીવનના રંગો કદી રાજીનામાં આપતા નથી પરંતુ અમુક લોકોની શુષ્કતાથી તે ઉદાસ થઈ જતા હોય એવું બની શકે. જો ઘડપણને નાછૂટકે પણ સ્વીકારવાનું જ હોય તો પછી સહજ સ્વીકાર શા માટે ન કરવો? કવિ રમેશ પારેખનો અદ્્ભુત શેર છે, ‘મારા વિશે ખરે જ તને ઓછું જ્ઞાન છે; હું વૃદ્ધ છું અને મારા ઉમળકા જુવાન છે.’ બુઢાપામાં મહેંદી હાથેથી માથે સ્થળાંતરિત થાય છે પણ મોજ નહીં. જ્ઞાનવૃદ્ધ વ્યક્તિઓને ઉંમર કે દેહની મર્યાદા શિથિલ કરી શકતી નથી. જરા આજુબાજુ નજર દોડાવજો. કોઈ સિત્તેર વર્ષની ઉંમરે પલાઠી મારીને ચાર-ચાર કલાક રામકથા વાંચે છે. કોઈ બાર-બાર કલાક ફિલ્મોના શૂટિંગ કરી દીકરા કરતાં વધુ કામ કરે છે. કોઈ ઉદ્યોગો ચલાવે છે. કોઈ દેશ ચલાવે છે. કોઈ એંશી વટાવ્યા પછી પણ વિચારોના વૃંદાવનથી ટહુકા કરી વર્તમાનપત્રોમાં કટાર લખે છે. પ્રવૃત્ત વૃદ્ધોની યાદી બેરોજગાર યુવાનોને ટક્કર મારે એવી છે. વડીલો જેના ઘરમાં છે એ લોકો પણ યાદ રાખજો કે ઉંમરની આ અવસ્થાએ તમે તેને પ્રેમપૂર્વક પૂછો કે, ‘બાપુજી, આજે જમવાનું શું બનાવું?’ મોટાભાગના વડીલોને જમવાની ભૂખ નથી હોતી. પણ કોઈ તેને પૂછે એની જ ભૂખ હોય છે. બુઢાપા વખતે શરીર અને મન વચ્ચેની રેસમાં શરીર થાકી જાય છે. જોકે, વિશ્વભરના વડીલોનો સર્વે કરવામાં આવે તો ભારતના વૃદ્ધો જેટલો સમૃદ્ધ વૃદ્ધ ભાગ્યે જ કોઈ દેશમાં નીકળે. ત્રણ ફીલિંગ્સ મને વૃદ્ધત્વની વેક્સિન જેવી લાગે છે 1. ફીલિંગ્સ ઓફ એક્સપ્ટન્સ (સ્વીકારે એ સુખકારી) દરેક પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર એ જ અકસીર ઇલાજ છે. દરેક માતાપિતાએ એ સ્વીકારવું જ રહ્યું કે કામ-ધંધાને લીધે સંતાનો પાસે સમયની તાણ હોય, તેને લાગણીની તાણ સમજી ન લેવાય. દરેક સુપરમેન જીવનના એક ત્રિભેટે તો વોચમેન જ હોય. હવે શરીર પાસે ધાર્યું કામ ન લઈ શકાય. ઈચ્છાઓની ક્ષણભંગુરતા જેટલી વહેલી સ્વીકારપાત્ર થશે એટલો બુઢાપો મીઠો રહેશે, કારણ કે ઈચ્છાઓ તો મહેલોની પણ અધૂરી રહે છે અને જરૂરિયાત તો ઝૂંપડાની પણ પૂરી થાય છે. 2. ફીલિંગ્સ ઓફ સેટિસ્ફેક્શન (સંતોષી સદા સુખકારી ) જીવનમાં સંતોષની માત્રા વધારે એમ સુખની માત્રા વધારે. મને આ ઉંમરે જે મળ્યું તે બોનસ જ છે. દાદા ભગવાનનાં ચાર શ્રેષ્ઠ સૂત્રો: ‘જે બન્યું તે ન્યાય, એડજસ્ટ એવરીવેર, ભોગવે તેની ભૂલ અને અથડામણ ટાળો’ જો કોઈ જીવનમાં અપનાવે તો તમામ સમસ્યાઓની ત્સુનામીમાંથી આસાનીથી જાતને ઉગારી શકાય એવું છે. 3. ફીલિંગ્સ ઓફ ફરગિવનેસ (ધ્યેય ક્ષમા એ જ સુખકારી) જીવનના અંતિમ અધ્યાયમાં જતું કરો તો જ જીતશો. ભવ્ય ભૂતકાળના મહિમાગાનમાંથી બહાર નીકળી ઉત્તમ ભવિષ્ય તરફ દૃષ્ટિ કરો. સ્વજનો-સંતાનો અને સમાજના સર્વેને માફી બક્ષો તો તમારા જીવનનો ધ એન્ડ થશે ત્યારે, જગત વણમાગે સ્ટેન્ડિંગ ઓવેશન આપશે. બાકી માફી આપતા નહીં આવડે તો કોઈ માંગી તાલી પણ નહીં આપે. મારા મતે જેની આંખો નબળી પડે પણ આત્મવિશ્વાસ નબળો ન પડે એ સાચો વૃદ્ધ છે. જેના હાથમાં લાકડી હોય પણ તે સ્વયં સંતાનો કે સમાજના કોઈ વિચ્છેદમાં હાથો ન બને એ સાચો વૃદ્ધ. જેના રિપોર્ટમાં નહીં પણ જીભ પર આજીવન મીઠાશ હોય તે ખરો વૃદ્ધ. હાર્ટ એટેકથી કદાચ જેનું હૃદય નબળું પડે પરંતુ જીવનનો જુસ્સો અખંડ રહે તે સાચો વૃદ્ધ. જેના માત્ર બોલવાથી નહીં; મૌન રહેવાથી પણ પરિવારની સમસ્યાનું સમાધાન આવે એ સાચો વૃદ્ધ. જેને વૃત્તિના વંટોળીયાને વૈકુંઠનો પવન બનાવતા આવડે એ સાચો વૃદ્ધ. જેના મૃત્યુના સમાચાર નાનકડી અવસાન નોંધને બદલે બ્રેકિંગ ન્યૂઝ બને એ સાચો વૃદ્ધ. આપણે કઈ કેટેગરીમાં છીએ એ એકાંતમાં ચેક કરજો. વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...