ફેસબુકમાં અને છાપામાં કોલમ લખતા અમુક મહાન લેખકો જ્યારે આપણે જોયેલી, માણેલી કોઈ મસ્ત મજાની ફિલ્મનો રિવ્યૂ લખે ત્યારે એ વાંચીને આપણે ગૂંચવાઈ જતા હોઈએ છીએ કે ‘બોસ, એવું હતું? યાર, મેં એ ફિલ્મ જોઈ ત્યારે તો મને એમાં એવું કશું દેખાયું જ નહીં!’ બસ ત્યારે! એ જ છે ‘અઘરા અઘરા’ રિવ્યૂ લખવાની આર્ટ! આમાં અમુક છુપી ફોર્મ્યુલાઓ હોય છે, જેની બિચારા વાચકને કદી ખબર જ નથી હોતી. દાખલા તરીકે ‘જ્હોની મેરા નામ’ જેવી સુપરહિટ ફિલ્મનો રિવ્યૂ લખવાની શરૂઆત કરતાં પહેલાં મગનું નામ મરી પાડવાનું જ નહીં! મતલબ કે ફિલ્મનું નામ જ નહીં લખવાનું! સૌથી પહેલાં તો એક ભળતી જ કવિતા ફટકારી દેવાની કે ‘મૃદુ મિટ્ટી કે હૈં બને હુયે, મધુ-ઘટ ફૂટા હી કરતે હૈં, લઘુ જીવન લેકર આયે હૈં, પ્યાલે ટૂટા હી કરતે હૈં...’ વગેરે વગેરે કરીને આખેઆખી કવિતા લખી નાંખવાની! પછી જમણા હાથે ડાબો કાન પકડતા હોઈએ એ રીતે કંઈ ભળતી જ ફિલોસોફી ફાડવા માંડવાની કે જીવન કેટલું ક્ષણભંગુર છે... આ તો માટીનો લોંદો છે... પળમાં ફૂટી જાય એવો પરપોટો છે... અને પરપોટાને વળી નામ શેનાં હોય? છતાં લોકો પોતાનાં નામો પાડે છે, પડાવે છે, પથ્થરમાં કોતરાવે છે, કાગળ પર ચીતરાવે છે વગેરે વગેરે... (તમને થશે કે, બોસ, આમાં ‘જ્હોની મેરા નામ’ ક્યાંથી આવશે? તો અચાનક ઈન્ટરનેશનલ ફિલ્મોના કોઈ દિગ્દર્શકનું ક્વોટ ટાંકીને લખી નાંખવાનું કે) એક્સિસ્ટેન્શિયાલિઝમમાં માનતા જાણીતા ફ્રેન્ચ દિગ્દર્શક કાફકાએ એકવાર ગોડાર્ડને કોફીની ચુસ્કી લેતાં લેતાં કીધેલું કે (પછી કૌંસમાં ઉમેરવાનું કે વાચક બિરાદર, આ એ જ ઝયાં લુક ગોડાર્ડ છે, જેણે ‘વીકએન્ડ’ જેવી એબ્સર્ડ ફિલ્મ બનાવતાં પહેલાં ‘બ્રેથલેસ’ જેવી એક ફિલ્મ બનાવી હતી, જેમાં એક ગેંગસ્ટરના અસ્તિત્વવાદના ડીપ લેયર્સ હોવા છતાં તે આઉટ-એન્ડ-આઉટ-એન્જોયેબલ થ્રિલર હતું. એમાં બેક-એન્ડ-ફોર્થ સ્ટોરીટેલિંગ વડે ગોડાર્ડે જે ડિફરન્ટ ટાઈમઝોન-ટ્રાવેલનો એક્સપરિમેન્ટ કર્યો હતો તે આજની ‘ઈન્ટાસ્ટેલર’ જેવી સાઈ-ફાઈ ક્લાસિકો સુધી પડઘાતો રહ્યો છે. ટૂંકમાં, હવે તમે સમજી ગયા હશો કે ફિલ્મ ભલે ‘જ્હોની મેરા નામ’ કેમ ના હોય, તમારે બે-ચાર ફ્રેન્ચ-સ્વીસ-ઝેકોસ્લોવેકિયન ડિરેક્ટરોનાં નામો ફરજિયાત રીતે ભભરાવવાનાં છે! જોકે, પાછા પેલા કાફકાની વાત ઉપર પણ આવવું પડશે ને? તો લખવાનું કે ‘શેક્સપિયર જે વાતને ઓવર સિમ્પ્લીફાઈડ સ્ટેટમેન્ટમાં ખપાવી ચૂક્યા હતા કે ‘વોટ ઈઝ ઈન અ નેમ?’ એ જ વાત હજી પણ માનવ જગતને ખળભળાવી રહી છે! એટલે જ જિનિયસ ડિરેક્ટર વિજય આનંદે પ્રાણ જેવા વેટરન એક્ટરના ડીપ-રૂટેડ એક્સપ્રેશન વડે બોલાવડાવ્યું છે કે ‘જ્હોની... જ્હોની... જ્હોની... જ્હોની જિસ કા એક નામ હૈ, જગમોહન દૂસરા ઔર ઉસ્માન અલી તીસરા! વો હર નયે કારનામે કે લિયે એક નયા નામ રખ લેતા હૈ! જ્હોની, પુલિસ કા આદમી હૈ!’ સાલું, આપણે માથું ખંજવાળતા રહી જઈએ કે વિજય આનંદ એક જ ડાયલોગ વડે આટલું બધું ‘અઘરું અઘરું’ કહેવા માગતા હતા? મારું બેટું, આપણને કેમ ના સમજાયું? હજી તમારો વાચક આ મૂંઝવણમાં ઝોલાં ખાતો હોય ત્યાં આના પછી બે ફકરામાં બેટમેન, હરક્યુલિસ, ઓથેલો, આર્નોલ્ડથી લઈને ભીમ, લક્ષ્મણ, હનુમાન અને જટાયુ સુધીનું જે આવડતું હોય એ ઓકી મારવું! બિચારો વાચક ટોટલી મુંઝાઈ જશે કે ‘આપણે દેવ આનંદનું છેક જટાયુ અને જાંબુવાન સુધી જોડવાનું હતું? સાલી, ફિલ્મ હતી બહુ અઘરી હોં! પણ આપણને સમજતા જ ના આવડી!’ તમે કહેશો કે મન્નુભાઈ, ‘જ્હોની મેરા નામ’ તો અમે જોયેલી છે! એમાં આવું બધું ક્યાં આવે છે? તો મિત્રો, તમારી વાત સાચી જ છે! પણ ખરી માસ્ટરી જે ફિલ્મનો રિવ્યૂ લખવાનો છે એની પસંદગી કરવામાં જ છે! ‘જ્હોની મેરા નામ’ને બદલે એકાદ મલયાલમ, કોરિયન કે ઈરાનિયન ફિલ્મ વિશે આવું બધું લખ્યું હોય તો વાચકો ડઘાઈ જાય કે નહીં? બસ ત્યારે! બાકી, ‘જ્હોની મેરા નામ’ વિશે જો તમે એમ લખો કે ‘ચિત્રપટની નાયિકાની અંતર્યાત્રાનાં બે બહિર્બિંદુ છે: એક તરફ તે પોતાના કદી ન જોયેલા પિતાની શોધમાં નીકળી છે પરંતુ તેની બીજી અંતર્યાત્રા કૃષ્ણ મંદિરનાં ઘરેણાં ચોરવાના ષડયંત્રમાં અટવાયેલી હોવા છતાં પોતાને સમાંતરે મીરાં સ્વરૂપે નિહાળી રહી છે તેમાં છે. આમ કૃષ્ણ જ તેના પિતા એવમ્ પ્રભુના દ્વિ-બિંબમાં એકાકર થાય છે...’ તો એને ‘સાહિત્યિક’ વિવેચન કહેવાય! સમજ્યા?⬛mannu41955@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.