આપણે જેને ‘વેલ સેટલ્ડ’ કહીએ એવો ત્રીસ વર્ષનો યુવાન એના બાળપણની વાત કરતો હતો. ‘મમ્મી-પપ્પા વચ્ચે નાનીમોટી ચકમક ઝર્યા કરે, પણ સદ્્નસીબે અમારાં ઉછેર કે ભણતર પર એની ખરાબ અસર નહોતી પડી. એ બંને વચ્ચે કદાચ વૈચારિક મતભેદ હતા, બંનેના શોખ પણ જુદા. હા, મમ્મીએ ક્યારેય પપ્પાની વિરુદ્ધમાં મારા કાનમાં ઝેર ભરવાની કોશિશ નહોતી કરી, એટલે પપ્પા સાવ ખરાબ નહોતા લાગતા, પણ વધુ સમય મમ્મી સાથે ગાળવાને કારણે મને એવું લાગતું કે હંમેશાં એ જ સાચી હોય અને એનું જ કહ્યું માનવું જોઈએ. મને કોઈ ‘mama’s boy’ કહે તોયે ખાસ ખોટું નહોતું લાગતું, કારણ કે સાચું હતું, પણ હવે રહી રહીને લાગે છે કે અમે પપ્પાજીને થોડો અન્યાય કરેલો, અમે એક તરફ ભેગાં થઇ જઈને એમને એકલા પાડી દેતાં. ભૂતકાળને તો બદલી ન શકાય, પણ હવે પપ્પાજીની વાત સમજવાની કોશિશ કરું છું અને વધુ સારું ત્યારે લાગે છે, જ્યારે મારી વાઇફને પપ્પાજી સાથે લાંબી લાંબી વાતો કરતી, હસતી બોલતી જોઉં. આમ તો અમે જુદા ઘરમાં રહીએ છીએ પણ એ બંને જણ વચ્ચે દોસ્તી થઇ ગઈ છે. બુક્સ, ફિલ્મ્સ, સાયન્સ, ન્યૂ ટેક્નોલોજી... એ બંને પાસે વાતો કરવાના વિષય ખૂટતા નથી. પપ્પા ખાસ્સા રિલિજિયસ છે અને મારી વાઈફ સાવ નાસ્તિક, પણ એ મુદ્દે પણ બંને વચ્ચે ખાસ્સું ડિસ્કશન ચાલે. આદતના જોરે હું હજી પણ મમ્મીનું કહ્યું સાવ અવગણી નથી શકતો. કચકચ તો હજીયે ચાલે છે, પણ પપ્પાજીને હવે અમે પહેલાંથી વધુ સપોર્ટ તો આપી શકીએ છીએ. કદાચ મમ્મીને લાગતું હશે કે લગ્ન પછી હું બદલાઈ ગયો, પણ આ બાબતમાં બદલાયો હોઉં તો સારું જ છે ને.’ આ કિસ્સામાં ગૃહિણીએ કદાચ મને કમને પણ બદલાયેલી પરિસ્થિતિ સ્વીકારી લીધી છે. એવાયે લોકો હશે કે જે આ સહન ન કરી શકે. આ જ શહેરમાં રહેતા બીજા એક પરિવારની વાત કરીએ. અહીં લગ્ન પછી થોડા જ સમયમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા. આમ તો છોકરી લગ્ન પહેલાથી એના રંગીલા બોયફ્રેન્ડની આદતથી પરિચિત હતી, પણ બીજી અનેક છોકરીઓની જેમ એણે પણ આશા રાખી હશે કે લગ્ન પછી પેલો સુધરી જશે, પણ એવું થયું નહીં. પેલાએ ઈત્તરપ્રવૃત્તિ ચાલુ રાખી. એજ્યુકેટેડ છોકરીએ પોતાની બ્રાઇટ કરિઅર છોડીને પતિના પૈસા વાપરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. દીકરાના જન્મ પછી અંતર ઘટવાને બદલે વધતું ગયું. પતિ કામકાજના નામે વધુ ને વધુ બહાર રહેતો હતો, પણ પુત્રપ્રેમ એને ઘરભણી ખેંચી લાવતો. પતિ તરીકે આદર્શ નહોતો, પણ પિતા તરીકેની જવાબદારીમાં એણે કોઈ ખોટ નહોતી રહેવા દીધી. નાના દીકરા સાથે સ્પોર્ટ્સ જોવા, રમવા જાય, વેકેશનમાં દેશવિદેશ ફરવા લઇ જાય. દીકરાને પપ્પા દોસ્ત જેવા લાગે. મોટો થઈને એ બીજા શહેરમાં જતો રહ્યો. પિતા કાયમ માટે ઘરથી દૂર બીજા શહેરમાં બીજી પાર્ટનર સાથે સ્થાયી થઇ ગયા. બાપ-દીકરા વચ્ચે સારો સંબંધ ટકી રહ્યો. પછી એક દિવસ પિતાની તબિયત કથળી હોવાના ખબર મળ્યા ત્યારે માતાને કોણ જાણે શું સૂઝયું કે અપસેટ થઇ ગયેલા દીકરાને શાંત પાડવાને બદલે એની સામે પિતાનાં બધાંયે નવાં-જૂનાં લફરાંની કથા રજૂ કરી દીધી. દીકરો આમ તો ઘણું જાણતો હતો, પરંતુ પિતાએ પરિવારની જ એક નાદાન છોકરીને ભોળવી હતી, એ જાણીને તો એના પગ તળેથી જમીન સરકી ગઈ. એ તો હજીયે એની એક બહુ વહાલી આંટી હતી. રડતાં રડતાં એણે હવે તો આધેડવસ્થાએ પહોંચી ગયેલી પેલી આંટીને ફોન કર્યો, પિતા વતી ખૂબ માફી માંગી. સામે પક્ષે સ્ત્રી તો ભૂતકાળ ભુલાવીને બેઠેલી, છોકરાને પણ એણે બધું વિસારે પાડવાની શિખામણ આપી. એટલું જ નહીં, પેલો માણસ કમ સે કમ પિતા તરીકે કેટલો સારો હતો એ યાદ દેવડાવ્યું, પણ છોકરાએ મનમાં સાચવી રાખેલા પિતાનાં સ્મરણો પર કાળો કૂચડો ફેરવી દીધો. એ હવે બાપને ક્યારેય માફ નહોતો કરવાનો. કમનસીબે આ વાતચીતના માંડ એક અઠવાડિયામાં પિતાનું અવસાન થયું. દીકરાની નફરતનો બોજ લઈને એ ગયો. દીકરાના મનમાં ઘૃણા મૂકતો ગયો. માતાને કોઈ ફરક પડતો નથી. ઉલટું એણે તો કહ્યું કે દીકરાને બધી ખબર પાડવી જોઈએ. અહીં જોવાનું એ કે આ ઘટનાથી સૌથી વધુ ગુસ્સો આવ્યો છે, પેલા માણસની હવસનો ભોગ બનેલી છોકરીને. ત્યારે એ ડર અને શરમની મારી ચૂપ રહી, પછી ભૂતકાળ દફનાવીને પોતાની દુનિયામાં સુખેથી વ્યસ્ત થઇ ગઈ. એ કહે છે કે ખબર પાડવી જ હતી તો એ બાઈ અત્યાર સુધી ચૂપ શું કામ રહી? મરણપથારીએ પડેલા માણસને શાંતિ ન મળવી જોઈએ એવો એનો ઈરાદો હશે, પણ સાચું પૂછો તો મરનારને શું ફરક પડ્યો? ઉલટું આટલાં વર્ષે વરવો ભૂતકાળ તાજો કરીને એ સ્ત્રીએ મને જ નહીં, પોતાના સગા દીકરાને પણ દુઃખી કર્યો. પપ્પા ઘરની અંદર આવું કામ કરતા હતા એ જાણ્યા પછીયે ચૂપ રહેલી અને મોજથી પૈસા ઉડાડતી રહેલી મમ્મી માટે એ શું વિચારતો હશે? ઉપરની આ ઘટનામાં પતિથી નારાજ સ્ત્રીએ સાચું કર્યું કે ખોટું, એ નક્કી કરવાનો અધિકાર મને નથી. કદાચ વર્ષો સુધી પતિની અવહેલના સહેતી રહેલી સ્ત્રી આ દિવસની રાહ જોતી હશે, જયારે એ કહી શકે કે ‘તું ભલે મોજથી જીવ્યો પણ શાંતિથી મરવા નહિ દઉં., જે દીકરો તને બહુ વહાલો હતો એ તને હંમેશાં નફરત સાથે યાદ કરશે.’ કે બીજું કંઈ, ખબર નથી. તમને શું વિચાર આવે છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.