તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમવૉચ:દેહ વેપારમાં ધકેલી દેનાર કાકાને ભત્રીજીએ જ પતાવી દીધા બાદ તળાવમાં જીવતર ટૂંકાવી લીધું..!

5 દિવસ પહેલાલેખક: જયદેવ પટેલ
 • કૉપી લિંક
 • બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન જીવ બચાવવા ભારતમાં હિજરત કરી આવેલા એક કમનસીબ પરિવારની કરુણકથા

- ચંડોળા તળાવના ઝૂંપડાં વસાહતની 50 વર્ષ પૂર્વેની ઘટના

અમદાવાદ શહેરના દક્ષિણ દિશાના સીમાડા ઉપરના શાહઆલમ નારોલ તરફ જતાં માર્ગની ડાબી બાજુ ઉપર આવેલા ચંડોળા તળાવના કિનારા ઉપરની છૂટીછવાયી ઝૂંપડાચાલીમાં આજથી પચાસેક વર્ષ પૂર્વે એક યુવકની ઘાતકી હત્યા તથા તેની પિતરાઇ બહેનની આત્મહત્યાની ઘટના બની ગઇ હતી. જેમાં મૃત્યુ પામનાર બંને પાત્રો બાંગ્લાદેશનાં વતની હોવાની હકીકત પ્રકાશમાં આવી ત્યારે સ્થાનિક પોલીસે આ પ્રકરણની ગંભીર નોંધ લેવા સાથે તપાસ શરૂ કરી હતી. જેમાં તે જમાનામાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા દેશના ગરીબ નાગરિકો ઉપર લશ્કરી હકૂમતે ગુજારેલા અમાનવીય જુલમો-સિતમથી તંગ આવીને માદરેવતનને અલવિદા કરીને હિજરત કરીને ભારતમાં શરણ મેળવનાર લાખ્ખો પરિવારોની દયનીય દશાના ભાગરૂપે આ કરુણ ઘટના બની હોવાની વિગતો જાણવા મળી હતી. પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરના સરમુખત્યારોને પૂર્વ પાકિસ્તાનની પ્રજાને એડી હેઠળ કચડી રાખીને સિતમનો સિલસિલો યાદ કર્યો હતો. તા. 26મી માર્ચ, 1971ના રોજ પૂર્વ પાકિસ્તાનની પ્રજાના લોકપ્રિય નેતા શેખ મુજીબ-ઉર-રહેમાને ત્યારે બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામનું એલાન ગાજતું કર્યું હતું. આ પછી તો બાંગ્લાદેશની મુક્તિ માટે ‘મુક્તિ વાહિની’ ફોજની રચના થઇ હતી. મુક્તિ વાહિની ફોજના સ્વતંત્રતા સેનાની અને લશ્કર વચ્ચે ખૂનખાર જંગ શરૂ થઇ ગયો હતો. જેના પગલે ભયભીત બનેલી પ્રજાએ જન્મભૂમિને અલવિદા કહીને ભારતમાં શરણ મેળવવા લાખ્ખોની સંખ્યામાં હિજરત શરૂ કરી દીધી હતી. બાંગ્લાદેશીઓની હિજરતના આ દૌરમાં મઝરૂલ-હક શેખે તેની પત્ની રાબિયા તથા પંદરેક વર્ષની પુત્રી આરિફા અને નાના ભાઇ મંઝુર ઇલાહીને સાથે લઇને ભારતમાં શરણ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે, બોર્ડર ક્રોસ કરી રહેલા લોકો ઉપર લશ્કરના જવાનોએ કરેલા ગોળીબારમાં મોટો ભાઇ મઝરૂલ હક ઠાર મરાયો હતો. આ પછી તેની પત્ની રાબિયા તથા તરુણ પુત્રી આરિફા અને નાનો ભાઇ મંઝુર ઇલાહીએ જીવ બચાવીને ભારતની ભૂમિ ઉપર પગ મૂક્યો હતો. જોકે, આ ગરીબ પરિવારની કમનસીબીએ તેમનો કેડો મૂક્યો નહોતો.

બાંગ્લાદેશ (પૂર્વ પાકિસ્તાન)ની ગરીબ અવામની મોટા પાયા ઉપર શરૂ થયેલી હિજરતની નોંધ લઇને લોહીનો વેપાર કરતા દલાલોએ લાભ રળી ખાવા માટે સ્ત્રીઓને યેનકેન પ્રકારે જાળમાં ફસાવવાના કારનામાં શરૂ કર્યાં હતા. મહાનગર કલકત્તાના વેશ્યા બજારમાં સ્ત્રીઓ સપ્લાય કરવાનો કાળો કારોબાર ચલાવતા એક દલાલની જાળમાં ત્યારે રાબિયા સપડાઇ ગઇ હતી. આ પછી તો આ દલાલે વેશ્યા બજારમાં રાબિયાનો સોદો પતાવી દઇને ખિસ્સાં ગરમ કરી લીધા હતા. આમ, રાબિયા અચાનક ગાયબ થઇ જતાં તેની દીકરી આરિફાને સાથે રાખીને મંઝુર ઇલાહી દર-બ-દર ભટકતો છેવટે અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યો હતો. ત્યારે શહેરના સીમાડા ઉપરના ચંડોળા તળાવની પાળ ઉપર ઝૂંપડાં ઊભાં કરીને ગરીબ પરિવારોએ વસવાટ શરૂ કર્યો હતો. જેમાં મંઝુર ઇલાહીએ પણ પંદરેક વર્ષની ભત્રીજી આરિફાને સાથે રાખીને ઝૂંપડું ઊભું કરી દીધું હતું.

આમ, ચાચા-ભત્રીજી આ ઝૂંપડામાં જ રહેતાં હતાં. મંઝુર ઇલાહી જુવાનીનો ઉંબરો વટાવીને મદમસ્ત જોબનમાં રાચી રહ્યો હતો. જ્યારે 16-17 વર્ષની તરુણી આરિફાના અંગેઅંગમાં યૌવનના આગમનની આલબેલ પોકારવા લાગી હતી. એક વહેલી પરોઢના આરિફા ઝૂંપડા પાછળની નાનકડી ચોકડીમાં સ્નાન કરી રહી હતી, ત્યારે મંઝુર ઇલાહીની નજરોમાં એનાં રૂપ-નિખારનો કેફ ચડી જતાં તે અતૃપ્ત વાસનાથી ભડકી ઊઠ્યો હતો. આ જ ઘડીએ તે આરિફાનો બળજબરીથી હાથ ખેંચીને ઝૂંપડીમાં લઇ આવ્યો હતો. આ પછી આરિફાને નગ્નાવસ્થામાં ભોંય ઉપર સુવાડી દઇને તેના ઉપર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યો હતો. આમ, ચાચા-ભત્રીજીએ તેમનાં જીવનમાં પ્રથમ વાર શારીરિક સુખની મોજ માણી હતી. મંઝુર ઇલાહી જ્યાં મળે ત્યાં પરચૂરણ મજૂરીનું કામકાજ કરીને ઘર ચલાવવા કશ્મકશ કરી રહ્યો હતો. હવે તો એના તથા આરિફા વચ્ચેના નાજાયઝ સંબંધો પણ હળવે-હળવે ચંડોળા તળાવના કિનારા ઉપરની વસ્તીમાં ઉઘાડા પડી ગયા હતા. જોકે, આવા કરતૂતો માટે કોણ કોને દોષ આપે? સૌ કોઇ પોતાની લાચાર-કફોડી પરિસ્થિતિને સારી રીતે સમજતા હતા. આથી જ સૌએ બંધ મુઠ્ઠી રાખવામાં જ સારું છે તે ઉક્તિને મુનાસિબ માની લીધી હતી. હવે તો મંઝુર દેશી દારૂના રવાડે ચડી જતાં પૈસાની ખેંચ પડવા લાગી હતી. જ્યારે બીજી બાજુ આરિફા પણ તન-બદનથી ભરપૂર બની જતાં તેની જવાનીને બજારમાં વેચીને ધનના ઢગલા રળી લેવાના શમણાં તે રાત-દિવસ જોવા લાગ્યો હતો. દરમિયાન ભાડાની રિક્ષા ફેરવીને મંઝુરે કમાણીનું સાધન ઊભું કર્યું હતું. આ વખતે વેશ્યા બજાર (રેડ લાઇટ એરિયા)નો બહોળો અનુભવ મેળવી ચૂકેલા એક દલાલની સાથે મંઝુરનો પરિચય કેળવાયો હતો. જે આગળ વધીને મિત્રતામાં ફેરવાઇ ગયો હતો. આ દલાલે કેનાલના કિનારા ઉપર ચાર-પાંચ નાનકડી ઓરડીઓ બનાવી હતી. જેમાં દરરોજ સાંજની વિદાય પછી રિક્ષા તથા ટેક્સીમાં સવાર થઇને વાસના ભૂખ્યા હવસખોરોની અવરજવર શરૂ થઇ જતી હતી. ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોની લાચાર મા-દીકરીઓ કુટ્ટણખાનાની ‘બાઝારૂ ઔરત’ બની ગયાં હતાં. મંઝુર ઇલાહીએ પણ ભત્રીજી આરિફાને ખાનગી રાહે-ચોરીછૂપીથી શરૂ થયેલા આ બાઝારમાં બેસાડી દીધી હતી. દરરોજ સાંજના તે આરિફાને રિક્ષામાં લઇને આ બજારમાં પહોંચતી કરતો હતો. પેટ્રોમેક્સના ઝાંખાં અજવાળાંના ઓઠા હેઠળ દરરોજ શરીરના સોદા થતા હતા.

એક દિવસની વાત છે. તે રાત્રે ચારેક યુવાનો ટેક્સીમાં સવાર થઇને કેનાલના કિનારા પર આવી પહોંચ્યા હતા. જ્યાં દલાલે તેમની સમક્ષ કેટલીક છોકરીઓ હાજર કરી હતી. જેમાંથી એક તનબદનથી મદમસ્ત સ્ત્રી ઉપર પસંદગી ઉતારીને તેનો હાથ પકડી લીધો હતો. સોદો નક્કી થતાં દલાલના હાથમાં રૂપિયાની થોકડી પકડાવી દીધી હતી. આ ચાર હરામખોર હેવાનો આ સ્ત્રીનો હાથ પકડીને તેને ટેક્સી તરફ લઇ જઇ રહ્યા હતા, ત્યારે થરથર કાંપી રહેલી તેણે આરિફાને આજીજી કરતાં કહ્યું હતું કે – ‘દેખો બેટી, મેરી છોટી બચ્ચી બુખારમેં તડપ રહી હૈ! તૂ ઇસકા ખ્યાલ રખના. સુબ્હા હોતે હી મૈં ધંધા પતાકર વાપિસ આ જાઉંગી..!’ ત્યાર બાદ ચારેય હેવાનો તેને ટેક્સીમાં બેસાડીને અંધકારમાં અલોપ થઇ ગયા હતા. આ બાજુ આરિફા નાનકડી બાળકીને પડખામાં લઇને તેને હૂંફ આપવાની કોશિશ કરતાં રાતભર જાગતી રહી હતી. બીજા દિવસની વહેલી સવારે ધંધો પતાવીને આ સ્ત્રીએ ઓરડીમાં પગ મૂક્યો ત્યારે ભયાનક દૃશ્ય નિહાળતાંની સાથે જ તેનાં મુખમાંથી કારમી ચીસ નીકળી ગઇ હતી. આરિફાની પડખે સૂઇ રહેલી નાનકડી દીકરીના છેલ્લા શ્વાસ છૂટી ગયા હતા. ત્યાર બાદ મંઝુર ઇલાહી આરિફાને લેવા આવ્યો ત્યારે રિક્ષામાં તે શબ્દ સરખોય ઉચ્ચાર્યા વગર બેસી ગઇ હતી. તેના ભીતરમાં આ કરુણ ઘટનાએ ભયંકર ઘમાસાણ મચાવ્યું હતું. જીવન પ્રત્યેનો મનનો મોહ વિલાઇ ગયો હતો. તેના સ્થાને અંગેઅંગમાં, રુંવે-રુંવે કાતિલ ઝેરની કડવાશ ફરી વળી હતી. ચંડોળા તળાવના ઝૂંપડામાં આરિફાએ આખો દિવસ શું કરું? શું ન કરું? ના વિચારોમાં પસાર કર્યો હતો. જ્યારે બીજી બાજુ મંઝુર દારૂ ઢીંચતો રહ્યો હતો. સાંજના આગમન સાથે તેણે આરિફાને સારાં વસ્ત્રો પહેરીને તૈયાર થઇ જવા કહ્યું હતું. જોકે, આરિફાએ ત્યારે પોતાની તબિયત ઠીક નથી તેવું બહાનું કાઢ્યું હતું. આ પછી મધરાતે મંઝુર ઘસઘસાટ ઊંઘ્યો હતો. ત્યારે મનમાં ધૂંધવાઇ રહેલી આરિફા ધારદાર છરો લઇને તેના ઉપર તૂટી પડી હતી. ઉપરાછાપરી ઘા ઝીંકીને તેને ત્યાં જ પતાવી દીધો હતો. આ પછી લોહીથી ખરડાયેલો દુપટ્ટો ઝૂંપડાના એક ખૂણામાં ફંગોળીને તે હાંફતાં-હાંફતાં ચંડોળા તળાવની પાસે પહોંચી હતી. જ્યાં આકાશ સામે બંને હાથ ફેલાવીને ઉપરવાળા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં કરતાં તળાવમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.

બીજા દિવસની સવારના ખૂન તથા આપઘાતની ઘટનાની પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા જાણ કરવામાં આવતા મણિનગર પોલીસ મથકની ટીમ ચંડોળા તળાવની પાસે દોડી આવી હતી. જ્યાં બંનેની લાશને પી.એમ. માટે હોસ્પિટલમાં રવાના કર્યા બાદ શરૂ કરેલી સઘન તપાસમાં બાંગ્લાદેશી પરિવારની કમનસીબીની આ દશા જાણવા મળી હતી. ત્યાર બાદ મણિનગર પોલીસ મથકના અધિકારી તેમની ટીમને સાથે લઇને કેનાલની પાળી ઉપર ઊભી કરેલી કાચી ઓરડીઓની જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યાં હાજર દલાલની ધરપકડ કરીને તમામ ઓરડીઓની દીવાલો ઉપર ઘણી ઝીંકીને જમીનદોસ્ત કરી દીધી હતી. આજે તો આ કરુણ ઘટનાને 50-50 વર્ષો વીતી ગયા છે. મણિનગર અને તેની ચારે બાજુના વિકાસ સાથે તેની સિકલ પણ બદલાઇ ગઇ છે. ચંડોળા તળાવની ચારે બાજુ ગણ્યાં-ગાંઠ્યાં નહીં જેવા હજારો કાચા-પાકા મકાનોનું જંગલ ઊભું થઇ ગયું છે. હવે તો શહેરના નગરજનો પણ ચંડોળા તળાવનું નામ ભૂલીને તેને ‘બાંગ્લાદેશી વસાહત’ તરીકે ઓળખવા લાગ્યા છે..!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો