ક્રાઈમ ઝોન:કિશોરી પર સામુહિક બળાત્કારની ફરિયાદ બાદ પોલીસવાળાએ સમ ખાવા પૂરતું પગલુંય ન ભર્યું

પ્રફુલ શાહ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક માસૂમના કમોત માટે આપણે સૌ ગુનેગાર
  • ધાકધમકી અને પોલીસની નિષ્ક્રિયતા બાદ પીડિતાએ આપઘાત કરતા કલાકોમાં જ આરોપીઓ પકડાઈ ગયા!

ઉત્તર પ્રદેશના બદાયું, ઉન્નાવ, હાથરસ અને લખીમપુર ખેરી શેના માટે જાણીતા છે એ આપણને ખબર નથી, પરંતુ બળાત્કારની ઘટના માટે બહુ બદનામ છે એની આખા દેશને ખબર છે, પરંતુ ન જાણે કેમ તાજેતરનો સંભલપુર રેપ કેસ કેમ મીડિયામાં વધારે ગાજ્યો નહીં. આ ગુનો ઉપર નોંધેલા કે દિલ્હીના નિર્ભયાકાંડ જેટલો જ હૃદયદ્રાવક છે. હકીકતમાં આ કેસ સંભલ જિલ્લાના કુઢ ફતેહગઢ પોલીસ ક્ષેત્રના આધિપત્ય હેઠળના નાનકડા ગામ અટવાંનો કિસ્સો વિચારતા કરી મૂકે એવો છે. મધ્યાહન ભોજન યોજનામાં ગરીબ બાળકો માટે રાંધવાનું કામ કરીને પોતાનું અને કિશોર વયની દીકરીનું પેટિયું રળતી વિધવા મા સાથે ન થવાનું બની ગયું, પણ ન ધરતીએ ફાટી પડીને સમાવી લીધી કે ન આકાશે ઊંચકી લીધી. આ બદનસીબ માતાએ 15મી જુલાઈએ કકળતે હૈયે ચોધાર આંસુએ રડતાં રડતાં પોતાની ટીનેજ દીકરી પર બળાત્કાર થયાની ફરિયાદ કુઢ ફતેહગઢ પોલીસ સ્ટેશનમાં કરી. મેજિસ્ટ્રેટ સામે કિશોરીનું નિવેદન નોંધાયું. તબીબી પરીક્ષણમાં રેપ થયાને સમર્થન મળ્યું. સ્વાભાવિક છે કે માતા ન્યાય ઈચ્છતી હોય, ગુનેગારો માટે સજા માગતી હોય અને પોતાની સલામતી ઝંખતી હોય. સૌપ્રથમ બળાત્કારનો ભોગ બનેલી કિશોરીએ સોવેન્દ્ર નામના આરોપીનું નામ સુદ્ધાં પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું. નાનકડા ગામમાં આરોપીને શોધવાનું કે એની માહિતી મેળવવાનું આસાન ન થઈ જાય, એવું આપણને લાગે, કારણ કે આપણે માનીએ-ઈચ્છીએ કે પોલીસ કામ કરે હોં. પરંતુ કુઢ ફતેહગઢ પોલીસ સ્ટેશનમાં એવું કંઈ ન થયું. પોલીસે ધરપકડ ન કરી, પણ સોવેન્દ્ર ભાગી ગયો. ત્યાર બાદ છોકરીએ વધુ ત્રણ આરોપીનાં નામ આપ્યાં- વીરેશ, ગીનીશ અને બિપિન. છતાં પોલીસ હાથ પર હાથ મૂકીને બેસી રહી. બધા આરોપીઓ ગામમાં માતેલા સાંઢની જેમ ફરતા હતા. એક આરોપી આ કેસના તપાસ અધિકારીને ઘરે અવરજવર કરતો દેખાયો. સ્વાભાવિક છે કે બંને ભારતના આર્થિક વિકાસની ચર્ચા કરવા નહીં જ મળતા હોય. આ બધું ઓછું હોય એમ પીડિતાના પરિવારને આરોપીઓનાં કુટુંબીજનો તરફથી ધમકી મળવા માંડી: આ કેસ પાછો ખેંચી લો, નહીંતર જોવા જેવી થઈ જશે. આ ધમકીની ફરિયાદ પણ પોલીસને કરી છતાંય વર્દીની અંદરનો આત્મા જાગ્યો નહીં. આરોપી ભુરાયા ઢોરની જેમ શેરીઓમાં મહાલતા હોય, પીડિતા અને પરિવારજનો ફફડતાં હોય અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને બેસી રહે એવું હિન્દી સિનેમામાં જ નહીં, વાસ્તવિકતામાં પણ અંતરિયાળ ગામોમાં બનતું હોય છે. પીડિતાને ગુસ્સો હતો કે મારા બળાત્કારીઓ હજી મુક્ત છે. સાથોસાથ સતત ફફડાટ રહે કે મારા પરિવારને તેઓ કંઈક નુકસાન કરી બેઠા તો? ન રહેવાય, ન સહેવાયની અસહ્ય સ્થિતિમાં આ માસૂમને એક ઉપાય દેખાયો, જેનો અમલ તે બુધવાર તારીખ 24મી ઓગસ્ટ, 2022ના રોજ કરી બેઠી. મા કામ કરવા ગઈ ત્યારે પોતાના દુપટ્ટાથી લટકીને આ બાળકીએ જીવ આપી દીધો. આરોપીઓની ધાકધમકીથી માનસિક ત્રાસ સહન ન કરી શકી અને પોતાના પરિવારજનોને બચાવવા કોઈ નિર્દોષ જીવ આપી દે એ કેટલું ભયંકર અને આઘાતજનક ગણાય? બળાત્કાર પીડિતાનો જીવ ગયા બાદ પોલીસવાળાની વર્દી પરસેવે રેબઝેબ થઈ ગઈ. પીડિતાની માતાએ માત્ર સ્થાનિક પોલીસ ચોકીમાં જ નહીં, ડીઆઈજી, એસપી અને સીઓ જેવા ઉચ્ચાધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરી હતી. હવે માતા રણચંડી બની ગઈ. તેણે શબ્દો ચોર્યા વગર આક્ષેપ કર્યો કે પોલીસવાળા આરોપીઓેને બચાવવામાં પડ્યા હતા. આપઘાતની તપાસ માટે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ. પહેલીવાર પીડિતાની માતા સાથે શાંતિ અને વિવેકથી વાતચીત કરી. પગ નીચે ગરમાગરમ રેલો આવ્યો એટલે છૂટકો જ નહોતો. આમ છતાં પોલીસની નિભંરતા તો જુઓ. આરોપીઓ સામે આપઘાત માટે ઉશ્કેરણી (ઘણાં બચાડા લખે કે આત્મહત્યાની પ્રેરણા આપવાની) કરવાની કલમ લગાડી! સાથોસાથ પીડિતાની માતાએ પોલીસ પર કરેલા આરોપોને પોલીસવાળાએ પાયાવિહિન ગણાવ્યા. હોબાળો ખૂબ મચી ગયો એટલે પોલીસે સક્રિય થવું પડ્યું. બળાત્કારની ફરિયાદના 40 દિવસ સુધી પગમાં દોરડા બાંધીને મોઢામાં મગ ભરીને ચૂપચાપ બેસી રહેલા પોલીસવાળાએ આપઘાતના પાંચ કલાકમાં જ પહેલા આરોપી વીરેશને પકડી લીધો. પોલીસવાળાની નફ્ફટાઈ તો જુઓ કે આ ધરપકડ માટે તેમણે પોતાની પીઠ થાબડી. મામલો શાંત પાડવા માટે આરોપીનો ફોટોય ટ્વીટર પર પોસ્ટ કરી દીધો. બીજે દિવસે બાકીના ત્રણેય આરોપીનેય જેલભેગા કરી દેવાયા. જોકે, આ પરાક્રમથી ખુશ થવાને બદલે સૌએ પોલીસનું નાક કાપ્યું: ‘આવી ઝડપ બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે બતાવી હોત તો નિર્દોષ પીડિતા જીવતી હોત.’ કેસના તપાસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયો, પરંતુ એનાથી પીડિતા ફરી જીવતી થશે? માતા પર તૂટી પડેલું વેદનાનું વાદળ પાછું હટી જશે? કહેવાય છે કે બધા આરોપી મોટા- બાહુબલી હતા. એક તો રાજકીય વગવાળો હતો. ઘણીવાર લાગે કે પોલીસ આપણી મદદ માટે છે કે ગુનેગારોની? વર્દીવાળાઓને આશરે જઈને ન્યાયની પ્રતીક્ષા કરવાને બદલે જનસામાન્ય પોતપોતાની રીતે ન્યાય તોળવાનો વિચાર કરવા માંડે એ દિવસ ન આવે તો સારું. આમેય આપણે બળાત્કારના ગુનેગારોના હારતોરાથી સ્વાગતના સમયમાં જીવીએ છીએ ને?{ praful shah1@ gmail.com

અન્ય સમાચારો પણ છે...