ડૉક્ટરની ડાયરી:એ પછી ઝળહળ થયા’તા આપણે, જ્યાં દીવો પ્રગટ્યો સમયનો આંગણે

10 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

ર્ચ મહિનાનો મધ્ય ભાગ ચાલતો હતો. મહુવા તાલુકાના કલસાર ગામમાં આવેલી સદ્્ભાવના ટ્રસ્ટની હોસ્પિટલમાં માની ન શકાય એવી ભીડ જામી હતી. એક ખાસ કારણથી દર્દીઓ અને તેનાં સગાંવહાલાંઓ ઊમટી પડ્યાં હતાં. રમેશ પારેખ ‘મનપાંચમના મેળા’ની વાત લખી ગયા છે, પણ અહીં તો આજે શરીરસાતમનો મેળો જામ્યો હતો. વાત એવી હતી કે અમેરિકાના ટેનેસીના પ્રખ્યાત યુરોઓન્કો સર્જન ત્રણ દિવસ માટે નિ:શુલ્ક સર્જરી કરવા માટે કલસારમાં પધાર્યા હતા. એમનું નામ ડૉ. અમરસિંઘ. યુરોઓન્કો સર્જન એટલે મનુષ્યના મૂત્રમાર્ગના કોઇ પણ ભાગના કેન્સરના નિષ્ણાત સર્જન. મૂત્રમાર્ગની પથરીની સારવાર પણ હજારો રૂપિયા ખાઇ જતી હોય છે, આ તો કેન્સરની સારવારની વાત છે. એકડા પાછળ જેટલાં શૂન્યો મૂકો એટલાં ઓછાં પડે. ખેતીકામ કરતી ગરીબ પ્રજાને આટલું મોટું ઓપરેશન કોઇ મફત કરી આપતું હોય તો બીજું શું જોઇએ? લોકો આપસમાં પ્રશ્નો પૂછતા હતા અને જવાબો મે‌ળવતા હતા, ‘આ ડૉક્ટર કોણ છે, કેવા છે? ક્યાંના છે? શા માટે મફત ઓપરેશનો કરવા માટે આવે છે?’ આ બધા પ્રશ્નોના જવાબો પણ અલગ અલગ માણસો પાસેથી કટકે કટકે મ‌ળતા હતા, ‘ડૉ. અમરસિંઘ મૂળ ભારતના છે, બિહારમાં જન્મ્યા છે, ભણીગણીને ડૉક્ટર થયા પછી અમેરિકામાં જઇ વસ્યા છે. મૂત્રમાર્ગના કેન્સરની સર્જરીમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પશ્ચિમની સમૃદ્ધિમાં જીવન ગુજારતા આ માનવતાવાદી ડૉક્ટરને વતનના ગરીબોની સેવા કરવાની ઇચ્છા જાગી એટલે દર વર્ષે એક વાર ભારતમાં આવીને એક પણ પૈસો લીધા વગર મોટાં મોટાં ઓપરેશનો કરવાનું નક્કી કર્યું છે.’ લોકોનાં અચરજનો પાર ન હતો. ક્યાં બિહાર, ક્યાં ટેનેસી અને ક્યાં દેશના પશ્ચિમ કાંઠે આવેલું કલસાર ગામ! અવશ્ય કશુંક ઋણાનુબંધ જેવું હોવું જોઇએ. હું પોતે ડૉ. અમરસિંઘનો આ સેવાયજ્ઞ જોવા માટે કલસાર ગયો હતો અને ડૉ. અમરસિંઘને મ‌ળ્યો હતો. અત્યંત સૌમ્ય માણસ. ખૂબ ઓછું બોલે. જો એક શબ્દથી ચાલતું હોય તો આખું વાક્ય ન બોલે અને જો માથું હલાવવાથી પતતું હોય તો એક શબ્દ પણ ન ઉચ્ચારે. ચહેરા પર કશું જ મહાન કાર્ય કરી નાખ્યું છે, એવા ભાવનો સદંતર અભાવ. જો બોલે તો એમનું કામ બોલે. ત્રણ દિવસમાં લગભગ 80 જેટલાં ઓપરેશનો થયાં. સવારે આઠ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી સતત ચાર ઓપરેશન થિયેટર્સમાં ઓપરેશનો ચાલતાં રહ્યાં. ડૉ. અમરસિંઘની મદદમાં ગુજરાતનાં અલગ અલગ શહેરમાંથી સેવાભાવી ડૉક્ટરો દોડી આવ્યા. રાજકોટથી ડૉ. જિતેન્દ્ર અમલાણી, ડૉ. પ્રતીકભાઇ, ડૉ. ધૃતિ, મહેસાણાથી ડૉ. દીપક રાજ્યગુરુ, અમદાવાદથી ડૉ. વિપુલ ટીલવા, ભાવનગરથી ડૉ. સમીર જોશી અને ડૉ. અમીષ મહેતા ઉપરાંત રાજકોટના એનેસ્થેટિસ્ટ ડૉ. પોરિયા વગેરે નિષ્ણાતો કશી જ અપેક્ષા વગર હાજર રહ્યા. મોટા ભાગનાં ઓપરેશનો યુરિનરી બ્લેડર (મૂત્રાશય)ના કેન્સર માટેનાં હતાં. આ ખૂબ ગંભીર બીમારી છે. કેન્સરગ્રસ્ત મૂત્રાશય કાઢી નાખવું પડે, પણ એ પછી કિડનીમાં ફિલ્ટર થઇને આવતા પેશાબને શરીરમાંથી બહાર કાઢવા માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવી પડે. ડૉ. અમરસિંઘ આવી વ્યવસ્થામાં મહારત મેળવી ચૂક્યા છે. નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યાં મ‌ળે છે ત્યાંથી એક ટુકડો કાપીને એને મૂત્રવાહક નળીઓ સાથે જોડીને એનો બીજો છેડો પેટની દીવાલમાંથી બહાર કાઢવામાં આવે છે. એ ટુકડાનું પોલાણ કૃત્રિમ મૂત્રાશય જેવું કામ આપે છે. આ ઓપરેશન ખૂબ અઘરું છે અને ઉચ્ચ કક્ષાનું કૌશલ્ય તથા કલાકોની ધીરજ માગી લે તેવું છે. ડૉ. અમરસિંઘ પાસે આ બધું જ છે. હું પોતે ડૉક્ટર હોવાથી પૂરેપૂરી રીતે સમજી શકતો હતો કે અમેરિકાથી આવેલા આ બિહારી જાદુગરની આંગળીઓ કેવી અદ્્ભુત કરામત કરી રહી હતી. ધુળિયા ગામડાના મેલાઘેલા ગરીબ દર્દીઓ જેઓને એક રૂપિયાની ટેબ્લેટ ખરીદવી પણ ન પોસાય, તેઓ અમેરિકાથી આવેલા નિષ્ણાત ઉપરાંત સુપર સ્પેશિયલિસ્ટ સર્જનની સારવાર પામી રહ્યા હતા. કલસાર હોસ્પિટલના મુખ્ય આધારસ્તંભ ડૉ. પ્રવીણ બલદાણિયા સ્વયં સર્જરીમાં જોડાયા હતા ઉપરાંત બધી વ્યવસ્થા પણ સંભાળી રહ્યા હતા. અચાનક નર્સે આવીને કહ્યું, ‘સર, તમે પેલા મહેશને બોલાવ્યો હતો ને? તે આવ્યો છે.’ ડૉ. પ્રવીણભાઇના મનમાં ઝબકારો થયો. મહેશ વીસેક વર્ષનો યુવાન હતો. એકાદ મહિના પહેલાં શારીરિક ફરિયાદો લઇને આવ્યો હતો. તેની મુખ્ય ફરિયાદ માથું દુખવાની અને છાતીમાં ધક ધક થવાની હતી. ડૉ. પ્રવીણભાઇએ બ્લડ પ્રેશર માપ્યું. ઉપરનું બ્લડ પ્રેશર 170 અને નીચેનું 130 આવ્યું. ડૉક્ટરે મહેશની છાતી પર હાથ મૂક્યો. હૃદય એટલા જોરથી ધબકતું હતું જાણે હમણાં પાંસળીઓ તોડીને બહાર નીકળી જશે! ડૉક્ટરના મનમાં કેટલાંક નિદાનો ઊપસી આવ્યાં. મોટાં ભાગનાં સામાન્ય હતાં. એક રેર પ્રકરાનું હતું. એમણે મહેશને કેટલાક પ્રશ્નો પૂછ્યા, ‘તારી પાચનક્રિયા કેવી છે? અને બીજા લોકો કરતાં વધારે ગરમી અનુભવાય છે? કોઇ પણ કામ કરવામાં તું વધારે પડતો એક્ટિવ રહે છે? તને ક્યારેય છાતીમાં કે પેટમાં દુખાવો થાય છે?’ સવાલોના જવાબો સાંભળ્યા પછી ડૉક્ટર બબડ્યા, ‘આને ફીઓક્રોમોસાયટોમા હોય તો નવાઇ નહીં!’ એમણે તરત જ સોનોગ્રાફી કરી લીધી. નિદાન સાચું હતું. મહેશની ડાબી સાઇડની કિડનીના મથાળે લીંબુની સાઇઝનું ટ્યૂમર હતું, જેને ફીઓક્રોમોસાયટોમા કહે છે. આ એક ગંભીર બીમારી છે. જેને માત્ર મેડિસિન આપીને કંઇક અંશે કાબૂમાં રાખી શકાય છે, પણ એની કાયમી સારવાર ઓપરેશન વડે આ ગાંઠ દૂર કરવાની છે. આ સર્જરી નાજુક અને જોખમી હોય છે. મહેશનું બ્લડ પ્રેશર કાબૂમાં લાવવા માટે ડૉક્ટરે ટેબ્લેટ્સ લખી આપી અને કહ્યું, ‘એક મહિના પછી અમેરિકાથી ડૉ. અમરસિંઘ આવવાના છે, ત્યારે તું આવી જજે. જો એમની પાસે સમય હશે તો…’ અને આજે મહેશ આવી પહોંચ્યો હતો. સવારથી ખાધા-પીધા વગર ખાલી પેટ સાથે આવ્યો હતો. ઓપરેશન કરતાં પહેલાં કેટલાંક પરીક્ષણો કરાવવાં આવશ્યક હોય છે. તે બધાં જ કરાવી લેવામાં આવ્યાં. પછી ડૉ. પ્રવીણભાઇ ડૉ. અમરસિંઘ પાસે ગયા. એક લાંબું ઓપરેશન પૂરું કરીને ડૉ. અમરસિંઘ પાણી પીતાં બેઠા હતા, ત્યાં જઇને ડૉ. પ્રવીણભાઇએ મહેશના કેસની વાત કરી દીધી. પછી વિનંતી કરી, ‘સર, બીજું મેજર ઓપરેશન શરૂ કરવામાં દસેક મિનિટની વાર છે. જો તમે હા પાડો તો મહેશને હું ટેબલ પર લઇ લઉં.’ ડૉ. અમરસિંઘ હસ્યા, ‘તમે પેશન્ટનું પેટ ખોલો, હું આવું છું.’ એનેસ્થેટિસ્ટ હાજર હતા. મોટી તકલીફ એ હતી કે મહેશનું બ્લડ પ્રેશર ખૂબ ઊંચું હતું. એનેસ્થેસિયા આપવાથી એમાં અચાનક મોટો ફેરફાર થવાની શક્યતા રહેતી હતી. ખૂબ સાવધાનીપૂર્વક મહેશને ઇન્જેક્શન આપવામાં આવ્યું. ડૉ. પ્રવીણભાઇએ એના પેટ ઉપર એન્ટિસેપ્ટિક દવાઓનું પોતું મારીને ચામડી ઉપર ચેકો મૂક્યો. એક પછી એક પડ ખોલતાં ગયાં અને કિડની સુધી પહોંચી ગયા. હવે ટ્યૂમર એમની નજર સામે. એટલી વારમાં સ્ક્રબ થઇને ડૉ. અમરસિંઘ ઓપરેશનમાં જોડાયા. ટ્યૂમર અને કિડનીની વચ્ચેના જોડાણ ઉપર ડૉ. અમરસિંઘે હાથમાં પકડેલો ચીપિયો મારીને બંધ કર્યો. આવું કરવું બહુ જરૂરી હતું. કોઇ પણ ગાંઠને મુખ્ય અંગથી કાપીને છૂટી કરતી વખતે ભયંકર રક્તસ્ત્રાવ ન થાય એના માટે ચીપિયો લગાવવો જરૂરી હોય છે. તે પછી ગાંઠ કાપીને ચીપિયામાં દબાયેલી ટિસ્યૂ અને રક્તવાહિનીઓને સ્ટીચ મારીને બંધ કરી દેવામાં આવે છે. અહીં એક અણધારી મુશ્કેલી ઊભી થઇ. એનેસ્થેટિસ્ટે ચેતવણીના સૂરમાં કહ્યું, ‘સર, પેશન્ટનું બી. પી. શૂટ અપ થયું છે. 250ની ઉપર પહોંચી ગયું છે. જો આવું જ રહેશે તો ગમે તે ક્ષણે પેશન્ટને બ્રેન હેમરેજ થઇ શકે છે.’ ડૉ. અમરસિંઘે બ્લડ પ્રેશરને એવી તક જ ન આપી. ગણતરીની સેકન્ડ્સમાં તેમણે ફીઓક્રોમોસાયટોમા ટ્યૂમરને દૂર કરી દીધું અને ઝડપથી કિડનીના મથાળે સ્ટીચ પણ મારી દીધા. બ્લડ પ્રેશર વધવા માટે જવાબદાર ગાંઠ દૂર થતાંની સાથે જ મહેશનું બી. પી. નોર્મલ થવા લાગ્યું. મહેશ માટે આ જિંદગીની નવી શરૂઆત હતી અને ડૉ. અમરસિંઘ માટે આ શું હતું? પાણીનો અડધો ગ્લાસ પેટમાં પધરાવીને તેઓ બીજા મેજર ઓપરેશન માટે તૈયાર થઇ ગયા. મેં પૂછ્યું તો જવાબમાં આટલું જ બોલ્યા, ‘મેં કંઇ નથી કર્યું. આભાર માનવો હોય તો ભગવાનનો માનો, જેણે સાચા સમયે સારા ડૉક્ટરને ખરાબ બીમારી વખતે હાજર રાખ્યો.’{ શીર્ષકપંક્તિ : ઉર્વીશ વસાવડા drsharadthaker10@gmail.com