મનદુરસ્તી:છેવટે એક સ્ત્રી શું ઝંખે છે?

19 દિવસ પહેલાલેખક: ડૉ. પ્રશાંત ભીમાણી
  • કૉપી લિંક
  • આપણે જ્યારે કોઇ વ્યક્તિને સ્પર્શ કરીએ, આલિંગન કરીએ કે પ્રેમ કરીએ ત્યારે વિશિષ્ટ પ્રકારનાં સંવેદનો ઉત્પન્ન થાય છે

આસ્થા અને આદિત્ય એક મજાનું કપલ ગણાય. લગ્નનાં બાર વર્ષ બાદ પણ મિત્રો અને સગાંઓનું માનીતું કપલ હતું, પણ હમણાંથી જાણે બંને જણાં માત્ર ફોર્મલ રીતે જોડાયેલાં હોય એવું જ લાગે. પહેલાંની મજાક-મસ્તી અને તોફાનીપણું ગાયબ થઇ ગયાં હતાં.

‘ડૉક્ટર, આસ્થાને કદાચ કંઇક ડિપ્રેશન જેવું હશે?’ એવો સવાલ આદિત્યએ કર્યો.

આસ્થાને 38 વર્ષની ઉંમરે એવા કોઇ ખાસ શારીરિક થાક ફરિયાદ નહોતી. ફિઝિકલી એકદમ ફિટ રહેવાની ટેવવાળી આસ્થાએ પૂછપરછ દરમિયાન એના ચૂપ રહેવાનું કોઇ વિશેષ કારણ દર્શાવ્યું નહીં. પણ એણે એવું ચોક્કસ કહ્યું કે, ‘ડૉક્ટર, આદિત્ય એવું કહે છે કે હું બદલાઇ ગઇ છું. પણ, સાચી વાત કહું તો હવે એ પોતે જ બદલાયેલો લાગે છે.’ ‘કેવી રીતે?’ મેં પૂછ્યું. પહેલાં તો એ મને શાંતિથી સાંભળતો. હું જે કહું એમાં એને રસ પડતો. હવે હું એને અમારા દીકરા પ્રીત વિશે વાત કરું તો પણ બહુ રસ ન લે. પ્રીત એના માટે જીવથીય વહાલો છે. હવે એનું બધું જ ધ્યાન એના બિઝનેસ વધારવામાં ફંટાઇ ગયું છે. હું કંઇક ફરિયાદ કરું તો એ કહે કે, ‘આ બધી મહેનત હું કોના માટે કરું છું? તમારા માટે જ ને! મને કામ કરવા દે. ડિસ્ટર્બ ન કર્યા કર.’ આવું કહી મને ચૂપ કરી દે.’

‘ડૉક્ટર, કોઇ માણસ કામ પરથી ઘરે આવે તો સ્વાભાવિક રીતે જ એ પછીનો ફેમિલી ટાઇમ હોય, અમે બેડરૂમમાં પણ પહેલાં ખૂબ વાતો કરતાં, રોમાન્સ કરતાં, પછી ફિઝિકલી ઇન્ટિમેટ થતાં. એ વખતે એ મારી બધી જ વાતો રસપૂર્વક સાંભળતો અને મને સમજાવતો. માનો ને કે એ મારો ‘પાર્ટનર કમ કાઉન્સેલર’ હતો. મને એનામાં એટલો બધો વિશ્વાસ હતો, અલબત્ત, હજુ પણ છે, કે જો આદિત્ય મને પહેલાંની જેમ સાંભળે તો મારાં બધાં દુઃખ-દર્દ દૂર થઇ જાય.’

અને બીજી એક વાત, પહેલાં આદિત્ય મને રોજ ‘હગ’ કરીને ઓફિસ જતો ને ત્યાંથી બપોરે લંચ કરવા બેસે ત્યારે વિડીયોકોલ પણ લગભગ રોજ કરી લેતો. હવે તો મને એ પણ યાદ નથી કે એણે મને છેલ્લું ‘હગ’ ક્યારે આપ્યું હતું. ફિઝિકલી રોમાન્સની વાત તો દૂર રહી, જીવનમાં મનથી રોમાંચ જ નથી રહ્યો.’ આસ્થાની લગ્નમાંથી આસ્થા ઉડી રહી હતી.

આવતીકાલે ‘ઇન્ટરનેશનલ વિમેન્સ ડે’ છે. કદાચ કોઇપણ સ્ત્રીની સૌથી મોટી લાગણીમય જરૂરિયાત એ છે કે, પોતાની વ્યક્તિ એને બરાબર સાંભળે! જરૂરી નથી કે, એ પોતાની વ્યક્તિ મતલબ પુરુષ તરત જ કોઇ વાત સાંભળીને ઉગ્રતાથી કે બીજી કોઇ નકારાત્મક રીતે રિએક્ટ કરે. ખાસ કરીને સામાજીક સંઘર્ષોની બાબતોમાં! ઘણીવાર એ ઉકળાટ, ઊભરો માત્ર હોય છે. પુરુષે ફક્ત ભાવાત્મક કિનારો બનીને રહેવાનું હોય છે. ઊભરો શમી જતાં લાગણીની ભીનાશ પથરાઇ જાય છે.

જ્યાં સુધી ભેટવાની કે આલિંગન આપવાની વાત છે, ત્યાં સુધી એ સમજવું જોઇએ કે ‘આલિંગન’ એક અત્યંત જરૂરી ફિઝિકલ-ઇમોશન જેશ્ચર છે. સ્પર્શનું મહત્ત્વ માનવ માટે અનેરું છે.

વર્ષ 2021માં મેડિસીનનું નોબેલ પ્રાઇઝ મેળવનાર લેબેનોનમાં જન્મેલા અમેરિકન મોલેક્યુલર બાયોલોજીસ્ટ અને ન્યુરોસાયન્ટિસ્ટ ઓર્ડમ પોટાપોટીયન અને અમેરિકન ફિઝિયોલોજીસ્ટ ડેવિડ જૂલિયસે માનવ ત્વચાના ટેમ્પરેચર રીસેપ્ટર્સ, દર્દનો અનુભવ અને સ્પર્શ વિશે સંશોધનો કર્યાં છે. એ મુજબ માનવ શરીરમાં વહેતી વિદ્યુત ઊર્જા અને સંવેદનો વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો છે. આપણે જ્યારે કોઇ વ્યક્તિને સ્પર્શ કરીએ, આલિંગન કરીએ કે પ્રેમ કરીએ ત્યારે વિશિષ્ટ પ્રકારનાં સંવેદનો ઉત્પન્ન થાય છે. સ્પર્શ, તાપમાન, દબાણ તેમજ ત્વચાની લાક્ષણિકતાઓ વિદ્યુત ઊર્જામાં પરિવર્તિત થઇને મસ્તિષ્ક સુધી પહોંચે છે.

ટૂંકમાં ત્વચાની નીચેના રીસેપ્ટર્સ સ્પર્શ થવા માત્રથી સક્રિય થઇને પ્રેમ અને લાગણી જેવા આવેગોનો અનુભવ કરાવે છે. અલબત્ત, ઓક્સિટોસિન નામનું ન્યુરોટ્રાન્સમીટર આલિંગન દરમ્યાન સલામતી અને હૂંફનો અનુભવ તો કરાવે જ છે.

ટૂંકમાં, આદિત્યએ વર્ક-લાઇફ બેલેન્સને પાછું મેળવવા આસ્થાને સાંભળવાની અને હૂંફ આપવાની જરૂર હતી. છેવટે, એક સ્ત્રીને શું સૌથી વધુ જોઇએ?

પ્રેમ, હૂંફ અને વિશ્વાસ....

એ થી ય વિશેષ....

સ્વસ્થ સંવાદ અને સન્માન...

વિનિંગ સ્ટ્રોક : સ્ત્રીને સમજવા કરતાં પ્રેમ કરવો વધારે જરૂરી છે, એ સમજણ (પુરુષોમાં) જરૂરી છે. -ઓશો

અન્ય સમાચારો પણ છે...