તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયના હસ્તાક્ષર:અફઘાનિસ્તાન માત્ર ‘વ્હાઇટ એન્ડ બ્લેક’નો મામલો નથી

એક મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • તાલિબાનો ભલે કાબુલ સુધી પહોંચી ગયા હોય, પૂર્વ શાસકો ડરી ગયા હોય, ભાગી છૂટ્યા હોય પણ સત્તા સંભાળવી હોય તો સુધરવું પડે. બંદૂક બધે કામ આવી શકે તેમ નથી. કાં સુધરો, કાં તૂટો

અફઘાનિસ્તાન એટલે તાલિબાન એવી માન્યતાનો છેદ ઊડાડી દેતી લડાઈ તે જ દેશના પંજશીરમાં અવિરત ચાલી રહી છે. તેને ઝનૂની, ઘાતકી અને શરિયતના નામે ઘોર ગુલામી સ્થાપિત કરવાનો પ્રયાસ કરનારા તાલિબાનો હવે જોઈતા નથી. કારણ એ છે કે લોકોએ સ્વતંત્રતા અને સર્વાંગી વિકાસનો અનુભવ લીધો છે, લોકતંત્રનાં સારાં પરિણામો ચાખ્યાં છે, હવે તેમાં પાછાં ફરવાનું પોસાય તેમ નથી. શાળા, કોલેજ, યુનિવર્સિટી, આરોગ્ય, મીડિયા, મતદાન અને સામાજિક કાર્યોમાં સ્ત્રી-પુરુષો એકસાથે પ્રવૃત્ત હતાં. હવે તેમને તાલિબાનો એમ કહે કે શરિયામાં સ્ત્રીઓને મર્યાદિત રહીને કામ કરવાનું. બુરખો રાખવાનો કે એવા બીજા આદેશ પાળવા પડશે તો તેઓ કઈ રીતે માને? રશિયા અને અમેરિકાએ પોતાના રાજકીય હેતુ માટે કાબુલમાં પોતાની સત્તા અને સેના રાખ્યાં હતાં. તેનાં લાભ અને ગેરલાભ બંને અફઘાન પ્રજાને મળ્યાં છે એ પણ એક વાસ્તવિકતા છે. પરંતુ તાલિબાની ઝનૂન પ્રજા સ્વીકારી શકે તેમ નથી, ભલે તેનો રાષ્ટ્રપતિ ભાગી છૂટ્યો હોય. બીજાં ઘણાં તો જુલમને કારણે સ્થળાંતરિત થઈ રહ્યાં છે અને છતાં અફઘાન પ્રજા પોતાના સ્વાતંત્ર્ય માટે લડી રહ્યાના અહેવાલો રોજ આવી રહ્યા છે. ગુરુવારે અસદાબાદ સહિતનાં નગરોમાં પોતાના પ્રિય રાષ્ટ્રધ્વજ સાથે લોકો શેરીઓમાં નીકળી પડ્યાં. “અમારો રાષ્ટ્રધ્વજ અમારી પહેચાન’નો નારો તાલિબાની બંદૂકોના ખોફ વચ્ચે ગાજતો રહ્યો. કાબુલમાં પણ તે ફરકાવવામાં આવ્યો. 1919માં અફઘાનિસ્તાન બ્રિટિશરોથી આઝાદ થયું તે આ દિવસ હતો. તાલિબાનો એક તરફ સ્ત્રીઓ, બાળકોને બંદૂકોથી મારી નાંખે છે, બીજી તરફ “અમે શાંતિપૂર્વક રાજ કરવા માગીએ છીએ’ એવી છેતરામણી ભાષા પ્રયોજે છે. દુનિયામાં તેને માત્ર ચીન અને પાકિસ્તાનનો ટેકો મળ્યો તે પણ પોતાના સ્વાર્થને માટે. ચીને 19 ઓગસ્ટે તિબેટના શાસનની ઉજવણી કરી ત્યારે સ્પષ્ટ કર્યું છે કે તિબેટનો વિકાસ સામ્યવાદી સત્તાને આભારી છે. તેને અમેરિકાની પીછેહઠ પસંદ પડી છે, પણ અમેરિકા પંજશીરના વિપ્લવીઓને પર્યાપ્ત શસ્ત્રો અને સૈનિકો આપશે એ દેખીતું છે. જલાલાબાદમાં રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલાં લોકો પર તાલિબાનોએ ગોળીબાર કર્યો અને ત્રણ માર્યાં, બીજા હજુ વિરોધનો વાવટો ફરકાવી રહ્યાં છે. અસદાબાદમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. અમાનુલ્લાહ સાલેહ હજુ તાલિબાનોની ખિલાફ અડીખમ છે, જે પ્રથમ ઉપરાષ્ટ્રપ્રમુખ છે. અફઘાન સેનામાં તાલિબાનો છેલ્લાં કેટલાંક વર્ષોથી પગદંડો કરી રહ્યા હતા એટલે અમેરિકી સેના અંધારામાં રહી અને બાઈડેને સ્વીકારી લીધું કે અમે ધારીએ તેનાથી પણ જલદી તાલિબાનો ઘૂસી ગયા અને કબજો લઈ લીધો. અફઘાનિસ્તાનમાં કાબુલ ઉપરાંત કંદહાર, જલાલાબાદ, હેરાત, બામિયાન જેવાં જાણીતાં સ્થાનો છે. આ બામિયાનમાં તાલિબાનોએ બૌદ્ધ પ્રતિમા તોડી પાડી હતી તે યાદ હશે. કાબુલની શાળામાં માસૂમ બાળકો અને તેની શિક્ષિકાની લાશો ઢાળવામાં આવી હતી. અહીં પશ્તુન, તાજિક, હઝારા, ઉઝબેક, આઇમક, પામીરી, તુર્કમેન, નૂરિસ્તાની અને બલોચ જેવી પ્રજા રહે છે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની પહેલી આઝાદ હિન્દ સરકાર રાજા મહેન્દ્રપ્રતાપના નેતૃત્વમાં કાબુલમાં સ્થપાઈ હતી. સુભાષચંદ્ર બોઝ કોલકાતાની નજરકેદમાથી નાસીને છેક કાબુલ પહોંચ્યા હતા અને ભારતીય વ્યાપારી લાલા ભગતરામના નિવાસે છૂપી રીતે એક મહિનો રહ્યા, પછી જર્મની પહોંચ્યા હતા. અફઘાન પ્રજા મૂળભૂત રીતે સ્વતંત્રતાપ્રિય છે. 2004માં તેનું રાષ્ટ્રગીત રચાયું તેમાં દેશના 14 સમુદાયોનો નિર્દેશ છે, પણ એ પૂર્વે અને પછી તાલિબાનોએ પોતાનું ગીત અને ધ્વજ બનાવ્યાં. 96 વર્ષમાં પાંચ રાષ્ટ્રગીત આવ્યાં, 1996થી તો તાલિબાનોએ સંગીત જ પ્રતિબંધિત કર્યું, અફઘાનિસ્તાન પર કબજો કરવા આ વંશીય જૂથો એકબીજાની સામે વારંવાર લડાઈ કરતા રહ્યાં, તેમાં એક ગઝની સ્થાન પણ છે. અટલબિહારી વાજપેયી વિદેશ પ્રધાન હતા ત્યારે અફઘાનિસ્તાનના પ્રવાસે જતાં તેમણે ગઝની જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ત્યાંની સરકારને નવાઈ લાગી. અટલજીએ કહ્યું કે મારે એ જોવું છે કે આ નાનકડા સ્થાનથી મોહમ્મદ ગઝનવીએ સૈન્ય લઈને ભારત પર ચડાઈ કરી હતી તે જગ્યા કેવી છે? અધિકારીઓએ કહ્યું કે આ જગ્યાનું અમારે કોઈ મહત્ત્વ નથી, ના અમે મોહમ્મદ ગઝનવીને ક્યારેય યાદ કરીએ છીએ. હા, ભારતના ડાબેરી ઈતિહાસકારો ગઝનવીને વિદ્વાન સેનાપતિ ગણવાની કોશિશ જરૂર કરે છે! કોણ છે આ તાલિબાનો? વિદેશ મંત્રી એસ. જયશંકરે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનનાં લશ્કરે તોઇબા અને જૈશ-એ-મોહમ્મદ આ ઘટનાઓની પાછળ છે. કોણ છે તાલિબાની નેતાઓ? એક હૈબતુલ્લાહ અખુંદજાદા છે, તેનો પડ્યો બોલ સૌ ઝીલે છે. 60 વર્ષનો આ તાલિબાની સાંપ્રદાયિક નેતા કંદહારનો છે. 2016થી તેનું આધિપત્ય છે. મુલ્લા મુહમ્મદ ઓમર તાલિબાની સ્થાપક હતો તેનો અનુગામી છે. અબ્દુલ ગની બારદાર રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવે છે, જરૂર પડ્યે સમાધાન પણ કરી જાણે છે. હજુ 53 વર્ષનો છે, મુલ્લા ઓમરનો લેફ્ટનન્ટ હતો. ઝબીઉલ્લાહ તાલિબાનોનો મુખ્ય પ્રવક્તા છે. તાજેતરમાં તેણે પત્રકાર પરિષદ યોજી હતી. શેર મોહમ્મદ અબ્બાસ દોહાનો વાતની છે, અબ્દુલ સલામ પણ ત્યાંનો. સિરાજુદ્દીન હક્કાની અને મુલ્લા મુહમ્મદ યાકુબ પણ તાલિબાની સંગઠન સંભાળે છે. આનો એક અર્થ એ થાય કે તાલિબાનો ભલે કાબુલ સુધી પહોંચી ગયા હોય, પૂર્વ શાસકો ડરી ગયા હોય, ભાગી છૂટ્યા હોય પણ સત્તા સંભાળવી હોય તો સુધરવું પડે. અત્યારે 40 ટકા દુષ્કાળ અને વ્યવસ્થાની વેરવિખેર હાલતમાં અફઘાનો જીવે છે. લોકતંત્ર તો તાલિબાનોને જોઈતું નથી, ઈસ્લામિક રાજ્ય જાહેર કરી દીધું છે, અનેક વિસ્તારો તાલિબાનોની સામે લડી રહ્યા છે, બંદૂક બધે કામ આવી શકે તેમ નથી. કાં સુધરો, કાં તૂટો. આ એક જ રસ્તો અત્યારે છે. { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...