તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૉક્ટરની ડાયરી:ઐસા લગતા હૈ કિ જૈસે ખત્મ મેલા હો ગયા, ઉડ ગઈ આંગન સે ચિડિયા ઘર અકેલા હો ગયા

3 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
 • કૉપી લિંક
 • આ બાળકીની મા વર્ષા કુંવારી હોવી જોઇએ. કોઇ કારણસર એ ગર્ભપાત કરાવી શકી નહીં હોય. જો ઘરે સુવાવડ થઇ ગઇ હોત તો આ બાળકીને...

શિયાળાની મોસમ હતી. રાતના અગિયાર વાગ્યા હતા. આજથી 37-38 વર્ષ પહેલાંની એ ઘટના. મને બરાબર યાદ છે. દિવસભરના કામથી પરવારીને હું મારા ક્વાર્ટ્સમાં પથારીમાં પડ્યો પડ્યો એક બ્લેન્કેટ અને બે રજાઇનાં આવરણથી કાતિલ ઠંડીને રોકવા મથતો, રશિયન ચિંતક ગુર્જ્યેફનું પુસ્તક વાંચી રહ્યો હતો. આશરે પંદરેક હજારના એ ટાઉનમાં શિયાળાના કારણે સન્નાટો પ્રસરી ગયો હતો. નીચેના ફ્લોર પર આવેલી હોસ્પિટલમાં પણ બધાં દર્દીઓ ઘેરી નિદ્રામાં પોઢી ગયા હતા. અચાનક ડોરબેલ વાગી. મારું મોં કટાણું થઇ ગયું. હૂંફાળી પથારી છોડીને હું ઊભો થયો. બારણું ઉઘાડ્યું. આયાબહેન કોલબુક લઇને ઊભાં હતાં. એક ઇમર્જન્સી કેસ આવ્યો હતો. મને તાત્કાલિક બોલાવ્યો હતો.

હું માથાના વાળ સરખા કરીને નાઇટડ્રેસમાં જ નીકળી પડ્યો. લેબરરૂમના ટેબલ પર એક યુવતી પ્રસૂતિની પીડાથી તરફડતી સૂતી હતી. ‘સિસ્ટર, આની સાથે કોણ આવ્યું છે?’ મેં પૂછ્યું. સ્ટાફ સિસ્ટરે એક ગરીબ મધ્યમ વયની સ્ત્રીને મારી સામે ધરી દીધી. પછી કહ્યું, ‘પેશન્ટનું નામ વર્ષા છે. આ એની મા છે. એનું નામ સવિતા. મા-દીકરી સિવાય ત્રીજું કોઇ આવ્યું નથી. નજીકના સગામાં લગ્નપ્રસંગ હોવાથી છોકરીના પપ્પા અને ચાર ભાઇ-ભાભીઓ ગામડે ગયાં છે. વર્ષાને છેલ્લા દિવસો ચાલતાં હતાં એટલે મા-દીકરી નથી ગયાં.’ મેં સિસ્ટરને શાબાશી આપી. એણે સારી એવી માહિતી જાણી લીધી હતી. જે બાકી રહી ગઇ હતી તે મેં જાણી લીધી. મા સવિતાને પૂછ્યું, ‘આ ગામમાં જ રહો છો? ક્યારેય ચેકઅપ માટે આવ્યાં હતાં? દર્દની શરૂઆત કેટલા વાગે થઇ? અહીં આવવામાં આટલું મોડું કેમ કર્યું?’

હું વાત કરતો જતો હતો અને પેશન્ટને તપાસતો જતો હતો. વર્ષાની સ્થિતિ જ કહી આપતી હતી કે લેબરપેઇન શરૂ થયાંને પાંચ-છ કલાક થઇ ગયા હોવા જોઇએ. ‘સાહેબ, શું કરીએ અમે ગરીબ માણસ. અમને દવાખાનાનો ખરચ પોસાય નહીં. ઘરે જ દાયણને બોલાવી હતી. બાપડી ખૂબ મથી, પણ છેવટે એણે જ કહી દીધું કે મારાથી કામ નહીં થાય. છોકરીને દવાખાને લઇ જાવ.’ સવિતા એવી રીતે બોલી રહી હતી જાણે કોઇ ખોટી વાત સાચી ઠેરવીને મારા ગળે ઉતારવાનો પ્રયત્ન કરતી હોય. મેં તપાસ પૂરી કરીને કેસપેપરમાં નોંધ લખવાની શરૂ કરી. વર્ષાના પિતા ધોબી હતા. ગામના છેવાડાના ભાગમાં એમનું ઘર આવેલું હતું. ઘરમાં જ એ લોન્ડ્રીનું કામ કરતા હતા. બહોળો પરિવાર હતો. વર્ષાનાં લગ્નને બે વર્ષ થયાં હતાં. પ્રથમ પ્રસૂતિ હતી. પાંચ કલાક પહેલાં લેબરપેઇન શરૂ થયાં હતાં. બે કલાક પહેલાં પાણી પડી ગયું હતું. ગર્ભાશયની અંદર રહેલા બાળકનું માથું ફૂલવા માંડ્યું હતું. એના ધબકારા ઓછા થવા લાગ્યા હતા, પણ એક વાત સારી હતી કે ગર્ભાશયનું મુખ લગભગ 8 સે.મી. જેટલું ખૂલી ગયું હતું.

મેં સવિતાને સમજાવ્યું, ‘આમ તો વર્ષાને ઓપરેશનની જરૂર છે, પણ હું એક-દોઢ કલાક કોશિશ કરી જોઉં. જો બાળકની જિંદગી ઉપર જોખમ જેવું લાગશે તો તાબડતોબ પેટ ચીરીને...’ અત્યાર સુધી ઢીલી લાગતી સવિતાનાં ચહેરા પર મારી વાત સાંભળીને પળવારમાં મક્કમતા ઊપસી આવી. ‘ના હોં, સાહેબ! ઓપરેશન તો નથી જ કરવાનું. છોકરું જીવે કે મરે. મારે છોકરીને વધારે દિવસ દવાખાનામાં નથી રાખવી.’

આ વખતે પણ મને થયું કે સવિતા કશુંક છુપાવી રહી છે, પણ મેં મારા મનમાં ઊઠતા વિચારને દાબી દીધો. હું વર્ષાની સારવારમાં પરોવાઇ ગયો. ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શનો, ત્રણ કલાકની મહેનત અને જોખમથી ભરેલા પ્રયાસોના અંતે લગભગ અઢી વાગે વર્ષાએ દીકરીને જન્મ આપ્યો. દીકરી ગંદું પાણી પી ગઇ હતી એટલે રડી શકી નહીં. મારે એનું ગળું અને શ્વસનમાર્ગ સાફ કરવા પડ્યાં. થોડી વારે એણે રડવાનું શરૂ કર્યું. એના ફેફસાં ખૂલી ગયાં. ભૂરા પડી ગયેલા હાથ-પગ ધીમે ધીમે ફરી ગુલાબી થવા માંડ્યા. મેં વર્ષા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્લેસેન્ટા કાઢવામાં અને ટાંકા લેવામાં વીસેક મિનિટ નીકળી ગઇ. બધું કામ પૂરું કરીને જ્યારે હું મારા ક્વાટરમાં પાછોઆવ્યો ત્યારે સવા ત્રણ વાગ્યા હતા. ગુર્જ્યેફ શાંત થઇ ગયો હતો, પણ પથારી અને રજાઇ વચ્ચેની હૂંફાળી જગ્યા મને પ્રેમથી આમંત્રી રહી હતી. હું પથારીમાં પડતાંની સાથે જ ઊંઘી ગયો. ગાઢ નિદ્રામાં સરી પડતા પહેલાં મેં ઇશ્વરને પ્રાર્થના કરી, ‘આવતી કાલે રવિવાર છે. મહેરબાની કરીને દસ વાગ્યા સુધી ઊંઘવા દેજે. બીજો કોઇ કેસ મોકલી ન આપતો.’

એમ કંઇ ઇશ્વર રેઢો પડ્યો છે કે મારા જેવાની પ્રાર્થના સાંભળે? માંડ ત્રણેક કલાક હું ઊંઘ્યો હોઇશ ત્યાં તો ડોરબેલે દેકારો મચાવી દીધો. સાથે બારણું પણ ધમધમતું હતું. હું લથડિયાં ખાતો ઊભો થયો. કાચી ઊંઘમાં જ મેં બારણું ઉઘાડ્યું. સામે એક આયા અને બે વોર્ડબોય્ઝ ઊભાં હતાં અને કોરસમાં ચિલ્લાઇ રહ્યાં હતાં, ‘સાહેબ, મા-દીકરી નાસી ગયાં છોકરીને મેલીને.’ મને પરિસ્થિતિ સમજવામાં થોડીક વાર લાગી. મા-દીકરી એટલે કોણ? પછી ઝબકારો થયો. આ લોકો વર્ષા અને એની મા સવિતા વિશે તો નહીં કહી રહ્યાં હોય! એ લોકો ખરેખર અદૃશ્ય થઇ ગયાં? નાની બાળકીને અહીં મૂકીને? મારા મનમાં ઘણીબધી વાતોના અંકોડા બેસી ગયા. નવ મહિનામાં ક્યારેય ચેકઅપ માટે ન આવવું, સુવાવડ માટે દાયણને ઘરે બોલાવવી, નાછૂટકે દવાખાને આવવું, એ પણ રાતના અંધારામાં અને સિઝેરિયન કરવા માટે મક્કમતાથી ના પાડવી, બાળક જીવે કે મરે એની પરવા ન કરવી અને વહેલી સવારે દવાખાનામાંથી ગૂપચૂપ સરકી જવું. મેં કહ્યું, ‘મને બધું સમજાઇ ગયું છે. આ બાળકીની મા વર્ષા કુંવારી હોવી જોઇએ. કોઇ પણ કારણસર એ ગર્ભપાત કરાવી શકી નહીં હોય. જો ઘરે સુવાવડ થઇ ગઇ હોત તો આ બાળકીને મારીને ખાડો ખોદીને દાટી દીધી હોત, પણ દવાખાનામાં તો એમનું શું ચાલે? કેસપેપરમાં સવિતાએ ઘરનું સરનામું લખાવ્યું છે, પણ મને લાગે છે કે એ ખોટું જ હશે.’ ‘ખોટું જ છે, સાહેબ. અમે તપાસ કરી આવ્યાં. એ મા-દીકરી આ ગામમાં રહેતાં જ નથી. બહારગામથી આવ્યાં હશે. એમને શોધવાનું કામ અશક્ય લાગે છે.’ કનુ નામના વોર્ડબોયે માહિતી આપી. અડધી વાર્તા પૂરી થઇ હતી, બાકીની અડધી હવે શરૂ થતી હતી. આ નવજાત બાળકીનું શું કરવું?

મેં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી દીધી. પી. એસ. આઇ. પોતે બે કોન્સ્ટેબલને સાથે લઇને આવી પહોંચ્યા. એમની રીતે કાગળો તૈયાર કરીને થોડી પૂછપરછ કરીને ચાલ્યા ગયા. મેં તમામ નર્સ બહેનોને અને અન્ય કર્મચારીઓને ભેગા કર્યાં અને સૂચના આપી, ‘આ બાળકીને આપણે જીવાડવાની છે. કોઇ બાળક ક્યારેય અવૈધ હોતું નથી. અવૈધ તો એના મા-બાપ હોઇ શકે. કોઇ યુવાન સ્ત્રી-પુરુષે લગ્ન કર્યાં વગર વાસનાનો તહેવાર ઊજવી લીધો એની સજા આ નિષ્પાપ છોકરીને શા માટે મળવી જોઇએ? બાળકોના ડોક્ટર મહેતાસાહેબને કહેજો કે આને તપાસીને જરૂરી દવાઓ આપે. ફરજ ઉપર જે સિસ્ટર હોય તે આને ઉપરનું દૂધ પીવડાવે. વોર્ડબોય સતત એ વાતનું ધ્યાન રાખે કે દવાખાનામાં ભટકતી બિલાડી આ બાળકીને ખાય ન જાય.’

વનિતા સિસ્ટરે એક પ્રસ્તાવ મૂકીને વાતાવરણને લાગણીસભર કરી દીધું. ‘સર, આનું નામ શું રાખીશું? ઇશ્વર તરફથી મળેલી આ પ્રેમની સોગાત છે. આનું નામ પ્રેમા રાખીએ?’ સવાલ પૂરો થાય એટલી વારમાં તો નામકરણ થઇ ગયું. એ પછી આખી હોસ્પિટલ પ્રેમાની સારસંભાળમાં પરોવાઇ ગઇ. અનાથ બાળકીને દોઢસો પાલક માતા-પિતાઓ મળી ગયાં. દિવસ હોય કે રાત, સમયના કોઇ પણ ટુકડામાં પારણાંમાં સૂતેલી પ્રેમાની આસપાસ પાંચ-સાત જણાં તો હાજર જ હોય. કોઇ એને નવડાવે, કોઇ એનાં કપડાં બદલાવે. કોઇ એનાં બાળોતિયાં સાફ કરે. કોઇ વાટકી-ચમચીથી દૂધ પીવડાવે. વોર્ડબોય કચરો તો એને ખભા સૂવડાવીને આખી હોસ્પિટલમાં ચક્કર મરાવી લાવે. હોસ્પિટલમાં સાત ડોક્ટરો હતા. બધાંની પત્નીઓ સ્વયં આવીને પ્રેમાને ઝભલું આપી ગઇ. હોસ્પિટલના ટ્રસ્ટી દોડી આવ્યા. પ્રેમાનાં હાથમાં જાડી વજનદાર ચાંદીની લકી પહેરાવી ગયા. પંદર દિવસમાં તો પ્રેમા પૂરી હોસ્પિટલનો પ્રાણ બની ગઇ. હું પણ નવરો પડું કે તરત એની પાસે દોડી જાઉં. પોલીસ પ્રેમાની માને શોધવામાં નિષ્ફળ સાબિત થઇ, પણ સ્થાનિક અખબારમાં છપાયેલા સમાચાર વાંચીને એક સુખી યુગલ પ્રેમાને જોવા માટે આવી પહોંચ્યું. એમની સાથે એક વકીલ પણ હતા. અમે સમજી ગયાં એ લોકો પ્રેમાને દત્તક લેવા માટે આવ્યા હતાં. અમારા સૌના ચહેરા પડી ગયા, પણ જે થતું હતું તે યોગ્ય જ હતું. કાનૂની વિધિ પૂરી કરીને એ ધનવાન દંપતી અમારી ઢીંગલીને લઇને વિદાય થયું. એમની કાર ધૂળ અને ધુમાડાનું વાદળ મૂકીને દોડી ગઇ. એ સાથે જ દોઢસો માનવીઓના સામટા ડૂસકાંઓથી હોસ્પિટલ રડી ઊઠી. drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો