તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યંગરંગ:સ્ત્રીઓનાં પર્સ વિશે..!

ડો. પ્રકાશ દવે11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફરીવાર આ લેખનું શીર્ષક વાંચવાની જરૂર નથી. તમે સાચું જ વાંચ્યું છે. પર્સ જ લખ્યું છે, સ્પર્શ નહીં. કેટલાક વ્યવસાયો દેખાતા નથી પણ હોય છે બહુ જબરદસ્ત! પર્સ ઉદ્યોગ પણ ખૂબ મોટો ઉદ્યોગ છે. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો લાખો સ્ત્રીઓ પોતાની પાસે પર્સ રાખે છે. એક વર્ષે એક સ્ત્રી એક પર્સ ખરીદે તો પણ કેટલા રૂપિયાનું ટર્નઓવર થાય એનો હિસાબ તમને અર્થશાસ્ત્રમાં રસ હોય તો કરી લેજો. અમને તો અત્યારે માત્ર સ્ત્રીઓમાં, સોરી સ્ત્રીઓનાં પર્સમાં રસ પડ્યો છે. એટલે એમનાં વિશે કેટલીક નહીં જાણીતી માહિતી અહીં આપવાનો પ્રયાસ કર્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે સ્ત્રીઓ પર્સમાં રાખે છે શું? કોઈ ડિટેક્ટિવ એક્ટિવ થઈ આ તપાસ કરે તો પણ એ શોધી ન શકે. સ્ત્રીઓની જેમ સ્ત્રીઓનું પર્સ પણ રહસ્યમય હોય છે. હજી મનોવૈજ્ઞાનિકો સ્ત્રીઓ વિશે પૂરેપૂરું જાણી શક્યા નથી ત્યાં એમનાં પર્સ વિશે જાણવાનો મોટો પડકાર આપણી સામે આવીને ઊભો છે. જોકે, મારા મિત્ર મગનનું એવું માનવું છે કે જ્યારે સ્ત્રીઓને આપણે બરાબર ઓળખી લઈશું પછી એમનાં પર્સને ઓળખવાની જરૂર નહીં રહે અથવા સ્ત્રીનાં પર્સને ઓળખી જઈશું ત્યારે સ્ત્રીને ઓળખવાની જરૂર નહીં રહે. સ્ત્રીઓનાં પર્સ વિશે જોકે કેટલીક માહિતીઓ લીક થઈ છે. જેમકે, સ્ત્રીનું પર્સ ગમે એટલું મોટું હોય એમાં રહેલી રૂપિયાની બધી નોટો ગૂંચળું વળીને પડી હોય છે. કોઈ સ્ત્રીને નવી નોટ આપે તો પણ પર્સમાં મૂકતાં પહેલાં એ નોટની શક્ય એટલી વધુ ગડીઓ વાળે છે. સ્ત્રીઓનાં પર્સમાં શક્ય એટલો મોટો અરીસો હોય છે. એમાં પણ અટેચ્ડ અરીસો હોય તો એવું પર્સ સ્ત્રીની પહેલી પસંદગી બને છે. સ્ત્રી કરતાં પણ એનું પર્સ વધુ રહસ્યમયી હોય છે. એટલે કેટલાંક લોકો સ્ત્રી કરતાં પણ એના પર્સને પામવાના પ્રયાસો કરતાં હોય છે, જેને આપણે ચોર તરીકે ઓળખીએ છીએ. મોબાઈલ મૂકવાની વ્યવસ્થા લગભગ દરેક પર્સમાં હોય છે, પણ એની જરૂર સ્ત્રીઓને ભાગ્યે જ પડે છે કેમકે મોબાઇલ લગભગ એના હાથમાં જ હોય છે. કેટલીક સ્ત્રીઓ અલબત્ત મોબાઈલને પર્સમાં મૂકે છે. અહીં એક વાત નોંધવા જેવી છે. પર્સ ગમે એટલું દૂર પડ્યું હોય, પર્સમાં મોબાઇલની રિંગ વાગે તો ગમે એટલા ઘોંઘાટમાં પણ સ્ત્રીને ખબર પડી જાય છે કે મારો મોબાઈલ જ વાગે છે. જ્યારે પુરુષના ખિસ્સામાં મોબાઈલ હોય અને રિંગ વાગે તો પણ એને ઘણી વાર ખબર રહેતી નથી અને એ રઘવાયો થઈ આમ તેમ ફાંફા મારવા લાગે છે. મારા મિત્ર મગનના માનવા મુજબ સ્ત્રીઓને પોતાના બાળકને પારણામાં સૂવડાવી બીજા ઓરડામાં કામ કરવાનું થાય છે, એ સમયે સ્ત્રીનું ધ્યાન સતત બાળકમાં હોય છે. બાળકના રડવાનો જરા પણ અવાજ થાય તો એ તરત દોડી જાય છે. આ અનુભવ સ્ત્રીને મોબાઇલની ઘંટડી સાંભળવાના કામમાં આવે છે. ભારે ખાંખાખોળા કર્યા પછી સ્ત્રીઓનાં પર્સની આટલી પર્સનલ માહિતી મળી છે. આનાથી વધુ માહિતી મેળવવી શક્ય નથી, કારણ કે એમ મનાય છે કે સ્ત્રીઓ તો પુરુષોથી રક્ષાયેલી હોય છે, જ્યારે સ્ત્રીનું પર્સ તો સ્વયં સ્ત્રીથી રક્ષાયેલું હોય છે! ⬛

અન્ય સમાચારો પણ છે...