ડૉક્ટરની ડાયરી:આંખે આપકી હો યા મેરી હો,બસ ઈતની સી ખ્વાહિશ હૈ વો કભી નમ ન હો!

ડૉ. શરદ ઠાકર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘ગાંડિવ વિનાનો અર્જુન શા કામનો?’ આ પ્રશ્ન મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણે નથી પૂછ્યો, આ સવાલ ભાણવડના ડો. મોહન રાબડિયાનો છે. હકીકતમાં આ પ્રશ્નની અંદર એમની સલાહ સમાયેલી છે. હું એમની વાત સાથે પૂરેપૂરો સંમત છું. જો અર્જુન એટલે ડોક્ટર, તો ગાંડિવ એટલે ડોક્ટરની વિઝિટ બેગ. વિશ્વનો મહાનતમ ડોક્ટર પણ એનાં સાધનો, દવાઓ, સિરિંજ, નીડલ્સ અને સ્ટેથોસ્કોપ વગર અસહાય બની જાય છે. ડો. રાબડિયાએ એમની તબીબી કારકિર્દીની શરૂઆતથી જ એક નિયમ બનાવી રાખ્યો છે; એમની કારમાં એમની વિઝિટ બેગ હોય, હોય અને હોય જ! એ બેગમાં સ્ટેથોસ્કોપ ઉપરાંત જીવન-રક્ષક ઈન્જેક્શન્સ, ડિસ્પોઝેબલ સિરિંજીઝ, નીડલ્સ, સ્પિરિટ, કોટન, ડ્રેસિંગ માટેનો સરંજામ, એન્ટિસેપ્ટિક મલમ અને પ્રવાહી વગેરે વ્યવસ્થિત રીતે મૂકેલાં હોય. દિવાળીના દિવસોમાં ક્યાંક ફરવા માટે જતા હોય ત્યારે પણ કારની ડિકીમાં એમની વિઝિટ બેગ પડેલી જ હોય. કેટલાક મિત્રો એમની આ ટેવને બિરદાવતાં આવી મજાક પણ કરે: ‘ડો. રાબડિયા સાહેબ કદાચ શર્ટ પહેરવાનું ભૂલી જાય પણ સ્ટેથોસ્કોપ સાથે રાખવાનું ન ભૂલે!’ ડો. રાબડિયાની આ સુટેવનાં ઘણાં બધાં સુફળો મળ્યાં છે. થોડાક મહિના પહેલાં તેઓ ઉપલેટાવાળા રસ્તે થઈને રાજકોટ જઈ રહ્યા હતા, માર્ગમાં ગોંડલ આવ્યું. કારમાં ડો. રાબડિયાની સાથે તેમના પત્ની પણ હતાં. ગાડી ચલાવી રહેલા ડો. રાબડિયાની આંખો સામે એક સ્કૂટરસવાર ચાલુ વાહને ઊથલી પડ્યો. અચાનક બ્રેક મારવાને કારણે સ્કૂટરનું પૈડું ‘સ્લીપ’ થઈ ગયું હતું. સ્કૂટરની પાછલી સીટ પર ચાલકની ઘરવાળી બેઠી હતી. બંને જણાં ફેંકાઈ ગયાં. બહેન તો ઝડપથી ઊભાં થઈ ગયાં, પણ પુરુષ જમીન પર જ પડ્યો રહ્યો. ડો. રાબડિયાએ ગાડીને રોડની એક બાજુ પર લઈને ઊભી રાખી દીધી. ઝડપથી બહાર નીકળ્યા. ડિકીમાંથી વિઝિટ બેગ કાઢી. સ્ટેથોસ્કોપ લઈને દોડી ગયા. ઘટનાસ્થળે હજુ તો ભીડ જમા થાય તે પહેલાં ડો. રાબડિયા કાનમાં સ્ટેથોસ્કોપની ભૂંગળીઓ ભરાવીને જમીન પર પડેલા અકસ્માત-ગ્રસ્ત પુરુષના હાર્ટબીટ્સ તપાસી રહ્યા હતા. સહેજ દૂર ફેંકાયેલી વાહનચાલકની પત્ની પણ વસ્ત્રો પરથી ધૂળ ખંખેરીને પતિની પાસે આવી તો આ દૃશ્ય જોઈને આશ્ચર્યથી દંગ બની ગઈ. આટલી ઝડપથી તો ડોક્ટર હોમ-વિઝિટ પર પણ આવતા નથી હોતા! એણે સૌથી પહેલાં ઈશ્વરનો આભાર માન્યો, પછી ડોક્ટરનો. ત્યાં સુધીમાં ડો. રાબડિયા પોતાને જે જાણવું હતું તે જાણી ચૂક્યા હતા. વાહનચાલકનાં હાર્ટ, લંગ્ઝ, પલ્સ રેટ, રેસ્પિરેશન રેટ, બંને આંખોની પ્યુપિલ્સ વગેરે નોર્મલ રીતે કાર્ય કરી રહ્યાં હતાં. માથું, છાતી અને પેટના ભાગમાં બાહ્ય કે આંતરિક ઈજાનું કોઈ નિશાન દેખાતું ન હતું. ડો. રાબડિયાએ જાણી લીધું કે વાહનચાલકને ગંભીર કહી શકાય તેવી કોઈ ઈજા થઈ ન હતી, ફક્ત માથામાં પછડાટ વાગી હતી, જેના કારણે એ થોડીક વાર માટે બેભાન થઈ ગયા હતા. ભાનમાં આવતા વાર ન લાગી. એ પુરુષ બેઠો થઈ ગયો. ડોક્ટરે એની સાથે વાતચીત કરી. પછી એમણે જાહેર કર્યું, ‘નો નીડ ટુ વરી. તમે ઘેર જઈ શકો છો. સ્કૂટર અહીં જ પાર્ક કરીને રિક્ષામાં બેસીને ચાલ્યાં જાવ. સ્કૂટર પછી લઈ જજો.’ ફી લેવાનો તો પ્રશ્ન જ ન હતો. ડો. રાબડિયા આ કામ માત્ર સેવાની ભાવનાથી જ કરતા આવ્યા છે. જાહેર માર્ગ પર એવી કોઈ મોટી સારવાર તો આપી ન શકાય, પણ તાકીદની ક્ષણોમાં પ્રાણરક્ષક સલાહ અને સાચું માર્ગદર્શન તો અવશ્ય આપી શકાય. હું પોતે ભૂતકાળમાં આવી વિઝિટ બેગ મારી કારમાં મૂકી રાખતો હતો, વધારે તો નહીં પણ મારી વિઝિટ બેગના કારણે હું એક એવા દર્દીને બચાવવામાં સફળ થઈ શક્યો હતો જે અન્યથા ચોક્કસ મરણને શરણ થયો હોત. બધા અનુભવો સારા જ નથી હોતા, ક્યારેક ખરાબ અનુભવો પણ થાય છે. દાયકાઓ પહેલાં આવી જ એક ઘટના બની હતી. ડો. રાબડિયા કારમાં બેસીને ભાણવડથી થોડાક કિ.મી. દૂર આવેલી પોતાની વાડીએ ગયા હતા, ત્યાંથી પરત ઘર તરફ જઈ રહ્યા હતા. માર્ગમાં એક જગ્યાએ એમણે લોકોનું ટોળું જોયું. તરત જ ભાથામાંથી ગાંડિવ કાઢીને અર્જુન દોડી ગયો. ટોળાંની વચ્ચે એક દૂધમલ જુવાન લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. એનું બાઈક રોડની ધાર પરથી બાજુના ખાડામાં ઊતરી ગયું હતું. લોકોના ગણગણાટ પરથી ડોક્ટરને એટલું જાણવા મળ્યું કે સાંજના આછા અજવાસમાં જુવાન બાઈક પર જતો હતો, અચાનક એક સાંઢ રસ્તામાં વચ્ચે આવી ગયો. જુવાન કંઈ સમજે કે બ્રેક મારે તે પહેલાં તો અકસ્માત સર્જાઈ ગયો. ડો. રાબડિયાએ યુવાનની પલ્સ તપાસી. હૈયામાં ફાળ પડી ગઈ. હૃદયના ધબકારા પણ સાવ ‘ફીબલ’ હતા. બંને આંખોનાં પોપચાં ઊઘાડીને અંદર પેન્સિલ ટોર્ચનો શેરડો ફેંક્યો; બંને કીકીઓ વચ્ચે અસમાનતા હતી. નાક અને કાનમાંથી લોહી વહી રહ્યું હતું. શ્વાસોચ્છ્્વાસ એવું સૂચવતો હતો કે યુવાનના માથામાં અને મગજમાં ગંભીર ચોટ પહોંચી હતી. ડો. રાબડિયાએ વિચાર્યું, આ સમય કટોકટીનો હતો, તાકીદે સારવાર શરૂ કરી દેવાનો હતો. ડોક્ટરો આવી સ્થિતિમાં પ્રથમ એક કલાકને ‘ગોલ્ડન અવર’ કહે છે. જો આ પહેલા કલાકમાં ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે તો ઘણા દર્દીઓમાં પ્રાણ બચાવી શકાય છે. વિદેશોમાં તો હેલિકોપ્ટર સર્વિસ ઉપલબ્ધ છે. એક જ ફોન કરો ત્યાં તો હેલિકોપ્ટર આવી પહોંચે અને દર્દીને ઉઠાવીને ગણતરીની મિનિટ્સમાં ઓપરેશન થિયેટરમાં પહોંચાડી આપે. ઘટનાસ્થળે એક ખાખી વર્દીધારી હાજર હતો. એણે એમ્બ્યુલન્સ માટે ફોન કરી દીધો. એમ્બ્યુલન્સે પહોંચવા માટે પૂરતો સમય લીધો. પછી યુવાનને ભાણવડના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું. ડો. રાબડિયાએ સમજાવવાની ભરપૂર કોશિશ કરી કે હું પોતે ડોક્ટર છું માટે જાણું છું કે ભાણવડમાં આવા ગંભીર કેસની સારવાર થઈ શકે તેવી કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી; આને સીધો જામનગર ભેગો કરવામાં આવે, પણ તુમારશાહી રાજમાં કાયદો પહેલાં, ફાયદો પછી. યુવાનને ભાણવડ લઈ ગયા. કેસપેપર કાઢવામાં આવ્યો. ડોક્ટર આવ્યા. તપાસ કરીને સલાહ આપી, ‘આને જામજોધપુર લઈ જાવ.’ ડો. રાબડિયા સાથે જ રહ્યા. જામજોધપુર જવા માટે વધુ બીજો સમય પસાર થઈ ગયો. ત્યાંના ડોક્ટરે દર્દીને તપાસીને સલાહ આપી, ‘આને જામનગરની ઈરવિન હોસ્પિટલમાં લઈ જાવ.’ ગોલ્ડન અવર તો ક્યારનો યે વીતી ગયો હતો. જામનગર જવાના રસ્તે રેલવેનું ફાટક બંધ હતું એ નડી ગયું. સિલ્વર અવર એમાં ખર્ચાઈ ગયો. જ્યારે ઈરવિન હોસ્પિટલના કુશળ સર્જનો દર્દીને તપાસી રહ્યા હતા ત્યારે યુવાનની જિંદગીનો એલ્યુમિનિયમ અવર ચાલતો હતો. ‘વી આર હેલ્પલેસ. દર્દીને જો જરાક વહેલો લઈ આવ્યા હોત તો કદાચ અમે એને…’ ડોક્ટરોની ટીમના વડાએ કહ્યું, ‘હવે આને અમદાવાદ…’ જામનગરથી અમદાવાદનો પ્રવાસ અત્યારે છ કલાકનો થાય છે; તે સમયે આઠ-નવ કલાક થતા હતા. જાહેર માર્ગ પર રખડતાં પશુઓ અને નિયમોની આંટીઘૂંટીમાં વેડફાઈ જતા મૂલ્યવાન સમયે આ આ દેશમાં રામ જાણે કેટલા માણસોનો ભોગ લીધો હશે?! સાંભળ્યું છે કે તાજેતરમાં આ નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. હાઈ-વે પર જતાં હો ત્યારે અકસ્માતનો ભોગ બનેલા માણસને હોસ્પિટલ સુધી લઈ જનારને હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો ભય રહ્યો નથી. ઉપરાંત સરકારે આવા મદદકર્તાને પાંચ હજાર રૂપિયા આપવાનું જાહેર કર્યું છે. સાચું-ખોટું સરકાર જાણે! ⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...