અગોચર પડછાયા:ડાકણની વડવાઈ

જગદીશ મેકવાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેલી યુવતી સ્મિત આપતાં બોલી, ‘મેં તને કહ્યું હતું ને કે લંગડી ડાકણે બધાંને મારી નાખ્યાં. કોઈ પણ જીવતું નથી બચ્યું.’

મનીષને પૈસાની ખૂબ જ જરૂર હતી. એટલે એ ચારેય જણને ડાકણની વડવાઈ પર લઈ જવા તૈયાર થયો હતો. બાકી એ તરફ કોઈ ફરકતું સુદ્ધાં ન હતું. મનીષ ટેક્સી ચલાવતો હતો અને એનું સાવ સામાન્ય કહી શકાય એવું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. અને એ જ સમયે એની પત્નીની તબિયત બગડી. ઓપરેશન કરાવવું પડે એવી સ્થિતી ઊભી થઈ. મનીષ પાસે પૈસા તો હતા, પણ વધારાના પૈસા પણ હાથ પર રાખવા તો પડે ને? એટલે આ દિવસોમાં એ જે કોઈ વર્ધી મળે એ લઈ લેતો હતો. એવામાં આ ચાર કોલેજિયન છોકરા-છોકરીઓએ ડાકણની વડવાઈ પર ફરવા જવા માટે એનો સંપર્ક સાધ્યો. ‘ડાકણની વડવાઈ’ શબ્દ સાંભળતા જ એના શરીરમાંથી જાણે કરંટ પસાર થઈ ગયો. એ એક એવો વિસ્તાર હતો, જ્યાં ઘણા બધા ઘટાદાર વડ હતા અને એમાંના એક વિશાળ વડના થડની બખોલમાં લંગડી ડાકણ રહેતી હતી અને એટલે જ ત્યાં પગ મૂકવાની કોઈ હિંમત કરતું ન હતું. ડાકણની વડવાઈ પર ફરવા જવાની વાત સાંભળતા જ મનીષ બોલ્યો, ‘પાગલ છો તમે લોકો?’ ‘જે થાય એ પૈસા આપીશું ને.’ ‘ના.’ ‘ડબલ આપીશું.’ ‘ના.’ ‘દસ હજાર?’ અને મનીષ અવાચક બની ગયો. દસ હજાર? એક જ ઝાટકે? એનું મન લલચાયું. અને સાથે સાથે બીક પણ લાગી. એ ખચકાતા સ્વરે બોલ્યો, ‘લઈ તો જાઉં, પણ બાલી ટેકરા સુધી જ. ત્યાંથી અડધો કિલોમીટર દૂર ડાકણની વડવાઈ છે. ત્યાં તમારે જાતે જવાનું.’ ‘ડન’ એક છોકરો બોલ્યો. એટલે મનીષ એ બે છોકરા અને બે છોકરીઓને બાલી ટેકરા સુધી લઈ ગયો. એ લોકો ઊતર્યાં એટલે મનીષ બોલ્યો, ‘ડાકણની વડવાઈ પર ટાવર પકડાતો નથી. એટલે કોઈનો ફોન નહીં લાગે. ત્યાં લંગડી ડાકણ છે. તમને જુવાનિયાઓને મારી વાત સાચી નહીં લાગે, પણ મારી ફરજ છે કે હું તમને એ વાત જણાવું. એ જગ્યાએ કોઈ જતું નથી. જાય તો જીવતું પાછું ફરતું નથી. ખબર નહીં તમે લોકો કેમ ત્યાં જવા માગો છો?’ ‘તું નહીં સમજે. વી વોન્ટ ટૂ ડૂ સમથિંગ ડિફરન્ટ. એને કહેવાય ડેરિંગ. અમે લોકો એ ડાકણની વડવાઈમાં જઈશું પણ ખરાં. ફોટો પડાવીશું પણ ખરાં અને સ્ટોરી ફેસબુક, ઈન્સ્ટા પર મૂકીશું પણ ખરાં.’ એમાની એક યુવતી બિન્દાસ્ત સ્વરે બોલી. મનીષે ખચકાતા સ્વરે કહ્યુ,‘તમે જીવતાં પાછાં નહીં આવો.’ ‘સલાહ બદલ આભાર.’ એ યુવકે મજાકના સ્વરમાં કહ્યું. મનીષને ગુસ્સો તો ચડ્યો, પણ ગુસ્સાને કાબૂ કરીને એ ખચકાતા સ્વરે બોલ્યો,‘હું અહીં ફક્ત પાંચ વાગ્યા સુધી તમારી રાહ જોઈશ. જો તમે નહીં આવો તો હું જતો રહીશ.’ ‘અમે બે-ત્રણ વાગ્યા સુધીમાં તો પાછાં ફરી જઈશું.’ એક છોકરીએ જવાબ આપ્યો અને એ ચારેય ડાકણની વડવાઈમાં ગયાં. એ લોકો અંદર ગયાં અને મનીષના રુવાડાં ઊભાં થઈ ગયાં એટલે બીડીના કશ લગાવીને એ થોડો હળવો થયો. પછી કાંઈ ન સમજાતા એ ટેક્સીની પાછલી સીટ પર આડો પડ્યો અને વિચાર કરતાં કરતાં ક્યારે એને ઊંઘ આવી ગઈ એ પણ એને ખબર ના પડી. જ્યારે અચાનક એને કોઈ છોકરીની ચીસોનો અવાજ સંભળાયો ત્યારે એ સફાળો જાગી ગયો. એણે ઘડિયાળમાં જોયું તો સાત વાગ્યા હતા. સૂરજ ઢળી ચૂકયો હતો અને રાત પડવાની તૈયારીમાં હતી. એ જ સમયે ફરી એને ચીસ સંભળાઈ. એ તરત જ ટેક્સીની બહાર નીકળ્યો. એણે જોયું કે પેલા ચારમાંની એક યુવતી ડાકણની વડવાઈથી બાલી ટેકરા તરફ દોડતી દોડતી આવી રહી હતી. મનીષ દૂરથી પણ એ જોઈ શક્યો કે એ લોહીલુહાણ હતી એટલે મનીષ હાંફળો ફાંફળો સામે દોડ્યો. એ યુવતીની નજીક જઈને એણે એને ટેકો આપ્યો. એટલે એ બોલી, ‘લંગડી ડાકણે બધાંને મારી નાખ્યાં. કોઈ પણ જીવતું નથી બચ્યું.’ બોલીને એ ઢળી પડી. મનીષને કાંઈ ના સમજાયું. ડાકણની વડવાઈમાં જઈને તપાસ કરવાની કે જોવાની તો એની હિંમત હતી નહીં. એટલે એણે એ યુવતીને ઊઠાવી લીધી અને બાલી ટેકરા પર જઈને એને ટેક્સીની પાછલી સીટ પર સૂવડાવીને ટેક્સી ભગાવી મૂકી. એને સમજાતું ન હતું કે હવે શું કરવું? પોલીસ પાસે જવું કે એ છોકરીને હોસ્પિટલમાં પહોંચાડવી? પછી એને થયું કે ગમે એમ કરીને એ છોકરીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો એ છોકરી જ્યારે સાજી થાય ત્યારે કમ સે કમ પોલીસને એમ તો કહે કે આ પૂરી ઘટનામાં વાંક મનીષનો ન હતો. એટલે એણે અદ્ધર જીવે કાર સડસડાટ ભગાવી. એ વારંવાર મિરરમાંથી બેકસીટ પર પડેલી એ યુવતીને ઊચાટભરી નજરે જોતો હતો. છેવટે એ યુવતી કણસી. એણે આંખો ખોલી અને એ બેઠી થઈ. મનીષ બોલ્યો, ‘તમે બેસશો નહીં. આરામ કરો. હું તમને હોસ્પિટલ લઈ જાઉં છું.’ ‘હું હોસ્પિટલ જઈને શું કરીશ?’ પેલી યુવતી તીણા સ્વરે બોલી અને જોતાંની સાથે જ છળી પડાય એવી રીતે સ્મિત આપતાં બોલી, ‘મેં તને કહ્યું હતું ને કે લંગડી ડાકણે બધાંને મારી નાખ્યાં. કોઈ પણ જીવતું નથી બચ્યું.’ * * * પાંચ મિનિટ પછી એ ટેક્સીમાં મનીષની અડધી-પડધી ખવાયેલી લાશ પડી હતી અને એ યુવતી લંગડી ચાલે ચાલતી ચાલતી ડાકણની વડવાઈ તરફ પાછી જઈ રહી હતી.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...