તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરાવતી પોએટિક પ્રિઝ્મ-2020. સ્થાન આંધ્રપ્રદેશનું મનોહારી અમરાવતી, રાજધાની વિજયવાડાનો એક ઐતિહાસિક વિસ્તાર. અહીં કૃષ્ણા નદી તેના વૈભવી અસ્તિત્વ સાથે વહે છે. પુરુષાર્થી પ્રજા. ખુલ્લા મોટા રસ્તાઓ. દક્ષિણની જીવનશૈલી. પહાડ અને નદીનું સખ્ય. આ પ્રદેશનું એક ગામ છે કુચીપુડી. આપણાં શાસ્ત્રીય નૃત્યની ઓળખ આપતું ગામ. અહીંથી દક્ષિણ ભારતના, પીએન સમગ્ર દેશના બની ગયેલા કુચીપુડી નૃત્યનો જન્મ થયો તેનો અંદાજ આજે પણ ત્યાં મળે. હમણાં 19 અને 20 ડિસેમ્બર બે દિવસ ‘poetic prism-2020’નો કાવ્યોત્સવ ઊજવાઇ ગયો. કવિ અને કવિતાના કાર્યક્રમો તો ઘણા થતા રહે છે પણ આ ‘inter national multilingual poetry anthology’સાથેના ઉત્સવમાં આપણા દેશની વિવિધ ભાષાઓ ઉપરાંત દુનિયાના 32 દેશોના કાવ્યોનું પઠન અને પ્રકાશન બંને એકસાથે થયાં.
મહામારી કોરોનાની વચ્ચે, ઓનલાઇન બે દિવસનાં 15 સત્રો અને ઉદ્્ઘાટન તેમજ સમાપનમાં 100થી વધુ કવિઓ પોતાની ભાષામાં કાવ્ય પ્રસ્તુત કરે ત્યારે એ ભાષા ન સમજતા હોઈએ તો પણ તેના આંતરિક લયનો સરસ અંદાજ આપે અને તેના ચહેરાના હાવભાવ તેમાં મદદ કરે. ત્યાર પછી તેનો અંગ્રેજી અનુવાદ પણ હોય. આ આયોજનના મૂળમાં હરીશચંદ્ર પ્રસાદ અને તેમના વિદૂષી પત્ની ડો. તેજસ્વિની છે. તેમને ડો. પદ્મજા પેડીનો અને ડો.ઇ.શિવનાગી રેડ્ડીનો સહયોગ એટલે છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે આ ઉપક્રમ રહ્યો, દેશ વિદેશના કવિ, લેખક, સંપાદક એમ સૌનો મેળો જામે પણ આ વખતે કોરોનાને લીધે નાના પરદા પર પોતપોતાની જગ્યાએથી ઓનલાઇન પઠન થયું. અને કાવ્યગ્રંથ ખુલ્લો મુકાયો. કેટલા દેશોની કેવી ભાષાઓના કવિઓ? અલ્બેનિયા, ચીન, ક્રોશિયા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, ઈઝરાયેલ, ઇન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મલયેશિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સ્પેન, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ. અને આપણી ભાષાઓ અસમી, બંગાળી, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કન્નડ, કરબી, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મરાઠી, મિઝો, ઉડિયા, પંજાબી, સાંથાલી, સિંધી, તમિળ, તેલુગુ ... જાણે વિવિધ ભારતી! આ કવિઓમાં અધ્યાપકો ઉપરાંત સેનાધિકારી, પ્રશાસનિક અફસર, સમાજસેવી, રાજનૈતિક, ઉદ્યોગી, શિક્ષણકાર, સંશોધક, ઈતિહાસકાર, પત્રકાર જેવાં વિવિધ ક્ષેત્રનાં પણ છે એટલે તેમનાં કાવ્યોમાં વિષય વૈવિધ્ય અને કવિતાનો મર્મ દેખાય છે. સ્વાભાવિક રીતે અંગ્રેજીમાં 50 જેટલી કવિતાઓ છે પણ આપણી ભાષાઓ તેની જોડાજોડ ઊભી રહે છે. તેલુગુ, મલયાલમ, તમિળ કાવ્યોની સંખ્યા અને ગુણવત્તા નજરે ચડે.
કરબી ભાષાની સેર્લિબોર્ન તિમુંગપી. કે કોંકણીમાં વિલ્સન રોશન, મૈથિલીમાં બિભા કુમારી, મિઝો ભાષાની મલસ્વમી જાકોબ પંજાબીમાં નિર્મલ જશવાલ, સાંથાલી ભાષાની જોબા મુર્મુ... આ અજાણ ભાષા પ્રદેશોનો પરિચય થાય છે. સમગ્ર ગ્રંથ ડબલ ડેમીના આકારમાં 223 જેટલા પાનાં! એટલે કે સામાન્યમાં તેનાથી અધિક 500 જેટલાં પાનાં થાય. તેમાં મૂળ ભાષા ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ પણ પ્રસ્તુત છે. આ અઘરું કામ પાર પાડતાં એક વર્ષ થયું કારણ કે દર વર્ષે તેમાં નવો ઉમેરો અને સંપાદન થતાં રહે છે. તેના સંપાદકો તેલુગુ અને બીજી ભાષાના જાણકાર વિદ્વાનો છે. અગાઉ પદ્મજા પેડી આ કામ સંભાળતાં, આ વર્ષે ડો. પેપીનેની શિવશંકર, ડો. ડી. વિજય ભાસ્કર, અને એમ. હરિકૃષ્ણાએ આ ગ્રંથનું સંપાદન કર્યું છે. ગુજરાતીના છ કવિનાં કાવ્યો તેમાં સમાવિષ્ટ થયાં, કવયોત્સવના ઉદ્દઘાટન સત્રમાં અતિથિવિશેષ તરીકે સરસ્વતી સન્માન પ્રાપ્ત , કેન્દ્રિય સાહિત્ય અકાદમીની કેન્દ્રિય સમિતિના સભ્ય અને તેલુગુ ભાષાના ખ્યાત કવિ કે. શિવા રેડ્ડી અને પદ્મશ્રી કોલકલુરી હતા. ગયા વર્ષે ઉડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર હતા. બંને ઉત્સવમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે સન્માન થયું તે નિમિત્તે કહ્યું કે કવિતા પોતે જ એક ચમત્કાર છે, જો સમગ્રતાની અનુભૂતિ સાથે ‘શબ્દ’નું પ્રયોજન થાય તો. અને તેવા કવિ સમાજને સંવાદના શિખર સુધી લઈ જાય છે. સાહિત્યનો માર્ગ સંવાદનો છે, વિવાદ અને વિભાજનનો નહીં.
અમરાવતી જેવા નાનકડા નગરમાં આવી મોટી સાહિત્યિક ઘટના બને અને તે પણ સાતત્યપૂર્વક પાંચ વર્ષથી , તેનાથી રાજી થવા જેવું છે. એક સામાન્ય લાગણી એવી રહી છે કે આ ડિજિટલ યુગમાં કવિતા, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ જેવાં સ્વરૂપનું મહત્ત્વ ઘટી ગયું છે, અથવા તો તેનું રૂપાંતર થયું છે. ફેસબુક અને બીજા માધ્યમોમાં તેનો વિસ્તાર થયો તેને ગંભીર વિવેચકો ગણનામાં લેતા નથી. ખરેખર તો સામૂહિક માધ્યમોમાં આવા પ્રયત્નોને પૂર્વગ્રહથી જોવામાં ના આવે તો બધંુ નહીં તોયે કેટલુંક તો ગુણવત્તા સાથેનું હોય છે. અખબારોમાં આવતું સાહિત્ય ‘છાપાળવું’ હોય તેવો સિક્કો મારી દેવામાં આવે છે. બીજી તરફ સાહિત્ય સંસ્થાઓના કાર્યક્રમો કે કવિ સંમેલનો અને પરિસંવાદો (હવે વેબિનારો) થોડાક લોકોના સંતોષનો ઓડકાર બની રહે છે. આમાં વાચક કે ભાવકની રુચિ નથી રહી કે લેખક કર્મનું સ્તર નથી રહ્યું કે અભ્યાસક્રમોની હાલત ઠીક નથી? આ પ્રશ્નો પર ગંભીરતાથી વિચારીને સરસ્વતીની શ્રેષ્ઠતા સ્થાપિત થાય તેવા રસ્તાઓ શોધી કાઢવા જોઈએ. vpandya149@gmail.com
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.