બુધવારની બપોરે:એક સત્યઘટના

અશોક દવે4 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષો પહેલાં એમ.એસ.માં ભણીને વિદેશોમાં સ્થાયી થયેલા ડોક્ટરોનું એક અધિવેશન વડોદરામાં ભરાયું હતું, એમાં અમદાવાદથી સ્વ. બકુલ ત્રિપાઠી, શાયર સ્વ. જલન માતરી અને હજી સ્વર્ગસ્થ થયા વિના રહી ગયેલા રતિલાલ બોરીસાગર અને અશોક દવે એ અધિવેશનમાં ભાષણો કરવાના હતા. ડોક્ટરો બીજાનુંય સાંભળે છે, એ જાણવાનો અમારો આ પહેલો અનુભવ હતો. અમારા ભાષણોનો પ્રોગ્રામ પતી ગયા પછી અમે એકબીજાને પરાણે સ્માઈલો આપીને વડોદરાના રેલ્વે સ્ટેશને આવ્યા. અમારા ચારેયની ટિકિટો લેવાનું કામ મને સોંપાયું હતું. ટ્રેન ઉપડવાનો ટાઈમ તો જાવા દિયો... ટ્રેન ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ચૂકી હતી. ત્રણે વડીલો ઘરમાંય દોડી શકે એવા નહોતા ને એમને ભરચક સ્ટેશન ઉપર સામાનો ઉપરથી કૂદતા કૂદતા દોડવાનું આવ્યું, એ આ ‌વાંચવામાં અને જેણે નજરે જોયું હોય એમને મજ્જા પડી જાય એવું કોમિક હતું. જલન માતરી અને બોરીસાગર ખાસ્સા લાંબા અને આમ દોડતા રહેવામાં બંને ટ્રેનના ડબ્બાને અડી આવ્યા, પણ બકુલ ત્રિપાઠી કદમાં નીચા, એટલે એમને બબ્બે વખત દોડવાનું હતું. (આઈ ડોન્ટ મીન... એક વખત દોડીને બીજી વખત પાછા આવવાનું હતું પણ, એમને પગલાં મોટા ભરવા પડતા!) એ ત્રણેમાં હું સૌથી નાનો એટલે ભાગમભાગ અવસ્થામાં ટિકિટો લેવાનું મને સોંપવામાં આવ્યું હતું. એ ત્રણે તો દેખાવમાંય સજ્જન હતા, એટલે ટિકિટોના પૂરા પૈસા મને આપી દીધેલા. હું અમદાવાદની ટિકિટો લેવા લાઈનમાં ઊભો રહ્યો, ત્યારે નજર સામે દેખાતી ટ્રેન શરૂ થઈ ચૂકી હતી. પેલા ત્રણે પહોંચી ગયા હતા, પણ મારો જીવ તાળવાનીય ઉપર ચોંટી ગયો કે, ટિકિટો હજી લેવાની બાકી છે અને લીધા પછીય ટ્રેન તો સ્ટેશન છોડી ચૂકી હશે, તો હું પહોંચીશ કેવી રીતે? એમાં ચેકિંગ આવ્યું તો ત્રણે મહાન લેખકો ટીટીને બતાવશે શું? આટલા સન્માનનીય સાહિત્યકારો વગર ટિકિટે પકડાય, એ રેલ્વે તંત્ર માટે વ્યાજબી હશે, પણ ગુજરાતી સાહિત્ય માટે કેવું ખરાબ દેખાશે? ક્ષણ માટે મને તો એ ખૌફનાક વિચારેય આવી ગયો કે, અમે ચારેય મોટા કાળા ચોકડાવાળા અડધી બાંયના સફેદ ઝભલા અને એવી ટોપીમાં કેવા હાસ્યાસ્પદ લાગીશું?... પાછી એવા જ ચોકડાવાળી ઢીંચણ સુધી લબડતી ચડ્ડી...નાડાંવાળી! અમે ‘અંદર’ ગયા હોત તો, ગુજરાતી સાહિત્યનો એ ‘કાળો દિવસ’ કહેવાત અને હજી સાહિત્યકારો દર વર્ષે ‘ઉમંગપૂર્વક’ ઉજવતા હોત! ત્રણ હાસ્યલેખકો ને એક શાયર... વગર ટિકિટે પકડાયા...! ઓહ, વિચાર માત્ર ધ્રુજાવી નાંખે છે! લાંબી લાઈનમાં ઊભો હું ધાર્યા કરતાંય વધારે અકળાતો હતો કે, હજી ટિકિટો મળી નહોતી ને પેલા લોકોની ટ્રેન ઉપડી ગઈ તો? આવા ટાઈમે સાલું... લાઈનમાં કોઈ ખસેય નહીં. (બીજાને હડસેલીને આગળ જતા રહેવાનું મેં હકી સાથે લગ્ન પહેલાં જ શીખી લીધું હતું.) મેં જબરદસ્તી હાથ લંબાવીને ચારેય ટિકિટો લઈ લીધી અને જીવ પ્લસ આબરૂ બચાવવા ટ્રેન તરફ કૂદકા મારતો દોડ્યો. રોજ મારા પોતાના ઘેર જમતો હોવાથી દોડ પાકી તો નહોતી પણ તોય... હકીને ધોળો હાડલો સારો નથી લાગતો એ ડર સાથે છેલ્લી ક્ષણે દોડતી ટ્રેન પકડી લીધી. અગાઉથી જ મારો સામાન તો એ ત્રણે વડીલોને આપી દીધો હતો. હાંફતો હાંફતો જે મળ્યો એ ડબ્બામાં ચઢીને ભરચક ટ્રેનના દરવાજા પાસે ઊભો રહ્યો, પણ નજર સામે જોયું તો એટલી ભીડમાં બધા નોન-ગુજરાતી મુસાફરો લાગતા હતા. મેં બાજુમાં કોકને પૂછ્યું, ‘ભ’ઈ, આ ટ્રેન છે તો અમદાવાદની જ ને?’ ભરચક લગ્નમંડપમાં કન્યાની બાને હું કન્યા સમજી બેઠો હોઉં ને મહેમાનોને જે આઘાત સાથે મારા ઉપર ધોધમાર હસવું આવે, એમ ચાર-પાંચ જણા સામટા બોલી ઊઠ્યા, ‘અરે ભાઈ, યે તો દિલ્હી કી ગાડી હૈ...!’ ઓહ... મારા પેટની વચ્ચોવચ કોઈએ સાણસી મચડીને ચીટીયો ભર્યો હોય એવો હું ભડક્યો અને બીજું કાંઈ વિચાર્યા વગર ટ્રેનના દરવાજા તરફ ધસ્યો. ટ્રેને હજી તેજ સ્પીડ પકડી નહોતી, પણ સ્પીડ તો પકડી જ હતી! ગભરાહટમાં હું નીચે કૂદવા ગયો. મારી ઉતાવળ અને બેવકૂફી જોઈને દરવાજાના કાંઠે ઊભેલા એક મુસલમાન ચાચાએ પૂરી તાકાતથી મારું બાવડું પકડીને ધમકાવતા મને પાછો ખેંચી લીધો, ‘... મરના ચાહતે હો, બેવકૂફ? ગીર જાતે તો? ગધે કહીં કે...!’ એમની પહેલી ગાળ ચાલી જાય એવી અને સાચી પડે એવી હતી, પણ બીજી સાથે હું સહમત નહોતો, છતાં વડીલનું માનીને પાછો આવતો રહ્યો. અને દિલ્હી જતી એ જ ટ્રેનમાં લાચાર મોંઢે ઊભો રહ્યો. પણ કાચી સેકંડમાં ખ્યાલ આવી ગયો કે, બહુ મોટી ભૂલ કરી બેઠો છું. વચમાં ફક્ત ગોધરા આવે અને એય આખા શહેરમાં હું કોઈને ઓળખતો નથી. પાછો મોડી રાતનો સમય. ગોધરા ઉતરી તો જવાય, પણ ત્યાંથી અમદાવાદની ટ્રેન કે બસ ક્યારે મળે અને મળે તોય મેં બધા પૈસા અમારા ચારેયની ટિકિટના ખર્ચી નાંખ્યા હતા અને મારી પાસે સિલકમાં ટોટલ આઠ રૂપિયા બચ્યા હતા. એની વે.... સૂનસાન ગોધરૂં આવ્યું ને પૂરા સ્ટેશનમાં અંધારી રાત્રે મારા સિવાય બીજું કોઈ નહીં. મને એકલો બાંકડે બેઠેલો જોઈને સ્ટેશન માસ્તર મારી પાસે આવ્યા ને એ કાંઈ પૂછે એ પહેલાં મેં બધી વાત કરી દીધી... ખાસ તો, મારા ખિસ્સામાં ફક્ત આઠ રૂપિયા બાકી રહ્યા છે, જે મારે ભરવાપાત્ર દંડની રકમ કરતાં ઘણા ઓછા હતા, પણ ગવર્નમેન્ટ સર્વન્ટ હોવા છતાં મારા કરતાંય વધુ સજ્જન નીકળ્યા અને ખભે હાથ મૂકીને પ્રેમથી કહ્યું, ‘ચિંતા ન કરો દોસ્ત... અમદાવાદ જતી બીજી ટ્રેન પરોઢિયે આવશે... એમાં તમને બેસાડી દઈશ... કાંઈ નાસ્તો-બાસ્તો મંગાવું?’ સાલી ‘હા’ તો પાડવી હતી, પણ શરમ તો નડે ને? કાળજે પથ્થર રાખીને ના પાડી. (વધુ કરુણ ભાગ : આવતા અંકે){ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...