આપણા માનીતા ગુરુ શ્રી કે. વી. યાદવે એમની અફલાતૂન કિતાબ શ્રીમદ્્ ભગવદ્્ ગીતામાં ફક્ત ત્રણ શબ્દોની અદ્્ભુત ચાવી આપી છે. આ ત્રણ શબ્દો તમારા અંગત, વિવાહિત અને સામાજિક ક્ષેત્રોમાં આનંદનાં અજવાળાં પાથરી દેશે. ગેરન્ટેડ. પોતાનું વિરાટ સ્વરૂપ બતાવી પોતે કોઈ સામાન્ય ઈન્સાન નથી એ પુરવાર કરી, અર્જુનને અજોડ જ્ઞાન આપ્યા બાદ શ્રીકૃષ્ણ કહે છે: ‘મેં ગુપ્તતાથી પણ ગુપ્ત (ગુહ્યાધ-ગુહ્યતર) જ્ઞાન તને આપ્યું છે, એના ઉપર સારી રીતે વિચાર કરી તને ઠીક લાગે એ રીતે અમલ કર. (યથેચ્છસિ તથા કુરુ). - ગીતા 18/63 આ ત્રણ શબ્દો, ‘યથેચ્છસિ તથા કુરુ’- તને ઠીક લાગે એમ કર, સાચા અર્થમાં સુખ અને શાંતિની ચાવી છે. ઈશ્વરનો અવતાર એવા કિશન મહારાજ પણ એમણે આપેલા જ્ઞાન ઉપર આંધળો અમલ કરવા કહેતા નથી. કુટુંબમાં, સમાજમાં, દુનિયા આખીમાં દરેક વ્યક્તિ, બીજી બધી જ વ્યક્તિઓથી અલગ છે, યુનિક છે. દરેકની માન્યતાઓ અલગ, દરેકનાં મૂલ્યો અલગ, દરેકની ‘દૃષ્ટિ’ અલગ, એટિટ્યૂડ અલગ. દરેક વ્યક્તિની આ અંગત ‘સ્પેસ’ છે, જેમાં પ્રવેશ કરવાની, એની બાઉન્ડ્રીની એસીતેસી કરવાની કોઈને છૂટ નથી. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ- પતિ, પત્ની, બાળક, પાડોશી, દોસ્ત, કોઈ ગેરકાયદેસર, અસામાજિક કે હાનિકારક વર્તન કરતી નથી, ત્યાં સુધી એને જે કાંઈ કરવું હોય તે કરવાની છૂટ છે. આ બ્રહ્મ સત્ય સમજનાર વ્યક્તિ, પોતાનાં કુટુંબ સાથે, સંબંધીઓ રૃઅને મિત્રો સાથે સુંવાળા સંબંધો બાંધી શકે છે. પેલી ત્રણ શરતોની મર્યાદામાં કોઈ વર્તન ‘ખરાબ’ નથી, ફક્ત અલગ છે. એના પરિણામની જવાબદારી એની પોતાની છે. એના વર્તનથી તમને નુકસાન ન થતું હોય તો તમને એ વર્તન ઉપર ટીકા કરવાનો, એનો વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી. જો ભગવાન ‘જે ઠીક લાગે એ કર’ એવું કહેતા હોય તો તમારો-મારો શો હિસાબ? આપણી માન્યતાઓ, આપણાં મૂલ્યો, બાળકો ઉપર, પાર્ટનર ઉપર, દોસ્તો ઉપર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરવામાં મૂર્ખાઈ છે. જરૂર પડે તો સલાહ આપો, સૂચનો કરો, ચર્ચા કરો પણ છેવટે કહો ‘યથેચ્છસિ તથા કુરુ.’ પ્રતિભાવોનું સ્વાગત છે.⬛ baheramgor@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.