તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયાં:એક અજીબ ડિનર નોતરું : નેચરલ અવસ્થામાં જમવું છે?

સંજય છેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનુષ્ય જીવે છે ત્યાં સુધી ગમે કે ન ગમે, કપડાં તો પહેરવાં જ પડે. ઘણાં તો એટલાં બેડોળ હોય છે કે કપડાં પહેરે એટલે જ જોવાલાયક લાગેે છે

ટાઇટલ્સ સૌથી વધુ કદરૂપું આપનું અસલી રૂપ હોય છે! (છેલવાણી) કહે છે : ‘માણસ આ સંસારમાં નગ્ન આવે છે અને નગ્ન જાય છે.’ અમે એ વાતથી 100% સંમત નથી. નગ્ન આવે છે,એ સાચું પણ નગ્ન જતો તો નથી જ. મૃતદેહને શણગારવામાં સગાંવહાલાંઓ એટલો ટાઇમ લેતાં હોય છે કે આપણને એમ થાય કે એ લોકો મૃત વ્યક્તિને પાછી જીવતી કરવાની ટ્રાય કરી રહ્યાં છે કે શું? એ બધું છોડો પણ મનુષ્ય જીવે છે ત્યાં સુધી ગમે કે ન ગમે, કપડાં તો પહેરવાં જ પડે છે. ઘણાં તો એટલાં બેડોળ હોય છે કે એ કપડાં પહેરે એટલે જ સહેજ જોવાલાયક બની શકે છે. કપડાં પહેરવા, જૂઠ્ઠું બોલવું, બધાં સાથે સારું વર્તવું એ મજબૂરીઓ છે. આ જગતમાં ઘણાં ડાહ્યાં લોકો પરોપકાર, સેવા, દાન કરીને માનવ શરીરનો દુરુપયોગ કરે છે. જ્યારે અમારાં જેવા સીધાસાદા લોકો નિતનવાં કપડાંથી માનવ શરીરને માન આપે છે ને આ શરીર વડે ભોગ ભોગવવાની પ્રોસેસમાં દરજી, હોટલવાળા અને બીજી ઘણીબધી આઇટમો પર ખર્ચો કરે છે. જોકે સિનેમા જોવા કે સારી હોટલમાં ડિનર પર જતી વખતે શું પહેરવું? એ મહાપ્રશ્ન છે. એવું વિચારવામાં ઘણીખરી પત્નીઓની લાઇફનો મોટો હિસ્સો વીતી જાય છે. કલાકનાં ડિનર માટે બે ક્લાક તૈયાર થવામાં શું લોજિક છે? એ આઇન્સ્ટાઇન જેવાં બુદ્ધિશાળીને સમજાયું નથી. વેઇટ, શું પહેરવું એ ચિંતામાંથી મુક્ત કરાવે એવી એક ખબર છે. લંડનમાં ‘બુનિયાદી’ નામની એક એવી હોટલ છે, જ્યાં નગ્ન થઇને ખાવાપીવા જઇ શકાય છે. ત્યાં કુદરતી વાતાવરણમાં જમવાનું પિરસવામાં આવે છે! જોકે અમને નથી સમજાયું કે હોટેલમાં અંદર નાગા થઇને જવાનું કે ઘરેથી જ નગ્ન અવસ્થામાં નીકળવાનું? 40-42 ટેબલની કેપેસિટીની હોટલમાં ન્યૂડ-ડિનર લેવા શની-રવિમાં 32000 લોકો નામ નોંધાવે છે! ઇન્ટરવલ જબ દેશમેં ગર્મી પડતી હો, લૂ સે ચમડી જલતી હો તબ કિસી બહાને ફોરેન કા, એક ટૂર લગાઓ, નેતાજી! (ટી.એન.રાજ) લંડનની હોટેલની નગ્ન હોટેલની સફળતા પરથી બે વાત સાબિત થાય છે. એક : માણસજાતને કપડાં પહેરવાનો કેટલો કંટાળો આવે છે! અને બે : માણસજાતને નાગા થવામાં કેટલો રસ પડે છે! જોકે અમને એ સમજાતું નથી કે કોઇ કપડાં પહેરીને ડિનર લે કે કપડાં વિના જમે એમાં હોટલને શું ફાયદો? શક્ય છે ત્યાં ગેસ્ટ લોકો, હોટલનાં એન્ટ્રન્સ પર લોકર રૂમમાં કપડાં ઉતારીને અંદર ન્યૂડ-અવસ્થામાં જતાં હશે અને એ ‘લોકરનું ભાડું’ હોટલવાળાની એકસ્ટ્રા આવક હોઇ શકે! વળી, તમે સાવ નાગાં હો, એટલે ગરમી ઓછી લાગે માટે એરકન્ડિશનનાં પૈસા બચી શકે, પણ એટલી ઇન્કમ માટે કોઇને નાગાં કરી મૂકવાના? નાગાઇની ખરા અર્થમાં હદ છે ને? ફોરેનમાં તો કાયદેસર દરિયાકિનારાએ ‘ન્યૂડ-બીચ’ હોય છે, જ્યાં ખુલ્લાં થઇને સૌ રખડતાં હોય છે. કહે છે કે આમ નગ્ન ફરવાથી માણસ કુદરતી રૂપે ઘડી-બે ઘડી જીવી શકે છે, પણ દરિયાકિનારે તમે કપડાં વિના નીકળો અને અચાનક નાળિયેર પાણી કે પાણીપૂરીનું મન થાય ત્યારે પૈસા ક્યાંથી કાઢો? લંડનની પેલી ન્યૂડ-ડિનરવાળી ‘બુનિયાદી’ હોટલમાં ખાવાનું પણ લાકડાનાં રફ ટેબલ પર માટીનાં વાસણોમાં પીરસાય છે. ખાવાનું પણ અડધું કાચું-અડધું પાકું એવું પાષાણયુગનું મળે છે. મજાની વાત એ છે કે હોટલનો સ્ટાફ અડધો નગ્ન થઇને સર્વિસ આપે છે! આવા ન્યૂડ-ડિનર માટે પ્રચંડ પ્રતિસાદને જોઇને હોટલનાં માલિકે કહ્યું, ‘લોકોને નાગા થવું ગમે છે. દરિયાકાંઠો હોય કે સ્ટીમ-સોના બાથ હોય, લોકોને કુદરતી અવસ્થામાં પાછા ફરવાની મજા આવે છે!’ સાવ સાચું. જૂઠ્ઠં બોલવું, બોલેલું ફરી જવું - બધી નાગાઇ આપણે કપડાં પહેરીને કેટલી સફાઇથી કરીએ છીએ! સમાજની હિંસા માટે ‘જે થયું એ જરૂરી હતું’ એવું કહીને મારકાટને પોષતાં નેતાઓ જીવે જ છે ને!’ એંડ ટાઇટલ્સ આદમ : મારું નીચે પહેરવાનું અંજીરનું પાંદડું ક્યાં ગયું? ઇવ : ભૂલથી સેન્ડવિચમાં નાખી દીધું! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...