ઓફબીટ:એક તારો...

13 દિવસ પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

કવિતામાં ભક્તિયોગ સર્જાય એ તો જાણ્યું છે પરંતુ ભક્તિયોગને કારણે કવિતા સુધી પહોંચાય એ જાણી-જાણીને તોય અજાણી વાત લાગે. વરસાદની મૌસમમાં ઘરનાં પુસ્તકોને સ્પર્શવાનું મન થયું અને એક કાવ્યસંગ્રહ ‘નિભાડો’ હાથ લાગ્યો. પુષ્પા વ્યાસ એનાં કવિયત્રી. નિભાડામાં માટી પાકીને માટલું બને એમ એમના શબ્દો ભક્તિમાં પાકીને સ્તુતિ બન્યા છે. નરસિંહની જેમ એ પણ ઈશ્વર સુધી પહોંચતાં નથી, ઈશ્વરને પોતાની પાસે આવવાનું ઇજન આપે છે... કહે છે- ‘તું દ્વાર સુધી તો આવી જો, હું ત્યાં જ લગોલગ ઊભી છું. તું ઊંબરને તો પૂછી જો, હું સ્વસ્તિક થઈને ઊભી છું.’ હરિને હણકારો દઈને ઘર સુધી બોલાવવામાં ભક્ત હ્રદયમાં વફાદારીની ખુમારી જોઈએ. જેને કશું જોઈતું નથી એ જ બધું પામી શકે છે એટલે જ તો મનસુખલાલ ઝવેરી એમ લખે- ‘નેણ રડે ચોધાર તો ય વિજોગે કેમ રે? આ જો હોય વિજોગ, જોગ વળી કેવાં હશે?’ જોગ-વિજોગમા જ આંખો આટલી રડે છે તો મળવાનો સંયોગ થાય ત્યારે નીકળતાં આંસુની કલ્પના કરી છે ખરી? મનમાં મીરાંનું ઝૂરવું સ્ફૂરે પછી કવિતા સ્ફૂરે ત્યારે જોગ અને વિજોગ બંને હ્રદય ઉપર ઊગેલી ક્ષિતિજ જેવાં બની જાય અને ઉતરવાનો પ્રયત્ન કરે. ‘ચકરાવો લેતાં કોઈ પંખીની જેમ મને વીંટે છે યાદ એક તારી, તારી આ કેવી મને લગની કે મારી અહીં એકેય પળ હોય ના કુંવારી.’ સુંદરમ્ એટલે જ ‘મેં તો પલપલ બહાય રહી’ની વાત કરે છે. પુષ્પા વ્યાસ ગઝલના શે’રની નજીક જઈને બે પંક્તિમાં ઈશ્વર સાથે કેવાં એકાકાર છે એની ઝલક જોવી છે...! એ કહે છે- ‘મારે એક એકતારો છે, તેમાં તાર એક તહારો જ છે.’ તને ભજવા માટે મારી પાસે એકતારો છે અને વળી એમાંય એ એકતારો તાર તારો જ છે. એને છેડું તો તારી ધૂન બજે. એના સૂરે સૂર મેળવું તો મારા ગળામાં આવીને તું જ ગીત બની જાય. એના માટે સ્થૂળ અને સૂક્ષ્મ બંને ચક્ષુઓનો ઉપયોગ કરવો પડે પછી જે સર્જાય એ અનન્ય ભક્તિયોગ. વાદળ જેમ વરસીને હળવાશ અનુભવે, વરસી ગયાનો આનંદ ધરતી પર ઊજવે એમ ઈશ્વર માટેની અકળ લગની અને લગન હોવી જોઈએ. વેણીભાઇ પુરોહિત બ-ખૂ-બી કેવી રીતે ઈશ્વરના દર્શનનો નેત્રોત્સવ ઊજવે છે! ‘રંગ ભવનમાં અડખે-પડખે ગુપચૂપ ગઈ’તી લેટી, ત્યાં આવ્યા ઘનશ્યામ, નયનથી લીધી મને લપેટી.’ આ બધું ગુપચૂપ થાય છે એની મઝા છે.. બાકી તો પુષ્પા વ્યાસ કહે છે- ‘વાણીનાં દ્વારમાં જ હૈયું અટવાય છે, નહીંતર તો મૌનમાં મંગલ વર્તાય છે.’ આપણને આપણામાં રહેતાં આવડવું જોઈએ. એવું બનશે ત્યારે શું થશે? ‘નજર કરું ત્યાં નારાયણ, ને હાથ ધરું ત્યાં હરિ, પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી...’ ⬛ ઓન ધ બીટ્સ ‘ચંદ્ર વિના શી ચાંદની રે, દિલડાં વિના શી રાત; હરજી વિના શી ગોઠડી, મારે જવું શામળિયા સાથ.’ -નરસિંહ મહેતા ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...