લાઈટ હાઉસ:સુરક્ષાની ઢાલ અને અસલામતીની આફત

રાજુ અંધારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે વ્યક્તિ જોખમ લે છે, આગળ વધવા કમર કસે છે એ જ આગળ વધી શકે છે

ફળદ્રુપ જમીનમાં બે બીજ એકબીજાની બાજુ બાજુમાં પડ્યાં હતાં. પહેલા બીજે કહ્યું: ‘હું વિકસવા માગું છું! હું મારી નીચે જમીનમાં મારાં મૂળિયાં ઊંડે સુધી ફેલાવવા, વિસ્તારવા ચાહું છું. અને મારામાંથી ફૂટેલી કૂંપળને જમીન ચીરીને ઉપર ફેલાવવા ઈચ્છું છું. હું મારી કળીઓને ફેલાયેલા ધ્વજની જેમ ઊઘાડીને વસંતના આગમનને વધામણી આપવાની ઝંખના સેવું છું!’ અને આમ એ બીજ વિકસ્યું. અન્ય બીજે કહે: ‘મને ડર છે કે જો હું મારાં મૂળિયાંને જમીનમાં નીચે લઈ જઈશ તો કોણ જાણે અંધારામાં મારે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો મારી ઉપરની સખત જમીનને ચીરીને આગળ વધીશ તો કદાચ મારી નાજુક અને કુમળી કૂંપળને ઇજા પહોંચશે. જો હું મારી કળીઓને ખુલ્લી કરી દઉં અને ગોકળગાય કે એનાં જેવાં જીવજંતુ એને ખાઈ જાય તો? અને જો હું મારી નાજુક પાંદડીઓને ખુલ્લી કરું ને કોઈ નાનકડું બાળક એને ચૂંટી લે તો? ના, જ્યાં સુધી સુરક્ષા ન મળે ત્યાં સુધી જ્યાં છું ત્યાં જ થોભી જવામાં ભલાઈ છે!’ બીજું બીજ પ્રતીક્ષા કરતું રહ્યું. વસંત ઋતુનું આગમન થયું. એક મરઘી ખોરાક શોધવા જમીન ખોતરતી હતી ત્યાં એને પેલું પ્રતીક્ષા કરતું બીજ મળી ગયું ને મરઘી એ બીજને આરોગી ગઈ. આ દૃષ્ટાંત સૂચવે છે કે જેઓ આગળ વધવાનો-વિકસવાનો ઇનકાર કરે છે એમનો કાળ કોળિયો કરી જાય છે. દાગ હેમરશિલ્ડ કહે છે: ‘આપણે સલામત બનવાની રમત રમીએ છીએ ત્યારે ચરમસીમાએ પહોંચેલી અસલામતીના જગતનું સર્જન કરીએ છીએ.’ કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે જાત ઉપરનો ભરોસો સૌથી પહેલી-પાયાની જરૂરત છે. કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે મને મારા ખુદ ઉપર ભરોસો નથી, પણ સર્જનહાર ઉપરનો ભરોસો તો અડગ છે. સાવ સીધી વાત છે, જ્યારે એ પોતાની ક્ષમતા, આવડત કે કુશળતા વગેરે વિશે શંકા સેવે છે તો બીજાની ક્ષમતા, આવડત કે કુશળતા ઉપર એને ક્યાંથી વિશ્વાસ આવવાનો છે? જોકે, આપણામાંથી ઘણાંખરાં આવા આત્મ-સંશય (સેલ્ફ-ડાઉટ)નો ભોગ બની ગયાં હોય છે, કારણ કે તેઓ હંમેશાં ઇન-સાઈડ એટલે પોતાની અંદર ઝાંકીને જોવાના અભિગમને બદલે આઉટ-સાઈડ એટલે કે બહાર-આસપાસ વધારે ધ્યાન આપતા હોય છે, પણ બાહ્ય બાબતો ભ્રમ પેદા કરી શકે છે. બીજું, પોતાને ઓછા આંકવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. એનાથી વિકાસ એળે જાય છે ને હાલત પણ માઠી થાય છે. વિકાસ સાધવો છે કે નહીં એનો આધાર બાહ્ય સંજોગો, આસપાસનાં લોકો ઉપર નથી, વ્યક્તિના પોતાના ઉપર જ છે. તમે આગળ વધવા, કશુંક પામવા, કાંઈક સિદ્ધ કરવાનું પસંદ કરો છો તો હવે તમારી જવાબદારી થઈ જાય છે કે તમે સલામતીના કોચલામાંથી બહાર આવો કારણ કે સુરક્ષાનું ચક્ર જેટલું વધુ મજબૂત એટલી અસુરક્ષિતતાની ભાવના વધારે. બાળક પડી ન જાય એ માટે એને સતત સલામતી પૂરી પાડ્યા કરો તો એ કદી ચાલતા શીખશે નહીં. બાળક ચાલતા શીખે એવું ઇચ્છતા હોઈએ તો એને ચાલતા શીખવા દેવાનું જોખમ લેવું પડશે. તમે જોઈ શકશો કે એ રાજીખુશીથી આ જોખમ ઉઠાવશે. એ પડશે તો પણ ફરીફરીથી ઊભા થવાનો પ્રયાસ કરશે. નવું જાણવા-શીખવા માટે જોખમ લેવાની વૃત્તિ કુદરતે આપણામાં સહજ રીતે મૂકી છે. સવાલ એ છે કે ઉંમર વધે એમ આ વૃત્તિમાં ઓટ કેમ આવતી જાય છે? આનું કારણ એ કે આપણે મોટા થતાં જઈએ એમ આપણાં ઉપર નકારાત્મકતાનાં લેબલ લગાડવામાં આવે છે. નાનું-મોટું જોખમ લેવાનું સાહસ કરવામાં આવે ત્યારે કાં તો અટકાવી દેવામાં આવે, હાંસીપાત્ર બનાવી દેવાય અથવા એવા પ્રયાસોને તોડી પાડવામાં આવે. જોકે, એક વાત સ્પષ્ટ છે કે આજે આપણે જ્યાં પણ છીએ એ મંજિલે પહોંચવા માટે લીધેલા કોઈ જોખમનું પરિણામ હોય છે. હ્યુ પ્રેયર લખે છે: ‘હું પ્રયત્ન નહીં કરું તો ક્યારેય શીખવા નહીં પામું અને જોખમ નહીં ઉઠાવું તો જ્યાં છું ત્યાં જ રહી જઈશ.’ સારાંશ એ કે જે વ્યક્તિ જોખમ લે છે, આગળ વધવા કમર કસે છે એ જ આગળ વધી શકે છે. કોઈ મોટી બાબતનો પ્રારંભ કરવાનો ઇંતેજાર કરી રહ્યા હો તો એમાં મૂળ બાબત છે આરંભ કરવો... શુભસ્ય શીઘ્રમ!⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...