કોડાયમાં જન્મેલા તીવ્ર મેઘાવી અને વિચારક હેમરાજભાઈ શાહે સત્યશોધનની તીવ્ર ઝંખનાથી યુવાનીના પ્રારંભે જ ધર્મ અંગે ગંભીર ચિંતન કરવા માંડેલું. તેમની આસપાસ આવા જ વિચારો ધરાવતા ૧૦-૧૨ મિત્રો એકત્ર થયા. ધર્મસુધારણા ફક્ત વાતોથી નહીં પણ આચરણથી થાય એ તથ્ય સમજી, સહુએ સંયમની દીક્ષાગ્રહણનો સંકલ્પ કર્યો. એક યતિજી લક્ષ્મીસાગરજી પાસે હૃદય ખોલતાં તેમણે હર્ષચંદ્રસૂરિજી પાસે જવા કહ્યું, પણ ક્રાંતિપંથી આ યુવાનોને ખબર હતી કે પરિવાર તરફથી કોઈ સહકાર મળવાનો નથી. પહેલી નિષ્ફળતા પછી છેવટે પાંચ મિત્રો ગુપ્ત રીતે માંડવીથી વહાણમાં બેસી જામનગર અને ત્યાંથી પાલિતાણા પહોંચી ગયા, પણ તેમનાં માતાપિતાને ખબર પડતાં કચ્છ રાજ્ય દ્વારા પાલિતાણા દરબારની મદદ મેળવી. ત્રણ નવદીક્ષિતોને સાધુવેશમાં જ બાંધીને ગાડાંમાં કચ્છ લાવ્યા. પણ તોયે ઢીલા ન પડતાં કચ્છના મહારાવ પાસે લઇ ગયા. તેમનાથીયે માન્યા નહીં એટલે જેલમાં પુરાવ્યા. અહીં જંતુઓના ડંખથી શરીર સૂઝી ગયું પણ હેમરાજભાઈ ટસના મસ ન થતાં જેમ કરવું હોય તેમ કરવા દેવા છૂટ મળતાં તેઓ દીક્ષા માટે તત્પર થયા, પણ આ વખતે ગુરુએ અકળ કારણોસર દીક્ષા ન આપતા અભ્યાસ માટે બંગાળના મુર્શિદાબાદમાં મોકલી આપ્યા. ત્યાં અને પછી અન્ય સ્થળોએ સંસ્કૃત પ્રાકૃત ભાષા તેમજ શાસ્ત્રોનું અધ્યયન કરીને કોડાય પરત આવ્યા. અહીં તેમણે એકાગ્ર રીતે આત્મચિંતન અને સાધનાના પથિકને આગળ વધવા માટે બધી જ વ્યવસ્થા ઊભી કરી. અક્ષરજ્ઞાન, સંસ્કૃત શિક્ષણ સાથે ૩૬ વર્ષની ઉંમરે સદાગમ પ્રવૃત્તિ અને સંસ્થાનો આજથી ૧૫૦ વર્ષ પહેલાં પ્રારંભ કર્યો આસપાસનાં કોડાય, નાની ખાખર અને દૂરદૂરનાં સ્થાનોએથી અનેક હસ્તપ્રતો અને ગ્રંથો એકત્ર કરીને એક અમૂલ્ય જ્ઞાનભંડાર પણ તેમણે સ્થાપ્યો. વિધવા સ્ત્રીઓ સન્માનપૂર્વકનું જીવન જીવી શકે એ માટે તેમણે શિક્ષણ વગેરેની પ્રવૃત્તિ શરૂ કરી. પાંજરાપોળ પણ શરૂ કરી. આગળ જતાં તે સમયે ગાંધીજીના સમાજઘડતરના કાર્યક્રમો અને સ્વાતંત્ર્ય આંદોલનોમાં આ સંસ્થાનાં બહેનો પણ સક્રિય બન્યાં.
ઈ.સ. ૧૮૭૧થી નિવાસસ્થાન વગેરે બાદ ઈ.સ. ૧૮૭૪માં સદાગમ સંસ્થા શરૂ થઈ. તેમાં સાધના ઉપરાંત અનાજ દળવું, રેંટિયો વગેરે પ્રવૃત્તિઓથી ૧૯૦૨ સુધીમાં તો એ ધમધમવા માંડી. લગભગ ૧૯૬૦ પછી સમયનાં પરિવર્તનો અને આધુનિકતાને કારણે વ્યવસ્થાઓ, કાર્યપદ્ધતિઓનાં સ્વરૂપ બદલાયાં. સંસ્કૃત વિષયમાં ઓછો થતો રસ અને બદલાયેલા પ્રવાહે લોકોની જીવનપદ્ધતિ અને વિચારશૈલીમાં પરિવર્તન આણ્યું. ઈ.સ. ૧૯૭૦ સુધીમાં તો સદાગમ સંસ્થા અને પ્રવૃત્તિ સુષુપ્ત જ થઈ ગયાં. તેજસ્વી વિચાર અને કાર્યની મંદ મંદ ચેતના સુષુપ્ત અવસ્થામાં પણ ધબકતી રહે છે. સમય આવતાં એ ફરી પોતાની ઓજસ્વીતાથી સમાજને પ્રભાવિત કરે છે. સદાગમ પ્રવૃત્તિ વિષે પણ એવું જ બન્યું.
હેમરાજભાઈના ભાઈ હંસરાજભાઈના પૌત્ર માંડવીના પ્રખ્યાત શ્રેષ્ઠી કલ્યાણજી ધનજીના નાના પ્રો.રવજીભાઈ સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાતા હતા. તેમણે સિદ્ધાંત કૌમુદીમાંથી સરળ રીતે સંસ્કૃત શીખી શકાય એ માટે પાંચ પુસ્તિકાઓ ગુજરાતી ભાષામાં તૈયાર કરી હતી. તેમની સ્મરણશક્તિ અજબ હતી. શ્રીમદ રાજચંદ્ર સાથે પણ તેમનો પત્ર વ્યવહાર થતો. શ્રીમદ તેમને ઘણો આદર આપતા. આત્મસ્તુતિ અંગે ચર્ચા કરતા એક પત્રમાં લખે છે, ‘આપની શક્તિ છે...હું આપને માટે આનંદ પામું છું.’ પત્રનાં એક વાક્ય ‘આપ કાશીક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છો. આમ વાંચીને અત્યાનંદમાં હું કુશળ થયો છું.’ આના પરથી ધારી શકાય કે રવજીભાઈ અભ્યાસ માટે કાશી ગયા હશે.
રવજીભાઈની ચોથી પેઢીના, ફિલ્મ સંશોધન અને તેના વિવિધ આયોજનો સાથે સંકળાયેલા સુભાષ છેડાને ‘કોડાયની કલ્પલતા’ પુસ્તક વાંચીને સદાગમને લગભગ ૧૫૦ વર્ષ થાય છે તે ખબર પડતાં સંસ્થા માટે કશુંક વિચારવું જોઈએ એવું લાગ્યું. તેમણે ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરી. પ્રથમ તબક્કામાં જિનમંદિર અને જ્ઞાનભંડારનાં પુન:નિર્માણનો નિર્ણય કર્યો. છેવટે એ કાર્ય પૂરું થયું. હવે પછીનાં ચરણમાં અવઠંભશાળા (સં. અવસ્તંભ=આધાર, આશ્રયસ્થાન)નું આધુનિક સમય અનુસાર પુન:નિર્માણ કરવાની કલ્પના છે. જેમાં અભ્યાસ અને સંશોધનકેન્દ્ર, એક સભાખંડ અને અભ્યાસુઓ માટે નિવાસ અને અન્ય વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય. આમ આધુનિક સમય અનુસાર નવ્યરૂપે એ સક્રિય બને એ દૃષ્ટિ છે.
ગત ૨૩મી ફેબ્રુઆરીના રોજ નવનિર્મિત શિખરબંધ જ્ઞાનભંડારનાં ઉદ્્ઘાટન બાદ આચાર્યશ્રી કલાપ્રભસૂરિશ્વરજી મહારાજ સાહેબે ઉદ્્બોધન કરતાં કચ્છમાં આવા નાનામોટા ૨૫ ભંડારો છે એવો ઉલ્લેખ કરી કોડાયના જ્ઞાનભંડારનું મહત્ત્વ સમજાવ્યું હતું. હસ્તપ્રતોની પ્રાચીન લિપિને ઉકેલતાં શીખવું, તેનું વાંચન કરવું અને પછી સંપાદનની આખી પ્રક્રિયાને સમજવા કાર્યશાળા યોજવાની પણ વાત કરી હેમરાજભાઈએ આ પ્રવૃત્તિ અને સંસ્થા માટે ૧૭ વર્ષ સુધી આપેલા ભોગના સુફળની અનુમોદના કરતાં જ્ઞાનભંડાર અને આ પ્રવૃત્તિને પ્રવાસનમાં સમાવવાનું પણ સૂચન કર્યું હતું. અંતમાં તેમણે સમાજ સક્ષમ છે, દૃષ્ટિ છે ત્યારે બધા સંપ્રદાયોએ સાથે મળી, પૂરક બની, ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અનુરોધ કર્યો. મહોપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ સાહેબે જ્ઞાનની ઉપાસનાનાં ચારિત્ર્ય અને જ્ઞાન એ બે પાસાંની ચર્ચા કરતાં સદાગમ પ્રવૃત્તિ સાથે એનો અનુબંધ સ્પષ્ટ કર્યો હતો. પર્ણ ફૂટે એ ઝાડના જીવંત હોવાની સાબિતી છે તેમ સદાગમ પ્રવૃત્તિ પણ ચૈતન્યમય છે એની આજે પ્રતીતિ થાય છે એવું સ્પષ્ટ કરી, ભગવાનની વાણી જેમાં સચવાયેલી છે એ પ્રાચીન હસ્તપ્રતોની મહત્તા સ્પષ્ટ કરતા સદાગમના કાર્યને અવતારકૃત્ય ગણાવ્યું હતું. આ પ્રસંગે અન્ય મહારાજ સાહેબોએ પણ ઉપસ્થિત રહી આશિષ પાઠવ્યા હતા.
જાણીતા ફિલ્મોલોજીસ્ટ અને લેખક અમૃત ગંગરે કોડાયના વ્યક્તિવિશેષો રામજી રવજી લાલન, વિશ્વ બેંકના પ્રવીણ વિસરીયા વગેરેને યાદ કરી તેને કોસ્મોપોલીસ અને એક ક્રાંતિ ગણાવ્યું હતું. જ્ઞાનભંડાર વ્યાપક બને, એનો વિસ્તાર થાય એના પર ભાર મૂક્યો હતો.
‘તારે તે તીર્થ’ એ અર્થમાં આધુનિક સમયમાં આવાં સ્થાનો મૂલ્યવાન બની રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.