(પાંત્રીસ કટકાવાળા કિસ્સા પછી એક પિતાનો તેના યુવાન પુત્રને પત્ર) બેટા... આમ તો આપણી વચ્ચે પત્ર વ્યવહાર કદી નથી થયો. સાચું કહું તો પાર્ટીના કે ખર્ચના કેશ ટ્રાન્ઝેક્શન સિવાય આપણી વચ્ચે બહુ કાંઈ વાત થતી નથી, પણ આફતાબની ઘટના પછી એક બાપ તરીકે તારી ચિંતા થઇ તેથી આ પત્ર લખી રહ્યો છું. આફતાબ અને શ્રદ્ધાનો કિસ્સો લીવ ઈન રિલેશનશિપના કાદવને ‘ઇટ્સ માય લાઈફ’ કહેનારાઓ માટે દીવાદાંડી સ્વરૂપ છે, પણ મારે તો આજે બાપ-દીકરા વચ્ચે કદી ન થયેલી બે ચાર વાતો તને કહેવી છે. બેટા, શું તું તારા જીવનમાં આવનારી દરેક સ્ત્રીને ઓળખે છે? સ્ત્રીને ઓળખવાની પરખ છે તને? સ્ત્રી દાક્ષિણ્યનો અર્થ જાણે છે તું? લાગણીના દરિયા જેવી અને લાગણીના મૃગજળ જેવી સ્ત્રીનો તફાવત તું જાણે છે? શહેરની ટાઈટ અને ટૂંકાં કપડાં પહેરનારી અને મોર્ડન દેખાતી છોકરીઓ પણ જૂનવાણી વિચારધારાની હોઈ શકે છે. તો સાડી કે ડ્રેસ વધુ પસંદ કરનારી ગામડાંની છોકરી પણ આધુનિક હોઈ શકે; આ તને ખબર છે? કેટલીક કન્યાઓ પ્રત્યેક બોયફ્રેન્ડમાં પોતાનો ભાવિ પતિ શોધતી ફરે છે તો અમુક માટે દરેક છોકરો માત્ર સાક્ષાત ATM સ્વરૂપ છે. તું એ જાણે છે બેટા? એટલે આ લખી રહ્યો છું. આપણે લગભગ ઘરોમાં નજરે નિહાળ્યું છે કે મા-દીકરીને જેવું બનતું હોય છે એવું બાપ-દીકરાને બહુ જામતું નથી. પિતા-પુત્ર વચ્ચે આ અકારણ અંતર કેમ છે એ મને સમજાતું નથી. બાપ-દીકરા વચ્ચે ‘માનસિક ખાઈ’ છે કે શારીરિક? એ સંશોધનનો વિષય છે. કોઈપણ દીકરી જ્યારે પહેલીવાર પીરિયડ્સમાં આવે છે ત્યારે તેની મમ્મી તેને અચૂક યોગ્ય માર્ગદર્શન આપે છે, પણ કોઈ દીકરો નાઈટફોલની વાત તેના પિતાને કરી શકતો નથી...! હવે બેટા આમાં બેમાંથી કોનો વાંક કાઢીશું? મર્યાદાની મૂર્તિ કહેવાતી સ્ત્રીઓ પોતાની અંગત વાત આરામથી કરી શકે છે અને શરમ વગરના કહેવાતા પુરુષો પોતાના ફિઝિકલ પ્રોબ્લેમ માટે એક હરફ સુદ્ધાં નથી ઉચ્ચારતા! અહો આશ્ચર્યમ્! બેટા! સ્ત્રી શું બોલે છે તેના કરતાં એ શું નથી બોલતી તેને સાંભળવાની કોશિશ કરજે. એ ગુલાબની કળીથી પણ નાજુક છે અને વજ્ર કે પૌલાદથી પણ વધુ કઠણ. ધૈર્ય એ સ્ત્રીનો સ્વભાવ છે, તું અગર કોઈને પ્રપોઝ કરે તો થોડી ધીરજ રાખજે. બેટા, માત્ર ફિગર અને ફેર સ્કિનથી જ કોઈને પસંદ ન કરીશ, તેનાં કુળ-ગુણ અને સંસ્કાર પણ ઓળખવાની કોશિશ કરજે. કોઈના પણ ફિગર અને ફિટનેસ તો દશકા સુધી જ જીવનમાં અકબંધ રહે છે પણ સંસ્કારો અને વિવેક આજીવન ટકે છે અને કુળને તારે છે...! જાજા ભાગની સ્ત્રીઓ પોતાનાં ફિઝિકલ અને મેન્ટલ સેન્સેશનને પંખાના રેગ્યુલેટરની જેમ કન્ટ્રોલ કરી જાણે છે. તેની પાસેથી આ કળા શીખવા જેવી છે. અંદરના તોફાનને સ્ત્રીઓ ચહેરા પર હાવી થવા દેતી નથી, પણ તેની આંખો તેના કહ્યા પ્રમાણે નથી વર્તતી. બેટા! કોઈપણ સ્ત્રીને તેની આંખોની લિપીથી ઉકેલવાની કોશિશ કરજે. કોઈપણ સ્ત્રીને સંપત્તિ અને સંતોષ કરતાં વધારે સલામતી અને કાળજીની વધુ ફિકર હોય છે. એક્ચ્યુલી મને ખબર નથી કે તારી ફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ છે કે નહીં. જોકે, મારે જાણવું પણ નથી. પણ તમામને એકસરખી માપપટ્ટીથી નહીં માપતો. કોઈ છોકરીને અગર સાચી દોસ્ત બનાવી શકીશ તો એ તને વફાદાર અને ફાયદાકારક રહેશે! તું મિત્રતાને પ્રેમની સીડી ના બનાવતો. હસીને વાત કરનારી દરેક સ્ત્રી તારા પ્રપોઝલ માટે તૈયાર જ હોય એવું માની ન લેતો. કેટલીક સ્ત્રીઓ પુરુષો સામે હસતી હોય છે તો કેટલીક પુરુષો ઉપર...! આ બંને વચ્ચેની પાતળી ભેદરેખાને ઓળખજે! લેડીઝના ફર્સ્ટ સ્માઈલને લવનું સિગ્નલ ના માનતો; અટવાઈ જઈશ. એ જ રીતે વાત-વાતમાં સરી પડતાં તેનાં આંસુઓથી તું બેબાકળો ન બની જતો. રિલેક્સ બેટેજાન! આ સ્ત્રી ચરિત્ર છે. જેને દેવતાઓ પણ પામી નથી શક્યા તો આપણે શું સમજવાના? Be cool and Calm. સ્ત્રી કાચનું એવું ડેલિકેટ વાસણ છે કે જો તેને સમજ્યા વગર તે ઉપાડી લીધું તો એ બોંબની જેમ હાથમાં ફૂટી જશે અને તને પણ ઘાયલ કરી દેશે. તારી આસપાસની તમામ છોકરીઓને તું એ વિશ્વાસ અપાવજે કે તું ભરોસાપાત્ર છે. ગ્રીષ્માના ગળા પર જ્યારે પહેલાં ફેનિલે ચપ્પુ ફેરવ્યું ત્યારે એક્ચ્યુલી ગ્રીષ્માની સાથે ગર્લ્સનો બોયઝ ઉપરનો ભરોસો પણ કપાયો છે. આફતાબે માત્ર શ્રદ્ધા નામની છોકરીના જ નહીં, સમગ્ર નારી જાતની પુરુષ માટેની શ્રદ્ધાના કટકા કર્યા છે. બેટા! તું તારા આસપાસની તમામ ગર્લ્સને એટલી તો બાંહેધરી અવશ્ય આપજે કે ‘હું તને કદાચ ફાયદો ન કરાવી શકું પણ મારી દોસ્તીથી તને નુકસાન કદી નહીં જાય!’ તમામ પર આંધળો ભરોસો પણ ન કરતો અને તમામને શંકાના ચશ્માંથી ન જોતો. જીવનમાં પાત્રોનું, પ્રેમનું અને કરિઅરનું બેલેન્સ જાળવજે. કદાચ બ્રેકઅપ થાય તો તેના લીધે તારું કરિઅર અને માઈન્ડ ચોકઅપ ન થઈ જાય; બી એલર્ટ દોસ્ત...! તારા જીવનનું પાત્ર શોધતાં પહેલાં તારા જીવનનું લક્ષ્ય શોધજે! લાઇફમાં કોઈને એન્ટ્રી આપતાં પહેલાં તેની પેન્ટ્રીની પ્રોપર વ્યવસ્થા કરજે. તારું રિમોટ કન્ટ્રોલ તારી પાસે જ રાખજે. તું માનમોંઘો ભલે ના બને પણ સાવ સોંઘો પણ ના જ થતો. તું અમારું સિંગલ ચાઈલ્ડ છો. તને બહેન-ભાઈના સંબંધની બહુ ખબર નથી, પણ કોઈ છોકરી તને સાચા દિલથી ભાઈ માનતી હોય તો દૂર ન ભાગતો. સૂતરના તાંતણાની મર્યાદા દિલથી નિભાવજે. તારી મમ્મીને એમ છે કે તું બહું ડાહ્યો-ભોળો અને શરમાળ છો, પણ તારી મમ્મીએ તારા મોબાઇલ અને કમ્પ્યૂટરનાં હિડન ફોલ્ડર્સ થોડાં જોયાં હોય! મમ્મીના હાથમાં તારો ફોન આવી જાય તો દરેક ચેટ તેને ન શરમાવું પડે એવી નીકળશે? તારી કમ્પ્યૂટર તારી કઝીન સિસ્ટરને વિના સંકોચે આપી શકીશ? તારા મોબાઈલની પેટર્ન લોક તારી માનસિકતા બ્લોક ન કરી દે તેની તકેદારી રાખજે...! સ્પર્શ અને આવેગોના તોપખાનામાં તારા સંવેદનો બળીને ભસ્મ ન થાય તેની તકેદારી રાખજે. સંયમથી તારા યૌવનને શણગારજે. શૌર્યને તારી સ્ટાઈલ કરજે. સાચી લાગણીને તારી લાઈફસ્ટાઈલ બનાવજે. વફાદારી અને ભરોસાને તારી પેટર્ન અને ફેશન કરજે. માત્ર સ્માર્ટ મોબાઈલ અને સોશિયલ મીડિયા ફોલોઅર્સ એ જ જીવનની સફળતા નથી. લોકો તને ફેસબુકમાં નહીં ગૂગલમાં શોધે એવું કૈંક કરી બતાવજે. બેટા, જીવનમાં ક્યારેય પણ કંઈ પણ થાય તોય વિના સંકોચે ઘરે પાછો આવજે. પહેલીવાર લખ્યું ને બહુ લખાઈ ગયું છે બેટા! જવાબની અપેક્ષા નથી. તને કે તારા મિત્રોને કદાચ કામ લાગશે. લવ યુ. લિ. તારી ચિંતામાં તારો જવાબદાર બાપ વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજે.{ (સાભાર: મૂળ વિચાર એષા દાદાવાળા) sairamdave@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.