ઓફબીટ:કાશ્મીરનો પ્રવાસ… ‘કલાપી’નો સહવાસ

અંકિત ત્રિવેદી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલાપીનું ગદ્ય પણ એટલું જ લવચિક. કલાપીના ગદ્યતીર્થમાં ‘કાશ્મીરનો પ્રવાસ’ એક ઉત્તમ મુકામ. એમના પ્રિય માસ્તરસાહેબ જોશીજીને જગન્નાથપુરી આવી માત્ર છ દિવસના ટૂંકા રોકાણમાં નેવું પાનાંનો લાંબો પત્ર લખે છે. એ વખતે કલાપીની ઉંમર માત્ર સત્તર વર્ષની છે. ‘કાશ્મીરનો પ્રવાસ’ એ ગુજરાતી સાહિત્યનાં પ્રવાસવર્ણનોમાં ઉલ્લેખનીય રસપ્રદ પુસ્તક છે. કવિના હૃદયે ઝીલાયેલાં પ્રકૃતિનાં અને સમાજનાં સ્પંદનો છે. કાશ્મીરને કલાપીની આંખે જોવું જ રહ્યું. કાશ્મીરને કલાપી ‘સ્વર્ગનું સ્વપ્ન’ નામ આપે છે. કાશ્મીરના સંદર્ભે આજના ભારતને કવિ સંબોધે છે. કલાપી કહે છે : ‘હે હિન્દુસ્તાન! તારી કારીગરીને તું શા માટે ઉત્તેજન નથી આપતો? તારાં બચ્ચાંને તું કુશળ શા માટે નથી બતાવતો? કુદરત તો તારા પર પૂર્ણ કૃપા વરસાવી રહી છે. તેનો ઉપયોગ કેમ કરવો એ જ શીખવવાનું બાકી રહ્યું છે. જુલ્મની અંધારી રાત્રી તો ગઈ છે, શત્રુઓનાં વાદળાં અદૃશ્ય થઈ ગયાં છે. ઘાણ વાળતી તલવાર, રુધિરની નદીઓ ચલાવનારી સાંગો અને બરછીઓ હવે દીવાલ પર જ દેખાય છે! તે તો હવે તારાં રમકડાં બની ગયાં છે, દુઃસ્વપ્નો દૂર થયાં છે, પ્રભાત થયું છે.’- આ શબ્દોમાં રાજવીની પ્રતિબદ્ધતા અને કવિની તીવ્રતા છે. આ શબ્દો આજે સાચા પડી રહ્યા છે. કાશ્મીરનો પ્રવાસ જાણે કવિએ લખેલી ભારતના સંવેદન સ્થળની કુંડળી છે, જેમાં રાજયોગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કાશ્મીરનાં વનોમાં ઊગેલી ઔષધિઓનો યોગ્ય પ્રચાર અને ફેલાવો ન થવાને કારણે ભારતને પડનારી વિટંબણાની વાત પણ કલાપી કરે છે. વિદ્વાનોને પણ ઉદ્દેશીને લખે છે. ‘આપણા વિદ્વાનો જે માલતીમાધવ જેવાં નાટક રચતાં તેઓને હવે લલિતા દુઃખદર્શક જેવાં નાટકો લખવાં પડે છે! અફસોસ!’ અવાજનું વર્ણન તમે સાંભળ્યું છે? કલાપીના અવાજમાં જ સાંભળો : ‘જેલમ જેમાં બારામુલ્લાં સુધી કિસ્તી ચાલી શકે છે અને જે માત્ર તળાવ જેવી સ્થિર દેખાય છે તેમાંથી પહેલાં મુગ્ધાના નૂપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાલાના રથના ઘુઘરા જેવો, પછી મદમત્ત ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા, વાંસઝાડીમાં ફુંકાતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સાથે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલમાંથી શંકર જટા પર અને શિવ મસ્તક પરથી મેરુ પર્વત પર પડતી ભગીરથીના ઘુઘવાટ જેવો, પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો અનેક ઈન્દ્રધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવા ઉછળતા, નીચે જતા ફેલાઈ જતા અને ભેગા થતા ફીણના ગોટાને ઉત્પન્ન કરતો, ભમર અને વમળને જન્મ આપતો, ખેંચી જતો અને લય કરતો પર્વતોમાં પ્રચંડ પડઘા પાડતો, ગુફાઓમાં ભરાઈ રહેતો, વૃક્ષ, વેલી અને પથ્થરોને ધ્રુજાવતો, પાતાળ ફાડી નાખવા યત્ન કરતો, કાશ્મીરને સપાટ કરવા મથતો, આંખને પોતાના તરફ ખેંચતો, કર્ણવિવર બંધ કરતો, ફોડી નાંખતો, નદીના ઉકળતા, ઉછળતા, પછડાતા ધોધનો ગંભીર અવાજ બહાર નીકળી ચારે દિશામાં ફેલાય છે.’ આ છે કલાપીના ગદ્યનો પડછંદ અવાજ. કલાપી એટલે કે લેખક સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ. 26/1/1874ના રોજ આ પૃથ્વી પર પ્રવાસ માંડે છે અને 9/6/1900ના રોજ યાત્રા પૂરી કરે છે. કલાપીનો સાહિત્યિક અવાજ છવ્વીસ વર્ષ શરીર પ્રમાણે અને ત્યારબાદ આજપર્યંત બુલંદીઓને ચૂમે છે.⬛ ઑન ધ બીટ્સ ‘જેને નાના કામ માટે નાના સાહસ કરવાની ટેવ પડેલી હોય છે તે જ મોટા સંકટોમાં નીડર રહી મોટા પરિણામો મેળવી શકે છે.’ -કલાપી ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...