બુધવારની બપોરે:એક ઘોડો લેવો છે

અશોક દવે2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પૅટ્રોલ તો ઠીક, કાર-સ્કૂટરના ભાવો સાંભળીને, સ્કૂટરને કિક માર્યા પછી જે ખરેરાટી થાય છે, એવી ખરેરાટી મારા ગળામાંથી નીકળી જાય છે. બેમાંથી એક તો લેવું હતું, પણ બન્ને વાહનોના ભાવ સાંભળીને મારી પાછળ કોઇક કિક મારતું હોય એવું દયામણું મોઢું મારું થઇ જતું. આના કરતાં તો ઘોડો લેવો સારો, એમ વિચારીને મેં ઘોડો ખરીદવાનો વિચાર કર્યો. કાંઇ પણ લેવા-બેવા કરતાં લેવાના વિચારો મને ભરપૂર આવે કારણ કે, વિચારવાનો કોઇ ખર્ચો આવતો નથી અને જે સાંભળે, એનું આપણા માટે માન વધી જાય છે કે, ‘ઓહોહોહો.. દવે સાહેબ એકાદી ‘મૅટ્રો’ ખરીદવાના મૂડમાં છે...!’ ‘મેટ્રો’ તો જાવા દિયો, મારી પાસે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનાય પૈસા નહીં. બહુ ઓછાને ખબર હશે કે, વસ્તુ ‘ખરીદવામાં’ એની કિંમત જેટલો ખર્ચો થાય છે, પણ એ ખરીદવાનો વિચાર તો બિલકુલ મફતમાં પડે છે. આ જ કારણે, આજ સુધી અનેકવાર હું પૅરિસનો આયફલ ટાવરેય ખરીદી ચૂક્યો છું! એ વાત જુદી છે કે, મારા વિરાટ વિચારો સાથે મારા ખાનદાનનું કોઇ સહમત ન હોય, એટલે મારે એ બધાના વિચારો સામે મૂન્ડી નીચી કરવી પડતી...! મારા હરએક વિચારોને મારું પૂરું સમર્થન હોય, એટલે ગાડી-સ્કૂટરને પડતા મૂકીને મેં ઘોડો ખરીદવાનો વિચાર કર્યો. આજ સુધીની સર્વોત્તમ ગણાયેલી ફિલ્મ ‘ધી ગોડફાધર’માં હોલિવૂડ સ્ટુડિયોના માલિક વૉલ્ટ્ઝના કોઇ 20-25 કરોડની કિંમતના ઘોડા (પ્રિન્સ?) ખાર્ટુમનું ગોડફાધર ખૂન કરાવે છે, એ સીન મને બરોબર યાદ, એટલે કે જે ઘોડો લઈશ, એનું નામ ‘સૂર્યપ્રસાદ’ કે ‘ગોવિંદભ’ઈ’ રાખીશ, જેથી ઇર્ષાળુઓ એનું કદી ખૂન ન કરાવે! સાલું, પૂરા ગુજરાતમાંય કેવું ના થઇ જાય કે, અશોક દવે પાસે તો ‘મનુપ્રસાદ’ નામનો પાણીદાર ઘોડો છે...! અપેક્ષા એ હતી કે, પેટ્રોલ-ડીઝલ કરતાં ઘાસના પૂળા સસ્તા પડે. ઘોડો મૂંગો મૂંગો ખાઇ લે અને છતાંય ભૂખ્યો રહી ગયો હોય તો, 10-12 કિલો ચણાના ફાકડા મરાવી દેવાના!... વધે તો આપણેય ખવાય! આ તો એક વાત થાય છે! ગુજરાતભરના ગોરધનોની એક સામટી ફરિયાદ છે કે, એ લોકો જે કાંઈ કરવા જાય, એમાં વાઈફો પથરા નાંખે જ! મેં ઘર માટે એક ઘોડો લેવાનો પ્રસ્તાવ મૂક્યો ને ત્યાં જ ખળભળાટ શરૂ- ‘ઘોઑડા તી લેવાતા હઈશે? મગજ ફરી ગીયું છે તમારું?’ (કાઠીયાવાડમાં સીધેસીધો ‘ઘોડો’ બોલી નાંખવાને બદલે ‘ઘો’ અને ‘ડો’ની વચમાં લેવાદેવા વગરનો ઊંધો ‘ઑ’ લગાવવામાં આવે છે. સ્પષ્ટતા પૂરી) મને અક્કલ વગરનો સમજવાના અઢળક મોકા હકીને મળતા રહે છે અને એ સાચીય ૫ડે છે. આજે લગ્ન પછીના 46-વર્ષો પછી હુંય માની ગયો છું કે, ‘મારામાં જરા ઓછી છે! ઘોડો ખરીદવા બાબતે ઘરમાંય બધાને પૂછી જોયું, તો સૂર એ જ નીકળતો હતો કે, ‘મારામાં જરા ઓછી છે!’ ‘મૂર્ખાઓ… હું ટ્રેક્ટર કે બુલડોઝર લેવાનું નથી કહેતો… ઘોડો લેવો છે, જેમાં પેટ્રોલ ભરવાનું ન હોવાથી આપણને સસ્તો પડે!’ હું ‘એ લોકોને’ મૂર્ખ કહેતો હતો, એ સાંભળી ઘરના બધા દયામણા ચેહરે હસતા હતા. એ લોકોની એ વાત સાચી કે, અમદાવાદની સડકો ઉપર તો ઘોડો લઈને નીકળવું શક્ય જ નથી અને ખાસ ઘોડેસવારી કરવા કાંઇ રતનમહાલના જંગલોમાં ન જવાય…! બા ખીજાય!!! છેવટે મારી જીદ પર નમતું જોખીને હકી અને હું અમદાવાદ પાસેના કોઇ ફાર્મ પર ઘોડો લેવા ગયા. કબૂલ કે, આ પહેલાં મેં લાઇફમાં કદી ઘોડો કે ઘોડી ચલાવ્યા નહોતા, એટલે કાચું લાયસન્સ પણ લેવાનું હતું. - ભ’ઇ...શું છે આ ઘોડાનું? - ગાડી લાયા છો? - આ સામે ઊભી એ. - ઓઓઓ-હું આ ગાડીની વાત નથી કરતો. એ તો તમારી કાર છે...ઘોડાની પાછળ જોતવા માટે ગાડી જોઇશે કે નહીં? પૅસેન્જરો લેવાના હશે ને? - સ્ટુપિડ...હું ઘોડાગાડીવાળો નથી. મારે તો ઘરનો ઘોડો લેવો છે...ઘોડાગાડી ભાડે ફેરવવા નહીં! મારે આખી ઘોડાગાડી નથી લેવાની. એક સારા માઇલો ઘોડો બતાવો. આ ઊભો છે, એ કેટલામાં આવ્યો? - આ ઘોડો નથી, ઘોડી છે… અને બીજી વાત! આ તમે રતન પોળમાં પાટલૂનનું કાપડ ખરીદવા આયા હોય, એમ ઘોડો ન ખરીદાય, તે ‘આ કેટલામાં આલ્યો?’ પૂછો છો. - કેટલી ઍવરેજ આલે છે? - આ ઍક્ટિવા નથી, ઘોડો છે....છતાંય, પૂછો છો એટલે કહું છું કે, સવાર-સાંજ ઘાસના પચ્ચા-પચ્ચા પૂળા, તેર-ચૌદ કિલો ચણા... રોજના પચ્ચા કિ.મી. ખેંચી કાઢશે. - એક સવાલ. આ ઘોડા ઉપર ડબલ સવારી કરી શકાશે? આઇ મીન, હું મારી વાઇફને પણ બેસાડી શકીશ? - ઓહ, પહેલાં કહેવું જોઇએ ને, કે તમારે બુલડોઝર ખરીદવું છે, ઘોડો નહીં! - ડૉન્ટ બી સ્ટુપિડ....આ ઘોડો એટલો માંદલો લાગે છે કે, અમારા બન્નેનું વજન ઉપાડી ન શકે? - આ એનું પેગડું છે, એમાં પગ ભરાવીને ઠેકડો મારીને બેસી જવાનું. - આઇ ઍમ સૉરી, પણ ઘોડો એનો પગ પેગડામાં આપણને ભરાવવા દેશે? - પગ એનો નહીં, તમારો ભરાવવાનો છે...અને સાયકલની માફક પહેલાં ડાબો પગ ભરાવીને ઘુમરી લઇ એની ઉપર બેસી જવાનું! આખરે તો મને ઘોડો ગમી ગયો. પેમેન્ટ-બેમેન્ટ કરી દીધું અને ઘેર લાવ્યા. કમનસીબે, અમારી પાસે ઘર હતું, પણ તબેલો નહોતો. એના તોતિંગ પોદળાં જોઇને ફ્લેટવાળા બૂમો પાડતા આવ્યા… મનેય તે કાંઈ ચલાવતા ન આવડ્યો… ચલાવતા તો જાવા દિયો, એની ઉપર ઠેકડો મારીને બેસતાય ન આવડ્યું... વેચ્યો તો નાનકડું ઍક્ટિવા લેવા જેટલાય પૈસા ન આવ્યા… આજે હું ‘મેટ્રો’માં મુસાફરી કરું છું!{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...