મનદુરસ્તી:પુનરાવર્તનની ટેવ અને ભયનું ભયાનક કોકટેલ

ડૉ. પ્રશાંત ભીમાણી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વિકૃતિમાં બિનજરૂરી વિચારો, ખ્યાલો અથવા અનુભવોનું પુનરાવર્તન થયા કરે છે, જેને ‘ઓબ્સેશન’ કહેવાય છે

ફેસ-માસ્ક કાઢ્યા વગર જ શિખરે કહ્યું, ‘ડૉક્ટર, આ ચાઇનામાં ફરી લૉક-ડાઉન આવ્યું છે. આમ તો મેં વેક્સિનના બંને ડૉઝ અને બુસ્ટર ડૉઝ પણ લીધા છે. તો પણ એવું થાય છે કે મને કોવિડ કે બીજી કોઇ બીમારી ચોક્કસ લાગુ પડી જ જશે. હું ખૂબ જ સાચવું છું, પણ આ બધાંને એમ છે કે મને કોઇ માનસિક સમસ્યા છે.’ શિખરની પત્ની સ્વાતિએ અહીંથી વાતનો દોર સંભાળી લીધો. ‘આ રોગની બીક તો છે જ ડૉક્ટર, પણ એનું વર્તન હમણાંથી કંઇક વિચિત્ર થઇ ગયું છે. હજુ પણ દર પાંચ મિનિટે હાથ સેનિટાઇઝ કર્યા જ કરે છે. આખો દિવસ હાથ ધોયા જ કરે છે. નળ ચાલુ કરે પછી જાણે બંધ કરવાનું ભૂલી જાય છે. ઘણી વાર તો સતત અડધો કલાક હાથ ધોયા કરે. નહાવા માટે પણ એને ખૂબ સમય જોઇએ. એ નહાવા જાય અને શાવરના હેન્ડલને પહેલાં સેનિટાઇઝરનું સ્પ્રે કરી સાફ કરે. પછી પાણી ચાલુ કરે તો છેક લગભગ પોણા કલાકે બંધ કરે. એને બહાર આવતા બીજી દસ-પંદર મિનિટ લાગે. તૈયાર થવામાં પણ વૉડ્રોબ ખોલે પછી એક શર્ટ કાઢે-પછી પાછું મૂકે ફરીથી કાઢે અને પાછું મૂકે. આવું દસ-પંદર વખત કર્યા કરે. દરેક કપડાં પહેરતી વખતે આવું રિપિટેશન થયા કરે. પછી ભગવાનને પગે લાગવામાં પણ, અગિયાર વખત જ્યાં સુધી પગે ન લાગે ત્યાં સુધી આગળ ન વધે. ડ્રાઇવર હોવા છતાં કારનું લૉક જાતે ખોલે-બંધ કરે, ખોલે-બંધ કરે એવું બહુ વાર કરે પછી જ કારમાં બેસે. અને એ પણ પાછું અમુક એંગલથી જ બેસવાનું. એ તો સારું છે કે શિખર જાતે ગાડી ચલાવતો નથી. નહીંતર શું થાત ખબર નથી. છેલ્લા છ મહિનાથી જ આવું વર્તન વધી ગયું છે. આમ પણ એ પહેલેથી સ્વભાવથી ચીકણો તો હતો જ એમાંય કોવિડે દાટ વાળ્યો. જોકે, એક વાત છે કે, કોવિડમાં એનાં મમ્મી ત્રણ મહિના હોસ્પિટલાઇઝ્ડ હતાં અને પછી ગુજરી ગયાં. એ પછી એની બીક બહુ વધી ગઇ. શિખર મારાં સાસુથી ઇમોશનલી બહુ નજીક હતો. એ પછી એને થોડું ડિપ્રેશન જેવું પણ લાગ્યું હતું. જેમ-તેમ કરીને ચલાવતો હતો પણ હમણાંથી આ રિપિટેડ વર્તન એનું ખૂબ વધી ગયું છે. મુશ્કેલી એ છે કે ‘મારા કોઇ ફેમિલી મેમ્બરને કંઇક થઇ જશે તો?’ એ બીકે અમને પણ બહુ રિસ્ટ્રિક્શમાં રાખે છે.’ સ્પષ્ટ છે કે શિખરની સમસ્યા ‘ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર’ છે. ‘કરંટ સાયકોલોજી રિપોર્ટ્સ’ જર્નલ મુજબ હાલમાં કોવિડ પછી 32% જેટલો આવા OCD લક્ષણોનો વધારો નોંધવામાં આવ્યો છે. આવું ડૉ. ગુઝિક દ્વારા કરવામાં આવેલ એક મેટા-એનાલિસિસમાં સ્પષ્ટ થયું છે. OCD એક એંગ્ઝાયટી ડિસઓર્ડર છે, જેમાં કેટલાંક ચેતા-રસાયણોની પણ ભૂમિકા જવાબદાર છે. આ વિકૃતિમાં બિનજરૂરી વિચારો, ખ્યાલો અથવા અનુભવોનું પુનરાવર્તન થયા કરે છે, જેને ‘ઓબ્સેશન’ કહેવાય છે. જ્યારે એ પુનરાવર્તિત વિચારો ક્રિયામાં અમલમાં મૂકાય ત્યારે ‘કમ્પલ્ઝન’ અસ્તિત્વમાં આવે છે. આમાં દર્દીને ખબર તો હોય છે કે, ‘હું જે વિચારું છું તે સાચું નથી પણ એને કરતા રોકી શકાતું નથી.’ જ્યાં સુધી દર્દી એ ક્રિયા કરે નહીં ત્યાં સુધી એ પ્રેશર હળવું થતું નથી અને દર્દીને રાહત અનુભવાતી નથી. થોડા સમય પછી ફરીથી એ જ ચક્કર ચાલુ થાય છે. OCDને હળવાશથી ન લેતાં સૌ પ્રથમ સમસ્યા પ્રત્યે જાગૃતિ જરૂરી છે. વધુ પડતા રોગ વિશે ઓનલાઇન સર્ચિંગ કે ગૂગલની ઇન્ફર્મેશન દર્દીને ફાયદા કરતાં નુકસાન વધારે કરી શકે છે. શિખરને સૌ પ્રથમ આનાથી થોડા સમય દૂર રહેવાનું સૂચન થયું. એને સાયકોથેરાપી આપીને અંતર્મનમાં રહેલી અસલામતી દૂર કરાઇ. મમ્મીના મૃત્યુને તાર્કિક રીતે સ્વીકૃત કરાવવું જરૂરી હતું. જ્યારે વ્યક્તિ વાસ્તવિકતા તરફ વધુ જાય છે ત્યારે વધારાની દુઃખદ લાગણીથી મુક્ત થાય છે. શિખરની મૂળભૂત એંગ્ઝાયટી હળવી થવાથી એના આ અનિચ્છનીય વર્તનમાં સુધારો થયો. નિયમિત સેશન્સ દ્વારા શિખર મજબૂત બન્યો અને પુનરાવર્તનની ટેવ અને ભયના ભયાનક ચક્કરમાંથી મુક્ત બન્યો. હવે સ્વાતિ પણ હળવી થઇ છે. વિનિંગ સ્ટ્રોકઃ કોઇ નિકટની વ્યક્તિનું અચાનક દૂર ચાલ્યું જવું અસલામતી જરૂર આપે છે પણ એને દૂર કરવા વૈકલ્પિક મનોબળ મજબૂત થઇ જ શકે છે. પ્રયાસ તો કરી જુઓ....!⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...