બ્લેક એન્ડ વ્હાઈટ:સંબધ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે અલ્પવિરામ મૂકવાનું વિચારવું જોઈએ

આશુ પટેલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ તબક્કે એવું લાગે કે કોઈ સંબંધમાં તિરાડ પડી રહી છે કે મન ઊંચાં થઈ રહ્યાં છે તો એ સંબંધ તોડી નાખવાને બદલે એક પોઝ લેવો જોઈએ, બ્રેકઅપને બદલે એક બ્રેક લેવો જોઈએ

પ્રોડ્યુસર આરતી પટેલ અને ડિરેક્ટર સંદીપ પટેલની; મલ્હાર ઠાકર, ભામિની ઓઝા, આરોહી પટેલ અને દર્શન જરીવાલા અભિનીત ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ ફિલ્મ હમણાં જોઈ. એ ફિલ્મ જોઈને કેટલીક વાતો યાદ આવી ગઈ. એ ફિલ્મમાં રિલેશનશિપમાં પોઝ લેવાની વાત છે. એના વિશે- સ્ત્રી-પુરુષના સંબંધમાં બ્રેકઅપને બદલે બ્રેક લેવા વિષે આજે આ લેખમાં વાત કરવી છે. ઘણી વખત ચોવીસ કલાકના સંબંધોમાં એ પછી પતિ-પત્ની હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે બે મિત્રો સાથે રહેતા હોય, બે ભાઈઓ હોય, બે બહેનો હોય કે અન્ય કોઈ પણ પ્રકારના સંબંધ હોય, ચોવીસ કલાક સાથે રહેવાના સંબંધમાં અથવા સતત સાથે રહેવાના સંબંધોમાં ક્યારેક ને ક્યારેક મોનોટોની આવી જતી હોય છે, ક્યારેક થોડી કડવાશ પણ એમાં ભળી જતી હોય છે અને એને કારણે એ સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ જતું હોય છે. પરંતુ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે અલ્પવિરામ મૂકવાનું પણ વિચારવું જોઈએ. કોઈ તબક્કે એવું લાગે કે આ સંબંધમાં તિરાડ પડી રહી છે કે મન ઊંચાં થઈ રહ્યાં છે તો એ સંબંધ તોડી નાખવાને બદલે એક પોઝ લેવો જોઈએ, બ્રેકઅપને બદલે એક બ્રેક લેવો જોઈએ. આવા - ચોવીસ કલાકોના સંબંધોમાં તણાવ આવે ત્યારે એક બ્રેક લેવો જોઈએ. થોડા સમય અગાઉ મુંબઈમાં લિવ-ઈનમાં રહેતા એક યુગલ વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો એટલે યુવકે તેની લિવ-ઈન પાર્ટનરનું ક્રૂરતાથી ખૂન કરી નાખ્યું હતું! આટલી હદ સુધી જવું પડે એના કરતાં સંબંધોમાં એક બ્રેક લેવો જોઈએ. શક્ય છે કે બંને પાત્રોને એકબીજાની કિંમત સમજાઈ શકે. જાણીતા સાઇકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણીએ આવા એ કિસ્સા વિષે વાત કરતા કહ્યું કે ‘એક યુગલને ત્રીસ વર્ષનાં લગ્નજીવન પછી અહેસાસ થયો કે આપણે સાથે નહીં રહી શકીએ. તે બંનેને કાઉન્સેલિંગ માટે માનસિક રીતે નિર્ણય લેવામાં પણ ઘણો લાંબો સમય લાગ્યો. ઉચ્ચ શિક્ષિત, શ્રીમંત અને મેટ્રો સિટીમાં રહેતા એ યુગલની આજુબાજુનાં બધાં લોકો એવું જ માનતાં હતાં કે તે યુગલનું લગ્નજીવન આદર્શ છે અને તેઓ સ્વર્ગ જેવી જિંદગી માણી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે બંનેને ચોવીસ કલાકની રિલેશનશિપને કારણે એકબીજાનો બોજ લાગવા માંડ્યો હતો! અને તેઓ બંને બીજા લોકોની સાથે પોતાની જાતને પણ છેતરતાં હતાં. તે બંનેને સમજાઈ ગયું કે સંબંધ બોજરૂપ બની ગયો છે એ પછી પણ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાની તે બંનેની હિંમત ચાલતી નહોતી. તે બંને એક જ ઘરમાં રહેતાં હોવા છતાં બંનેના બેડરૂમ અલગ થઈ ગયા હતા. અને તેમનો સંબંધ એ કક્ષાએ પહોંચી ગયો હતો કે બંને એકબીજાના બેડરૂમમાં પગ પણ મૂકતા નહોતા. તે બંને બહાર તો એવો દેખાવ કરતા હતાં કે તેઓ એકબીજા વિના જીવી નથી શકતા, પણ વાસ્તવમાં તે બંનેને એકબીજા સાથે જીવવાનો ભાર લાગવા માંડ્યો હતો. એક તબક્કે તેમને સમજાયું કે હવે આપણે બંને એકબીજા સાથે નહીં રહી શકીએ. એ પછી કાઉન્સેલિંગ બાદ તે બંને થોડો સમય અલગ રહ્યાં અને તેમને બંનેને સમજાયું કે તે બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી અને તેમની વચ્ચે બધું જ સારું છે એવું બતાવવામાં તેઓ ગૂંગળાઈ જાય એ હદે વાસ્તવિકતા સ્વીકારવાથી દૂર ભાગી રહ્યાં હતાં. તેમણે રિલેશનશિપમાં એક પોઝ લીધો અને થોડા સમય પછી તે બંને ફરી સાથે રહેતા થયાં.’ જોકે, દરેક સંબંધોમાં આવું થવું સહજ નથી હોતું. જેમ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’માં ડિરેક્ટર સંદીપ પટેલે સિનેમેટિક લિબર્ટી લઈને દર્શાવ્યું છે કે થોડી ખેંચતાણને અંતે હીરો-હિરોઈન વચ્ચે પાછો જેવો સંબંધ હતો એવો સંબંધ બંધાઈ જાય છે, પણ વાસ્તવિક જીવનમાં એવું નથી હોતું. જોકે, આરતી અને સંદીપ પટેલે એક અનોખા કન્સેપ્ટને ટચ કરવાનું જોખમ ઉઠાવ્યું છે એ માટે તેમને દાદ આપવી પડે. ચોવીસ કલાકની રિલેશનશિપને કારણે ક્રાઈમ પણ થાય છે અને આત્મઘાતી પગલાં ભરવાના કિસ્સાઓ પણ બનતા રહે છે. ગુજરાતના એક શહેરના યુવાનને તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો એટલે તે ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો તો અન્ય એક કિસ્સામાં બોયફ્રેન્ડે થોડી મિનિટ સુધી તેની ગર્લફ્રેન્ડના વોટ્સએપ મેસેજનો રિપ્લાય ન કર્યો એટલે ગર્લફ્રેન્ડે પોતાના ડાબા હાથના કાંડા પર બ્લેડથી કાપા મારીને લોહી વહી રહ્યું હોય એવો વિડીયો બનાવીને તેના બોયફ્રેન્ડને મોકલાવ્યો અને કહ્યું કે ‘તને મારી જરૂર જ નથી એટલે હવે હું જીવન ટૂંકાવી લઉં છું!’ જોકે, સદનસીબે તે યુવતીને તરત સારવાર મળી ગઈ એટલે તે બચી ગઈ હતી, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી બનતું હોતું. ઘણી વખત યુવક કે યુવતીઓ ખરેખર જીવન ટૂંકાવી લેતા હોય છે. અન્ય એક કિસ્સામાં એક ગર્લફ્રેન્ડે કોઈ મુદ્દે તેના બોયફ્રેન્ડની અવગણના કરી એને કારણે બોયફ્રેન્ડ એટલો ડિસ્ટર્બ થઈ ગયો કે તે કાર લઈને એક્સપ્રેસ વે પર નીકળી પડ્યો અને તેણે બેફામ ડ્રાઈવિંગનો વિડીયો બનાવીને ગર્લફ્રેન્ડને મોકલ્યો. તેણે કાર ચલાવતાં-ચલાવતાં મોબાઈલથી સ્પીડોમીટર પર પણ કેમેરા ફેરવ્યો. કારની સ્પીડ જોઈને અને બોયફ્રેન્ડની ચીસો સાંભળીને તેની ગર્લફ્રેન્ડ હતપ્રભ બની ગઈ! ડોક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે ‘મનોવિજ્ઞાન પ્રમાણે આ અપ્રોચ અવોઈડન્સ કોન્ફ્લિક્ટ એટલે કે એક પ્રકારનો મનોસંઘર્ષ ગણાય, જેમાં કોઈ પાત્ર વિના ચાલે પણ નહીં અને તેની સાથે ફાવે પણ નહીં.’ સંબંધોમાં આવી સ્થિતિ સર્જાય ત્યારે થોડી સમજદારી દાખવીને લોકો બ્રેકઅપને બદલે બ્રેક લે તો શક્ય છે કે તેમનો સંબંધ ફરી પહેલાં જેવો થઈ જાય અથવા તો અગાઉ કરતાં પણ વધુ મેચ્યોર સાબિત થઈ શકે.{

અન્ય સમાચારો પણ છે...